આજે સાંજે મને કુલ પાંચ સગા-વહાલા અને મિત્રો તરફથી આમંત્રણ મળ્યું. જેની વિગત નીચે મુજબ છે ઃ
૧) જનાબ ‘અ’ સાહેબના પાંચમા પુત્રની અઢારમી વર્ષગાંઠની ઉજવણી શહેરની પ્રખ્યાત હોટલમાં.
૨) જનાબ ‘બ’ સાહેબના બીજા લગ્નની પાંચમી વર્ષગાંઠ તેમની પત્નિની હવેલીમાં.
૩) મારા મિત્ર ‘ક’ સાહેબની સગાઈ શહેરના સૌથી મોંઘા શાદી હોલમાં.
૪) એક નામચીન કવિ પર સેમીનાર, મુશાયરા, દિવાનનું વિમોચન અને તેમના નામથી જશ્ન.
૫) અમારા વિસ્તારના એક વડીલ બુઝુર્ગનો ચાલીસના – ભોજનની વ્યવસ્થા તેમના પુત્રો તરફથી જે તેમના મૃત્યુના કારણ પણ હતા.
એક કાર્યક્રમમાં પ્રખ્યાત અભિનેતા જ્યારે બીજા બેમાં ફલાણા નેતા પધારશે. બીજી બાજુ મારો એક ખાસ મિત્ર લગ્ન નથી કરી રહ્યો કેમકે તેમની પાસે ‘શાનદાર’ ફંકશન’ કરવા માટે અત્યારે પૈસાની વ્યવસ્થા નથી.
કાર્યક્રમ, પર્વ આપણા સામાજીક જીવનનો મહત્વનો ભાગ છે. આપણા દેશમાં તો પ્રાચીન સમયથી તે મોટા પ્રમાણમાં થતા આવ્યા છે. આજે પણ જુનાવણી વિચારધારા ધરાવતા લોકોની ઉજવણી કંઇક જુદી પ્રકારની હોય છે. નવા વિચાર અને નવા જમાનાના લોકોને ત્યાં આ ઉજવણી બીજા નામોથી કરવામાં આવે છે. અત્યારે આ પર્વોનો ઉલ્લેખ કરવાની જરૃર જણાતી નથી પરંતુ કેટલીક બાબતો છે જે નૈતિક દૃષ્ટિકોણથી ધ્યાન આપવા જેવી છે.
પ્રસંગોના ઘણા બધા સારા-નરસા પાસાઓ હોય છે. વ્યક્તિ આનંદને સંપૂર્ણપણે અનુભવી શકે છે. રોજીંદા કાર્યોના કંટાળાથી બહાર આવે છે. સગા-વ્હાલા અને સંબંધીમાં તાજગી આવે છે. પ્રેમ અને નિકટતામાં વધારો થાય છે. તો પણ સમાજની સામુહિક રીતે અને વ્યક્તિની પોતાની રીતે પ્રસંગ ઉજવવાની એક ખાસ અને સીમિત આવડત હોય છે. જ્યારે આ પ્રસંગો વધી જાય છે તો તેમની અપેક્ષામાં વૃદ્ધિ થાય છે અને તે મરજીયાત રહેવાને બદલે સખત સામાજીક કાયદાનો ભોગ બની જાય છે. તે જ આનંદ દ આપનારા પ્રસંગો દુઃખનું કારણ બની જાય છે. તેથી જરૃર છે આ પ્રસંગોની નૈતિકતા ઉપર પ્રકાશ પાથરવામાં આવે. જીવનને મજા વગરનું બનાવવા માટે નહિં બલ્કે આનંદ અને ખુશીને યાદગાર અને સર્વ સામાન્ય બનાવવા માટે.
આપણા સમાજનું એક સર્વ સામાન્ય ‘મૂલ્ય’ છે ફિઝુલ ખર્ચી (નિરર્થક ખર્ચ) આમંત્રણ પત્રિકાઓથી લઇને પર્વની જગ્યા અને વ્યવસ્થા સુધી ધનનો વ્યય જોઇ શકાય છે. પવિત્ર ગ્રંથ કુઆર્નમાં નિરર્થક વ્યય કરનારી વ્યક્તિને શૈતાનનો ભાઇ કહેવામાં આવ્યો છે. આ વસ્તુ મનુષ્યના સ્વભાવને દૂષિત કરી દે છે જો કોઇ કાર્યક્રમમાં સમતુલા જળવાઇ રહે તો તે તેને બેસણું સભા જેવી લાગે છે જેમાં તેઓ નારાજગી સાથે શામેલ રહે છે.
પ્રસંગાના ઉદ્દેશ્ય જ ખુશીને દર્શાવવાનો હોય છે. આ એક સાચી અને સારી ભાવના છે જેને ધર્મ પણ પ્રોત્સાહિત કરે છે. મુહમ્મદ પયગમ્બર (સ.અ.વ.)એ પણ તેનું શિક્ષણ આપ્યું છે. તેમના કથનોમાં લગ્નના અવસરે દફ (ડફલી) વગાડવાની અનુમતિ અને ખાસ ખુશીના અવસરે ગીત ગાવાનું પ્રમાણ પણ મળે છે. પરંતુ આ પ્રસંગોનો હેતુ નામના અને ધન-દોલત કે શાન બતાવવાનો હોય તો તેની પરવાનગી ધર્મ આપે છે ન પ્રસંગોની નૈતિકતા. દેખવડો અને પ્રસિદ્ધીની નિમ્ન ભાવનાથી આવા પ્રસંગોને દુષિત ન કરવા જોઇએ. જ્યાં ધનનો નિરર્થક વ્યય થાય છે ત્યાં મોટાભાગે આવી ભાવના જ કારણભૂત હોય છે.
પ્રસંગોમાં સ્ત્રી-પુરૃષનું મિશ્રણ પણ યોગ્ય નથી. તેમાંય આવા કાર્યક્રમોની વીડિયોગ્રાફી પણ થાય છે. આવો મેલજોલને ચમકદાર વસ્ત્રો અને ખુલાપણું વધુ સંકટમય બનાવે છે. તેમાં પણ આવા પ્રસંગોની ફિલ્મ બનાવવી બિલ્કુલ ખોટુ છે. “જેને અવજ્ઞાકારી અને અજ્ઞાનતાના પ્રાચીન અંધકારમાં ફરીથી ભટકવું હોય તેઓ આવા કૃત્ય કરે.” (કુઆર્ન)
પ્રસંગો સમાજમાં વર્ગભેદ ઉભા કરનારા અને તેમની વૃદ્ધી આપનારા ન હોય. એવી સભાઓ અને નિમંત્રણો જ્યાં વિશેષ સ્થાન ધરાવતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હોય, જ્યાં સગા-સંબંધીના બદલે સમાન પદ ધરાવતા લોકોને બોલાવવામાં આવતા હોય અને વારંવાર આવા આમંત્રણ પાઠવવવામાં આવતા હોય તો તેની સમાજ ઉપર નકારાત્મક અસર પડે છે. ઇસ્લામના પયગમ્બરે પણ આવા આમંત્રણોની નિંદા કરી છે. આ રોગ કેટલીક વાર ઇફતાર અને પવિત્ર અવસરે પણ નજરે પડે છે. અભદ્ર ગીતો અને નૃત્ય, ખાવાની હરામ વસ્તુઓ, અવૈધ પેય પદાર્થોને પ્રસંગોથી દૂર રાખવામાં આવે જે વસ્તુઓ ખોટી છે તે પ્રસંગોમાં પણ યોગ્ય નથી. આનંદની ભાવના આભારની લાગણી પેદા કરે છે ન કે ગુનાની. ખુશી આપનારો ક્ષણભરમાં ખુશી ઝૂટવી લે તો …, અને આવું થાય પણ છે. વ્યક્તિને ખુશ થવાનો અને ખુશી મનાવવાનો અધિકાર છે પરંતુ ખુશીમાં પાગલ થઇ જવું યોગ્ય નથી.
પ્રસંગો આટલા બધા ન હોય કે તેમાં રૃચિ ન રહે. પ્રસંગોનું કારણ પણ યોગ્ય હોય. એવું ન થાય કે આપણું જીવન પ્રસંગમય બનીને રહી જાય. જીવનનો વાસ્તવિક અને સાચો ધ્યેય આ નથી. આપણને પ્રસંગોના લાંબા લિસ્ટ પર પુનઃવિચારણા કરી તેને ટુંકાવી જોઇએ કે જેથી તેમાં સંપૂર્ણ આનંદ મેળવી શકાય અને સમાજને બોઝો ન લાગે. આપણે ત્યાં પહેલાથી ઘણા બધા પ્રસંગો અને રીતી રિવાજો હતા. તેમાંય પશ્ચિમી સંસ્કૃતિ પણ ઘણું બધુ લઇ આવી. વિશેષરૃપે લગ્નને કારણ વગરની રસ્મોએ સમાજ ઉપર ભારરૃપ બનાવી દીધુ છે. જન્મ પછી પ્રસંગોની કડી, નિકાહના બે શબ્દો પછી સતત કાર્યક્રમો અને મૃત્યના શૌખ પછી ચાલેલા પ્રસંગો. દર વર્ષે જન્મની વર્ષગાંઠ તો ક્યાંક લગ્ની વર્ષગાંઠ. પ્રસંગની ઉજવણી, આમંત્રણ પાઠવું, ખાવાના પ્રકારો નક્કી કરવું બધુ નિમંત્રક અને ઇચ્છા પર આધારિત હોવું જોઇએ. કેટલીકવાર અને ખાસ રીતે લગ્નાવસરે ‘દુલ્હા’ પક્ષ તરફથી માંગો અને વાયદાઓ લાદવામાં આવે છે. આ એક અનૈતિક કાર્ય છે. પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યુ, “મુસલમાનનો માલ ખાવા તેની દીલી ઇચ્છા વગર હલાલ નથી.” પછી આ માંગો અને પાબંદીઓ કેવી ? દરેક વ્યક્તિને એ છૂટ હોવી જોઇએ કે તે તેના મહેમાનોનું સ્વાગત કઇ રીતે કરશે. જ્યાં પાબંદીઓ આવે છે તે રીતિ રીવાજના નામે આવે છે અને નિખાલસતા મરી પરવરે છે. પ્રસંગોમાં પણ અલ્લાહના હક્કો તથા બંદાના હક્કોનું ધ્યાન રાખવું જોઇએ. ઇબાદતોનું અને વિશેષ રીતે નમાઝની પાબંદી એ પણ જમાઅત (સામુહિક રીતે) સાથે, કુટુંબના વડીલોનું ધ્યાન, પાડોશીઓની પૃચ્છા, બીમારોના હાલચાલ જાણવા. નોકરોથી તેમની શક્તિ પ્રમાણે કાર્ય વગેરે આ એવા કાર્યો છે જે આવા સમયે મોટાભાગે દબાઇ જાય છે. પ્રસંગોમાં દેખાવડાથી પણ દૂર રહેવું જોઇએ. અસમાન્ય શ્રૃંગાર, ચમક દમક વસ્ત્રો વગેરે આ રોગ સ્ત્રીઓમાં વધુ છે. સોનીની મમ્મી એક લગ્નમાં એટલા માટે નહોતી ગઇ કેમકે તેની પાસે નવો પોષાક નહતો જ્યારે કે કિંમતી વસ્ત્રોથી તેની તિજોરી ભરેલી હતી. બધા પહેરેલા હતા. કોઇ ટકોર કરી દેશે તો … બસ આવા જ દેખાડાની હાસ્યાસ્પદ ઘટના બને છે.
ભેટ-સોગાત આપવી એક સરાહનીય બાબત છે. પ્રસંગોના અવસરે પણ કોઇ ભેટ આપવી વાંધાજનક નથી. હદીસમાં છે, ભેટ આપો તેના થકી પ્રેમ પેદા થાય છે. પરંતુ ભેટ પ્રસંગનું અભિન્ન અંગ બની જાય અને જે ભેટ લઇને ન જાય તેને સભામાં નિમ્ન સમજવામાં આવે. આ દૃષ્ટિકોણ અનૈતિક છે. ભેટ એટલા માટે આપવામાં આવે કે તેને પણ મળી હતી. ભેટ ધનસ્વરૃપમાં હોય કે વસ્તુ રૃપે તેનો રેકર્ડ તૈયાર કરવું અને આવનારી પેઢી સુધી તે રેકોર્ડ પહોચાડવો. આ બધી વસ્તુઓ અનૈતિક છે. ભેટને મનુષ્યની મજબૂરી બનાવી, ભેટો સ્વીકારવા દુલ્હાનું મુખ્યદ્વાર પર ઉભા રહેવું. બનાવટી વાતો અને ના, ના, ના શબ્દો સાથે કવર ખિસ્સામાં નાખી દેવુ. અનૈતિકતાની નિશાની છે.
પ્રસંગોને રાજનૈતિક સ્વરૃપ આપવુ પણ યોગ્ય નથી. તેઓ તેના અસલ સ્વરૃપમાં સારા લાગે છે. પોલીટીકલ ઇફતાર પાર્ટી, રાજનૈતિક ઈદમીલન, રાજનૈતિક વલીમાની દાવત, રાજનૈતિક મુશાયરા (કવિ સંમેલન)ની જગ્યાએ રાજનૈતિક સભાઓ, રેલીઓ, ધરણાઓ અને ભૂખ હડતાલ થાય તો ઠીક છે. પ્રસંગોની ઉજવણી કરતા સમય સમાજની પરિસ્થિતિ પણ સામે રહેવી જોઇએ. જે સમાજમાં ગરીબી અને નાદારી નજરે ચડતી હોય ત્યાં પ્રસંગોની ધામધૂમ એક ભયંકર વસ્તુ છે.