હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ “મોમિન એક કાણામાંથી બે વખત દંશ ખાતો નથી.”
(બુખારી, મુસ્લિમ, મિશ્કાત – પા. ૪૨૯)
સમજૂતી :
મોમિન એટલો ચપળ અને ચબરાક હોય છે કે જો ક્યારેક એકાદ વખત છેતરાઈ જાય તો બીજી વાર છેતરાતો નથી.
પરંતુ તે ખુદાનો ડર રાખી માત્ર હલાલ કમાણી, ભલે ગમે તેટલી ઓછી હોય, તેની ઉપર સંતોષ માનતો હોઈ તેમજ તેની સામે હરામના માલનો ઢગ હોય તો તેની તરફ નજર પણ ઉઠાવતો ન હોઈ, દુનિયાના લોકો તેને મૂર્ખ સમજે છે. આના લીધે કેટલીક રિવાયતોમાં મોમિનને ‘ગિર્રુન કરીમ’ (શરીફ-ભોળો) અને મુન્ફિકને ‘ખિબ્બુન લઈમ’ (ધોકેબાજ-લુચ્ચો) કહેવામાં આવ્યો છે. અને આ જ અર્થમાં આ રિવાયત કે જેમાં આવે છે કે , “ઇન્ન અહલલજન્નતિ બુલ્હુન” (બેશક જન્નતવાળા ભોળાં હોય છે.)
હઝરત અબૂસઈદ ખુદરી રદી.ની રિવાયત છે. રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું: “સહિષ્ણું માણસ એ જ છે જે ઠોકરો પણ ખાય છે. અને સમજદાર અને ડહાપણવાળો એ જ છે જે અનુભવ પણ ધરાવે છે.” (અહમદ, મિશ્કાત-બાબુલહઝૂર પા. ૪૨૧)
સૌજન્ય: મોતી અને માણેક (હદીસ સંગ્રહ)