Sunday, July 21, 2024

નેકી (સદાચાર)

નેકી (સદાચાર) નથી કે તમે તમારા ચહેરા પૂર્વ તરફ કરી લીધા કે પશ્ચિમ તરફ, બલ્કે નેકી છે કે મનુષ્ય અલ્લાહને અને આખિરત (પરલોક)ના દિવસને અને ફરિશ્તાઓને અને અલ્લાહે અવતરિત કરેલ ગ્રંથને અને તેના પયગંબરોને હૃદયપૂર્વક માને અને અલ્લાહના પ્રેમમાં પોતાનું પ્રિય ધન સગાઓ અને અનાથો પર, નિર્ધનો અને મુસાફરો પર, મદદ માટે હાથ લંબાવનારાઓ પર અને ગુલામોની મુક્તિ પર ખર્ચ કરે, નમાઝ કાયમ કરે અને ઝકાત આપે અને નેક (સદાચારી) લોકો છે કે જ્યારે વચન આપે તો તેને પૂરૃં કરે અને તંગી તથા મુસીબતમાં તથા સત્ય અને અસત્યની લડાઈમાં ધૈર્યથી કામ લે. છે સાચા લોકો, અને લોકો સંયમી (મુત્તકી) છે.”  (સૂરઃ બકરહ૧૭૭)

નેકી એટલે સદાચાર. આ સદાચાર માનવીય પ્રકૃતિમાં રહેલી છે. તેથી દરેક માનવી નેકીને પસંદ કરે છે. અહીં સુધી કે ખોટી વ્યક્તિ પણ નેકીને પસંદ કરે છે અને તેની સાથે લોકો નેક (સારૃ) વ્યવહાર કરે તેમ ઇચ્છે છે.

નેકી એવા ખ્યાલ, વિચાર, કર્મ કે વ્યવહારને કહી શકાય જેનો પ્રભાવ વ્યક્તિ કે સમુહના અંતઃકરણમાં પેદા થાય છે અને પછી તે વ્યક્તિગત કે સામુહિક જીવનમાં દેખાય છે. વ્યક્તિ નેક હોય તો તે સમાજ માટે આશિર્વાદરૃપ બની જાય છે અને દુરાચારી વ્યક્તિ સમાજ માટે કલંકરૃપ હોય છે. નેકીની કિરણો ઈમાનના પ્રકાશથી ફેલાય છે. એમ તો દરેક પ્રકારની ભલાઈ નેકી છે અને નેકીની અનુક્રમણિકા ખૂબજ લાંબી બની શકે છે. નેકી સૌ પ્રથમ ચારિત્ર્ય ઘડતરના રૃપમાં દૃશ્યમાન થાય છે. સારા સંસ્કારમાં દેખાય છે. જીવનની નયનરમ્ય કળામાં નજર આવે છે. નેકીની વ્યાખ્યા આપતા એક વાર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, “નેકી સારા ચારિત્ર્યને કહે છે અને ગુનાહ એ કામને કહેવાય જે તમારા દિલમાં ખટકો પેદા કરે કે આ સારૃ છે કે ખોટું! તમને આ પસંદ ન પડે કે તમારા કોઈ કૃત્યને લોકો જાણે. (મુસ્લિમ)

નેકી શું છે! જે સારુ કાર્ય અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. એ આપેલી તાલીમાત મુજબ અને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને મન સંતુષ્ટ હોય. અહીં દિશાઓ તરફ મોઢું કરવાને નેકીની વાસ્તવિકતા સમજાવવના આશય માટે ઉદાહરણ તરીકે રજુ કરવામાં આવ્યું છે કે ધર્મની અમુક બાહ્ય વિધિઓ અદા કરવા અને માત્ર નિયમોનું દેખાવ ખાતર પાલન કરવાનું નામ સદાચાર નથી.

ચારિત્ર્યવાન વ્યક્તિ પોતાના પ્રિય રિશ્તાદારો સાથે દયા અને કૃપા, વિનમ્રતા અને વિનય, પ્રેમ અને પ્રધાન્યતાનો મામલો કરે છે. તે અનાથોની મદદ કરનારો અને વિધવા તથા નિઃસહાય  લોકોની દેખભાળ કરે છે તે નિર્ધનની આંખનો તારો અને દરેક માનવનો પ્યારો બની જાય છે. તેની સાથે કોઈ સંબંધ ન હોવા છતાં લોકો તેને પોતાના અંગનો ભાગ સમજે છે અને નેક વ્યક્તિની વિશેષતા આ હોય છે કે તે પણ બીજાની તકલીફ અને સમસ્યાઓને પોતાની સમજે છે તેના નિવારણ માટે પ્રયત્નશીલ રહે છે. નિર્બળ અને જરૃરંતમંદ લોકો માટે દોડધુપ કરે છે. સંસ્કારી વ્યક્તિ ભાંગેલા દિલોને સાંધે છે અને તુટેલા સંબંધોને જોડે છે. નેક વ્યક્તિ ધૈર્યની મુર્તિ હોય છે તે દુઃખ વેઠીને પણ સુખ આપે છે. ઘા ખાઈને પણ સહાયરૃપ બને છે. તે ભુખ્યા રહીને પણ બીજાના પેટના ખાડાને પુરવાની ચિંતા કરે છે. તેનું જીવન અલ્લાહની વહેંચણી પર ખુશ હોય છે તેથી જ નેક વ્યક્તિ સંતોષના રતનથી માલામાલ હોય છે. આવી નેકી અને સદાચારનું ઇનામ પણ તેની શાન મુજબ હોવું જોઈએ. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, તમારામાં મને સૌથી વધારે પ્રિય અને કયામતના દિવસે સૌથી વધુ મારા નજીક બેસવાવાળી વ્યક્તિ તે હશે જેનું ચારિત્ર્ય તમારામાં સૌથી શ્રેષ્ઠ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments