Sunday, September 8, 2024
Homeપયગામપ્રેમ કરવાની ક્ષમતા વધારો

પ્રેમ કરવાની ક્ષમતા વધારો

સંબંધ કોઈ પણ હોય, માતા-પિતા કે સંતાનનો, પતિ-પત્નીનો, સાસ-વહુનો હોય, સાવકી માતાનો હોય, કોઈ પણ સંબંધ શેતાનનો બનાવેલો નથી કે તેના ખમીરમાં તિરસ્કાર કે નફરત હોય, બધા સંબંધો અલ્લાહે બનાવ્યા છે, પ્રેમ-સ્નેહના પાયા ઉપર બનાવ્યો છે, અને એ માટે બનાવ્યો છે કે તેમનેે વધારે પ્રેમ કરવામાં આવે અને સુંદર રીતે નિભાવવામાં આવે. સંબંધો તમારા જીવન અને તાજગી માટે પ્રેમ ઇચ્છે છે. પ્રેમ કરવાથી વ્યક્તિ શક્તિશાળી અને સ્વસ્થ રહે છે, અને જો પ્રેમ ન હોય તો કમજોર અને બીમાર થઈ જાય છે.

હૃદય પ્રેમ પેદા કરનાર મશીન છે, જોકે લોકો હૃદયને પ્રેમથી ચાલનાર મશીન સમજે છે. પોતાના હૃદયને સમજી નહીં શકવાના કારણે વ્યક્તિ વિચારે છે કે જયારે કોઈ મારાથી પ્રેમ કરશે ત્યારે જ હું તેમનાથી પ્રેમ કરીશ. આનો અર્થ એ થયો કે હૃદય સ્વંય પ્રેમ પેદા નથી કરી રહ્યો, બલ્કે બીજાનો પ્રેમ તેને મળે છે ત્યારે જ તે પ્રેમ કરવાનું કાર્ય કરી શકે છે અને એટલા જ સમય સુધી કરે છે અને એટલી જ હદ સુધી કરે છે, આનો મતલબ હૃદયને તેના ઊંચા દરજ્જાથી ઘટાવી દેવાનું છે. હૃદયને તો વ્યક્તિત્વમાં સૌથી મોટો દરજ્જો આપવામાં આવ્યો છે. હૃદય તો એ જનરેટર મશીન જેવો છે જે ઊર્જાને પોતે જ પેદા કરે છે, અને બીજા મશીનોને ચલાવવા માટે સપ્લાય કરે છે, હૃદય એ ઘણા બધી મશીનો જેવો નથી જે બહારની ઊર્જાથી ચાલે છે, અને ઊર્જા ન મળે તો ચાલવાથી ઇનકાર કરે છે.

સગાં-સંબંધીઓ વચ્ચે જો આ પ્રતીક્ષા કરવામાં આવે કે પ્રેમની શરૃઆત બીજો કરે અને અમે આ શરૃઆતનું સ્વાગત કરીએ, અને આ જ રીતે આજીવન બીજી બાજુથી પ્રેમની શરૃઆતની રાહ જોતા રહીએ, તો જાણી લો કે તમને પોતાના હૃદયની અસીમ ક્ષમતાનો અંદાજો નથી. આપણા સર્જનહારે આ શક્તિ ફકત હૃદયમાં રાખી છે કે તે પોતે શરૃઆત કરીને અર્ધ મૃત્ય પામેલ સંબંધોમાં જીવનનું મોજું દોડાવી દે, અને એક પછી એક બધા જ સંબંધોમાં વિજય પ્રાપ્ત કરતો જાય. બીજાઓ તરફથી પ્રેમની શરૃઆતની અપેક્ષા છોડીને પોતે જ પ્રેમની શરૃઆત કરી દેવી હૃદયના જીવન અને તંદુરસ્તીની એક મોટી દલીલ છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ નવો સંબંધી જીવનમાં દાખલ થાય છે તો આશંકાઓની એક નવી તરંગ દોડી જાય છે કે પ્રેમનો આ નવા વિભાજનમાં કોણ જાણે કોના કોના પ્રેમમાં કાપ મુકાશે, અને જ્યાં જ્યાં કાપ થાય છે, ત્યાં ત્યાં સંબંધોમાં કમજોરી આવે છે, અને તેના પર વિરોધ પણ કરવામાં આવે છે, જ્યારે સામેથી ફકત એ જ ઉત્તર મળે છે કે, “મુઝ સે પેહલી સી મુહબ્બત ન માંગ”. આ સમસ્યાનો ફકત એક જ ઉપાય છે અને તે આ છે કે દરેક નવા સંબંધની શરૃઆતમાં હૃદયની અંદર પ્રેમના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે, જેથી કોઈના પ્રેમમાં કાપ મૂકયા વગર નવા સંબંધોને ભરપૂર પ્રેમથી સીંચી શકાય.

એક વ્યક્તિનો હૃદય એક સાથે ઘણા બધા વ્યક્તિઓ સાથે પ્રેમ કરી શકે છે, અને દરેક સાથે ભરપૂર પ્રેમ કરી શકે છે. તે ઘણાં સંબંધોને સંતુષ્ટ કરી શકે છે, કારણકે હૃદયની આ વિશિષ્ટતા છે કે ઇચ્છે તો વધારે પ્રેમ પેદા કરી શકે. હૃદયની આ ખૂબીથી જે લોકો ગાફેલ છે અને પ્રેમના ઓછા ઉત્પાદનથી સંતોષ પામી લે છે, તેઓ સંબંધોને નિભાવવામાં નિષ્ફળ પુરવાર થાય છે.

આપણા ઘરોમાં સર્જાતી અનેક ગંભીર સમસ્યાઓના મૂળ કારણ આ હોય છે કે આપણે બીજા સુધી પ્રેમ મોટા પ્રમાણમાં નથી કરી શકતા, આના કારણે એવી એવી સમસ્યાઓ અને ઝઘડાઓ ઊભા થાય છે કે જેનો ઉકેલ કોઈની સમજમાં નથી આવતો. પ્રેમમાં જાદૂઈ અસરકારકતા હોય છે. એ ઘણી બધી સમસ્યાઓને ભુલાવી દે છે અને બધી ફરિયાદોને શાંત કરી દે છે, અને જ્યારે પ્રેમમાં કોઈ કાપ મૂકાય છે તો મુશ્કેલીઓ ઊભરી આવી છે અને ફરિયાદો જાગી જાય છે, વ્યક્તિ પરેશાન થઈને દુનિયાભરમાં ઉકેલ શોધે છે, જો કે ઉકેલ તો તેની બહુ નજીક હોય છે, ચોક્કસ તેના હૃદયની અંદર.

આપણી જેમ આપણું હૃદય પણ આરામ પસંદ અને સગવડ પસંદ હોય છે. તે પ્રેમ પેદા કરવાના પ્રયત્નોથી ભાગે છે, તેથી તે એટલા જ પ્રોડકશન પર સંતોષ પામે છે જેનો તે બંધાણી છે. બધા જ સંબંધોને નિભાવવા માટે ફરજિયાત છે કે હૃદય પર દબાણ લાવીને તેને વધારે પ્રેમ કરવાનો વ્યસની બનાવવામાં આવે, અને જરૂરત પ્રમાણે પ્રેમના ઉત્પાદનને વધારવામાં આવે. ઉત્પાદન વધારવાના કારણે શરૃઆતમાં ઓવરલોડ થઈ જાય જેવી રીતે પરિશ્રમ અને થાકનો અનુભવ થાય છે. જો કે, ટૂંંક સમયમાં જ આપણું હૃદય વધારે પ્રેમ કરવાનો બંધાણી બની જાય છે. પછી સંબંધોની સુંદરતામાં નિખાર આવી જાય છે, જોમ પણ વધી જાય છે, અને જીવન ખૂબ જ આહ્લાદક બની જાય છે.

અલ્લાહના રસૂલ સ.અ.વ. પોતાના પ્રિયજનથી એવો પ્રેમ કરતા હતા કે, એ પ્રિયજનને લાગતું કે અલ્લાહના રસૂલ સ.અ.વ. સૌથી વધારે પ્રેમ મારાથી કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments