Wednesday, June 12, 2024
Homeઓપન સ્પેસપ્રસાર માધ્યમો દ્વારા પીરસાતા મનોરંજનના રાક્ષસનો સામનો

પ્રસાર માધ્યમો દ્વારા પીરસાતા મનોરંજનના રાક્ષસનો સામનો

૨૧મી સદીમાં માહિતી અને પ્રસારણ ટેકનોલોજીના ક્ષેત્રે થયેલી અદ્ભૂત પ્રગતિએ, સમગ્ર જનસમાજને અબાલ વૃદ્ધ, ગરીબ તવંગર વગેરેના ભેદભાવ વગર – આંગળીને ટેરવે માહિતી ઉપલબ્ધ કરાવી છે. પણ વિકાસના આ ભાલાએ આંધાધૂંધીનો એક પ્રકારનો વંટોળ ઊભો કર્યો છે જેનો ખૂબ જ સાવચેતીથી સામનો કર્યા વગર છૂટકો નથી. મનોરંજનના બહાને ઇન્ટરનેટ અને ટેલીવીઝનના માર્ગે બિભત્સતા આપણા સંસ્કારોમાં રોગચાળાના સ્વરૃપે પ્રવેશી ગયેલ છે. આપણું યુવાધન આનો મોટામાં મોટો ભોગ બન્યું છે. કુમળી વયે તેમની બાલ્યસહજ નિર્દોષતા ઝૂંટવી લેવામાં આવી છે. પરિણામે વિદ્યાર્થી આલમ અને બીજા સામાજીક ક્ષેત્રોમાંથી વિનય અને નીતિમત્તા ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. આ રાક્ષસ તેનાં આપ્તજનો જેવાં કે વ્યભિચાર, સ્ત્રી અવહેલના, બળાત્કાર તથા બીજા અનેક સામાજીક દૂષણોને પ્રોત્સાહન પુરૃં પાડે છે. બાળકોની પ્રવૃત્તિ તરફની તેમનાં માતા-પિતાની અક્ષમ્ય ઉદાસીનતા, માનવીય મૂલ્યોના સદંતર અભાવ વાળું શિક્ષણ અને સરકારની શિક્ષણ પ્રત્યેની ઘોર નિષ્કાળજી સમગ્ર પ્રક્રિયામાં બળતામાં ઘી હોમી,આ મહામારીના ભસ્માસૂરને ફેલાવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે.

લોકોને ક્યારેક નવાઈલાગે છે કે બાળકો અને સ્ત્રીઓ તરફના નિર્લજ્જ વર્તનના કિસ્સાઓની વધતી સંખ્યા માટે બિભત્સ સાહિત્યનો ફેલાવો કેવી રીતે જવાબદાર હોઈ શકે? મુસાફરી માટેનું સાધન જેમ કાર અથવા સ્કૂટર છે, તેમ સ્ત્રીઓ પણ પુરૃષના જાતીય ઉપભોગ માટેનું એક સાધન માત્ર છે તે માન્યતા ઉપર જાતીય સાહિત્યનો પાયો સ્થપાયેલો છે. જોકે અહીં વાર્તા પૂરી થઈ જતી નથી. કારણ કે કાર અને સ્કૂટરની જેમ આ દૂષણ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતું નથી અને તે અનેક રૃપ ધરાવે છે. પ્રસારણ અને મનોરંજનના માધ્યમ દ્વારા આ આભાસી સુખનો ખ્યાલ તરૃણોના કુમળા માનસને તેમની કિશોરાવસ્થા દરમિયાન અભડાવે છે. હવે જરા આસપાસ નજર કરો. આપણે દૂરદર્શની વાત કરીએ. સાબુ, ટેલ્કમ પાવડર અથવા સુગંધ સામગ્રીની જાહેરાતોમાં સ્ત્રીઓને માધ્યમ બનાવાય તે તો જાણે સમજ્યા, પણ ટુથપેસ્ટ, ચોકલેટ, કપડાં, કાર જેવી વસ્તુઓની જાહેરાતોમાં પણ સ્ત્રીઓ! આનું કારણ છે તેમનો મૂળભૂત હેતુ. દર્શકોમાં રહેલી જાતીયતાની વૃત્તિને છંછેડવી તે તેમનું લક્ષ્ય છે. બાળમાનસ ઉપર તેની શી અસર થશે તેનો વિચાર કર્યો છે? નિર્દોષ બાલ્યાવસ્થાથી તેમના કુમળા માનસ ઉપર ‘જાતીય સામીપ્ય’ અને ‘ચુંબન તત્પરતા’ના પાઠ ભણાવવામાં આવે છે. આ પાઠ નહીં કુઠરાઘાત કહેવાય. તેમને પરોક્ષ રીતે શિખવવામાં આવે છે કે ‘માનવ જીવનનો જો કોઈ મુદ્રાલેખ હોય તો તે છે સૌંૈદર્યની મોહિનીના વરવા પ્રદર્શનથી વિજાતીય વ્યક્તિને આકર્ષવી.’

લોકોને ક્યારેક નવાઈ લાગે છે કે બાળકો અને સ્ત્રીઓ તરફના નિર્લજ્જ વર્તનના કિસ્સાઓની વધતી સંખ્યા માટે બિભત્ય સાહિત્યનો ફેલાવો કેવી રીતે જવાબદાર હોઈ શકે. વિષય-વાસનાના સાહિત્યમાં સ્ત્રીને ભોગવિલાસનું સાધન માત્ર ગણવામાં આવે છે. આ સિદ્ધાંત ઉપર વાસના-સાહિત્યની સંપૂર્ણ ઇમારત ઊભી છે. સાંપ્રત સમયમાં સંતોષ અને તૃપ્તિના નામે જે મૃગજળનો ખ્યાલ ઊભો કરવામાં આવ્યો છે તેને પારિવારિક અને સામાજીક માળખામાં ક્યારેય સંપૂર્ણ સંતોષ આપી શકાય નહીં. આ સમગ્ર પરિસ્થિતિ માટે લોભિયા મૂડીવાદીઓ પણ એટલા જ જવાબદાર છે. તેમનો ધ્યેય તો યેન કેન પ્રકારે પૈસા કમાવવાનો જ છે. આ માટે તેઓ માનવ સહજ ધોરણો અને નીતિમત્તાના લઘુત્તમ માપદંડોનો અગ્નિસંસ્કાર કરતા પણ અચકાતા નથી, લગ્નની સંસ્થા તો તેમને મન મરી પરવારી છે. આ પ્રવૃત્તિમાં મળતા દલ્લાએ જાતીય વેપલાના જઘન્ય કિસ્સાઓને જન્મ આપ્યો છે.

જાતીય સાહિત્ય અને જાહેરાતના ઠેકેદારોની જેમ, રીયાલીટી શોઝ અને બોલિવુડ સિનેમા પણ સ્ત્રીઓને એક જીવંત માનવીમાંથી નિર્જીવ વસ્તુમાં ખપાવવાની ઘોડદોડમાં પાછળ નથી. ‘શીલા’ ની જવાની અને ‘મુન્ની’ બદમાન શું સુચવે છે? આવાં ગીતો ઘણા સામાજિક પ્રસંગોમાં અનેક પરિસરોમાં વગાડવામાં આવે છે જ્યાં કહેવાતા આધુનિક ઉદાર વિચારધારા વાળા અને પશ્ચિમના રંગે (આંધળુકિયા કરીને) રંગાયેલા યુવાનો અને યુવતિઓ નૃત્ય કરે છે. તેમનું કહેવું છે કે આ તો માત્ર બે ઘડી મોજ અને મનોરંજન માટે છે. વિકાસનું દ્યોતક માનીને પશ્ચિમનું આંધળુ અનુકરણ કરનારા એ ભૂલે છે કે આ વિકાસ નથી પણ એક પાયાહીન મનગમતી કલ્પના માત્ર છે. અત્રે આપણે એક બાબતની નોંધ લઈએ. આવશ્યક છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશો જે સ્ત્રી-સ્વાતંત્ર્ય અને તેમના અધિકારનો ઝંડો લઈને ફરે છે તેમના જ દેશમાં બળાત્કાર અને સ્ત્રીઓ ઉપરના હુમલાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. આવા સંસ્કારો પાછળની ગાંડી દોડ એટલે સર્વનાશ તરફની ઝડપી કૂચ. આ પ્રક્રિયા આપણને એવા કાલખંડમાં ઘસડી જાય છે જ્યાં કલા અને સંસ્કૃતિના રૃપાળા પરદા પાછળ સ્ત્રીઓને સુખવાદી પુરૃષના આનંદ-પ્રમોદનું સાધન માત્ર ગણવામાં આવે છે.

ઘેંટાના ચામડામાં છુપાયેલા વરૃઓના પંજામાંથી મુક્ત થઈ, વાસ્તવિક પ્રશ્નોની ઊંડી તપાસ કરવાનો સમય પાકી ગયો છે. હવે કેસરિયાં કર્યા વગર છૂટકો નથી. આપણે જ પ્રારંભ કરવાનો છે. તમારા જીવનમાંથી આ દૈત્યને હાંકી કાઢો. જેકે, મહાત્મા ગાંધીએ કહ્યું, “સમાજને સુધારવો છે તો પ્રથમ તમે પોતે સુધરો. અને બીજી બાજુ ખરા દોષીઓ (લાલચૂ મૂડિવાદીઓ)ને ખુલ્લા પાડવા જોઈએ. આ ભૂતને આપણા સમાજમાંથી સત્વરે હાંકી કાઢવાની તાતી જરૃર છે. સરકાર, યુવા-સમાજ, શાળા-કોલેજ અને માતા-પિતાએ આ કાર્યનો તાત્કાલિક ધોરણે પ્રારંભ કરવો જોઈએ.”

… રશીદ મસૂદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments