Saturday, November 2, 2024
Homeઓપન સ્પેસમિલ્લતની એકતા

મિલ્લતની એકતા

અલ્લાહતઆલાએ માનવોને અનેક કાબેલિયતો અને વિશેષતાઓ સાથે પેદા કર્યા છે. દરેક વ્યક્તિ જુદી જુદી ખૂબીઓનો માલિક છે, અને પોતપોતાની રીતે જીવન વ્યતીત કરે છે. દરેકની પસંદ અને નાપસંદનો માપદંડ જુદો છે. લોકોના એક સાથે રહેવાથી જ એક સમાજ અસ્તિત્વમાં આવે છે. સમાજમાં રહેવાની કેટલીક રીતભાત છે. તેના કેટલાક સિદ્ધાંતો આપણે સૌએ નક્કી કરી રાખ્યા છે. તેનું પાલન જરૂરી છે અને આપણે સૌ તેના પર અમલ પણ કરીએ છીએ. પરંતુ કયારેક કયારેક આપણે જોઈએ છીએ કે આ સિદ્ધાંતોને જ્યારે તોડવામાં આવે છે તો સમાજમાં વેર-વિખેરપણાંની સ્થિતિ પેદા થઈ જાય છે. આ શૈલી સૌના માટે બેચેની અને પરેશાનીનું કારણ બની જાય છે. પરંતુ આ પછી આપણે ફરી પાછા પોતાના મૂળ રસ્તા ઉપર આવી જઈએ છીએ અને પરસ્પર હળી-મળીને રહેવાની રીત જ અપનાવવી પડે છે.

અભિપ્રાયોમાં મતભેદ દરેક જગ્યાએ હોય છે. પસંદ ના-પસંદ દરેકનું વ્યક્તિગત કૃત્ય અને અધિકાર છે. પરંતુ આમાં એક વસ્તુનું પલ્લું ભારે છે તેને અંગ્રેજીમાં Adjustment (ગોઠવણ) કહે છે. કોઈપણ મતભેદમાં આનો નિર્ણય આ જ ગોઠવણ ઉપર જ કરવાનો હોય છે, ત્યારે જ સફળતા મળે છે. દા.ત. કોઈક પ્રસંગમાં જ્યારે લોકો એકત્ર થાય છે તો તેમના પોષાક પોતાના સ્તર, રંગ અને ડિઝાઈનમાં અલગ અલગ હોવા છતાં આપણે સૌ એકબીજાથી દુઆ સલામ કરીએ છીએ, ખૈર-ખૈરિયત પૂછીએ છીએ. સાંપ્રત કે વર્તમાન પરિસ્થિતિ અને ઋતુ કે હવામાન વિશે પણ સારી રીતે વાતચીત કરીએ છીએ. આ વાતને લઈને કંકાશ નથી કરતા કે તેણે મારા પોષાકથી જુદો પોષાક કેમ પહેર્યો છે, મેં સફારી શૂટ નથી પહેર્યું તો બીજાએ કેમ પહેર્યું છે ?

નમાઝ દીનનો એક મહત્ત્વનો સ્તંભ છે. ફર્ઝમાં સામેલ છે. આ આપણા સૌને ખબર છે કે આના માટે અલ્લાહનો આદેશ છે અને તેનો હક પણ છે કે એ પરવરદિગાર માટે નમાઝ પઢવામાં આવે. અલ્લાહતઆલાનો ઇર્શાદ છે કેઃ

‘હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ ખુદા નથી, તો તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર.’ (સૂરઃ તાહા, આયત-૧૪)

આ કાર્ય દરેક મુસલમાને પોતે કરવાનું છે. આની રીત એ જ છે જે રસૂલુલ્લાહ સ.અ.વ.એ કહી અને કરીને બતાવી, અને તેમના સહાબા રદિ.એ અપનાવી.

જુદા જુદા અવસરે નમાઝ પઢવાની રીતો કંઈક થોડાક ફરક સાથે રસૂલુલ્લાહ સ.અ.વ.થી સાબિત છે. આમાં કોઈ એક રીત ઉપર કટ્ટરપંથી બની જવું નાપસંદીદા કૃત્ય છે, જેનાથી ફાયદો ઓછો અને નુકસાન ઘણું વધારે છે.

જુદા જુદા દૃષ્ટિકોણ અને અકીદા ધરાવતા હોવા છતાં આપણે સમાજમાં પરસ્પર હળીમળીને જ રહીએ છીએ અને એ લોકો સાથે પણ સભ્ય વાતચીત, સહિષ્ણુતા, ઉદારતા, કારોબાર, સામાજિક, સમસ્યાઓમાં એકબીજાના સહયોગી તથા મદદગાર થવાની સાથોસાથ એકબીજાની મહેફિલોમાં સામેલ પણ થઈએ છીએ, જેમના વિશે આપણે સારી રીતે જાણીએ છીએ કે તેમના મા’બૂદ (ઉપાસ્ય) અલગ છે, તેઓ અલ્લાહને નથી માનતા, ગૈરુલલાહ (અલ્લાહ સિવાયનાઓ)ની ઇબાદત કરે છે. તેમ છતાં એમની સાથે આપણી રીત દુશ્મનોવાળી નથી હોતી. આ એક મોટી ખૂબી અને લાયકાતની વાત છે જે આપણા ત્યાં પ્રચલિત છે. આને સહિષ્ણુતા કે ઉદારતા કહેવામાં આવે છે.

તો પછી શું કારણ છે કે આપણે માત્ર (નમાઝ વિ. ઇબાદતોની) અદાયગીની રીતમાં સાધારણ ફરક હોવા અંગે આપણા જેવા કલમા પઢનારા ભાઈઓને કોઈપણ સંજોગોમાં સહન કરવા માટે તૈયાર નથી થતા, જ્યારે કે આપણો મા’બૂદ પણ એક જ છે. તેઓ પણ એ જ અલ્લાહને માને અને સિજદો કરે છે જેને આપણે માનીએ અને સિજદો કરીએ છીએ. તેઓ પણ એ જ ગ્રંથ (કુઆર્ન)ને માને છે જેને આપણે માનીએ છીએ. તેઓ પણ એ જ રસૂલ સ.અ.વને અંતિમ નબી માને છે કે જેમને આપણે માનીએ છીએ. તેમનો કલ્મો પણ એ જ છે જે કલ્મો આપણો છે.

હરમે પાક ભી અલ્લાહ ભી કુઆર્ન ભી એક

કયા બડી બાત થી હોતે જો મુસલમાન ભી એક

રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુસલમાનોના આપસના સંબંધો વિશે સ્પષ્ટ હિદાયત મૌજૂદ છે કેઃ

‘મો’મિનોનું ઉદાહરણ આપસમાં એકબીજાથી પ્રેમ કરવા, એકબીજા ઉપર રહેમ કરવા અને એકબીજાની સાથે સ્નેહ કરવામાં એક શરીરની જેમ છે. જ્યારે તેનો એક અંગ/અવયવ બીમાર થઈ જાય છે તો સમગ્ર શરીર તાવ અને અનિદ્રામાં સપડાઈ જાય છે.’ (મુત્તફિક અલૈહિ)

મો’મિનો વચ્ચે પરસ્પર પ્રેમ અને ઇત્તિહાદ (સંગઠન)ના મહત્ત્વનો અંદાજો એ હદીસથી સહેલાઈથી કરી શકાય છે જેમાં આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ

‘મો’મિન મો’મિન માટે દીવાલ સમાન છે, જેનો એક ભાગ બીજા (ભાગ)ને બળ પૂરું પાડે છે.’ (મુત્તફિક અલૈહિ)

કેટલીક રિવાયતોથી તો અહીં સુધી જણાય છે કે ઈમાની ભાઈચારો અને પ્રેમ તેમજ તેનું બાકી રહેવું તથા સુરક્ષા નમાઝ અને રોઝાથી પણ વધીને છે.

હઝરત અબૂ દર્દા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું, શું હું તમને એક એવો અમલ ન બતાવું કે જે રોઝા, સદ્કા, ખૈરાત તેમજ નમાઝથી પણ શ્રેષ્ઠ છે ? અમે અરજ કરી, કેમ નહીં, (આવી વાત તો અવશ્ય ઇર્શાદ ફરમાવો) આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે એ અમલ પરસ્પર સંબંધોની સુધારણા છે, અને પરસ્પરના સંબંધોની ખરાબી (નેકીઓને) મિટાવી દેનાર છે.’ (તિર્મિઝી)

વિચારો ! જ્યારે આપણે એ લોકોની સાથે પણ અમાનવીય/માનવતાવિહોણું વર્તન કરવાનું પસંદ નથી કરતા કે જેમના મા’બૂદ અલગ, દૃષ્ટિકોણ/વિચારરણી અને અકીદાઓ અલગ, રહેણી-કરણીની રીતભાત અલગ અને ત્યાં તો આપણે સારા ચારિત્ર્યનું પ્રદર્શન કરીએ છીએ; તો પછી પોતાના કલમા-શરીક ભાઈઓ સાથે આ પ્રદર્શન કેમ નથી કરી શકતા ? એ સમયે આપણું સદ્ચારિત્ર્ય કે સદ્વર્તન કયાં ચાલ્યું જાય છે ? જ્યારે કે બિનમુસ્લિમો આપણને માત્ર મુસલમાન માને છે અને આપણે પરસ્પર એકબીજાને મુસલમાન ન કહી (કે માની)ને વિવિધ મસ્લકી નામોથી પોકારીએ છીએ. શું કોઈપણ રીતે આ યોગ્ય છે ? શું આપણા આકા સ.અ.વ.એ જેમના ઉમ્મતી હોવાનો આપણે દાવો કરીએ છીએ, સહાબાએ કીરામ રદિ.ની વચ્ચે આ પ્રકારના ભેદભાવને યોગ્ય માન્યં હતું ? શું સહાબાએ કિરામ રદિ.ને વિવિધ જૂથોમાં વ્હેંચીને તેમના જુદા જુદા નામ રસૂલુલ્લાહ સ.અ.વ.એ રાખ્યા હતા ? તો પછી આ બધું કેમ…. ? શું અલ્લાહતઆલાનું આ ફરમાન આપણા માટે પુરતું નથીઃ

‘સૌ ભેગા મળીને અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો અને વિભાજિત ન થઈ જાવ. અલ્લાહના એ ઉપકારને યાદ રાખો જે તેણે તમારી ઉપર કર્યો છે. તમે એકબીજાના શત્રુ હતા, તેણે તમારા હૃદય જોડી દીધા અને તેની કૃપાથી તમે ભાઈ-ભાઈ બની ગયા.’ (સૂરઃ આલે ઇમરાન, આયત-૧૦૩)

કુઆર્ન મજીદમાં અલ્લાહતઆલા મતભેદોની વખોડણી કરતા ફરમાવે છેઃ

‘અને પરસ્પર ઝઘડો નહીં, નહીં તો તમારી અંદર કમજોરી આવી જશે.’ (સૂરઃ અનફાલ, આયત-૪૬)

નબીએ કરીમ સ.અ.વ.ની સ્પષ્ટ હિદાયત છે કે ‘આપસમાં ભાઈ-ભાઈ બનીને રહો, એકબીજાથી ઇર્ષ્યા ન કરો, એકબીજાને નુકસાન ન પહોંચાડો, એકબીજાથી કીનો-કપટ ન રાખ્યા કરો, આપસમાં સંબંધ વિચ્છેદ કરીને તથા મોઢું ફેરવીને ન રહો. સૌ અલ્લાહના બંદા છો, ભાઈ-ભાઈ બનીને રહો અને મુસલમાન પોતાના ભાઈ ઉપર જુલ્મ-અત્યાચાર નથી કરતો, ન તેને તિરસ્કૃત સમજે છે, અને ન તેને નિરાધાર છોડે છે.’ (તિર્મિઝી, મુસ્લિમ)

શું રસૂલુલ્લાહ સ.અ.વ.થી પ્રેમનો તકાદો આ જ છે કે તેમના આદેશોનું ઉલ્લંઘન અને ખુલ્લેઆમ નાફરમાની/અવજ્ઞાા કરવામાં આવે ? પોતાના નામોની સાથે આશિકે રસૂલ સ.અ.વ. હોવાનો ઢંઢેરો પીટવામાં આવે અને આચરણ તેની તદ્દન વિરુદ્ધ કરવામાં આવે ?

આપણે બોધ લેવો જોઈએ એ લોકો પાસેથી કે જેમને આપણે જોઈએ છીએ કે તેઓ વિવિધ મા’બૂદોને પૂજનારા છે. કોઈ રામને, કોઈ લક્ષ્મણને, કોઈ ગણેશને, કોઈ કાલીમાતાનો ભકત છે, કોઈ સાંઈબાબાના દરબારમાં જાય છે. આ રીતે અસંખ્ય અકીદા ધરાવતા લોકો છે પરંતુ તેઓ આપસમાં આ અકીદાઓના કારણે એકબીજાથી લડતા નથી. આ મતભેદ તેમના સામાજિક જીવનમાં કયાંય દેખાતા નથી. તેમની તો દરેક વસ્તુ અલગ, એટલે સુધી કે મા’બૂદ (ઉપાસ્ય) પણ અલગ. પરંતુ આપણે એક જ પરવર દિગાર/ પાલનહારના બંદા હોવા છતાં ગૌણ બાબતોમાં પોતાને ગૂંચવીને એકબીજા સાથે લડતા રહીએ છીએ. લોકોને મસ્જિદોમાંથી હાંકી કાઢવા લાગીએ છીએ. આવનારાઓ પર પ્રતિબંધ કે શરતો લાગુ કરવા લાગીએ છીએ. એકબીજાને કાફર ઠેરવવા માટે દરેક સમયે તૈયાર રહીએ છીએ. રસૂલુલ્લાહ સ.અ.વ. પધાર્યા તો તેમણે કાફિરો તથા મુશ્રિકોને અલ્લાહનું આજ્ઞાાપાલન કરવા અને મુસલમાન બનાવવામાં જીવન વીતાવી દીધું. જ્યારે આપણે મુસલમાનોને કાફિર (અને મુશ્રિકો ઠેરવવામાં એકબીજાથી આગળ નીકળી જવાના પ્રયત્નોમાં લાગેલા છીએ. વિચારો ! શું આપણે પોતાના આ અમલથી રસૂલુલ્લાહ સ.અ.વ.ના શિક્ષણનો ખુલ્લંખુલ્લા વિરોધ નથી કરી રહ્યા ?

નમાઝ અલ્લાહ માટે છે. કોઈ બીજાના માટે પઢવામાં આવે તો તે શિર્કના વર્તુળમાં આવી જાય છે. નમાઝ માત્ર અલ્લાહ અને બંદા વચ્ચેનો જ મામલો છે કે તે કઈ ભાવનાથી પોતાના અલ્લાહને યાદ કરે છે, કઈ ભાવનાથી તેની સામે માથું ઝુકાવવા ઊભો છે? કબૂલ કરનાર અલ્લાહ છે. તે બંદાની ક્રિયાથી વધુ તેની ભાવનાને જુએ છે. દિલોની તત્પરતાને જુએ છે. રસૂલુલ્લાહ સ.અ.વ.નું ફરમાન છે કે ઃ

‘ચોક્કસપણે અલ્લાહતઆલા ન તો તમારા ચહેરાઓ તરફ જુએ છે અને ન તો તમારા માલ/ધન-સંપતિ તરફ જુએ છે, પરંતુ તે તમારા દિલો અને તમારા કર્મો તરફ જુએ છે.’ (મુસ્લિમ)

અને પછી આ કે દરેક વ્યક્તિએ પોતાનો જ હિસાબ આપવાનો છે. આપણામાંથી કોઈ બીજા કોઈનો જવાબદાર નથી. આપણાથી આપણી નમાઝ વિશેપૂછવામાં આવશે કે તે કઈ ભાવના અને લગન-લગાવ સાથે પઢી ? તેના પર જ વળતર મળશે. કોઈ પાડોશી કે સગા-સંબંધી કે દોસ્તની નમાઝનો ન તો આપણને સવાબ મળશે. ન તો આપણાથી એ અંગે પૂછવામાં આવશે. તો પછી આપણે બીજાઓની નમાઝ પઢવાની રીત ઉપર ભડકી કેમ જઈએ છીએ ? કે તેણે રફ્અયદૈન કર્યો કે નથી કર્યો, હાથ કયાં બાંધ્યા, આમીન ધીરેથી કહ્યું કે જોરથી કહ્યું વિ. વિ…

ગૌણ બાબતોમાં મતોનો મતભેદ માનનીય ઇમામોના જમાનાઓમાં પણ મોજૂદ હતો. પરંતુ આ આંશિક મતભેદો છતાં માનનીય ઇમામો વચ્ચે અદબ અને એહતેરામ મોજૂદ હતો.આ ઉપરાંત આંશિક મતભેદોનો સંબંધ ઇલ્મી મેદાન/જ્ઞાાનના ક્ષેત્રથી છે, તેનો સંબંધ જન-સાધારણ સાથે નથી.

શું જરૂરી છે કે આપણે જે રીત પોતાના માટે નક્કી કરી છે તે જ રીત દરેક માણસ અપનાવે ? આવું તો શકય જ નથી અને આમેય દરેકની પસંદ-નાપસંદ અલગ-અલગ છે. જો મેં સફેદ પોષાક પહેર્યો છે, બીજાએ રંગીન ડિઝાઈનવાળા, તો શું આપણે આપસમાં આ બાબતે બાખડવા લાગીશું ? જ્યારે (આવી બાબતોમાં, આવું નથી થતું તો આપણે મસ્જિદોમાં આ નૈતિકતાને શા માટે અવણીએ છીએ ? જ્યારે કે નમાઝની અસલ રૃહ ઉપર કોઈ ફરક નથી. મૂળ વાત આ છે કે નમાઝ પઢવામાં આવે. આપણે માત્ર એ ૧પ ટકા લોકો સાથે લડવા અને તેમને કાફિર ઠેરવવા તત્પર થઈ જઈએ છીએ જેઓ નમાઝ માટે મસ્જિદોમાં આવી જાય છે. બાકી ૮પ ટકા લોકો કે જેઓ નમાઝ પઢવા જ નથી આવતા તેમની તરફ આપણા મૌલવી સાહેબો કેમ ધ્યાન જ નથી આપતા ? મસ્જિદોમાં આવનારા ૧પ ટકા લોકો ઉપર શરતો કે પ્રતિબંધ લગાવીએ છીએ, પરંતુ (નમાઝ નહીં પઢનારા) ૮પ ટકા લોકો માટે કોઈ પ્રયત્ન જ કરવામાં નથી આવતો કે તેઓ મસ્જિદોમાં આવીને નિયમિત રીતે નમાઝ પઢવા લાગે, જ્યારે કે નમાઝ પઢવી એ સૌના માટે જરૂરી છે. આમાં કોઈને પણ મતભેદ નથી.

કોઈ બીજાની ઉપર આપણી નમાઝોનો આધાર હોય એવું કેવી રીતે બની શકે છે ? ઇમામ કોઈપણ હોય એ (નમાઝ માટેની) જમાઅતનો ઇમામ છે, કેમ કે જમાઅતથી નમાઝ પઢવી એ વધુ સવાબનું કારણ છે. આથી ઇમામ નક્કી કરી લેવો જોઈએ. પરંતુ નમાઝ કબૂલ થવા કે ન થવાનો આધાર ઇમામ પર ન હોઈ શકે. દા.ત. ઇમામ ગમે તેટલો પરહેઝગાર અને નેક હોય, પરંતુ જો મુકતદીમાં ખામી છે તો તેની નમાઝ તો ખામીયુક જ રહેશે. મુકતદી વુઝૂ વિનાનો કે નાપાક હોય અથવા તો તે નમાઝની તસ્બીહો સિવાય કંઈક બીજું અને ગઝલ કે ગીત વિ. ગણગણતો રહે તો તેની નમાઝ તો નહીં થાય, આનો મતબલ આ થયો કે નમાઝનું ખરૃં હોવું કે ન હોવું કે ‘ફાસિદ’ થવું એ મુકતદી (નમાઝી)ની પોતાની ઉપર છે, ઇમામ ઉપર તે આધારિત નથી

આપણે કોઈપણ મસ્લકના હોઈએ, ઇમામ જો આપણા મસ્લકનો ન મળે તો પણ જમાઅતનો સવાબ ન છોડો. તેની પાછળ નમાઝ જરૃર પઢો. મતભેદોને પ્રોત્સાહન ન આપો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments