હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના વાર્ષિક અહેવાલથી એ વાંધા ઉઠાવનારાઓના અભિપ્રાયને સમર્થન મળ્યું છે જે પાછલા ૧૦ મહિનાઓથી નોટબંદીની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપતા આવ્યા છે કે આ ભારે આર્થિક નુકસાન ને સંકટને નિમંત્રણ આપવનાર આક્રમક નિર્ણય પુરવાર થશે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતે જ પોતાના અહેવાલમાં એકરાર કર્યું છે કે નોટબંધીના એ નિર્ણયથી આર્થિક વિકાસનો દર (જીડીપી) ધીમો થયો છે જે પાછલા વર્ષ એપ્રિલથી જૂન દરમ્યાન ૭.૯ હતો તે આ ચાલુ વર્ષે એપ્રિલથી જૂન દરમ્યાન ખૂબ ખરાબ રીતે ઘટીને પ.૭ થઈ ગયો છે. આ ઘટાડો લગભગ ર ટકા જેટલો છે. આથી જ જ્યારે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલથી દેશની આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ સામે આવ્યું તો આમ અને ખાસ દરેકને ભૂતપૂર્વ વડાપ્રધાન તથા અર્થશાસ્ત્રી ડોકટર મનમોહનસિંહ દ્વારા કરાયેલ એ ભવિષ્યવાણી યાદ આવી જે તેમણે સંસદમાં પોતાના પ્રતિભાવો વ્યકત કરતા કરી હતી અને જે અંગે સરકારે ખૂબજ નારાજગી વ્યકત કરી હતી. ડોકટર મનમોહનસિંહે નોટબંધીને ‘હિમાલય જેટલી મોટી ભૂલ’ ઠેરવી તેને મોટી અને વ્યવસ્થિત લૂટમાર ગણાવી હતી, અને સાથે જ ચેતવણી પણ આપી હતી કે આ પગલાના લીધે જીડીપીમાં બે ટકા જેટલો ઘટાડો થશે.
ગયા વર્ષે ૮મી નવેમ્બર ર૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી દ્વારા પ્રજાજેગ સંદેશામાં કહ્યું હતું કે એ જ રાત્રે ૧ર વાગ્યાથી રૃા.પ૦૦/- અને રૃા.૧૦૦૦/-ની જૂની નોટ સંબંધિત નોટબંધી લાગુ થઈ જશે. આમ તો પ્રજા માટેનો આ અચાનકનો નિર્ણય હતો જેનાથી પ્રજા ઉપર આશ્ચર્યનો પહાડ તૂટી પડયો હતો પરંતુ સરકારનો આ નિર્ણય કયારે અને કેવી રીતે તેમજ કોની-કોની વચ્ચે ચર્ચા કે સલાહ-મસ્લત બાદ લેવાયો હતો તે હજી સુધી બહાર આવ્યું નથી. વિવિધ ચર્ચાઓ જરૃર અવારનવાર સામે આવતી રહી છે અને નોટબંધીના એ ‘હિમાલિયાઈ ભૂલ’ સમાન નિર્ણય બાદ જે જે બન્યું અને બનતું રહ્યું અને બની રહ્યું છે તે સૌની સામે છે. લોકો બેંકોની બહાર લાગનારી એ મોટી મોટી લાઇનોને હજી સુધી ભૂલ્યા નથી, કે ભૂલી શકયા નથી, જે તેમની મુશ્કેલીઓની જીવંત તસવીરો રજૂ કરતી હતી. આ જ દરમ્યાન ટેલીવીઝન ચેનલોએ તથ્યોને ખૂબ જ પક્ષપાતી રીતે રજૂ કર્યા હતા છતાં એમાં પણ પ્રજાની મુશ્કેલીઓ કે હાલાકીને છુપાવાઈ શકાઈ ન હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ આ વાત સ્વીકારી હતી કે નોટબંધી સંબંધિત તેમનું આ પગલું ખૂબજ સખત છે પરંતુ સાથે જ આ દાવો પણ તેમણે કર્યો હતો કે તેમના આ પગલાથી કાળું નાણું ખતમ થઈ જશે, આતંકવાદીઓની કેડ ભાંગી જશે, નકલી નોટોનો કારોબાર બંધ થશે અને અર્થતંત્રમાંથી બેઈમાની અને ટેક્ષની ચોરી ખતમ થશે.
હવે જ્યારે કે નોટબંધીને ૧૦ મહિનાનો સમય વીતી ચૂકયો છે ત્યારે પણ નોટબંધી વખતના તેમના દ્વારા કરાયેલ મોટા-મોટા દાવા હજી સુધી કાગળ પર જ છે, તે સાકાર કે પૂરા થતાં હજી પણ દેખાઈ નથી રહ્યા. રિઝર્વ બેંકના તાજેતરના વાર્ષિક અહેવાલ દ્વારા આ વાતનું સમર્થન કે ઉપરોકત નોટબંધી બાદ પ૦૦ તથા ૧૦૦૦ની નોટોની ૯૯ ટકા રકમ બેંકમાં આવી ચૂકી છે એ વાસ્તવમાં સરકારની એ યોજનાના નિરાધારા હોવાનું પણ સમર્થન છે કે જેટલી રકમ (કાળું નાણું) સિસ્ટમમાં પાછું નહીં આવે એ તમામ રકમ સરકારનો નફો હશે. પરંતુ લગભગ પૂરી રકમ પાછું આવવાના લીધે સરકારની ઉલ્લેખિત યોજના જેમની તેમ જ રહી ગઈ.
આનો અર્થ આ થયો કે (૧) કયાં તો સિસ્ટમમાં કાળું નાણું હતું જ નહીં અથવા તો જે પણ હતું એ પણ મોદી સરકારના ખોટા ને તુખલકિયા નિર્ણયથી સફેદ નાણામાં ફેરવાઈ ગયું છે. આમાં પ્રથમ વાત શકયતાઓ પૈકી નથી કારણ કે કાળું નાણું જ્યાં અન્ય સ્વરૃપોમાં હોય છે ત્યાં જ રોકડ (કેશ)ના રૃપમાં પણ વ્યવસ્થામાં ફરતું રહે છે, તે સિસ્ટમમાંથી બહાર થઈ જવું જોઈતું હતું, પરંતુ એવું બન્યું નથી. બીજું આ કે જે કાળું નાણું હતું તે સફેદ થઈ ચૂકયું છે તે અશકય બાબત ન કહી શકાય. પરંતુ ચિંતાજનક જરૃર કહી શકાય. આનાથી આ શંકા થાય છે કે નોટબંધીએ કાળું નાણું ધરાવનારાઓને ‘સુરક્ષિત માર્ગ’ પૂરું પાડયું છે.
હવે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાના પ્રકાશિત થનાર પુસ્તક ‘આઈ ડુ, વ્હોટ આઈ ડુઃ ઓન રિફોર્મ્સ રેટરિક એન્ડ રિસોલ્વ’માં કહ્યું છે કે હું નોટબંધીની તરફેણમાં ન હતો કારણ કે નોટબંધીના લીધે ટૂંકાગાળાનું નુકસાન લાંબાગાળાના ફાયદા પર ભારે પડી શકે એમ હતું.
આ બધું જોતાં હવે નરેન્દ્ર મોદીએ પોતાના એ ભૂલ-ભરેલા નિર્ણય બદલ પ્રજાની માફી માગવી જોઈએ એવી વાતો જોરશોરથી કહેવાઈ રહી છે, પરંતુ શું માત્ર માફી માગી લેવાથી દેશ તથા પ્રજાને થયેલ નુકસાનની ભરપાઈ થઈ જશે ? શું આટલું પૂરતું ગણાશે ?? શું આવા મૂર્ખામીભર્યા કે અત્યંત ખોટા નિર્ણય માટે યથાયોગ્ય પગલું ભરવું જરૂરી નથી ???