Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપુસ્તક સમીક્ષા : ઇસ્લામની જીવન વ્યવસ્થા

પુસ્તક સમીક્ષા : ઇસ્લામની જીવન વ્યવસ્થા

લેખક : સૈયદ અબુલઆ’લા મૌદૂદી રહ. – પ્રકાશક : બી-૪, કરિશ્મા કોમ્પ્લેક્ષ, સારણી સોસાયટી, ૧૩૨ ફુટ રીંગ રોડ, જુહાપુરા, અહમદાબાદ – ૩૮૦૦૫૫ – આવૃત્તિ : સાતમી (૨૦૧૫) – પૃષ્ઠ : ૩૨ – કિંમત : રૂ. ૨૫

 આ વિશ્વ વિચારધારાનું જંગલ છે. વિશ્વમાં હંમેશાં અમુક માનવોએ માનવીય જીવન અને તેની સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ વિચારધારા રજૂ કરી. અને તેના આધારે એક જીવન વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો કર્યા. સ્પષ્ટપણે માનવીય જીવન એવી વ્યવસ્થાની તીવ્ર ઇચ્છા ધરાવે છે કે જે પ્રાકૃતિક હોય, વ્યવહારિક હોય અને માનવ માટે મુક્તિનો માર્ગ હોય. આ સંદર્ભે ઇસ્લામ પણ એક જીવન વ્યવસ્થા ધરાવે છે. પયગંબરોના જીવનનો એક ધ્યેય એ પણ હતો કે તેઓ લોકોને આ જીવન વ્યવસ્થાથી વાકેફ કરાવતા હતા. અને સૌથી છેલ્લે મુહમ્મદ સ.અ.વ.એ આ જીવન વ્યવસ્થાને ન જ ફકત લોકો સમક્ષ રજૂ કરી બલ્કે તેનું અમલીકરણ પણ કરી બતાવ્યું. આના પછી ઘણાં વર્ષો સુધી આ વ્યવસ્થા પોતાની રહમત અને બરકતોથી માનવીય જીવનને  લીલીછમ કરતી રહી. પછી ધીમે-ધીમે આની ઉપર બેદરકારીના કારણે તેનું પતન થવા લાગ્યું. આના પછી વિવિધ વિદ્ધાનો-મુજદ્દિદો આવતા રહ્યા, જેઓએ ફરીથી લોકોમાં ઇસ્લામની સત્યનિષ્ઠાને સ્પષ્ટ કરી. આ દરમ્યાન ૨૦મી સદીના આરંભમાં ૧૯૦૩માં મૌલાના સૈયદ અબુલઆ’લા મૌદૂદી રહ.નો જન્મ થયો. મૌલાના ૨૦મી સદીના ઉત્તમ કોટિના ઇસ્લામી સ્કોલર, ઉચ્ચ કક્ષાના લેખક, ક્રાંતિકારી ચિંતક, દૃઢમનોબળ ધરાવતા આગેવાન અને માર્ગદર્શક હતા. મૌલાના મૌદૂદી રહ. ધાર્મિક શિક્ષણની સાથે સમકાલીન શિક્ષણમાં પણ ઊંડી સમજ રાખતા હતા. આ કારણે મૌલાનાએ ઇસ્લામને ન ફકત મુસ્લિમો સમક્ષ રજૂ કર્યું, બલ્કે તે સમયની પ્રભાવશાળી વિચારધારા ઉપર ખૂબ ટીકાઓ કરી, અને ઇસ્લામના ટીકાકારોના વાંધાઓની હવા ઉખાડી નાંખી, અને સમગ્ર વિશ્વ સમક્ષ ઇસ્લામને એક જીવન વ્યવસ્થા સ્વરૂપે રજૂ કર્યું. “ઇસ્લામની જીવન વ્યવસ્થા” પુસ્તક પણ આની જ એક કડી છે.

આ પુસ્તક હકીકતમાં એ પ્રવચનોનો સંગ્રહ છે જે મૌલાના મૌદૂદી રહ.એ વિવિધ અવસરે રેડિયો પાકિસ્તાન પર આપ્યા હતા. આ પુસ્તકમાં પાંચ મૂળ વિભાવના ઉપર ઇસ્લામના સંદર્ભમાં ખૂબ સંક્ષિપ્તમાં પરંતુ વ્યાપક રીતે ચર્ચા કરી છે. જે આ મુજબ છેઃ

(૧) ઇસ્લામની નૈતિક વ્યવસ્થા

(૨) ઇસ્લામની રાજ્ય વ્યવસ્થા

(૩) ઇસ્લામની સામાજિક વ્યવસ્થા

(૪) ઇસ્લામની આર્થિક વ્યવસ્થા

(૫)   ઇસ્લામની આધ્યાત્મિક વ્યવસ્થા

વિચાર કરવામાં આવે તો આ પાંચ એવી વિભાવના છે જે મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક જીવનને આવરી લે છે.  માનવ-સમાજને ચલાવવા માટે જે વ્યવસ્થા પણ બને છે તેનો આધાર આ જ પાંચ વિભાવના પર હોય છે. તેથી આપણે જાઈએ છીએ કે હજી સુધી જેટલી પણ જીવન વ્યવસ્થા ઊભી થઈ તે આ જ પાંચ વિભાવનાની આસપાસ રહી છે. અથવા આમ સમજી લો કે આ જ પાંચ બિંદુમાંથી કોઈ ને કોઈ બિંદુથી આ વિચારધારાનો સંબંધ રહ્યો છે. સૂફીવાદ, આધુનિકતાવાદ, પોસ્ટ-આધુનિકતાવાદ, સામ્યવાદ, મૂડીવાદ, ધર્મ નિર્પેક્ષતા વિ. આ એવી વિચારધારાઓ છે જેમનો સંબંધ ઉપર ઉલ્લેખ કરેલ પાંચ બિંદુઓથી ખૂબ ગાઢ સંબંધ છે, અને આ વિચારધારાના સમર્થકો માનવ-જીવન માટે તેમને એક સારી વ્યવસ્થા સમજે છે. મૌલાના મોદૂદી રહ.એ પણ આ પુસ્તકમાં ઇસ્લામને એક જીવન વ્યવસ્થા સ્વરૂપે ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કર્યું, અને માનવીના નૈતિક, રાજકીય, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક વ્યવસ્થાના સંબંધે ઇસ્લામ કેવા પ્રશ્નો ઊભા કરે છે અને તેમને કેવી રીતે હલ કરે છે અને આ તમામ ક્ષેત્રોમાં માનવ વિકાસ માટે કેવી રીતે સંતુલિત મોડેલ રજૂ કરે છે. તે સંદર્ભે શુદ્ધ રીતે કોઈ પણ વિચારધારા ઉપર ટીકા કર્યા વિના ઇસ્લામી શિક્ષણને રજૂ કર્યું છે. આ પાંચ બિંદુઓનો ક્રમ પ્રમાણે સારાંશ નીચે મુજબ છે.

(૧) ઇસ્લામની નૈતિક વ્યવસ્થાઃ

નૈતિકતા સંબંધે મૌલાના લખે છે કે, માનવીની નૈતિક સમજ એક કુદરતી વસ્તુ છે. માનવ જન્મજાત ભલાઈ અને બૂરાઈમાં ભેદ રાખે છે. પરંતુ આમ છતાં પણ માનવીમાં નૈતિક ધોરણો જાવા મળે છે. આનું મૂળ કારણ આ છે કે તેમની વચ્ચે બ્રહ્માંડ વિષેના વિચાર, બ્રહ્માંડમાં માનવીનું સ્થાન અને માનવ-જીવનના ધ્યેય વિષે મતભેદ છે. અને આ જ મતભેદોએ મૂળથી લઈને ડાળ સુધી એમની આત્મા, પ્રકૃતિ અને રૂપોને એકબીજાથી બિલકુલ જુદા બનાવી દીધા છે. મૌલાનાએ એ બુનિયાદી વિચારો ઉપર જે માનવીય નૈતિકતા ઉપર સીધી રીતે અસર કરે છે, ઇસ્લામની પ્રતિક્રિયા રજૂ કરી અને આ વાતને સાબિત કરી કે ઇસ્લામની નૈતિક વ્યવસ્થા પ્રાકૃતિક, વ્યવહારિક અને સંતુલિત છે. 

(૨) ઇસ્લામની રાજ્ય વ્યવસ્થાઃ

 આ સંબંધે મૌલાના રહ. લખે છે કે, ઇસ્લામની રાજ્ય વ્યવસ્થાનું ઘડતર ત્રણ મૂળ સિધ્ધાંતો પર થયેલું છે. તૌહીદ (એેકેશ્વરવાદ), રિસાલત અને ખિલાફત. આ રાજ્યકીય દૃષ્ટિકોણ મુજબ જે રાજ્ય કાયમ થશે તે ખરી રીતે ખુદાની હાકીમિયત હેઠળ ઇન્સાનની ખિલાફત હશે, જેને ખુદાના મુલ્ક (દેશ)માં તેણે આપેલી સૂચના પ્રમાણે અને તેણે નક્કી કરેલી હદોમાં રહીને તેની ઇચ્છા પૂરી કરવી પડશે. પાશ્ચાત્ય લોકશાહી અને ઇસ્લામી લોકશાહીના ભેદને સ્પષ્ટ કરતાં મૌલાના રહ. લખે છે કેઃ પશ્ચિમના રાજ્ય દષ્ટિકોણ લોકશાહીની સર્વોપરિતા અર્થાત્‌ પ્રજાની સત્તાને માને છે, અને ઇસ્લામ લોકશાહીના પ્રતિનિધિત્વને માને છે. પાશ્ચાત્ય લોકશાહી એક નિરંકુશ ખુદાઈ છે જે પોતાના અધિકારોનો ઉપયોગ મન ફાવે તેમ કરે છે. એથી વિરુધ્ધ ઇસ્લામી લોકશાહી ખુદાઈ કાનૂનને આધીન છે જે પોતાના અધિકારોનો અથવા સત્તાનો ઉપયોગ તેની સૂચનાઓ અનુસાર તેણે નક્કી કરેલી હદોમાં રહીને જ કરે છે.તેના પછી મૌલાનાએ ઇસ્લામી રાજ્યના હેતુઓ, નૈતિક મૂલ્યો, તેની સીમાઓની બહારના મુસ્લિમોના માનવ તથા નાગરિક  અધિકારો, ઇસ્લામી રાજ્યમાં વસ્તા બિનમુસ્લિમો (ઝિમ્મી અર્થાત્‌ જેનું રક્ષણ ઇસ્લામી રાજ્યે પોતાના ઝિમ્મે (માથે) લઇ લીધું)ના હક્કો, અમીર (લોકશાહીના પ્રમુખ)ની હૈસિયત, મજલિસે શૂરા (સલાહકાર સમિતિ) અને ન્યાયતંત્ર જેવા વિષયો ઉપર પણ પ્રકાશ પાડેલ છે.

(૩) ઇસ્લામની સામાજિક વ્યવસ્થાઃ

ઇસ્લામની સામાજિક વ્યવસ્થા વિશે મૌલાના ફરમાવે છે કે એનું ઘડતર જે પાયા પર થયેલું છે તે એ દૃષ્ટિકોણ છે કે જગતના બધા જ માનવીઓ એક જ વંશના છે એટલે બધા જ માનવીઓ એક બીજાના ભાઈ છે. માનવોમાં જે વિવિધતાઓ રંગ, ભાષા, પ્રદેશ વિગેરે જાવા મળે છે તે પ્રાકૃતિક વિવિધતાઓ છે. મૂળ ફર્ક જા હોઇ શકે તો વિચાર, નૈતિકતા અને આદર્શનો હોઈ શકે. સાથે જ ઇસ્લામનું શિક્ષણ આ છે કે બધા માનવો સમાન છે, તેમનામાં ભાષા, રંગ અને પ્રદેશના ધોરણે કોઇ પણ જાતનો ભેદભાવ નથી. તેના પછી મૌલાનાએ સમાજના સર્વ પ્રથમ અને મૂળ અંગ એટલે કે કુટુંબ, સગા-સ્નેહિઓ, પાડોશીઓ અને પછી આખા સમાજ વિશે ઇસ્લામ શું નિયમો જણાવે છે તેની ચર્ચા કરી છે.

(૪) ઇસ્લામની આર્થિક વ્યવસ્થાઃ

આ સંદર્ભમાં મૌલાનાએ જે પાયાના નિયમો અને માર્ગદર્શન રજુ કર્યા છે તે આ છે.

• ધનની ઉત્પત્તિ અને ભ્રમણના પ્રકાર કયા હોય, એની સાથે ઇસ્લામ વિવાદમાં નથી પડતો. એ વસ્તુઓ જમાનાઓના હિસાબે બદલી શકાય છે પરંતુ મૂળ વસ્તુ ઇસ્લામે નિર્ધારિત કરેલા સિધ્ધાંતો છે જેની ફરજિયાત રીતે પાબંદી જરૂરી છે.

• ઇસ્લામી દૃષ્ટિકોણ અનુસાર જમીન અને તેની બધી જ વસ્તુઓ ખુદાએ માનવ-જાતિ માટે બનાવી છે. આ સંદર્ભમાં કોઇ પ્રકારની વંશીય કે કૌટુંબિક પ્રતિબંધો લાગુ પડતા નથી.

તેના પછી મૌલાનાએ કાળા બજારી,  માલિકીના અધિકારો,  આજીવિકાનો માર્ગ, ઝકાત અને વિરાસત બાબતે ચર્ચા કરી અને લખ્યું કે ઇસ્લામ વ્યક્તિ અને સમાજ વચ્ચે એવું સમતોલ પણું કાયમ કરવા માગે છે જેમાં વ્યક્તિની સ્વતંત્રતા જળવાઇ રહે અને સામુદાયિક હિત માટે એની સ્વતંત્રતા હાનિકારક પણ ન બને, બલ્કે અનિવાર્ય રીતે  લાભદાયક જ નીવડે.

(૫) ઇસ્લામની આધ્યાત્મિક વ્યવસ્થાઃ

આ સંદર્ભમાં મૌલના લખે છે કે અત્મા અને શરીર એકબીજાના વિરોધી નથી અને ન જ આત્મા શરીર માટે કેદખાનું છે, જેમકે તર્કવાદી અને ધાર્મિક લોકો કહે છે બલ્કે ઇસ્લામ પ્રમાણે ઈશ્વરે આત્માને ધરતી ઉપર પોતાના ખલીફા (નાયબ) નિયુક્ત કરેલ છે. અમુક ફરજા અને જવાબદારીઓ તેમને સુપ્રત કરી છે અને એને પૂરી પાડવા માટે એક સર્વશ્રેષ્ઠ અને યોગ્ય દેહ તેને આપવામાં આવ્યો છે. આમ શરીર આત્મા માટે ‘કેદખાનું’ નથી પરંતુ ‘કારખાનું’ છે. અને આત્મા માટે કોઈ વૃદ્ધિ શક્ય છે તો  એ જ રીતે શક્ય છે કે તે એ કારખાનાના ઓજારો અને શક્તિઓનો ઉપયોગ કરી પોતાની યોગ્યતા જાહેર કરે. તેના પછી મૌલાનાએ આત્મા અને તેને લગતા વિવિધ પાસાઓ પર ઇસ્લામની દૃષ્ટિએ ચર્ચા કરી છે.

આ પુસ્તકને વાંચીને એક વાંચક ઇસ્લામની જીવન-વ્યવસ્થાને સારી રીતે સમજી શકે છે. આ પુસ્તક વાંચ્યા પછી જ્યારે આપણે બીજી વિચારધારાઓ કે જીવન વ્યવસ્થાઓનું અધ્યયન કરીએ છીએ  અને ઇસ્લામની સાથે તેની સરખામણી કરીએ છીએ તો સ્પષ્ટપણે ઇસ્લામ બધાથી શ્રેષ્ઠ,વ્યવહારિક, પ્રાકૃતિક અને માનવીયજીવનની સફળતા તથા મુક્તિ માટે એક સારી જીવન વ્યવસ્થા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments