Friday, December 13, 2024
Homeપયગામફળ જ્યોતિષ; એ નરી અંધશ્રદ્ધા છે

ફળ જ્યોતિષ; એ નરી અંધશ્રદ્ધા છે

સવારે સમાચારપત્ર હાથમાં લીધુંને તેમાંથી કાગળનો એક ટુકડો નીચે પડયો. મે કુતુહલવશ તેને ઉઠાવી લીધો અને એક નજર જોઈ મારા પાસે બેઠેલા મારા મિત્રને હસ્તા હસ્તા વ્યંગ કરતા કહ્યું, અહિં જતો રહે તારી બધી મનોકામના પૂરી થઈ જશે. એણે જોયુ અને અદૃહાસ્ય કરી. એ કાગળના ટુકડા પર એક દેવી શક્તિ ઉપાસ જ્યોતિષની જાહેરાત હતી. જેમાં તેની ઉપર આશરે ૧૫ થી ૧૭ દેવીઓની કૃપાનો ઉલ્લેખ હતો અને તેમાં દરેક પ્રકારની સમસ્યાનો સમાધાનની ખાતરી આપવામાં આવી હતી. એમાં પ્રેમ, લગ્ન, સંતાનસુખ, વ્યાપારમાં લાભ, પ્રમોશન, પતિ-પત્નિના ઝગડા, મેલી વસ્તુનો નિકાલ, ગ્રહદોષ, ઘરમાં અશાંતિ, પાર્ટનરશિપમાં પ્રોબ્લેમ, ખાનગી સમસ્યાઓ વગેરેના નિવારણનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું અને સમસ્યાનું લાઈફ ટાઇમ સોલ્યુશનની ગેરંટી ૨૪ કલાકમાં આપવામાં આવી હતી. આવી જ પ્રકારની એક જાહેરાત એક યાત્રા દરમિયાન બસમાં ચોટાડેલા એક સ્ટીકર પર પડી જેના ઉપર સાઇબાબાનો ફોટો હતો અને લખેલું હતું મિયાં ફરીદ બાબાને મળો અને ૧૦૦% તમારી સમસ્યાનું નિકાલ લાવો. ઉપર મુજબ પ્રકારના દાવાઓ તેમાં પણ લખેલા હતા પહેલી જાહેરાત વાંચી ત્યારે મે વિચાર્યું હતું કે હિંદુ ધર્મમાં ફળજ્યોતિષનો ઉલ્લેખ છે તેથી મને કોઈ નવાઇ ન હોતી લાગી પરંતુ જ્યારે ફરીદ બાબાની જાહેરાત વાંચી તો મને લાગ્યું કે હિંદુ સંસ્કૃતિનો એટલો બધા પ્રભાવ થયો છે કે મુસલમાનોમાં પણ અમુક લોકો તેમાં વિશ્વાસ ધરાવતા થઈ ગયા છે. મને થોડુ દુઃખ થયું કે વિજ્ઞાનની આટલી બધી પ્રગતિ છતાં માણસ કેવા અંધકારયુગમાં જીવી રહ્યો છે. એક કવિએ સાચું જ કહ્યુ છે,

વો એક સજદા જિસે તુ ગિરા સમઝતા હૈ,
હજાર સજદો સે દેતા હૈ આદમી કો નિજાત

આ જ પ્રકારના કૃત્યો છે જે શ્રદ્ધાને શંકાના વર્તુળમાં લાવીને મૂકી દે છે. અને એક વિવેકપંથી કે તર્કશાસ્ત્રી જ્યારે ધર્મના નામે ચાલતી આવી ધતિંગને જુએ છે તો તે ધર્મને જ વખોડવા લાગે છે. અને સત્ય અને સાચી શ્રદ્ધાને પણ ‘અંધશ્રદ્ધા’ના ખાનામાં મૂકી દે છે.

અલ્લાહ (ઇશ્વર)નો ભય વ્યક્તિની પ્રકૃતિમાં છે અને જ્યારે વ્યક્તિ સાચા પ્રભુ અને પાલનહારને ન પામી શક્યો હોય તો તે સૃષ્ટિના બીજા સર્જન પ્રત્યે આ ભય દર્શાવે છે. તેના પ્રકોપથી બચવા અથવા તેમને પ્રસન્ન રાખવા તેમની પૂજા ઉપાસના કરવા લાગે છે. આ બધા ક્રિયાકાંડ કોઈ ઠોસ જ્ઞાન પર કે ઇશવાણી પર આધારિત નથી હોતા. બસ પોતે અથવા કહેવાતા વિદ્વાનો દ્વારા ઘડી કાઢેલા હોય છે. જેના પાછળ તેમના સ્વાર્થ છુપાયેલા હોય છે. માણસે પૃથ્વીને આંબી છે પરંતુ પોતાની જાતને આંબી શક્યો નથી. ધંધા, વ્યાપાર, શિક્ષણ, લગ્ન, મિત્રતા વગેરે બાબતોમાં તે પોતાની તર્કબુદ્ધિનો ખૂબ ઉપયોગ કરે છે. લેવડ-દેવડ અને વસ્તુઓ પારખામાં માનસના બધા બારી બારણા ખુલા રાખે છે પરંતુ જ્યાં માન્યતા અને શ્રદ્ધાની વાત આવે ત્યાં ચર્ચા વિચારણાના બધા માર્ગો બંધ કરી દે છે.

વ્યક્તિ તેની બુદ્ધિ ઉપર સહજ ભાર મૂકે તો પણ તેને આ વાત સહેલાઈથી સમજાઈ જશે કે વ્યક્તિ, કુટુંબ, સમાજ ઉપર આ ગ્રહોનો કશો પ્રભાવ હોતો નથી. આજે દરેક વ્યક્તિ પાસે ઇચ્છાઓનો ભંડાર છે. દુનિયાની બધી જ સુખ-સુવિધા એકઠી કરવા માગે છે. કોણ વ્યક્તિ હશે જે એમ વિચારતી હોય કે તે દુખી તથા નર્કસમાન જીવન જીવે?! દરેક વ્યક્તિ પાસે સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, અડચણો છે અને અવરોધો છે અને દરેક વ્યક્તિ તેમાંથી ઉગરવા માગે છે, ઉકેલ ઇચ્છે છે. નિરાકરણ ચાહે છે. જો માત્ર નક્ષત્રો કે ગ્રહોના પૂજાપાઠ થકી જ ત્વરીત સમાધાન મળતો હોય તો કોણ આ તક જવા દે! પરંતુ પ્રશ્ન આ થાય છે કે શું આ નક્ષત્રો કે ગ્રહો પાસે પોતે કંઇક શક્તિ છે ખરી કે જેથી તેઓ વિઘ્ન દૂર કરી શકતા હોય અથવા સમાધાનમાં મદદ કરી શકતા હોય.!! ના, તેઓ પોતે પ્રકૃતિના કાયદાના પાબંદ છે અને તેમના સર્જનહારે તેમને જે સેવા બજવવા કર્યા છે. તે સંપૂર્ણપણે કરી રહ્યા છે. તેઓ પોતે પોતાની ઇચ્છા મુજબ હરી ફરી શકતા નથી. કરોડો વર્ષોથી તેઓ નિર્ધારિત પરિધિમાં જ તરી રહ્યા છે. પોતાના અસ્તિત્વ ઉપર જેમને આધિપત્ય ન હોય તે કરોડો માઈલ દૂર પૃથ્વી પર વસ્તા કરોડો લોકોના નિત્યક્રમમાં પ્રભાવ પેદા કરી શકે. કેવી રીતે શક્ય છે?!!! અસંભવ. “તેણે તમારી ભલાઈ માટે રાત અને દિવસને તથા સૂર્ય અને ચંદ્રને આધીન કરેલા છે અને બધા તારાઓ પણ તેના જ આદેશથી આધીન છે. આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે.” (સૂરઃ નહ્લ-૧૨)

વિજ્ઞાને આટલી પ્રગતિ કરી છે પરંતુ અત્યાર સુધી એવો કોઈ ઘટસ્ફોટ કર્યો નથી કે આ નક્ષત્રો અને ગ્રહો માનવી જીવન સાથે સંબંધ ધરાવે છે. દુનિયાભરમાં દિન પ્રતિદિન વિવિધ ઘટનાઓ બને છે. ક્યાંક વરસાદ છે તો ક્યાંક ભુકંપ છે, ક્યાંક યુદ્ધો થાય છે તો ક્યાંક શાંતિની મંત્રણા થઈ રહી છે. ક્યાંક જીવન ખોરવાઈ રહ્યું છે તો ક્યાંક પ્રેમની શરણાઈ વાગી રહી છે. કોઈનો વ્હાલો મૃત્યુ પામી રહ્યો છે તો ક્યાંક કોઈ કુટુંબમાં નવુ પુષ્પ ખિલી રહ્યું છે. આવી વાત કરવી કે ફલાણી ઘટના ફલાણા ફલાણા ગ્રહના કારણે છે આ તદ્દન પાયાવીહોણી, બુદ્ધિવિહિન અને ખોટી વાત છે. એક ગ્રહનું લાખો-કરોડો લોકો પર એક સમયમાં વિવિધ પ્રકારનો પ્રભાવ કેવી રીતે પડે છે એ બિલ્કુલ તર્કહીન વાત છે.

નક્ષત્રો, ધૂમકેતુઓ અને ગ્રહોનું માનવી જીવન પર પડતા પ્રભાવની સત્યતા પારખવાની ત્રીજી વસ્તુ અનુભવ છે. શું અનુભવ પરથી આ સાબિત થાય છે. હું તેમાં ન માનનારા લોકોથી નહિ જે લોકો આવી તથ્યહીન માન્યતા ધરાવે છે. તેમનાથી જ પુછુ છું, શું તેમણે સુખી જીવન કે સફળ વ્યવસાયી બનવા કે ઇચ્છિત પાત્રને પ્રાપ્ત કરવા વગેરે માટે જે વિધિઓ કરાવી હતી શું તેમાં તે સંપૂર્ણ પણે સફળ છે? ચોઘડીયા જોઈને લગ્નના મુર્હત કરતા પાત્રોના છુટેછેડા નથી થતા? શું ફલ જ્યોતિષઓની સલાહ મુજબ ધંધા કરનારાને નુકસાન નથી થતું? શું તંત્રમંત્રની વિધિ કરાવી કાર્ય શરૃ કરનારાના જીવનમાં વિઘ્ન નથી આવતા? હું પૂછું છે કે ભવિષ્ય વેત્તા આ ફળ જ્યોતિષીઓ શું પોતાના જીવનમાંથી વિઘ્નો દૂર કરી શકયા છે? દુનિયામાં લોકોનો એક સર્વમાન્ય નિયમ છે કે ‘પહેલુ સુખ તે જાતે નર્યા’. શું તેમના જીવન આ વાતના સાક્ષી છે કે તેમને કોઈ દુખ, વિઘ્ન, આચરણ કે અવરોધ નડતા નથી. નક્ષત્રોના પ્રભાવની માન્યતા ખોટી અને પાયાવિહોણા હોવા આ વાત જ પૂર્તી છે. બધુ જ થાય છે જીવન એ પરિવર્તનનું નામ છે અને દરેક ઘડી પરિવર્તન થઈ રહ્યું છે. સુખ, દુખ, જીવનના ભાગ છે. જીવનની વાસ્તવિક્તા અને તેના હેતુને સારી રીતે સમજીશું તો દુનિયામાં બધી જ ઘટતી ઘટનાઓ સમજમાં આવવા લાગશે. વાસ્તવમાં જીવન એક પરીક્ષાખંડ છે અને અહિં રહી દરેક વ્યક્તિની વિવિધ રીતે પરીક્ષા લેવાઈ રહી છે અને તેના પરિણામ બીજી દુનિયા (પરલોક)માં મળવાના છે.

ફળજ્યોતિષિઓ જન્માક્ષર, હસ્તરેખા કે ફોટો વગેરે જોઈને જે ભવિષ્યવાણીઓ કરતા હોય છે તે સાવ કાલ્પનિક અને અનિશ્ચનીય હોય છે, બનાવટી હોય છે. નક્ષત્રો ધૂમકેતુઓ કે ગ્રહો જીવન ઉપર પ્રભાવ પાડે છે આ શ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા છે, માન્યતા છે, શિર્ક છે અને આપણે જો સાચા અર્થમાં એકેશ્વરવાદી બનવા માગતા હોય તો શિર્કથી પોતાની જાતને પવિત્ર કરવી પડશે.

અહિં સચ્ચિદાનંદજીને કોડ કરવાનું ગમશે.
“ધર્મ, ઉપાસના કે કર્મકાંડ જ્યારે આજીવિકાનું એક માત્ર સાધન બની જાય છે, ત્યારે તેમાં વ્યાપારી વૃત્તિ અને અધિકારવાદ આવ્યા વિના રહેતો નથી. જ્યાં જ્યાં આવું થાય છે ત્યાં ત્યાં પ્રજા શોષિત અને અન્યાયનો શિકાર થતી જાય છે. દુખી માણસ ક્યારેક શક્તિઓ તરફ વળે ત્યારે તે આજીવિકોની પ્રચાર જાળમાં આવી જાય છે. કર્મકાંડોથી એ વધુ નિર્બળ બને છે. દૂર-દૂરના ગ્રહો વ્યક્તિના જીવનમરણ તથા ઉત્થાન-પતનમાં અમાપ ભાગ ભજવી રહ્યા છે,એવી માન્યતાઓએ માણસને વધુને વધુ પંગુ બનાવ્યો છે.”

અહિં એક ગેરસમજ પણ દૂર કરવાની જરૃર લાગે છે. Astronomy (જ્યોતિષિ)નો અર્થ મોટા ભાગે લોકો ભવિષ્ય જોઈ આપવાનું શાસ્ત્ર એમ માને છે તેનો ખરો અર્થ ગણિત તથા ખગોળ જ્યોતિષ ભુલાઈ ગયો છે. અને Astrology (ફળ જ્યોતિષ) ને જ જ્યોતિષ માની બેઠા છીએ. જ્યોતિષ શબ્દનો અર્થ છે આકાશના જ્યોતિયુક્ત પદાર્થો (તારા, ગ્રહો, નક્ષત્રો વગેરે)નો શાસ્ત્રીય અભ્યાસ રજૂ કરતુ જ્ઞાન જે ખગોળશાસ્ત્રના પર્યાય તરીકે પ્રયોજાય છે પરંતુ Astrologers (ફળ જ્યોતિષીઓ)એ ‘ભાવિનુ જ્ઞાન કરાવનારી વિદ્યા’ એવો કર્યો અને તેનો ઉપયોગ અજ્ઞાન, અબુધ લોકાને છેતરવા માટે કરવા માંડયા. જે શાસ્ત્ર લોકોને અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું કારણ બની શકતું હતું તે લોકોને પ્રકાશમાંથી અંધકારમાં દોરી જવાનું કારણ બની ગયો.

Astronomy (ખગોળશાસ્ત્ર) એટલે બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નિહારિકા, ઉલ્કા, નક્ષત્ર, ધૂમકેતુ, આકાશગંગા વગેરે નાના મોટા અનેક પદાર્થો વિશેના જ્ઞાન વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર. શક્તિશાળી દૂરબીન અને બીજા વેજ્ઞાનિક ઉપકરણોથી વધુ માહિતી મેળવવાનો માનવીના પ્રયત્નો અને અભ્યાસ માનવીને એક મોટા ગણિતજ્ઞ, એટલે સર્જનહાર (અલ્લાહ) તરફ દોરી શકાય છે. ‘ફળ જ્યોતિષ’ એટલે ગ્રહની મનુષ્યની સ્થિતિ ઉપર થતી શુભ-અશુભ અસર જાણવાનું શસ્ત્ર. ખોટો વિચાર હંમેશા ખોટી માન્યતાને જન્માવે છે અને આ જ કારણે ગ્રહો નક્ષત્રો વગેરેને દેવતા માની તેમની પૂજા ઉપાસના શરૃ થઈ.

ઇસ્લામ Astronomy (ખગોળશાસ્ત્ર)ને યોગ્ય જ નથી ગણતુ બલ્કે તેમાં વિચાર મનન કરવા પ્રોત્સાહન આપે છે જ્યારે કે Astrology (ફળ જ્યોતિષ)ને અમાન્ય જ નહીં બલ્કે શિર્ક કહે છે.

જે ફળ જ્યોતિષીઓ ભવિષ્ય બતાવે છે એ તદ્દન ઝૂઠ છે. ભવિષ્ય અલ્લાહ સિવાય કોઈ જાણતુ નથી.

અલ્લાહ ફરમાવે છે, “આમને કહો, અલ્લાહ સિવાય આકાશો અને ધરતીમાં કોઈ અદૃશ્યનું જ્ઞાન ધરાવતું નથી અને તે (તમારા ઉપાસ્યો તો એ પણ) નથી જાણતા કે ક્યારે તેઓ ઉઠાવવામાં આવશે ?” (સૂરઃ નમ્લ-૬૫) “તેના જ પાસે ગેબ (અદૃશ્ય)ની ચાવીઓ છે જેને તેના સિવાય કોઈ નથી જાણતું. સમુદ્ર અને ભૂમિમાં જે કંઈ છે, બધાથી તે વાકેફ છે. વૃક્ષ પરથી પડનાર કોઈ પાંદડું એવું નથી જેની જાણ તેને ન હોય. ધરતીના અંધારા પડોમાં કોઈ દાણો એવો નથી જેનાથી તે વાકેફ ન હોય. સૂકું અને લીલું બધું જ એક ખુલ્લા ગ્રંથમાં લખેલું છે.” (સૂરઃ અન્આમ-૫૯)

ગ્રહો કે તારાઓના સર્જનનું કારણ બતાવતાં તેમજ તેમાં વિચાર-મનન કરવા બાબત કુઆર્નમાં ઘણી બધી આયતો છે. હું અહીં બે-ચાર ઉદાહરણ જ આપું છું.

“જેણે સૂર્ય અને ચંદ્રને તમારા માટે વશમાં કર્યા કે અવિરત ચાલી રહ્યા છે અને રાત એન દિવસને તમારા માટે કામે લગાડયા.” (સૂરઃઇબ્રાહીમ-૩૩). “તેણે ધરતીમાં રસ્તો બતાવનારી નિશાનીઓ મૂકી દીધી, અને તારાઓમાંથી પણ લોકો માર્ગ પામે છે.” (સૂરઃ નહ્લ-૧૬) “તે જ છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને ચમક આપી અને ચંદ્રની વધઘટની મંજિલો ચોક્કસપણે નિર્ધારિત કરી દીધી જેથી તમે તેના વડે વર્ષો અને તારીખોનો હિસાબ જાણો. અલ્લાહે આ બધું સત્યપૂર્વક જ પેદા કર્યું છે. તે પોતાની નિશાનીઓ વિસ્તારપૂર્વક દર્શાવી રહ્યો છે તે લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે.” (સૂરઃ યુનૂસ-૫)

“અને તે જ છે જેણે તમારા માટે તારાઓને ભૂમિ અને સમુદ્રના અંધારાઓમાં રસ્તો જાણવાના સાધન બનાવ્યા. જુઓ, અમે નિશાનીઓ ખોલી-ખોલીને વર્ણવી દીધી છે, તે લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે.” (સૂરઃ અન્આમ-૯૭) “ભલે, તો શું આમણે ક્યારેય પોતાના ઉપર આકાશ તરફ જોયું નથી ? કેવી રીતે અમે તેને બનાવ્યું અને શણગાર્યું, અને તેમાં કયાંય કોઈ વિઘ્ન કે ત્રુટિ નથી.” (સૂરઃ કૉફ-૬) “સૂર્ય અને ચંદ્ર એક હિસાબના પાબંદ છે તથા તારા અને વૃક્ષો સૌ સિજદામાં છે.” (સૂરઃ રહમાન-૫,૬) “હકીકતમાં તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં પેદા કર્યા, પછી પોતાના રાજ-સિંહાસન પર બિરાજમાન થયો, જે રાતને દિવસ ઉપર ઢાંકી દે છે અને પછી દિવસ રાતની પાછળ દોડતો આવે છે, જેણે સૂર્ય અને ચંદ્ર અને તારા પેદા કર્યા. સૌ તેના આદેશને આધીન છે. સાવધાન રહો ! તેની જ સૃષ્ટિ છે અને તેની જ આજ્ઞા છે. અત્યંત બરકતવાળો છે અલ્લાહ ! સમસ્ત સૃષ્ટિનો માલિક અને પાલનહાર !” (સૂરઃ આ’રાફ-૫૪)

દ્રષ્ટિ હોય તો જુઓ :

વ્યક્તિ જો સત્યને પામવા માગતી હોય અને સાચા અર્થમાં એકેશ્વરવાદી (તોહીદપરસ્ત) બનવા માગતી હોય તો તેને માત્રને માત્ર પોતાના સર્જનહાર પર જ વિશ્વાસ કરવો જોઈએ. અલ્લાહ તઆલાએ સમગ્ર સૃષ્ટિને માનવની સેવા કરવામાં પેદા કરી છે. ગ્રહો, તારાઓ કે બ્રહ્માંણોની બીજા સર્જનો પાસે કોઈ શક્તિ નથી. આ એક અંધશ્રદ્ધા છે જે ભારતમાં જ નહીં દુનિયાના બીજા ધર્મોમાં પણ મળે છે. ૧૪૦૦ વર્ષ પહેલાના આરબો પણ તેમાં વિશ્વાસ ધરાવતા હતા. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ લોકોને આ શિર્કથી પવિત્ર કર્યા અને સાચા એકેશ્વરવાદી બનાવ્યો. ચાલો, આ જ પ્રકાશને ફેલાવવા તત્પર થઈએ.

– sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments