Saturday, July 27, 2024
Homeમનોમથંનમાનવ નિર્મિત ન્યાય પ્રણાલી જ અંતિમ નથી...

માનવ નિર્મિત ન્યાય પ્રણાલી જ અંતિમ નથી…

“મને અન્યાયનો ભોગ બનાવીને તેઓએ મને ન્યાયને પ્રેમ કરતાં શીખાડયું.” આ શબ્દો હતા, તે નીડર, મનમોહક અને ન્યાયપ્રિય નવયુવાનના, જેને આપણે આજે શાહિદ આઝમી ‘શહીદ’ના નામથી યાદ કરીએ છીએ.

૧૬ વર્ષની કુમળી વયે, ૧૯૯૪માં એ હસતા-રમતા નવયુવાનને કેટલાક રાજકારણીઓની હત્યાનું કાવતરૃ ઘડવાના આરોપમાં જેલની દીવાલો પાછળ ધકેલી દીધો. પરંતુ ક્યા ખબર હતી કે આ તો તેને એક અભૂતપૂર્વ મિશન માટે તૈયાર કરવાની પ્રક્રિયા હતી. તેમણે તિહાર જેલમાંથી જ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આશરે સાતેક વર્ષ પછી ૨૦૦૧માં નિર્દોષ પુરવાર થઈને તેઓ જેલમાંથી મુક્ત થયા. ત્યાર પછી તેમણે જર્નાલિઝમ અને લો સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂરૃં કર્યું. શરૃઆતમાં થોડો સમય જુનિયર આસિસ્ટન્ટ એડવોકેટ  તરીકે કામ કર્યા પછી તેઓએ સ્વતંત્ર પ્રેકટિસ શરૃ કરી. પોતાનું ગુજરાન ચાલે એટલી નજીવી ફીસ સાથે તેમણે તેમના જેવા કેટલાય નિર્દોષો જેઓ દેશની વિવિધ જેલોમાં આતંકવાદના આરોપસર સડી રહ્યા હતા તેમને ન્યાય અપાવ્યો, જેમાં માલેગાંવ બ્લાસ્ટ અને ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટ મુખ્ય છે. સાત જ વર્ષના ટૂંકા ગાળામાં તેઓ નિર્દોષ નવયુવાનોના મસીહા બની ગયા.

આ લખાય છે ત્યારે પણ આ અન્યાયી સિસ્ટમને ગાળો ભાંડવાનું મન થાય તેવી સિસ્ટમનો ભોગ બન્યા પછી પણ તેના પર વિશ્વાસ કરીને પોતાની લડત ચાલુ રાખી તે ખરેખર બિરદાવવા લાયક છે. તેમની જ સિસ્ટમ તેમના હોંસલા અને હિંમતને હરાવી ન શકતા, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કહેવાતા ‘દેશભક્ત’ ડોન છોડા રાજનના ગુંડાઓએ તેમને બંદૂકની ગોળીએ શહીદ કર્યા.

આ લખાય છે ત્યારે જાણે તેમની શહાદતની યાદ અપાવતા હોય તેમ ૨૦૦૫ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાવામાં આવેલા મુ. હુસૈન ફાઝલી અને મુ. રફીક શાહને આશરે ૧૨ વર્ષની કેદમાંથી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. આવા જ ઘણાં બધા આતંકવાદના કેસોમાં ફસાવવામાં આવેલા નવયુવાનો પોતાની જિંદગીના કિંમતી વર્ષો જેલમાં વિતાવી નિર્દોષ સાબિત થઈ મુક્ત ઠરવામાં આવ્યા છે, જેના કેટલાક ઉદાહરણો અહીં ટાંકવામાં આવી રહ્યા છે.

* ટિફિન બ્લાસ્ટ કેસ, અમદાવાદ-૨૦૦૨ – હબીબ બાવા અને હનીફ પાકિટવાલા (જેલના વર્ષો – ૧૩)

* અક્ષરધામ મંદિર હુમલો,અમદાવાદ ૨૦૦૨ – મુફતી અબ્દુલ કૈયૂમ અને પાંચ સાથીઓ (જેલના વર્ષો – ૧૧)

* મુંબઈ ટ્રેન બ્લાસ્ટ ૨૦૦૬ – અબ્દુલ વાહિદ (જેલના વર્ષો – ૯)

* માલેગાંવ બ્લાસ્ટ – નવ આરોપીઓ (જેલના વર્ષો – ૫)

* સીમી ટેરર કેસ, કર્ણાટક ૨૦૦૫ – યાહ્યા કમ્મુકુટ્ટી (જેલના વર્ષો – ૭)

ઉપર દર્શાવેલ વિગતો એ ફકત નામ અને આંકડા નથી પરંતુ દરેક એક ગાથા છે. જેઓએ જીવનમાં કિંમતી વર્ષો ગુમાવ્યા છે અને મુક્ત થયા પછી પણ સમાજમાં પુનઃસ્થાપન સરળ નથી. ઘણાંએ પોતાનું શિક્ષણ અને કેરિયર, તો ઘણાંએ પોતાની નોકરી-ધંધા તથા કુટુંબીજનોને ગુમાવ્યા.

શું સમાજના ન્યાયના ધ્વજવાહકો તેમને ખરેખર સાચો ન્યાય અપાવી શકશે? ક્યારેક રવિશ કુમાર કોઈક નિસારની કથા લોકો સમક્ષ લાવીને તેમને વાચા આપે છે પરંતુ શું આ પૂરતું છે?

જો આ માનવનિર્મિત ન્યાયની ખોખલી પ્રણાલી જ અંતિમ હોત અને જો આ જીવન પછી અંતિમ ન્યાયના દિવસની અડગ શ્રદ્ધા ન હોત તો વિશ્વના કેટલાંય અન્યાયનો ભોગ બનેલા લોકોના જીવનની કોઈ આશા હોત?? એ એક મનોમંથન માંગી લે તેવો સવાલ છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments