Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપનોટબંધી : બેમિસાલ આપત્તિ

નોટબંધી : બેમિસાલ આપત્તિ

સરકારે નોટબંધી જાહેર કરી અને ભારતીય જનજીવનમાં એક ઉલ્કાપાત થયો. આ ઘટનાને અનેક નિષ્ણાંતો,મીડીયાકર્મીઓ, જનજીનવના અગ્રણીઓ તેમજ સામાન્ય જનસમુદાય ભિન્નભિન્ન રીતે જોઇતપાસી છે. ૭૦ ઉપરાંત વ્યક્તિઓ આત્મહત્યા કરી નાના ધંધા રોજગાર લગભગ પડી ભાંગ્યા, ખેતી અને ખેડુતોની હાલાકી વધી ગઇ. વિદ્યાર્થીઓની ફી ભરવાથી માંડીને દવાખાનાના બિલ ચૂકવવા સુધીની અને લગ્નથી માંડીને મરણની ક્રિયા સુધી દરેક કામ માટે લોકો ટળવળતા રહ્યા. ખાતાંઓમાં પૈસા હોવા છતાં તે ઘણાને કામ ન આવ્યા.

બીજી તરફ ‘કાળું’નાણું ધરાવનારાઓ પૈકી કોઇકોઇએ તે નદી નાળાઓમાં વહાવ્યા કે બાળી મુક્યાના એહવાલો પણ આવ્યા. કાશ્મીરમાં ચાલતો તણાવ આ નોટો બંધ થવાની સાથે જ ઘટી ગયો. સરકારના અન્ય પગલાં કે૧૫૦ દિવસના કરફ્યુને લીધે નહીં – એવું પણ કહેવાયું.

વિશ્લેષકોએ અભ્યાસપૂર્ણ રજૂઆત કરીને જણાવ્યું કે ભારતીય ચલણમાં રૃા.૫૦૦ અને રૃા.૧૦૦૦ નોટોનું ચલણ લગભગ રૃપિયા ૧૭ લાખ કરોડનું છે. જે પૈકી મોટી નોટોનું પ્રમાણ ૮૬ ટકાથી પણ વધુ છે. વળી દેશમાં નેવું ટકા સોદાઓ રોકડ દ્વારા થાય છે. આથી ૧૦મી નવેમ્બરથી જ બેંકો તથા એટીએમમાં મોટી કતારો જામી પડી. કદાચ જગતના ઇતિહાસમાં ભારત એક માત્ર દેશ બન્યો કે જ્યાં વગર વેતને સૌને સૌ ટકા કામ મળ્યું. લાઇનોમાં ઉભા રહેવાનું!!

૯મી નવેમ્બરથી આજ સુધી આવી અનેક વાતો ચર્ચાઇ ગઇ છે અને કદાચ હજુ લાંબા સમય સુધી ચર્ચાતી રહેશે. આ લેખનો ઇરાદો આ ચર્ચાઓની પુનરૃંક્તિ કરવાનો નથી. આ પગલાને એક લાંબી શ્રૃંખલાની કડીના રૃપે જોવું ઠીક રહેશે.

આ શ્રૃંખલાનું પ્રારંભબિંદુ કદાચ ૨૦૧૦માં છે. ૨૦૦૪માં ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન હાર્યું. મનમોહનસિંહના નેતૃત્તવવાળી સરકાર રચાઇ, જે ૨૦૦૯માં પણ વિજેતા નીવડી. આ સમયથી જ ભાજપ અને સમાન ‘ધર્ર્મી’ પક્ષોએ કોંગ્રેસના નેતાઓના ચરિત્રહનન સહિતના પ્રયાસો હાથ ધર્યા હતા. હજુ ગુજરાતમાં ‘વિકાસ’ના મ્હોરા હેઠળ મતો એકઠા કરાતા હતા ત્યારે- રાજકારણના અઢંગ ખેલાડી આડવાણીને સત્તાપ્રાપ્તીની નવી નિસરણી ઘડવાનું સુત્ર હાથ લાગી ગયું હતું. તેમને સમજાઇ ચુક્યું હતું કે ‘વિકાસ’ જે થયો જ નથી અથવા થઇ શકે તેમ નથી તેના આધારે લાંબુ તરાશે નહીં. રામજન્મભૂમિના મુદ્દાને પણ બમર્યાદ ઉછાળી શકાય તેમ ન હતો. વડાપ્રધાન બનવાની અદમ્ય લાલસા અને કુશાગ્ર બાજીમાંથી તેમને સાંપડેલો મુદ્દો હતો ભ્રષ્ટાચારનો. વિદેશોમાં મવલખ કાળું ધન સંતાએલું છે અવો તેમણે પોકાર કર્યો અને બાબા રામદેવે તેને તરત ઝીલ્યો. ૨૦૧૧માં બાબા રામદેવે દ્વારકાથી ‘ભારત સ્વાભિમાન યાત્રા’નો પ્રારંભ કર્યો. અલબત્ત, શરૃના તબક્કામાં તેમાં રોગમુક્ત ભારત ઉપર ભાર હતો. પતંજલિની પેદાશો વેચવાનો પણ તેમાં અભિગમ હતો. આ પ્રથમ યાત્રાનો અંત ઉજ્જૈનમાં મહાકાળેશ્વરના મંદિરના દર્શનથી આપ્યો.

રામદેવની બીજી યાત્રાનો પ્રારંભ ઝાંસીથી થયો. દિલ્લીના રામલીલા મેદાનમાં આ વિશાળ જનમેદની કેવી રીતે આવી હશે? મેદની એકઠી કરવામાં વિશેષ ફાવટ ધરાવનાર ભાજપ-આરએસએસ વગેરેની ભુમિકા ક્યારેક સ્પષ્ટ થશે ત્યારે જણાશે કે આ બધું અચાનક, સ્વયંભૂ કે અનાયોજીત ન હતું.

તે સમયની મનમોહનસિંહની સરકાર એક ‘સિટિંગ ડક’ થી વિશેષ ન હતી. તે સમયના સર સેનાપતિ અને ગૃહ સચિવ બંને ભાજપ પ્રેરિત નવી સરકારમાં મત્રી સ્થાન શોભાવે છે. તે યાદ રાખીએ. ગુજરાતમાં જે કેગના એહવાલોની ઉપેક્ષા કરાય છે તે જ કેગના ભારત સરકાર સામેના અહેવાલમાં ટૂજી જેવા ‘ગોટાળા’ની વાત ચગાવવામાં આવી. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર એટલે ગરીબોને લૂંટનારા અને અમે શુદ્ધ જેવી વાતોને ભ્રષ્ટ નાણાં વડે ખરીદાઇ ગયેલા માધ્યમો દ્વારા વારંવાર અને ભારપૂર્વક કહેવાઇ. આ વાતોમાં ક્યાંતો અતિશ્યોક્તિ હતી અથવા તે સાવ નિરાધાર પણ હતી. દાખલા તરીકે એમ કહેવાયું કે સ્વીસ બેંકમાં ભારતના ૧.૬ ટ્રિલિયન ડોલર્સ પડયા છે પણ ત્યાંની સરકાર કહે છે આ રકમ માત્ર બે બિલિયન ડોલર્સ જ છે. એક એવી પણ વાત ચલાવાઇ કે હસન અલી ખાન નામના માણસ પાસે ૬૦ બિલિયન રૃપિયા હતા, જે અદનાન ખાસ્સોગીના શસ્ત્ર સોદામાં વપરાતા હતા. આ નાણાં યુબીએસ નામની બેંકમાં હતા એમ પણ કહેવાયું. બેંકે પોતે આ સમગ્ર વાતને પાયાવિહોણી ગણાવી છે.૨૦૦૭થી પ્રારંભાયેલો આ કેસ હજુ ‘જૈસે થે’ છે. આમ રામ જન્મભૂમિ અને વિકાસના મુદ્દા બિનઉપજાઊ બની જતા, ઇરાદાપૂર્વક કોંગ્રેસને ભ્રષ્ટાચારી ગણાવી દઇને ચુંટણીઓ જીતવાનો વ્યુહ રચાયો છે. આ કહેવાનો મતલબ એ નથી જ કે કોંગ્રેસ શુદ્ધ છે, ખરેખર તો રાજકારણમાં જનારા કોઇ ‘સાધુ-સંત’ પછી હિરણ્મય પાત્ર વડે ઢંકાયા વગર રહેતા નથી.

નોટબંદીનું પગલું ભ્રષ્ટાચારના મુદ્દાનો રાજકિય લાભ ઉઠાવવા વાસ્તે હતું તે સમજવામાં ઉપયોગી થઇ પડે તેવા અન્ય પણ કેટલાક મુદ્દા  તપાસીએઃ મનમોહન સિંહની સરકાર બહુ ભ્રષ્ટ હતી એમ કહેવાય છે! પણ વાસ્તવમાં શું છે? ભારતની જીડીપીના ૨૩ થી ૨૬ ટકા આવી બ્લેક શેડો કે પેરેલલ ઇકોનોમીના છે. સમગ્ર એશિયાની સરાસરી ૨૮ થી ૩૦ ટકાની છે. અફ્રિકા અને દ.અમરિકામાં આ પ્રમાણ ૪૧ થી ૪૪ ટકા છે. દુનિયાના વિકાસશીલ એવા એફ-૬ દેશોની શેડો ઇકોનોમીની સરાસરી ૩૮.૭ ટકા છે. ભારત આ સરાસરીથી ઘણું નીચું છે. ત્યારે સરકારે અચાનક જ ૨૨ બિલિયન નોટોના કાગળીયા કરી નાંખવાની જરૂરત જ નહોતી.વડી કુલ ૧૮ લાખ કરોડ રૃપિયાની ચલણી નોટોમાંથી રૃા.૧૫.૪૪ લાખ કરોડની આવી નોટોને અચાનક ચલણમાંથી હડસેલી મૂકવાથી ભારે મોટા પ્રત્યાઘાત ઉભા થયા છે.

યુપીએ-૨ના કાળમાં ભ્રષ્ટાચાર સામેની બુમરાણ મચાવવામાં આવી. અત્યારે પાર્લામેન્ટ ચાલવા દેવાની અપીલ કરનારી હાલની સરકારના પક્ષોએ તે સમય આવી કોઇ જરૃર જોઇ ન હતી. છતાં સરકારે પ્રત્યક્ષ વેરાના બોર્ડના ચેરમેનશ્રી એમ.સી. જોશીની અધ્યક્ષતામાં એક સમિતિ રચી. આ સમિતિના કેટલાક તારણો આ પ્રમાણે હતા.

(૧) ભારત બે મોટા રાજકીય પક્ષો (કોગ્રેસ અને ભાજપ) પોેતાના પક્ષની આવક અનુક્રમે પાંચ અને બે અબજ રૃપિયા દર્શાવે છે પણ તેમનો ચુંટણી ખર્ચ અનુક્રમે સો અને દોઢસો અબજ ૨૦૧૪ની ચુંટણીમાં ખર્ચયા હોવાનો સંભવ છે.

(૨) આર્થિક બાબતોના ગુનેગારોની સજામાં વધારો કરો તેમને સખત શ્રમની સજા કરો.

(૩) સમગ્ર દેશમાં આવા ગુનાઓની કાયદેસરતા તપાસવા વાસ્તે એક અલગ ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ રચો અને કરવેરા માટેની ટ્રિબ્યુનલો બનાવો.

(૪) કાળા નાણા માટે એક માફી યોજના લાવો.

વધુ વિગતોમાં ઊતર્યા વગર સ્પષ્ટપણે દેખાતી કેટલીક બાબતો નોંધીએઃ

તા. ૨૯ નવેમ્બરના એક એહવાલ મુજબ સરકાર જે કરચોરોને ખરેખર પકડે છે તેની પાસેથી વસૂલાત પેટે દંડ છ ટકા રકમ વસૂલ કરે છે. ૨.દેશના ન્યાયતંત્રની હાલત જ ચિંતાજનક છે. મુખ્ય ન્યાયમૂર્તિના કહેવા મુજબ ૪૫૦૦ કોર્ટોમાં ન્યાયધીશો જ નથી- ત્યાં જ્યુડિશિયલ ટ્રિબ્યુનલની તો વાત ક્યાંથી કરાય? વળી,૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પૂરી થયેલી યોજનામાં સરકારને માંડ રૃા.૬૫,૨૫૦ કરોડ જ મળ્યા છે. તેની સામે સરકારનો લક્ષ્યાંક રૃા. બે લાખ કરોડનો હતો. તે યાદ રાખીએ! આ રકમમાંથી ટેક્સ રૃપે રૃા. ૨૯,૩૬૨.૫ કરોડ જ મળ્યા છે.

નોટબંધી, કાળું નાણું અને રાજકારણના આ ગહન કાવાદાવામાં એક નાનકડો પણ અગત્યનો ખૂણો નોટોની સંખ્યાનો છે. ૨૦૧૪ અને ૨૦૧૬ ના બે વર્ષના ટંુકા ગાળામાં રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦ની નોટોની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો કરાયો છે.

આ સરકારના શાસનકાળમાં માત્ર બે જ વર્ષે આ નોટોના ફેલાવામાં ૩૮ ટકા જેવો મોટો વધારો કેમ થયો? સાદું કારણ એ છે કે સરકાર મોંઘવારીની સમસ્યા હલ કરી શકી નથી. આથી મોટી નોટોની જરૃર વધી છે. બેકારી અને ગરીબના નિવારણના મોરચે પણ ખાસ સફળતા સાંપડી નથી. યાદ રાખીએ, સત્તા ઉપર ન હતા, ત્યારે આ જ મહાનુભાવોએ મનરેગાનો વિરોધ કર્યો હતો.

મુદ્દાને એક અન્ય ખૂણેથી પણ તપાસીએઃ

ભારતની જીડીપી (ચાલુ ભાવે) રૃા. ૧૫,૧૭,૮૧,૦૦૦ કરોડ છે જે પૈકી લગભગ રૃા. ૩૫,૦૦,૦૦૦ કરોડ (૨૨ ટકા) કાળું અર્થતંત્ર છે. આ અર્થતંત્ર લગભગ રૃા. ૧૮ લાખ કરોડની નોટો વડે ચાલે છે જે પૈકી લગભગ સાડા ત્રણ લાખ કરોડ નોટોના સ્વરૃપે રહેલું કાળુ નાણું હોવાનો અંદાજ છે. તા.૨૮-૧૧-૨૦૧૬ સુધી કુલ લગભગ રૃા. સાડા આઠ લાખ કરોડ બેંકોમાં જમા થઇ ચુક્યા છે. હવે જોવાનું એ થાય છે કે આ પૈકી કેટલું પાછું આવે છે. અહીં એ પણ યાદ રાખીએ કે આપણા ઘણા એનઆરઆઇ પાસે પણ ભારતીય ચલણ સંઘરાયેેલું પડયું છે.

વ્યાજબી રીતે પુછાય તેવો સવાલ એ પણ છે કે શું સરકારને કાળુંનાણું ક્યાં અને કોની પાસે છે તેની ખબર જ નથી? સરકારની રાજ ચલાવવાની ક્ષમતા સામે જ આ શંકા ઊભી કરે છે. આ પ્રકારની ચલણમાં કે સંપત્તિ સ્વરૃપની અસ્કામતો વિદેશમાં, સોનું,ઝવેરાત અને રિયલ એસ્ટેટમાં, હાથ ઉપરના વિદેશી ચલણમાં અને ચલણના સ્વરૃપે હોય છે. ખરેખર તો ચલણના સ્વરૃપે તો ઘણો નાનો હિસ્સો હોય છે.

આ સમગ્ર ક્વાયત અને દાવપેચ બાબતે ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા એક ટીકા એ થઇ છે કે સરકારે અત્યંત ગુપ્ત રીતે આ આખી રમતમાંથી પોતાના મળતીયા-સંપીલાને બચાવી લીધા છે. આ અંગે અરવિદં કેજરીવાલ ભાજપના એક નેતાએ રૃા. ૨૦૦૦/- ની નવી નોટોના બંડલ સાથેના સોશ્યલ મીડીયા ઉપર મુકાયેલા ફોટાનો ઉલ્લેખ કર્યો છે. આ ફોટા તા. ૮મી નવેમ્બર પહેલાના છે.

બાબતે અન્ય બે બાબતોનો પણ ઉલ્લેખ કરવો રહ્યોઃ

(૧) નવી સરકાર રચાઇ તે પહેલા ભારતમાંથી એક નાગરિક વિદેશમાં પંચોત્તેર હજાર ડોલર મોકલી શક્તો. સરકાર રચાયાના એક જ મહિનામાં આ રકમ વધારીને સવા લાખ ડોલર કરાઇ અને હવે તે અઢી લાખ ડોલર છે. એક દાખલો જોઇએઃ અમિતાભ બચ્ચન પોતાના કુટુંબના દરેક સભ્યની આવક પર સચ્ચાઇથી વેરા તો ભરી દે પણ પછી જો તે રકમ દેશમાં જ રાખે તો તેની સંપત્તિ વધતી જ  અને તેની ઉપર પણ વેરા લાગી શકે. આથી દર વર્ષે અઢી લાખ ડોલરના હિસાબે પોતાના કુલ પાંચ માણસના મળીને સાડા બાર લાખ ડોલર્સને જો તે પનામા ખાતે મોકલી દે તો ક્યાંય વેરો લાગે નહીં. યાદ કરીએ ઃ દેશની ટોચની ગણાય તેવી ૨૦૦૦ હસ્તીઓના નામ પનામા પેપર્સમાં ખૂલ્યા છે.

(૨) આરએસએસ જેવી સંસ્થાઓના બેંક ખાતા હોવા બાબતે શંકા છે. બીજી તરફ દર વર્ષે દશેરા જેવા દિવસે લાખો સ્વયંસેવકો શાખામાં પૈસા આપે છે. આ પૈસા ક્યાં જતા હશે? તે કેવી રીતે સચવાતા હશે? તેનો વહીવટ કેવી રીતે થતો હશે? પેલી રેમિટન્સની મર્યાદાને પંચોતેર હજાર ડોલરને અઢી લાખ ડોલર કરવાના પગલાને આની સાથે કોઇ સંબંધ હશે?

જેમની પાસે રોકડ સ્વરૃપે કાળુંનાણું છે તેમના પાસે તેને સફેદ કરવાના પણ અનેક રસ્તા છે, જે થોડાંકની જાણકારી સાંપડે છે તે આ પ્રમાણે છેઃ

* ઘણા મંદિરો વીસ ટકા કાપીને કાળાનાં ધાળા કરી આપે છે.

*  કેટલીક સહકારી બેંકોએ પાછલી તારીખમાં થાપણો કરી આપી છે.

* ઘણા શૂન્ય બેલેન્સ ધરાવતા જનધન ખાતાઓમાં પૈસા જમા કરાયા છે.

* કેટલાકે ગરીબોને તાત્કાલીક ‘ધિરાણ’આપવા માંડવું છે.

* પેટ્રોલ પંપો ઉપર સો-સોની નોટોથી પેટ્રોલ કે ડિઝલ ભરાવનારાના નાણાં રૃા. ૫૦૦-૧૦૦૦ની સામે કમિશન લઇને બદલાવવામાં આવ્યા છે.

* કેટલાકે સ્ટાફને આગોતરા પગાર ચુકવ્યા છે.

*  રેલ્વે રિજર્વેશન કરાવી પછી તે કેન્સલ કરીને પણ નાણાં બદલી લેવાયાં છે.

*  ક્યાંક- જેમકે કોલકાતામાં ‘જમાખર્ચી’ નામથી કેટલાક ચાર્ટર્ર્ડ એકાઉન્ટન્ટ્સ ની પેઢીઓએ કાળાના ધોળા કરી આપ્યા છે.

*  ખેતીની આવક કરપાત ન હોવાથી તેનો પણ ખાસો લાભ લેવાયો છે.

તો પછી સવાલ એ ઊઠે છે કે નોટબંધીના આ પગલાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો કે ઘટયો? વળી સરકાર ક્યારેય કાળાનાણાં કે ભ્રષ્ટાચારે સંપુર્ણપણે દૂર થશે એમ કહેતી નથી. એ તો કહે છે – તેમાં ઘટાડો થશે. સવાલ એ છે કે આ ઘટાડાનું પ્રમાણ કેટલું હશે? એક ટકા,પાંચ ટકા, દસ ટકા?

આ આખા સંદર્ભમાં વિચારવાના બે મુદ્દા તરફ હવે ધ્યાન આપીએઃ

* સરકારને કાળા બજારીયા કે ભ્રષ્ટાચારી કોણ છે તેની ખબર જ હોતી નથી? હમણાં છ મહીના પહેલા જ દેશભરમાં તુવેરદાળ બસો રૃપિયા કિલો સુધી પહોંચી ત્યારે તે કોના કારણે બન્યું તે સરકાર જાણતી નથી? જાણવું જોઇએ? બધા જ જાણે છે કે આ બધી રચનામાં સરકાર તેના રાજકીય પક્ષો,બાબુઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ હોય છે. બીજી તરફ આ બધાના ભ્રષ્ટ વ્યવહારોને રોકવા માટે તંત્રગત પણ વ્યવસ્થા અને ઉપાયો છે જ તેનો ઉપયોગ કેમ ન કરાયો?

* દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ચર્ચા વર્ષોથી ચાલે છે. તેના વ્યવસ્થિત ઉપાય તરીકે લોકપાલ અને લોકાયુક્ત તંત્રની હિમાયત થઇ જ છે. કર્ણાટકમાં તો જસ્ટિસ હેગડેએ દાખલો બેસેતેવી કામગીરી કરી બતાવી છે. સામે પક્ષે ભાજપના મધ્યપ્રદેશમાં ‘વ્યાપમ’ ગોટાળા બાબતે સરકારની નરી નિષ્ક્રિયતા પ્રવર્તે છે. સંસદમાં પ્રશ્નો પૂછવામાં લાંચ લેનારમાં ભાજપના સાંસદો પણ હતા અને ભાજપના એક પૂર્વ પ્રમુખ પણ ભ્રષ્ટાચારી હોવા બદલ મુશ્કેલીમાં મુકાયેલા. આ સંજોગોમાં ભાજપ એક પક્ષ તરીકે શુદ્ધ હોવાનો દાવો કરે તો તે ટકી શકે તેમ નથી અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે બંધારણીય એવી લોકાયુક્ત- લોકપાલની કે પછી ન્યાયતંત્રમાં પૂરતી નિમણુંક જેવા માર્ગો પણ તે લેવા માંગતું નથી, આવું કેમ?

આ તબક્કે આ પગલાની અસરકારક્તા વિશે પણ વિચાર કરવો જોઇએ. એક ગણત્રી અનુસાર રૃા. ૫૦૦-૧૦૦૦ની ચલણમાં રહેલી નોટોનું કુલ મૂલ્ય રૃા. ૧૫.૪૪ લાખ કરોડ છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર તા. ૨૫-૧૧-૨૦૧૬ સુધીમાં રૃા.૮.૪૫ લાખ કરોડ પાછા આવી ગયા છે.આ ઉપરાંત અન્ય બેંકોના ક્રેડિટ રિઝર્વ રેશિયો (CRR)ના સ્વરૃપે રિઝર્વ બેંક પાસે રૃા. ૪.૦૬ લાખ કરોડ પડયા છે. આ રકમ મુખ્યત્વે રૃા. ૫૦૦-૧૦૦૦ની કીંમતની છે. આ ઉપરાંત બેંકો પોતે પણ પોતાના રોજીંદા વ્યવહાર અર્થે હાથ ઉપર રોકડ રાખતી હોય છે. આ પૈકી મોટી નોટોમાં રખાતી નોટોનું મૂલ્ય અંદાજે રૃા. ૫૦,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે. આમ (૮.૪૫ + ૪.૦૬+ ૦.૫૦) તમામ રકમો ગણાતા કુલ રૃા. ૧૩ લાખ કરોડ થાય છે. અગાઉ નોંધ્યું તેમ રૃા. ૧૫.૪૪ લાખ કરોડથી આ ચલણી નોટોમાંથી જેનો હિસાબ મળી ગયો છે તેવી રૃા. ૧૩ લાખ કરોડની રકમ બાદ કરતાં એ બજારમાં કુલ રૃા. અઢી લાખ કરોડ બાકી રહે છે. આ રકમ પણ ડિસેમ્બરના છૂટના મહિના દરિમયાન પાછી ફરે તો? દેશમાં કાળું નાણું અને તેથી ભ્રષ્ટાચાર છે જ નહીં તેવું સરકાર જાહેર કરશે? અને  પેલા નેવું અપમૃત્યુનું શું? સરકાર તેમને માટે શું કરશે તે તો સરકારમાં બેઠેલાની સંવેદનશીલતા ઉપર પણ આધાર રાખે છે. લોક સમુદાયે પણ આ પ્રશ્ન કરવાનો વારોે આવશે.

આ સમગ્ર ચર્ચાના હજુ ઘણાં મુદ્દા અને પાસાં ચર્ચી શકાય છે, પણ સમાપન કરતાં પહેલાં તેની અર્થતંત્રમાં તથા વિવિધ વર્ગો ઉપર પડેલી અસરોની ટૂંકી ચર્ચા કરીએઃ

આ પગલું સમગ્ર અર્થતંત્રને ખસેડી નાંખનારું છે. મુંબઇના ઝવેરી બજારનો રોજનો વકરો રૃા. ૧૨૫ કરોડનો થયો,લગ્નસરા હોઇ તેમાં વધારો થવાનો જ હતો પણ આ ૫૦૦-૧૦૦૦ની મોકાણમાં તે ઘટીને દૈનિક માત્ર રૃાય ૧૩ કરોડનો થઇ ગયો પણ ઝવેરીની વાત છોડીએ. સામાન્ય ખેડૂત કપાસ-મગફળી,ડાંગર વગેરે લઇને બજારમાં આવવામાં જ હતા. સરખા ભાવ અને તેની કશમકશ ચાલતી હતી. ત્યાં જ આ મરતોલ અને બેરહમી ફટકો પડયો. રવિ પાકના ઘઉં જેવા પાકના વાવેતર માટે જરૂરી ખાતર, બિયારણ, મજૂરી વગેરેની વ્યવસ્થા જ ખોરવાઇ ગઇ. આ વર્ષે ગુજરાતમાં માત્ર ૩૯ ટકા જમીનો ઉપર જ રવિપાકનું વાવેતર શક્ય બન્યું.

ગરીબોની હાલત કંગાલીયત તરફ વળી,ઝારખંડમાં એક માણસ દિવસના માત્ર ૩૫ રૃા.માં સાત માણસનું કુટંુબ નિભાવે છે તે સમાચાર સુચવે છે કે તેમને સૌને બીપીએલથી પણ નીચે ધકેલી દેવાયા છે.

ઝુંપડપટ્ટીમાં રહીને નાના મોટા કૌશલ્યો વડે ચામડાં, ભરતકામ, સિલાઇ,ફરનીચર વગેરે જેવા જાત મહેનતના વ્યવસાયો કરનારાને કાચોમાલ મળતો નથી અને તૈયાર માલ વેચાતો નથી. મજૂરી ચુકવવાના પણ પૈસા નથી. “સ્કીલ ઇન્ડિયા”ની ગુલબાંગો હાંકનારાઆએે દેશની પ્રવર્તમાન સ્કીલ ઉપર નભનારાનું પણ નખ્ખોદ કાઢી નાખ્યું છે. આ તમામની હવે કેશકેડિંગ ઇફેક્ટ શરૃ થઇ છે. દેશનું અર્થતંત્ર પત્તાના મહેલની માફક તૂટી રહ્યું છે. ૨૦૧૪ની ચુંટણીઓમાં તાનમાં આવીને લલકારીને બોલ્યા હતા ‘મનમોહન સિંહ ડોક્ટર છે, પણ ડોલરની સામે રૃપિયો પથારીએે પડયો છે. તે સમયે લગભગ રૃા. ૬૭ નો ભાવ હતો આજે રૃા. ૭૨ નો ભાવ છે.’ શું કહીશું? રૃપિયો હીરણ પથારીએ છે એન દાક્તરીની જગ્યાએ ઊંટવૈદુંુ ચાલી રહ્યું છે!

અર્થતંત્રને લગભગ આવા અનેક મુદ્દા છે પણ હવે થોડીક ચર્ચા રાજકીય પરીપેક્ષ્યની પણ કરીએ. પંજાબ,ઉ.પ્ર.,ગુજરાત અને ગોવામાં ચૂંટણીઓ આવી રહી છે. ભારતની ચુંટણીઓ હવે ઇન્દુચાચાની રીતે – નોટ આપો અને વોટ આપોની રીતે લડાતી નથી. આથી’સામેના’ પાસે પૈસાનું બળ ન રહે અને પોતે પૈસા વડે મેદાન મારી જાય તેવી ચાલબાજી ચાલે છે પણ સામેના પણ ગાંજ્યા જાય તેવા હોતા નથી. જે પ્રમાણમાં ૫૦૦-૧૦૦૦ની નોટો પાછી ફરી છે તે જોતા તેની પ્રતિતી થાય જ છે.

કોણ જાણે કેમ પણ હવે દરેક મુદ્દે રાષ્ટ્રવાદની દુહાઇ દેવાય છે. આથી એમ પણ કહેવાયું કે આતંકવાદીઓ પાસે બનાવટી નોટો છે અને તેનો પણ આ હિંમતભર્યા પગલા સાથે ખાતમો થઇ જશે. દેશમાં ફરતું બનાવટી ચલણ કુલ ચલણના માત્ર ૦.૦૨૩ ટકા છે આ અંગે અગાઉ તપાસ થઇ ત્યારે માલુમ પડયું હતું કે તે માત્ર પાકિસ્તાનથી જ નથી પ્રવેશતું શ્રીલંકા,બાંગલાદેશ તથા અન્ય પાડોશી દેશો પણ તેના ઉગમસ્થાનો છે. અહીં રાષ્ટ્રવાદ, આતંકવાદ કે કાળાનાણાંના સફાયાના મુદ્દાને સાંકળીને જોગવાઇ જ થઇ શકે તેમ નથી. તો પછી આ પગલાં વિશે શું કહેવું? ચૂંટણી અને સત્તાકારણના મુદ્દાને બાજુએ રાખીએ તો પણ તેની પેશી પોતે જ લોકશાહીને ચાહનારા સૌ કોઇ માટે આઘાતજનક છે. પૂરતી અને સંતોષકારક તથા ખાત્રીપૂર્વક ચકાસાયેલી પૂર્વ તૈયારી વગર સમગ્ર દેશને તળેઉપર કરી દેવાયો. સર્જિકલ-સ્ટ્રાઇકની વાહવાહી ઓછી પડી તે ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ આવું કદમ ભરાયું હોય તેવો જાણે કે લ્હાવો લેવાનો હોય તેવો ઉત્સાહ શરૃ શરૃમાં વ્યક્ત થયો.

કમનસીબી એ છે કે લોકોની આવી અભૂતપૂર્વ બેહાલીના સમયે તેમને સાંત્વન આપવાની પણ સૂઝ પડતી નથી. અત્યંત માલદાર, સત્તાવાન અધિકારી અને કેટલાક રાજકીય વજૂદ ધરાવનારા સિવાય સૌ કોઇ ત્રસ્ત છે. લગ્ન હોય,મરણ હોય પ્રસુતિ હોય કે માંદગી, વૃદ્ધ હોય,અપંગ હોય કે સ્ત્રી… કોઇ અપવાદ સિવાય દેશના નેવું ટકાથી વધુ લોકો દુઃખી છે.

આમ છતાં આ પગલાને આવકારવામાં આવ્યું છે. પૂરતી માહિતી અને સમજના અભાવે હજુ ઘણા લોકો માને છે કે આના કારણે કાળું નાણું ખતમ થશે કે ભ્રષ્ટાચાર ચાલ્યો જશે. આવું કાંઇ જ થવાનું નથી.  ભારતના લોકોની સહનશક્તિને દાદ દઇશું? અગ્રેજોની ગુલામીના કારણે જનમાનસમાં એક પ્રકારનો નિસ્પૃહભાવ પ્રવેશી ગયો હશે?

એક બીજી રીતે જોઇએ :  વિવિધ સાંપ્રદાયિીક ગુરૃઓને પગે પડનારા, લાંબી લાંબી અને કષ્ટદાયક પગપાળા યાત્રાઓ કરનારા પોતાના જ શરીરને ભારે કષ્ટ દેનારા આ સમાજમાં સ્વપીડન સાહજીક થઇ ચૂક્યું છે. જે સમાજને સ્વપીડનમાં આનંદ મળતો હોય તે સમાજને પરપીડકની પણ જરૃર પડતી હોય છે. ક્યારેક સૌએ જોયું હશે ઃ નાનો બાર વર્ષનો સાધુવેશી બાળક ૭૫ વર્ષેની વૃદ્ધા કહે છે ‘મૈયા આટા દે દે – તેરા કલ્યાણ હોગા’ બાર વર્ષનું બાળક તેનાથી છ ગણી ઉંમર ધરાવતી સ્ત્રીને તુંકારે બોલાવે છે અને તેમાં કોઇને કશું જ અજુગતું ન લાગે? આ એક પગલાને કારણે ભારત આર્થિક મોરચે ભારત પાછળ ધકેલાઇ જશે. મંદી પણ વ્યાપક બનશે અને બેકારી પણ વધશે. સરકારમાં થોડાક વિચક્ષણ સલાહકારો હોત તો આખા દેશે આવી આપત્તિ વેઠવી ન પડત. *

(લેખક અભિદૃષ્ટિના તંત્રી છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments