Thursday, May 30, 2024
Homeપયગામમાનવ, કુઆર્ન અને રમઝાન

માનવ, કુઆર્ન અને રમઝાન

ધાર્મિક આધાર ઉપર શારીરિક નિયંત્રણ અને તેના કેટલાય સામાજિક, વૈજ્ઞાનિક લાભોને જોતાં દરેક ધર્મમાં રોઝા, ઉપવાસ, ફાસ્ટીંગની અવધારણા જોવા મળે છે.

ઇસ્લામમાં પણ માનવીની શારીરિક જરૂરતોથી રોકાવા અથવા તો તેને કાબૂમાં રાખવા માટે એક વર્ષમાં એક મહિનો નક્કી કરવામાં આવ્યો છે, જેને રમઝાનનો મહિનો કહેવામાં આવે છે. જો કે આ મહિનાનું પોતાનું એક મહત્ત્વ તેના રૃહાની-આધ્યાત્મિક અસ્તિત્વના કારણે છે, જેને હચમચાવવા તથા જાગૃત કરવાનું કાર્ય કુઆર્ન દ્વારા કરવામાં આવે છે. સાથે જ આ કુઆર્ન નાઝિલ (અવતરિત) થવાનો મહિનો પણ છે. અને આ જ કારણથી આ મહિનાનું મહત્ત્વ ઓર વધી જાય છે.

વિશ્વના તમામ માનવો માટે કુઆર્નમાં એક જબરજસ્ત સંદેશ છે જે આ મહિનામાં ઓર ઝડપથી ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સાથે જ તેના શિક્ષણને પોતાના જીવનમાં તાજો કરવા અને તેના પર ચાલવાની પ્રતીજ્ઞાને તાજી કરવામાં આવે છે. આથી જ આ વાત કહી શકાય છે કે રમઝાનનો મહિનો માનવીને પોતાના જીવનના હેતુની યાદ અપાવવાનો મહિનો પણ છે.

જ્યાં ભૂખ્યા-તરસ્યા રહીને આ અહેસાસ જન્માવવામાં આવે છે કે આપણે એ લોકોના દર્દ-પીડાને સમજી શકીએ કે જેઓ પોતાના સામાન્ય દિવસોમાં એક-એક ટંકની રોટલી માટે તરસે છે, અથવા તો જેમની ભૂખને તેમની ગરીબીએ ઢાંકી દીધી છે, અને તે પ્રતિદિન પોતાના મૃત્યુને જોઈને ડરેલા છે, અને કચરામાં પોતાના જીવનના શ્વાસોને શોધી રહ્યા છે. આ અહેસાસ આપણે જ્યારે ભૂખ્યા રહીએ તો જીવંત રહેવો જોઈએ.

આની સાથોસાથ માનવીની રૃહને પણ રાતના સમયે ‘તરાવીહ’માં ઊભા રહીને કુઆર્નની આયતો દ્વારા ખોરાક આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ યાદ દેવડાવવામાં આવે છે કે જેવી રીતે ભૂખ, તરસ અને દર્દ-પીડાથી પરેશાન થઈને તેના ઉકેલ માટે માણસ પ્રયત્નો કરે છે એ જ પ્રયત્નો, જદ્દોજહદ તેણેે પોતાની રૃહ માટે પણ કરવી જોઈએ. અગિયાર (૧૧) મહિના પોતાના શારીરિક અસ્તિત્વની જરૂરતોને પૂરી કરવામાં લાગેલા રહેવાથી, તેના હૃદયમાં પ્રગટનારા રૃહના દીપક ઉપર આંધીઓ અને ઝાંખપ છવાઈ જાય છે. તે એ છાંખપને સાફ કરવા માટેના કેટલાક કાર્યો કરવામાં મોટાભાગે નિષ્ફળ થાય છે. અલ્લાહનો આજ્ઞાપાલક હોવાની હૈસિયતથી માનવીનું ધ્યાન તેના શારીરિક અસ્તિત્વ અને તેની જરૂરતો ઉપર કાબૂ મેળવીને પોતાના રૃહાની અસ્તિત્વની તરફ પલટવા અને તેને પાક કરવાનો બોધ પણ તેને કુઆર્નથી જ મળે છે. તેનાથી આ અહેસાસ જન્મે છે કે જેવી રીતે શરીરની જરૂરતોને તે પૂરી કરે છે તેવી જ રીતે તેની રૃહની જરૂરત, સફાઈ અને પવિત્રતાનો ખ્યાલ પણ તેણે જ કરવો જોઈએ, અને સતત કરવો જોઈએ. આ જ સંદર્ભમાં નફ્સ (મનેચ્છા) અને હૃદયની મજબૂતીથી ચારિત્ર્યની ઉચ્ચતાઓ પર પહોંચવાની જદ્દોજહદને વધુ ઝડપી બનાવવામાં આવે. સાથે જ આ ઝુંબેશ માત્ર વ્યક્તિ સુધી જ મર્યાદિત ન હોય બલ્કે આનાથી આગળ વધીને તે સમાજ સુધી પહોંચે. તેના સાફ-સૂથરા પ્રકાશથી સમાજમાં ભલાઈ અને બૂરાઈ અલગ-અલગ દેખાવા લાગે.

કુઆર્નના પ્રકાશમાં માનવી વ્યભિચાર, નિરર્થક જીવન, નશો, અશ્લીલતા, જૂઠ, ચોરી, બૂરાઈ, બેઈમાની, ઝઘડા જેવી વ્યક્તિગત બૂરાઈઓથી બચવા પ્રયત્ન કરે છે.

આ જ મજબૂત વ્યક્તિગત્ ચારિત્ર્યના પાયા ઉપર એક એવા સભ્ય સમાજની ઇમારત ઊભી કરી શકાય છે જેમાં માનવોના હક, તેમનું સન્માન, પરસ્પરનો ભાઈચારો, સ્ત્રીઓનું સન્માન, તેમની સુરક્ષા, સમાજમાં શાંતિ, સુકૂન અને સૌને સમાન તકો અને અધિકારો પ્રસ્થાપિત કરી શકાય છે, તેમને સુરક્ષિત કરી શકાય છે. એક એવું સામૂહિક વાતાવરણ ઊભું કરી શકાય છે કે જેમાં લોકો પોતે જ બૂરાઈથી બચવા તથા ભલાઈઓ તરફ દોડવાનો પોતાના માટે ઇજ્જતનું સ્થાન સમજે. લોકો એકબીજાની  ભૂખ, તરસ, એકબીજાની પીડાને સમજે, સમાજમાં ગરીબ અને અનાથો માટે ધનવાન  લોકો પોતાના દસ્તરખ્વાન ખોલે, તેમના ભોજન તથા અન્ય જરૂરતોનો ખ્યાલ ધનવાન તથા શાસકો બન્ને મળીને રાખે. ઝકાતની રકમથી યતીમ-અનાથ, મિસ્કીન અને નિર્દોષ લોકોને ન્યાય અપાવવામાં આવે. માનવોની ભલાઈ તથા ઇસ્લામના શિક્ષણને પ્રચલિત કરવા માટેના નાના નાના કાયમી રહેનારા પ્રયત્નો કરવામાં આવે.

અને આ તમામ વાતો લોકોના દિલો ઉપર તકવા (સંયમ, ઈશભય) રહેવાથી જ લાંબા સમય સુધી અને નિરંતર કે સતત રહેવાથી કરી શકાય છે, તેનાથી જ તેમને સભ્ય રહેવાની ઉર્જા મળે છે, આશા મળે છે, હિંમત મળે છે.

અને આ જ ઇસ્લામની રૃહ છે કે જેને રમઝાનના મહિનામાં તાજી કરવા માટે એક મહિનાની ઝુંબેશ ચલાવવામાં આવે છે, કે જેથી માનવી પોતાના સર્જનહાર અલ્લાહને માત્ર યાદ કરે એટલું જ નહીં, બલ્કે તેનો પ્રેમ અને તેના ડરથી લોકોની ભલાઈ માટે દરેક કાર્ય કરે જે માનવોને કુદરતી રીતે ફાયદો પહોંચાડનાર હોય. એ દરેક કાર્યથી અટકાવે જે તેને વ્યક્તિગત રીતે કે સામાજિક-સામૂહિક રીતે નુકસાન પહોંચાડતું હોય.

અલ્લાહતઆલાથી દુઆ છે કે આપણા બાળકો, યુવાનો, બુઝુર્ગો (વડીલો) તથા મહિલાઓને આ મહિનાની મહાનતા અને માનવો માટે કુઆર્નને સંપૂર્ણપણે રહેમત, સમજતાં તેના પર ચાલવાની હિંમત એનાયત કરે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments