Saturday, November 2, 2024
Homeમનોમથંનફરજનિષ્ઠા અને પ્રમાણિકતા માટે પુરસ્કાર કે દંડ?

ફરજનિષ્ઠા અને પ્રમાણિકતા માટે પુરસ્કાર કે દંડ?

ગુજરાત કેડરના એક આઈ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટને તાજેતરમાં જામનગરની અદાલતે કસ્ટોડિયલ ડેથના ગુનામાં આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ કેસના ચુકાદા સામે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને તેનો ચુકાદો તેમની તરફેણમાં પણ આવી શકે છે.

પરંતુ આ કેસનો ચુકાદો ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કે અગાઉ આ કેસમાં રાજ્ય સરકારે સંજીવ ભટ્ટ સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપી ન હતી અને જ્યારે ઇ.સ. ૧૯૯૫ સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી ન થઈ તો ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટ ઉપર ચાલતા કેસ ઉપર સ્ટે મુક્યો, અર્થાત્‌ સ્થગિત કરી દીધો.

આ કેસ ઈ.સ. ૧૯૯૦નો હતો જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી હતી. બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ ભારત બંધનું આયોજન કર્યું હતું. આવા જ એક બંધનું આયોજન ગુજરાતના જામનગરમાં કરવામાં આવ્યું હતું જ્યાં સંજીવ ભટ્ટ એએસપી હતા. પોલીસે ૧૩૦ તોફાનીઓની ધરપકડ કરી હતી જેમાં પ્રભુદાસ નામના યુવક પણ સામેલ હતાં. પોલીસ કસ્ટડીના ૧૮ દિવસ પછી પ્રભુદાસનું મૃત્યુ થયું. પ્રભુદાસના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈનું મૃત્યુ પોલીસ કસ્ટડીમાં એમની સાથે કરવામાં આવેલ મારપીટના કારણે થયું છે.

આ બાબતે કેટલીક હકીકતો ધ્યાને લેવા યોગ્ય છે. ધરપકડના ૯ દિવસ પછી પ્રભુદાસને જામીન મળી ગયા હતા અર્થાત્‌ તેમનું મૃત્યુ જેલમાં થયું ન હતું. વળી સ્વાસ્થ્યના રિપોર્ટમાં એમનું મૃત્યુ કિડનીની સમસ્યાના કારણે થયું હોવાનું જણાવું હતું. વળી પ્રભુદાસના શરીર ઉપર આંતરિક કે બાહ્ય ઇજાના નિશાન પણ ન હતા.

સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે જણાવ્યું છે કે આ ધરપકડો પણ સંજીવ ભટ્ટે કરી ન હતી બલ્કે તેઓ જામનગર પહોંચે એ પહેલાં ધરપકડ થઈ ચુકી હતી. અને એ મૃત્યુ પણ કસ્ટડીમાં થઈ ન હતી પરંતુ વેશનાણી હોસ્પિટલમાં દાખલ હતો અને તેના ત્યાંથી રજા મળી અને એ બહાર આવ્યા ત્યારે એનું મૃત્યુ થયું. આ સંજાગોમાં એને કસ્ટોડિયલ ડેથ માનવા અંગે શંકા ઉદ્‌ભવે છે.

વળી આ જ કેસમાં સંજીવભટ્ટ અને અન્ય પોલીસ કર્મીઓ ઉપર મૂકવામાં આવેલા આક્ષેપોમાં વજૂદ ન હોવાના કારણે સીઆઈડીએ પોતાના તપાસ અહેવાલમાં સંજીવ ભટ્ટ સાથે એનો કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું અને આથી તત્કાલીન ગુજરાત સરકારે ભટ્ટ સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપી ન હતી. અને જ્યારે આ બાબતમાં ઈ.સ. ૧૯૯૫ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન થઈ તો ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની સામેના કેસ ઉપર ‘સ્ટે’ આપી દીધો.

પરંતુ આ કેસમાં ખરો વળાંક એસઆઈટી દ્વારા કરવામાં આવેલ ગુજરાતના રમખાણોની તપાસ દરમ્યાન આવ્યો. સંજીવભટ્ટે ફરી વાર શરૂ થયેલ સુનાવણી દરમ્યાન જણાવ્યું કે તેમને એસઆઈટી ઉપર ભરોસો નથી, કારણ કે આ બાબત સાથે સંકળાયેલા જે ૩૦૦ સાક્ષીઓની જુબાની લેવાની હતી એ પૈકી માત્ર ૩૬ની જ જુબાની લેવામાં આવી છે. જે લોકો પ્રભુદાસના મૃત્યુ અંગે સંજીવ ભટ્ટને દોષિત માનતા નથી એમની જુબાની તો લેવામાં આવી જ નથી. સંજીવ ભટ્ટે આ બાબતે સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું રજૂ કર્યું જેના જણાવ્યાનુસાર ગોધરા કાંડ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ની સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલ એક સુરક્ષા બેઠકમાં તેઓ મોજૂદ હતા. અને તેમાં મોદીએ કથિત રીતે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે હિંદુઓને પોતાના ગુસ્સો કાઢવાની તક આપવી જાઈએ. સાદા શબ્દોમાં કહીએ તો સંજીવ ભટ્ટના મતે નરેન્દ્ર મોદી મુસલમાનોથી બદલો લેવાની વાત કહી રહ્યા હતાં. અંતે એ વાત નોંધવી ઘટે કે માજી ગૃહમંત્રી હરેન પંડ્યાએ પણ આવી જ બાબતનો ઉલ્લેખ નાગરિક તપાસ પંચ સમક્ષ કર્યો હતો.

હરેન પંડ્યા પણ એ બેઠકમાં સામેલ હતાં જેનો ઉલ્લેખ સંજીવ ભટ્ટે કર્યો છે અને તેમની હત્યા સોહરાબુદ્દીન દ્વારા કરી દેવામાં આવી. હરેન પંડ્યા નરેન્દ્ર મોદી અંગે ખાનગી માહિતી જાણતા હોવાનું મનાય છે. નરેન્દ્ર મોદીને તેમની સાથે અણબનાવ હતો અને બન્ને એકબીજાના પ્રતિસ્પર્ધી હતા.

હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી. કેસના સંબંધિત એક સાક્ષી દ્વારા  જણાવ્યા મુજબ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિએ ડીજી વણઝારાના કહેવાથી ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરી હતી. સૌ જાણે છે કે વણઝારા મોદીના અંગત નોકરશાહ હતા. ત્યારબાદ સોહરાબુદ્દીનની પણ બનાવટી એન્કાઉન્ટરમાં હત્યા કરી દેવામાં આવી. આમાં અમિત શાહની ભૂમિકા હોવાનું કહેવાય છે જા કે આ બાબત તપાસનો વિષય છે.

તુલસીરામ પ્રજાપતિ પણ આ કેસ સાથે સંકળાયેલ હોવાના કારણે તેની હત્યા પણ નક્કી હતી અને તેઓ પણ એક બનાવટી એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

બે એક વર્ષ અગાઉ આ કેસની સુનાવણી કરી રહેલ જસ્ટિસ લોયા પણ રહસ્યમય સંજાગોમાં મૃત્યુ પામ્યા. આ મુદ્દે પણ આંગળી ચીંધવામાં આવે છે.

આ બાબતો ધ્યાને લઈ શ્રી સંજીવ ભટ્ટને નિમણૂંકવાળા હોદ્દાનો હવાલો નહીં સંભાળવા, ઉચ્ચ અધિકારીઓના આદેશોનું પાલન નહીં કરવાના આક્ષેપો મૂકી તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા. તેમણે એ વખતે જણાવ્યું કે મેં મારા અંતરાત્માનો અવાજ સાંભળી જે કાંઈ પણ કર્યું છે એનો મને કોઈ રંજ નથી. એમના દીકરા શાન્તનુ ભટ્ટને પણ પોતાના પિતાના કારનામા ઉપર ગર્વ છે. તમામ ન્યાય પ્રિય અને લોકશાહી પ્રેમી ભારતીયોને ગર્વ છે.

સંજીવ ભટ્ટ, રાહુલશર્મા, રજનીશ રાય, સતીષ શર્મા અને આર.બી.શ્રી કુમાર જેવા પોલીસ અધિકારીઓની સામે ઢગલાબંધ કેસો ઉભા કરી તેમને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી.

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના એક વરિષ્ઠ ન્યાયધીશને પણ કોલેજિયમની ભલામણ છતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક અપાવવામાં નથી આવી. તેમણે શ્રી અમિતશાહને બે દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો અને ગુજરાતમાં શ્રી આર.એસ. મહેતાની લોકપાલ તરીકેની નિમણૂંક કાયદેસર ઠરાવી હતી.

પ્રજાએ ન તો શ્રી સંજીવ ભટ્ટની બરતરફીમાં તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે અને ન જ જસ્ટિસ કુરૈશી સાથે થયેલ અન્યાય અંગે કોઈ રોષ કે વિરોધ વ્યક્ત કર્યો છે. જાકે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા શ્રી કુરૈશી સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું છે.

કદાચ પ્રજા એ ભૂલી જાય છે કે ફરજનિષ્ઠ અને પ્રમાણિક વફાદાર અમલદારો નહીં હોય તો તેમના નાગરિક હક્કો પણ સલામત નહીં રહે, અને એક દિવસ તેઓ પોતે પણ આવા જ અન્યાય અને વેરવૃત્તિનો ભોગ બની શકે છે. –•–

(લેખક ‘શાહીન સાપ્તાહિક’ના માજી તંત્રી છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments