Friday, December 13, 2024
Homeઓપન સ્પેસબાગો મેં બહાર હૈ!!!

બાગો મેં બહાર હૈ!!!

એક હતો ગીધ અને એક હતો શ્વેત કાગડો. બન્નેમાં ગાઢ મિત્રતા હતી. એક દિવસ તેમને વિચાર આવ્યો કે આપણા પક્ષીઓની દુનિયામાં આપણી પરિસ્થિતિ કેટલી ખરાબ છે. બધે પારેવાની બોલબાલા છે. દરેક જગ્યાએ એને જ પૂછવામાં આવે છે. આપણે કઇક એવું કરીએ કે બધે આપણી ભક્તિ થાય. તેઓે પક્ષીરાજ ગરૃડના પાસે ગયા અને કહ્યું કે, “પાંચ વર્ષ માટે આખા વનનું સંચાલન અમારે કરવું છે.”

તમે શું કરવા માંગો છો?

તેમણે ગરૃડને સુંદર સ્વપ્ન દેખાડયું અને કહ્યું, “અમે આખા વનને સ્વર્ગમાં પરિવર્તિત કરીશું. પક્ષીઓની સુરક્ષા કરીશું. વનનો અભૂતપૂર્વક વિકાસ કરીશું. મરઘાઓના હક અપાવીશું. માદા પક્ષીઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ રહીશું. દરેક ચકલીઓને માળા બંધાવી આપીશું. પક્ષીઓમાં સંગ્રહખોરીનો જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના ઉપર તરાપ મારી દરેક પક્ષીને ખાવાનું મળે તે નિશ્ચિત કરીશું. કાબેલિયત છતાં જેમને કામ નથી મળતું તેમના માટે નવા નવા ખેતરોની વ્યવસ્થા કરીશું. તેમની વચ્ચે સ્વરૃપ, વંશ કે રંગને લઈને જે અસ્પૃશ્તા જેવી હીન ઘટનાઓ બને છે તે નિર્મૂળ કરી પક્ષી જગતના બંધારણ મુજબ સર્વેને સમાનતા અને ન્યાયની વ્યવસ્થા કરીશું…”

ગરૃડરાજ વનમાં શાંતિ અને સમતા, વિકાસ અને પ્રગતિની વાતોથી પ્રભાવિત થઈ ગયો અને મલકાતા મલકાતા પ્રશ્ન પૂછયો, “એ તો બરાબર પરંતુ માછલીઓનું શું? પાણીમાં રહેવું તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. તળાવો માટે તમે શું કરશો?”

કાગડાએ કહ્યું, “મહારાજ અમે તેના અધિકારોની રક્ષા કરીશું.”

ગરૃડએ માથું હલાવતાં કહ્યું, “સારૃં પારઘીનું શું કરશો જે આપણા ભાઈઓનો શિકાર કરતો ફરે છે?”

“મહારાજ, તમે તણાવમુક્ત થઈ જાઓ. અમે ગીધોની મજબૂત ટોળી બનાવી છે જે એવા લોકો પર ચાંપતી નજર રાખશે. અમે વનહિત માટે અમારૃં સર્વસ્વ ન્યોછાવર કરી દઈશું.”

ગરૃડે ઊંડો શ્વાસ લીધો અને વિચાર કરવા લાગ્યો કે વન વ્યવસ્થાથી હું સંપૂર્ણપણે સંતુષ્ટ તો નથી, જેમ તેમ કરીને સમગ્ર પ્રણાલી ચાલે છે આટલા વર્ષોમાં વનની જે શોભા વધવી જોઈતી હતી તે વધી નથી, અને મને ભવિષ્યની ચિંતા સતાવ્યા કરે છે. પરંતુ આ બન્નેનો ભૂતકાળ બરાબર નથી. ક્યાંય એવું ન બને કે સુંદરતમની લાલસામાં સારૃં પણ ન રહે.

બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે પરિવર્તન જીવનનું સૂત્ર છે. કદાચ જવાબદારીનું ભાન તેમને સારા પણ બનાવી શકે અને જોખમ લેવું તો હિંમતનું કાર્ય છે. સાહસ વ્યવસાયનો મૂળભૂત આધાર છે. લાંબો સમય વિચાર કર્યા પછી ગરૃડે કહ્યું, “પણ તમે લોકો તમારા વાયદાઓ પૂર્ણ કરી રહ્યા છો કે નહીં તેની ખાતરી મને કેવી રીતે થશે. હું વૃદ્ધ થઈ ગયો છું.”

કાગડાએ કહ્યુંં “ગરૃડરાજ તમે કોઈ એવા પક્ષીને અમારી સાથે મોકલી આપો જેના ઉપર તમને સૌથી વધુ વિશ્વાસ હોય. અમને કશો વાંધો નથી.”

ગરૃડને આ સલાહ સારી લાગી અને તેણે પોપટને પાસે બોલાવ્યો અને તેને કાનમાં કહ્યું કે તારે મને આ લોકોના કામનો રીપોર્ટ આપતા રહેવાનું છે કે જેથી મને ખબર પડે કે શું ચાલી રહ્યું છે. તારે કામ જોઈ તપાસીને ગુપ્ત સંદેશ આપતા રહેવાનું. પોપટે કહ્યું “સારૃં મહારાજ જેવી તમારી ઇચ્છા.”

કાગડા અને ગીધોની ટોળી નીકળી પડી. દરેક વૃક્ષ અને ડાળો ફરી વળ્યા.  પાંદળાઓ તોડી નાખ્યા. માળાઓ પાડી નાખ્યા. ઈંડાઓ ફોડી નાંખ્યા. આખુ વન માથે ઉપાડી લીધું. ચારે કોર કાય… કાય…ની અવાજોથી આખા વનની અશાંતિથી પોપટ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેણે ગીધરાજને પૂછયું “આ તમે લોકો શું કરી રહ્યા છો, વનની શાંતિ ડહોળી નાખી.” ગીધે અટ્ટહાસ્ય કરતા કહ્યું કે “પોપટજી આ અશાંતિ નથી ખુશી મનાવવાની જુદી રીત છે.” પોપટ કહ્યું… ઓહ… અને ગરૃડરાજને સંદેશો મોકલી દીધો કે ‘બાગો મેં બહાર હૈ.’

કાગડો અને ગીધ ભેગા મળ્યા અને કહ્યું જુઓ આપણા જંગલની આખી વ્યવસ્થા પડી ભાંગી છે હવે આપણને અવસર મળ્યો છે. તમારે આંખો બંધ કરી અમારો સાથ આપવો પડશે નહીંતર પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જશે. એ કાગડાએ કબૂતરને ટપલી મારતાં કહ્યું તમે ચિંતા ન કરો ગીધરાજ.

અમુક દિવસો પછી પોપટ ઉડતા ઉડતા એક જગ્યા પહોંચ્યો. તેને સખ્ત દુર્ગંધ આવતી હતી. તેને ચિચિયારીઓ કરી. બીજા પક્ષીને બોલાવી દુર્ગંધ વિષે જાણ્યું તો ખબર પડી કે અહીં એક તળાવ હતું જે સુકાઈ  ગયુ છે, તેના નજીકમાં એક જંગલ હતુ જે હવે વેરાન થઈ ગયુ છે. અમુક પક્ષીઓ ત્યાં મોટા માળાઓ બાંધી રહે છે, જેથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. પોપટ કાગડા પાસે પહોંચ્યો અને તેના વિષે વાત કરી. પોપટજી તમને કોઈએ ખોટા માર્ગે દોર્યા છે. તે તળાવનું પાણી પ્રદુષિત થઈ ગયુ હતુ તેથી અમે વિચાર કર્યો કે તેને કોઈ એવા વ્યક્તિની માલીકીમાં આપી દઈએ જે તેની દેખરેખ રાખી શકે, જેથી બધા પક્ષીઓને સ્વચ્છ પાણીનો લાભ મળી રહે અને આપણે મોટા ખેતરો બનાવવાની યોજના છે કે જેથી   દરેક પક્ષીને અન્ન મળી રહે. તેથી આ જગ્યા વ્હેલ અને દીપડાને આપી છે. પોપટે કહ્યું સારૃં અને ગરૃડને સંદેશ મોકલ્યો ‘બાગોમેં બહાર હૈ.’

પોપટએ નગર વિહારનું આયોજન કર્યું. વિવિધ જગ્યાઓની મુલાકાત લીધી. તેના કાનમાં અમુક સુત્રોચાર અથડાયા. માદાપક્ષીઓની ટ્વીટ સંળભાઈ. વિવિધ ચીસો રૃદન ઉંહકાર સાંભળતો કાગડા અને ગીધ પાસે આવ્યો અને બોલ્યો આખા વનમાં શું ચાલી રહ્યું છે. પ્રશ્ન જ કરતો હતો કે ત્યાં તો કાગડાઓ અને ગીધોની ટુકડીઓ ચિચિયારીઓ પાડવા માંડી. અલ્યા શું થયું તમે લોકો પ્રસન્ન થાઓે છો. એક કાગડાએ કહ્યું પોપટજી હવે અચ્છે દિન આવ્યા છે. તમને જે કઈ સંભળાતું હતું એ તો શિકારીઓના અવાજો હતા. જેણે આપણી ટોળીઓએે ભોંય ભેગા કરી દીધા. તમે લોકો સાચું કહો છો. હા ભાઈ હા. ખોટું થોડી બોલીએ. અને પોપટે ફરી સંદેશો મોકલી દીધો ‘બાગો મેં બહાર હૈ.’

અમુક દિવસો ગુજર્યા કે પોપટને ખબર પડી કે અમુક ચકલીનું એક બચ્ચું લાપતા થઈ ગયુ છે. ક્યાય જાણવા મળ્યું કે મોરલાઓ એ સમડીઓને અમુક જંતુ ખાવા મારી નાખી છે. કોઈ વનમાં પત્થરનો વરસાદ થઈ રહી છે. ક્યાંય સંસ્કાર  શીખવતા માળાઓમાં બચ્ચાઓ મોતને વ્હાલ કરી રહ્યા છે. ક્યાંય નજીવી ખાવા જેવી બાબતો ઉપર માદા પક્ષીઓને અપમાનિત કરવામાં આવી રહી છે. જે વાયદાઓ તેવો ગરૃડરાજથી કરીને આવ્યા છે તે ક્યાય અનુભવાતા નથી. પરંતુ ચારે બાજુ વાહ વાહ જ સંભળાય છે. તેના વિશે તેણે જાણવાનો પ્રયત્ન કર્યો.

એક દિવસ પોપટ વિચાર કરી રહ્યો હતો કે વન વાસ્તવમાં સુંદર બન્યું કે નથી. ત્યાં જ એક કાગડો ફરી ટપક્યો અને તેની સાથે ચર્ચા કરી. તેના વિચારો જાણવા લાગ્યો અને ગીધરાજ પાસે ગયો ને કહ્યું આ પોપટ આપણા માટે વિલન છે. હરી ફરીને લોકોની પાસેથી વિકાસ વિષે તમે કરેલા વાયદા વિષે જાણકારી મેળવે છે. કંઇક કરવું પડશે. આગલા દિવસે તો એની ચાંચ બંધ કરી દેવામાં આવી.

ગરૃડને સંદેશ સમયસર મળતાં બંધ થઈ ગયા તો તેને ચિંતા થઈ અને જંગલ આકાશને જાતે જોવાનો વિચાર કર્યું પરંતુ ખુબજ મોડું થઈ ગયું હતું વનની દિશા અને દશા જોઈને ખૂબ દુઃખી થયો અને કાગડા અને ગીધને સંબોેધીને કહેવા લાગ્યો તમે લોકો એ કઈ નવું કર્યું નથી, અને જે નવું કર્યું છે તેણે વનની પરિસ્થિતિને વધુ કફોડી બનાવી દીધી છે. એ ગુસ્સામાં પોપટ પાસે ગયો અને પુછયું વનની શું પરિસ્થિતિ થઈ છે. તો પોપટને જોઈને ડઘાઈ ગયો કેમકે તેની ચાંચ બંધ કરી દેવામાં આવી હતી. ત્યાં તો કાગડાઓ બોલી ઉઠયા ‘બાગો મેં બહાર હૈ’. ગરૃડે ગુસ્સે થઈને કાગડાઓ તરફ જોયું તો તેને ખુબજ આશ્ચર્ય થયું કેમ કે બધા કાગડા આંધળા હતા. અને બીજા પક્ષીઓ ભયભીત હતા. ગરૃડને પોતાના નિર્ણય પર પસ્તાવો થયો પરંતુ ખુબ મોડું થઈ ગયું હતું. કશું કરી શકવાની તેની શક્તિ નિષ્પ્રાણ થઈ ગઈ. ત્યાં કાગડો અને ગીધરાજ અટ્ટહાસ્ય કરતા કરતા બોલ્યા ‘બાગો મેં બહાર હૈ’ અને સભા છોડી જતા રહ્યા. *

(આ વાર્તાને વર્તમાન પરિસ્થિતિથી કંઈ લેવા દેવા નથી.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments