અત્તારે એક નવયુવાનની વાર્તા વર્ણવી છે. તે તેજસ્વી, લાયક અને ચઢિયાતો હતો. જ્ઞાન પ્રાપ્તિ સિવાય તેને દુનિયાની કોઈ વસ્તુની ચિંતા ન હતી. શિક્ષકની એક સેવિકા ખૂબ જ સુંદર હતી. શિષ્યની તેના ઉપર નજર પડી અને તે તેના પ્રેમમાં પાગલ થઈ ગયો. શિક્ષણ બાજુએ રહી ગયો. પ્રેમે તેને અક્ષમ અને બેકાર કરી દીધો. શિક્ષકે વાસ્તવિક પ્રેમ અને આભાસી પ્રેમનો ભેદ સમજાવવા માટે એક યુક્તિ અપનાવી. સેવિકાની ફસદ (શરીરમાંથી અશુધ્ધ રક્ત કાઢવાની પ્રાચીન રીત) ખોલાવી અને ઘણું રક્ત કાઢી લીધું. મુસહુલ (પેટમાંથી ગંદકી કાઢવા અપાતી એક દવા) જે કંઈ શરીરમાં હતું બધું બહાર આવી ગયું. જે કઈ રહ્યું હતું તે કોલેરાએ પૂરૃ કરી દીધું. તે સુંદર સેવિકા જે ક્યારેક સુંદર આંખો વાળી, મનમોહક, સરળ સ્વાભાવી, આલમઆરા, સુડોળ કાયાવાળી અને પગથી માથા સુધી નાજુક અને કોમળતા, સુખ-સાગર અને પ્રસન્ન મુદ્રા લાગતી હતી તે સૂકીને કાંટો બની ગઈ. રંગ ફિક્કોે અને કાળો પડી ગયો. જોઈને જ ડર લાગે. આ પરિસ્થિતિને અત્તારે એક પંક્તિમાં આ રીતે કહ્યું છે,
રજમાત્ર સૌંદર્ય પણ બાકી ન રહ્યો,
પ્યાલો જે હતો તે તૂટી ગયો
શિક્ષકે શિષ્યને કહ્યું કે તું જેના વખાણ કરતો હતો હવે તેમાં રસ દાખવતો નથી. તારી આ પ્રિયતમમાં આખરે શું કમી છે. જે કંઈ તેના શરીરમાંથી ઓછું થયું છે તે પણ હું તેને જણાવી દંઉ. આ વાટકાને જુઓ તેમાં એ બધી ગંદકી અને અશુધ્ધિઓ છે જે ફસદ, મુસહુલ અને કોલેરાના કારણે પ્રિયતમાના શરીરથી જુદી પડી છે. બાકી તે જ છે જે પહેલા હતું. તને જે રંગ-રૃપથી પ્રેમ પાંગર્યો હતો તેનું મૂળ આ ગંદવાડ છે. મુખ-પ્રેમની આ જ વાસ્તવિક્તા છે. સુંદર મુખ એ તમારી વાસનાનું નામ છે. ચહેરાનો પ્રેમ છોડો. આ નજરનો દગો છે. ગુણ અને લક્ષણોને પ્રેમ કરો કે જેથી સમજ શક્તિનો સૂર્ય તારા હૃદય અને માનસને પ્રકાશિત કરી દે.
(સાભાર – રફીકએ મંઝિલ ઊર્દુ, નવી દિલ્હી)