Sunday, April 21, 2024
Homeમનોમથંનન્યાયની કસુવાવડ

ન્યાયની કસુવાવડ

૨૦૧૪માં એક ઝનૂની હિન્દુ ટોળાએ પૂનામાં એક મુસ્લિમ યુવાન નમાઝ પઢી પરત આવી રહ્યો હતો એને નિષ્ઠુરતાથી રહેંસી નાખ્યો. આ કેસ ચલાવતાં મુંબઈ હાઈકોર્ટે ત્રણે આરોપીઓને જામીન આપી દીધા. જામીનનો આધાર જે પોતાના ચુકાદામાં ન્યાયાધીશ સાહેબે લખ્યો તે એટલું જ નહીં કે ચોંકાવનારો હતો પરંતુ અકલ્પનીય પણ હતો. ચુકાદામાં આ નોંધવામાં આવ્યું કે મૃતક  બીજા ધર્મનો હતો અને તેથી જ આરોપીને છોડી દેવાનું મુનાસિબ સમજુ છું અને આમ હિન્દુ રાષ્ટ્ર સેનાના ત્રણ યુવાનોને જામીન મળી ગયા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને રદ કરતાં જે અવલોકનો નોંધ્યા છે તે ખરેખર કાબિલેદાદ છે અને ન્યાયપાલિકામાં સામાન્ય જનતાનો વિશ્વાસ અકબંધ રાખવામાં તે નિઃશંક milestone સાબિત થશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભારતના બહુલતા અને વિવિધતા ધરાવતા સમાજમાં આ પ્રકારની  હિંસા ધર્મના નામે ક્યારેય ન્યાયોચિત ન હોઈ શકે. જસ્ટીસ બોબડે  અને નાગેશ્વર રાવની બેન્ચે પણ નોંધ્યું કે બીજા મહત્વના મુદ્દા ઉપર કોઈ ચર્ચા કરવામાં નથી આવી કે જે જામીન મંજૂર કરવા કે નામંજૂર કરવા માટે મહત્વના હોઈ શકે છે. મૃત્તક બીજા સમુદાયથી સંબંધ ધરાવતો હતો તેટલાં સારું કોઈપણ હુમલાને અને તે પણ જ્યારે ઘાતકી હત્યામાં પરિણમ્યો હોય તેને સ્વીકૃત રાખી શકાય નહીં. આરોપી તથા ફરિયાદીની સમુદાયની ઓળખ ધ્યાને લેવામાં આવે તે તો  સમજમાં આવે છે પરંતુ મૃતક ખાસ સમુદાયનો હતો માટે જ તેને મારી નાખવામાં આવ્યો તે કઈ રીતે સ્વિકૃત થઇ શકે? અને હાઈકોર્ટના ન્યાયાધીશે આ જ વસ્તુને આરોપીની તરફેણમાં ગણેલ છે આવા પૂર્વગ્રહયુક્ત ચુકાદાનોે સુપ્રીમ કોર્ટે ઉધડો લઈ નાખ્યો અને નોંધ્યુ કે આવા કોઈપણ સમુદાય સામેના પુર્વગ્રહો ને ન્યાયોચિત ઠેરવી ન શકાય. હાઈકોર્ટના જજને એ મુદ્દાઓ ઉપર ભાર મૂકવો અગત્યનો લાગ્યો કે મૃતકની સાથે આરોપીને કોઈ પણ અંગત અદાવત ન હતી તે સારું તેને જામીન મળી જવા જોઈએ પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ કરી ચુકાદાને ફરીથી આપવા હાઈકોર્ટ પરત મોકલી દીધો. આપણે ઘણાં વર્ષોથી જોતા રહ્યા છે કે આપણા બંધારણ અને  ન્યાયિક પ્રક્રિયાનો ગેરલાભ આ કોમવાદી તત્વો અને રાજકીય માધાંતાઓ સરળતાથી ઉઠાવી રહ્યા છે અને કાયદાની પકડમાંથી પણ આસાનીથી છટકી જાય છે. પરંતુ આજ સુવિધા ન્યાયાધીશ થકી મલી જવી આશ્ચર્યકારક હતી.

મુંબઈના બાળ ઠાકરે, વિશ્વ હિંદુ પરિષદના તોગડિયા તથા બજરંગદળના ઘણાં નેતાઓ જે હદે કોમવાદી ઉદગારો કાઢતાં હતા અને લખતા હતા તે કોઈથી છુપું નથી અને છતાં કોઇ સરકાર કે કોઈ ન્યાયાલય તેમને અડી શકવાની હિંમત નહોતી બતાવી શકતી.

મુઝ્ફ્ફરનગર તથા ઉત્તરપ્રદેશના અન્ય સ્થળોએ ઉઘાડેછોગ કોમવાદી હિંસા ભડકાવવા સારું જે વાતાવરણ બનાવવામાં આવ્યું તે સર્વ માધ્યમોમાં અદાલત તથા જનતા સ્પષ્ટ રીતે જોઈ રહ્યા હતા છતાં કોઈ પગલાં ન લેવાયા. રાજકીય રોટલા શેકાઈ ગયા અને આટલો મોટો સમુદાય એટલું જ નહીં કે ન્યાયથી વંચિત રહ્યો પરંતુ તેમની યાત્ના સારું પણ કોઇ પગલાં ન લેવાયા.

છેલ્લે બાબરી મસ્જિદ બાબતે હાઇકોર્ટના તે પંચાયતી ચુકાદાને પણ સમજવો પડશે જેની કોઈ કિંમત ન્યાયની પરિભાષામાં છે જ નહીં. હમણાં જ આ કેસ ચલાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે ફક્ત ટાઈટલ સ્યુટ એટલે કે જમીન બાબતના વિવાદની જ ચર્ચા થશે કોઈ રાજકીય કે ધાર્મિક બાબતો રજુ કરવાની નથી. ૧૯૪૯માં મૂર્તિઓ મસ્જિદ પરિસરમાં, તેના ગર્ભગૃહમાં મૂકી દીધા પછી જે રીતે મુસ્લિમોને મસ્જિદથી દૂર કરી દેવામાં આવ્યા છે તે કોઇ ના થી છૂપુ નથી. આશા રાખીએ ન્યાયપાલિકા પોતાની સાચી પ્રતિષ્ઠા મુજબ સ્પષ્ટ ચુકાદો આપશે અને તેની અમલવારી પણ કરાવશે.

ત્રણ તલાક બાબતે મુસ્લિમ પર્સનલ લૉને અવગણી આપેલ ચુકાદો તથા પાશ્વાત્ય અસર થકી સમલૈંગિકતાને ન્યાયિક ઠેરવી દેવું પણ ખરેખર ન્યાયની કસૂવાવડ જ જણાય છે, ભલે પછી તેને આધુનિકતા સાથે જોડી દેવામાં આવે.

અને છેલ્લે ચકાસીએ શું છે ન્યાયની વિભાવના ઇસ્લામમાં. કુઆર્ન નિરંતર ન્યાયના મહિમાની યાદ દેવડાવે છે.

મુસલમાનો ! અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો અમાનતદાર લોકો (Worthy of Trust)ને સોંપો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક કરો, અલ્લાહ તમને સર્વોત્તમ શિખામણ આપે છે અને ચોક્કસપણે અલ્લાહ બધું જ સાંભળે અને જુએ છે.”  (૪ઃ૫૮ ).

તે ન્યાયની સ્થાપના માટે પોતાની જાત પોતાના સગાસંબંધીઓના હિતોના બલિદાનની પણ તાકીદ કરે છે. ઇસ્લામમાં ન્યાયનો આધાર લોકોના પ્રતિભાવ, પ્રતિક્રિયા અને સંજોગો ના અનુકૂળ કે પ્રતિકૂળ હોવા પર નથી, બલ્કે તે પૂર્ણ, અબાધિત અને બિનશરતી ન્યાયની આજ્ઞા આપે છે.

 “હે ઇમાનવાળાઓ! ન્યાયના ઝંડાધારી બનો અને અલ્લાહ કાજે  સાક્ષી આપો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષી સ્વયં તમારી જાત અથવા તમારા માતા-પિતા અને સગાઓ વિરુદ્ધ જ કેમ ન હોય… તમે પોતાની ઇચ્છા ના અનુપાલન માં  ન્યાયથી ફરી ન જાઓ કેમકે જો તમે પક્ષપાતપૂર્ણ વાત કહી કે સાચી વાત કહેવાનું ટાળ્યું, તો જાણી લો કે જે કંઇ તમે કરો છો, અલ્લાહને તેની ખબર છે.
(કુઆર્ન – ૪ઃ૧૩૫). /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments