Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપનેતૃત્વનો ઇસ્લામી દૃષ્ટિકોણ

નેતૃત્વનો ઇસ્લામી દૃષ્ટિકોણ

સંગઠનના નેતૃત્વ તેમજ તેની આગેવાની સંભાળવા માટે એવા માણસને ચૂંટી કાઢો કે જે ખુદાતરસી અને પરહેજગારીમાં સૌથી આગળ હોય. દીનમાં મોટાઈનું માપદંડ માલ-દોલત નથી તેમજ કુટુંબ પણ નથી બલ્કે દીનમાં એ જ માણસ શ્રેષ્ઠ છે જે સૌથી વધારે અલ્લહથી ડરનારો છે.
કુઆર્ન ફરમાવે છેઃ ‘હે મનુષ્યો ! અમે તમને એક પુરૃષ અને સ્ત્રીમાંથી ઉત્પન્ન કર્યાં, તમારા કુટુંબ-કબીલા બનાવ્યાં કે જેથી તમે અરસપરસ ઓળખાઈ શકો. નિઃશંક, અલ્લાહની નજીક તમારામાં સૌથી ઇજ્જતદાર અને માનનીય એ છે જે તમારા સૌમાં વધારે સંયમી અને પરહેજગાર છે.’ (અલહુજુરાત-૧૩)

આગેવાનની પસંદગીના કામને શુદ્ધ દીની ફરજ માનો અને તમારા મતને અલ્લાહની અમાનત જાણીને ફકત એ જ માણસની તરફેણમાં તેનો ઉપયોગ કરો કે જેને તમે ખરેખર આ ભારે બોજ ઉપાડવા માટે તેમજ તેનો હક્ક અદા કરવા માટે લાયક ગણતા હોવ. અલ્લાહતઆલા ફરમાવે છેઃ ‘બેશક, અલ્લાહ તમને હુકમ આપે છે કે તમે તમારી અમાનતો એ લોકોને જ સોંપો કે જે તેના માટે લાયક છે.’ (અન્નિસા-પ૮)

આ એક સૈદ્ધાંતિક અને સર્વગ્રાહી સૂચના છે કે જે બધા જ પ્રકારની અમાનતો આવરી લે છે અને અત્રેના સંદર્ભમાં અમાનતોનો મતલબ ઇસ્લામી સંગઠનના હોદ્દાઓ છે. એટલે કે ઇસ્લામી સંગઠનના નેતૃત્વ અને દોરવણી માટે તમારો મત અને પસંદગીની અમાનત એવા જ માણસને સુપરત કરો કે જે ખરેખર અમાનતના બોજાને ઉપાડવાની લાયકાત તેમજ ગુણો ધરાવતો હોય. આ બાબતમાં પક્ષપાત કે ખોટી છૂટછાટ અને એવા બીજા પરિબળોથી પ્રભાવિત થઈને મત આપવો અપ્રામાણિકતા છે અને મોમિન આ બાબતમાં કલંક મુકત હોવો જોઈએ.

જો તમે મુસલમાનોના સંગઠનની જવાબદારી સંભાળો તો તમારી ફરજો પ્રત્યે પૂરેપૂરા સભાન રહો અને પૂરી ઈમાનદારી, મહેનત, જવાબદારીના ભાન અને પૂરી શક્તિ લગાડીને તમારું કર્તવ્ય નિભાવો. નબી સ.અ.વ.એ ફરમાવ્યું છેઃ ‘જે માણસે મુસલમાનોના સામૂહિક કાર્યોનો હોદ્દો સ્વીકાર્યો હોય અને તે એમની સાથે અપ્રમાણિકતા આચરે તો અલ્લાહ તેની ઉપર જન્નત હરામ કરી દેશે.’ (બુખારી, મુસ્લિમ)

અને નબી સ.અ.વ.એ એમ પણ ફરમાવ્યું છેઃ ‘જે માણસે મુસલમાનોના સામૂહિક મામલાઓનો હોદ્દો સ્વીકાર્યો, પછી તેણે તેમની સાથે શુભેચ્છા ન દાખવી અને એમના કામો પૂરાં કરવામાં પોતાની જાતને એવી રીતે ન થકવી કે જેવી રીતે પોતાની વ્યક્તિગત જરૃરિયાત માટે પોતાની જાતને થકવે છે, તો અલ્લાહ એ માણસને મોઢાભેર જહન્નમમાં નાખી દેશે.’ (તિબરાની)

તમારા હાથ નીચે કામ કરતા લોકો પ્રત્યે નરમાશ, વહાલ, ન્યાય અને સહનશીલતાભર્યું વર્તન દાખવો કે જેથી તેઓ ખુલ્લા દિલથી તમારી સાથે સહયોગ કરે અને અલ્લાહ તમારા સંગઠનને તેના દીનની થોડી ઘણી સેવા કરવા માટે અનુકુળતાઓ કરી આપે. કુઆર્નમાં નબી સ.અ.વ.ની પ્રશંસામાં કહેવામાં આવ્યું છેઃ ‘આ અલ્લાહની કૃપા જ તો છે કે તમે એ લોકો માટે અત્યંત નરમદિલ છો, નહીં તો જો આપ કડક મિજાજના અને વાતેવાતેથી પકડનાર હોત તો આ બધા લોકો તમારી આસપાસથી વિખરાઈ જાત.’ (આલેઇમરાન-૧પ૯)

અને નબી સ.અ.વ.ને તાકીદ કરવામાં આવી છેઃ ‘અને તમે વ્હાલભર્યા હાથ ફેલાવી દો એ મોમિનો માટે કે જે તમારું અનુસરણ કરી રહ્યાં છે.’
હ.ઉમર બિન ખત્તાબ રદિ.એ એક વખત પ્રવચનમાં કહ્યુંઃ ‘હે લોકો, અમારો તમારી ઉપર એ હક્ક બને છે કે પીઠ પાછળ તમે નિખાલસભાવે અમારા શુભેચ્છક બનો અને નેક કામોમાં અમારી મદદ કરો.’ પછી કહ્યુંઃ ‘હે રાજ્યના હોદ્દેદારો ! આગેવાનની સહનશીલતા અને નરમી કરતાં વધારે ફાયદાકારક તેમજ અલ્લાહની નજીક વધુ ગમતી બીજી કોઈ સહનશીલતા નથી. આવી જ રીતે આગેવાનનું અણસમજુપણું અને લાગણીઓમાં વહી જવું તેમજ સમજયા-વિચાર્યા વિના કામ કરવા કરતાં વધારે નુકસાન પહોંચાડનારી કોઈ બીજી મુર્ખાઈ અને ખરાબ રીતભાત નથી.’

તમારા સાથીદારોના મહત્ત્વને સમજો અને તેમની લાગણીઓને માન આપો, એમની જરૃરિયાતોને ધ્યાનમાં લો અને એમની સાથે એવા ભાઈચારા સાથે વર્તન કરો કે તેઓ તમને તેમનો સૌથી મોટો શુભેચ્છક માને.

હ.માલિક બિન હુવૈરસ રદિ. કહે છે કે, એક વખત અમે સરખેસરખી વયના કેટલાક યુવકો નબી સ.અ.વ.ની પાસે રહેવા માટે પહોંચ્યાં અને અમે નબી સ.અ.વ. સાથે વીસ રાતો પસાર કરી.

ખરેખર અલ્લાહના રસૂલ બેહદ નરમદિલ અને દયાવાન હતાં. જ્યારે નબી સ.અ.વ.ને એમ લાગ્યું કે, હવે અમને અમારા ઘરના લોકોની યાદ સતાવી રહી છે ત્યારે અમને પૂછવા લાગ્યાં કે ‘તમે લોકો તમારી પાછળ ઘરે કોને કોને મૂકીને આવ્યાં છો ?’ અમે વિગતો જણાવી તો ફરમાવ્યુંઃ ‘સારૃં, હવે તમે લોકો તમારા ઘરે પાછા જાઓ અને એમની જ સાથે રહો અને જે કંઈ તમે શીખ્યું છે તે એમને શીખવાડો, અને એમને નેક વાતોની શીખ આપો, અને અમુક નમાઝ અમુક સમયે અદા કરો અને અમુક નમાઝ અમુક વખતે પઢો અને જ્યારે નમાઝનો સમય થઈ જાય ત્યારે તમારામાંથી કોઈ એક જણ અઝાન કહે દે અને જે તમારામાં ઇલ્મ અને ચારિત્ર્યની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ હોય તે નમાઝ પઢાવે.’

તમારા સાથીઓની કદર કરો અને એમને જ તમારી મુદ્દલ મૂડી સમજીને પરિશ્રમપૂર્વક તથા હમદર્દી સાથે એમને કેળવો. એમને ગરીબ અને નાદાર માનીને એ લોકોની તરફ લાલચભરી નજરે ન જુઓ કે જેમને અલ્લાહે દુનિયાનો વૈભવ અને ધનદોલત આપીને ઢીલી દોરી છોડવામાં આવી છેઃ ‘અને તમારી જાતને એ લોકોના સાથ અને સંગાથ ઉપર સંતુષ્ટ રાખો કે જે લોકો તેમના રબની પ્રસન્નતાના યાચક બનીને સવાર-સાંજ તેને પોકારતા રહે છે અને એમની અવગણના કરીને દુનિયાની શાન-શૌકત તરફ તમારી નજરો ન દોડાવો.’ (સૂરઃ કહફ-ર૮)

હકીકતમાં દીની સંગઠ્ઠનની અસલ મૂડી એ જ લોકો છે કે જે લોકો તન, મન અને ધનથી દીનની તબ્લીગના કામમાં લાગી ગયાં છે. સંગઠ્ઠનના વડાની ફરજ છે કે એમનું મહત્ત્વ સમજે અને પોતાનું સમગ્ર ધ્યાન એ જ લોકોને કેળવવા અને તૈયાર કરવા ઉપર કેન્દ્રીત કરે.
સંગઠ્ઠનના બધા જ મહત્ત્વના કામો સાથીદારોના સલાહ-સૂચન અને ચર્ચા કરીને નક્કી કરો અને અમલમાં મૂકો તેમજ સાથીઓના નિખાલસ અભિપ્રાયોનો લાભ ઉઠાવીને સંગઠ્ઠનના કામો સાથેનો એમના લગાવ અને લગનને વધારો. મોમિનોનો ગુણ અલ્લાહે એ પણ દર્શાવ્યો છે કે તેમના મામલાઓ પરસ્પર સલાહ-મસલત વડે નક્કી કરવામાં આવે છે. ‘અને એમના મામલાઓ પરસ્પર સલાહ-મસલત કરીને નક્કી કરવામાં આવે છે.’ (સૂરઃ અશ્શૂરા-૩૮)

અને નબી સ.અ.વ.ને ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ખાસ મામલાઓમાં આપના સાથીઓની સલાહ લો.
‘અને ખાસ મામલાઓમાં એમની સાથે મસલત કરો.’ (આલેઇમરાન-૧પ૯)

સંગઠ્ઠનના મામલાઓમાં હંમેશાં ઉદારતા અને બલિદાનની ભાવના દાખવો, પોતાને અને પોતાના ઘરના લોકોને કોઈપણ મામલામાં પ્રાથમિકતા ન આપો બલ્કે હંમેશાં બલિદાન અને ઉદારતા સાથે વર્તો કે જેથી સાથીઓ ખુશ થઈને દરેક બલિદાન આપવા માટે તત્પર રહે અને એમની અંદર સંગઠન પ્રત્યે નારાજગી અને બેનિસ્બતી પેદા ન થાય તેમજ સ્વાર્થ અને મતલબ કાઢી લેવાની લાગણીઓ ઉગવા ન પામે. હ. અબૂબક્ર રદિ.એ એક વખત હ.ઉમર રદિ.ને કહ્યુંઃ ‘હે ખત્તાબના દીકરા ! મેં મુસલમાનો ઉપર તમને એટલા માટે પસંદ કર્યાં છે કે તમે એમની સાથે પ્રેમભર્યું વર્તન દાખવો. તમે નબી સ.અ.વ.ની સોબત માણી છે, તમે જોયું છે કે નબી સ.અવ. કેવી રીતે આપણને પોતાની ઉપર અને આપણા ઘરના લોકોને એમના ઘરવાળાઓની ઉપર પ્રાથમિકતા આપતા હતાં. એટલે સુધી કે આપણને આપના તરફથી જે મળતું તેમાંથી થોડુંક બચી જાત ત્યારે તે આપણે નબી સ.અ.વ.ના ઘરના લોકોને ભેટ તરીકે મોકલતા હતાં.’ (કિતાબુલખિરાજ)

પક્ષપાત અને સગાવાદથી હંમેશાં બચતા રહો અને બિનજરૂરી શરમમાં રહેવાથી અને છૂટછાટભર્યું વલણ અપનાવવાથી બચો. હ.યઝીદ બિન સુફયાન રદિ. કહે છે કે જ્યારે હ.અબૂબક્ર રદિ.એ મને સેનાપતિ બનાવીને સીરિયાની તરફ કૂચ કરવા મોકલ્યો ત્યારે આ પ્રમાણે શીખમણ આપીઃ
‘હે યઝીદ ! તમારા કેટલાક સગા-સંબંધીઓ છે. શકય છે કે તમે એમને અમુક હોદ્દાઓ સોંપવામાં અગ્રતા આપવા લાગો. તમારા માટે મારી નજીક સૌથી વધુ ડર અને ભયની વાત આ જ છે.’

નબી સ.અ.વ.એ ફરમાવ્યું કે, ‘જે માણસ મુસલમાનોની સાર્વજનિક બાબતોનો હોદ્દો ધરાવતો હોય અને તે મુસલમાનો ઉપર કોઈને માત્ર સગા હોવાના કારણે અથવા માત્ર મિત્રતાના કારણે હોદ્દેદાર બનાવે તો અલ્લાહ તેની તરફથી કોઈ ફિદયો (બદલા પેટે રકમ) કબૂલ કરશે નહીં, એટલે સુધી કે જહન્નમમાં નાખી દેશે.’ (કિતાબુલખિરાજ)

સંગઠ્ઠનની શિસ્તને વધુ ને વધુ મજબૂત રાખવાનો પ્રયાસ કરો અને કયારેય આ બાબતમાં અયોગ્ય નરમી અને ઢીલું વલણ ન અપનાવો.
અલ્લાહતઆલા ફરમાવે છેઃ ‘તો જ્યારે તેઓ એમના કોઈ ખાસ કામ માટે આપની પાસે પરવાનગી માગે તો આપ જેને ચાહો પરવાનગી આપી દો અને એ લોકો માટે અલ્લાહ સમક્ષ ક્ષમાયાચના કરો.’ (અન્નૂર-૬ર)

એટલે કે જ્યારે સંગઠનના સાથીઓ સંગઠનના કોઈ કામ માટે ભેગાં થાય અને પછી અમુક લોકો એમના અંગત કામ અને મજબૂરીઓના કારણે પરવાનગી માગવા માંડે તો સંગઠનના વડાની ફરજ બને છે છે કે તે સંગઠનની શિસ્તના મહત્ત્વને ધ્યાનમાં લઈને માત્ર એ જ લોકોને પરવાનગી આપે કે જેમની જરૃરિયાત હકીકતમાં સંગઠનના આ દીની કામની તુલનામાં વધારે પ્રાથમિકતા આપવા લાયક હોય અથવા જેમની મજબૂરી હકીકતમાં શરઈ મજબૂરી હોય અને તેને સ્વીકારવી જરૂરી હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments