Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસમુબારક મહિનો અને વ્યક્તિત્વ નિર્માણ

મુબારક મહિનો અને વ્યક્તિત્વ નિર્માણ

રમઝાનુલ મુબારક વ્યક્તિત્વના નવીનીકરણનો મહિનો છે. આ મહિનામાં આધ્યાત્મિક વિકાસ તો નિઃશંક થાય જ છે, પરંતુ આની સાથો સાથ શારીરિક, માનસિક અને સામાજિક પાસાઓથી પણ આમાં વ્યક્તિત્વ નિખરે છે. નિમ્નલિખિત પંક્તિઓમાં આપણે જોઈશું કે વ્યક્તિત્વના સર્વગ્રાહી વિકાસ માટે રમઝાન કેવી રીતે સાનુકૂળ વાતાવરણ પૂરૃં પાડે છે.

સ્ટીફન એ વ્યક્તિત્વના વિકાસ વિષય ઉપર પોતાના વિખ્યાત પુસ્તક ‘Seven Habits of the highly effective’માં વ્યક્તિત્વના ૪ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમના નિર્માણ તથા રચનાથી એક સંપૂર્ણ વ્યક્તિત્વ અસ્તિત્વમાં આવે છે. એ જ પાસાઓમાંથી કોઈ એક પાસાના વિકાસ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો વ્યક્તિત્વ અધૂરૃં રહી જાય છે. વ્યક્તિત્વના સર્વ પાસાઓના વિકાસ માટે જરૂરત છે કે નિમ્નલિખિત ૪ પાસાઓ ઉપર ધ્યાન આપવામાં આવે.

(૧) શારીરિક (Physical) પાસું.
(૧) શારીરિક (Physical) પાસું.
(૨) માનસિક (Mental) પાસું.
(૩) સામાજિક (Social) પાસું અને
(૪) રુહાની કે આધ્યાત્મિક (Spiritual) પાસું.

લેખકની નજીક શારીરિક રીતે વિકાસનો અર્થ માત્ર ઉંમરની સાથે શરીરનો વિકાસ જ નથી, બલ્કે તેનાથી અભિપ્રેત ભરપૂર જીવન જીવવું છે. માનસિક વિકાસનો અર્થ આ છે કે માણસ કંઈને કંઈ શીખતો રહે. સામાજિક પાસાથી વિકાસનો અર્થ આ છે કે લોકો સાથે તેની મૈત્રી પણ આધારિત હોય. રૃહાની કે આધ્યાત્મિક વિકાસનો અર્થ આ છે કે માણસનું જીવન અનુસરણને લાયક બની જાય, અને તે પોતાની પાછળ એક વારસો મૂકીને જાય.

ઇસ્લામ વ્યક્તિત્વના આ ચારેય પાસાઓને નિખારે છે અને તેમને વિકસાવે છે. ઇસ્લામ માનવીના વ્યક્તિત્વને અધૂરૃં નહીં પરિપૂર્ણ જોવા ચાહે છે. શારીરિક દૃષ્ટિએ શક્તિશાળી મો’મિનને હદીસમાં કમજોર મો’મિન કરતાં બહેતર અને ખુદાનો વધુ પ્રિય બતાવવામાં આવ્યો છે. માનસિક વિકાસનો સંબંધ છે તો ઇસ્લામ છે જ અજ્ઞાનતાનો વિરોધાર્થી ઇસ્લામના આગમન બાદ જ વૈધાનિક તથા વૈજ્ઞાનિક યુગનો આરંભ થયો. સૃષ્ટિની પૂજાને બદલે તેના કાયદાઓ કે નિયમોની ચર્ચા તથા શંસોધન અને તેના રહસ્યોની શોધનો સિલસિલો શરૃ થયો. ઇસ્લામે જ માનવતાને માનસિક પુખ્તતાથી વાકેફ કરાવી, રહ્યું સામાજિક પાસું તો એક બહેતર સમાજની રચના ઇસ્લામનું લક્ષ્ય રહ્યું છે અને આ વસ્તુ બહેતર સામાજિક સંબંધોના સુમેળ ઉપર જ આધાર રાખે છે. આધ્યાત્મિક વિકાસનો જ્યાં સુધી સંબંધ છે ઇસ્લામની ‘તઝકિયા’ કે સંયમની કલ્પનાનો ફોકસ (Focus) માનવીના નફ્સ એટલે કે Inner Self ઉપર જ છે. અહીંથી જ માનવીના વ્યક્તિત્વના નિખારની શરૃઆત થાય છે, અને અહીંથી જ તેની તબાહીનો પણ આરંભ થાય છે.

માનવીના વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ અને તેની પૂર્ણતા ઇસ્લામ વિના અશક્ય છે. ઇસ્લામે તેના માટે વિવિધ સાધનો તથા માધ્યમો બતાવ્યા છે. નમાઝ, રોઝા અને ઇન્ફાક (અલ્લાના માર્ગમાં ખર્ચ) તેમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. રોઝાઓમાં પણ ‘ગણતરીના દિવસો’ના રોઝા આ હેતુ માટે ઘણાં અસરકારક છે. એટલા માટે કે આ કેટલાક કે ગણતરીના દિવસોમાં ફકત વ્યક્તિગત્ રીતે રોઝા રાખવામાં નથી આવતા બલ્કે નેકી તથા ખુદા-તરસી (ઈશભય)નું એક સાનુકૂળ સામૂહિક વાતાવરણ પણ સર્જાઈ જાય છે. આ જ સાનૂકૂળ વાતાવરણ હદીસમાં શેતાનને કેદ કરવા સાથે સરખાવવામાં આવ્યું છે.

(૧) શારીરિક વિકાસ :

રોઝાનો હેતુ જો કે માનવીની ભૌતિક મનેચ્છાઓ પર અંકુશ મૂકવો અને શરીરને કાબૂમાં લાવવા કે રાખવાનો છે, પરંતુ આનો અર્થ આ નથી કે રોઝો શરીર માટે હાનિકારક છે. મનેચ્છાઓના હનન માટે સામાન્ય રીતે જે સાધનો અન્ય ધર્મોમાં અપનાવવામાં આવે છે તે સૌનો હેતુ શરીરને નુકસાન પહોંચાડવાનો હોય છે. ‘રુહબાનિયત’ (સન્યાસ, સંસાર-ત્યાગ) અને સૂફિઓ સમાન કર્મ-યોગ શરીરના શત્રુ છે. તેમની નજીક આત્માના ઉત્કર્ષ માટે આ જરૂરી છે કે શરીરને નુકસાન પહોંચાડવામાં આવે. ઇસ્લામ સંપૂર્ણપણે ભલાઈ છે. કુઆર્નમાં શબ્દ “ખૈર” (ભલાઈ)ને ઇસ્લામના વિકલ્પ (Substitute) રૃપે પ્રયોજવામાં આવ્યો છે. “તમારામાંથી કેટલાક લોકો તો એવા જરૃર હોવા જોઈએ જેઓ નેકી (સદાચાર) તરફ બોલાવે, ભલાઈની આજ્ઞા આપે અને બૂરાઈઓથી રોકતા રહે. જે લોકો આ કામ કરશે, તેઓ જ સફળતા પામશે.” (સૂરઃ આલે ઈમરાન – ૧૦૪)

ઇસ્લામી શરીઅતે પોતાના દરેક આદેશમાં માનવી માટે ભલાઈની ઉપલબ્ધિ અને બૂરાઈને મિટાવવાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. શરીઅતના હેતુઓમાં માનવીના પ્રાણની રક્ષા પણ એક હેતુ છે. ભલા આવી શરીઅતમાં આ પ્રકારની કોઈ વસ્તુ કેવી રીતે સૂચવવામાં આવતી જે શરીર માટે હાનિકારક હોય? રોઝા શરીર માટે હાનિકારક હોવા તો દૂરની વાત છે બલ્કે એ ખૂબ જ ફાયદાકારક છે. તબીબી પાસાથી રોઝાના કેટલાય ફાયદા વર્ણવવામાં આવે છે. ખાસ કરીને પાચન-તંત્રની કારકિર્દીને કે જેના પર શારીરિક સ્વાસ્થ્યનો મોટી હદ સુધી આધાર છે, બહેતર બનાવવામાં આને (રોઝાને) ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તબીબી નિષ્ણાંતો રોઝા અને (Fasting) અને ભૂખમરા (Starvation)માં ફરક કરે છે. અને રોઝાને શરીર માટે ફાયદાકારક અને ભૂખમરાને હાનિકારક બતાવે છે. આ તમામ વસ્તુઓ છતાં શારીરિક વિકાસ રોઝાનો માત્ર પેટા કે ગૌણ ફાયદો છે, નહિં કે તેનો મૂળભૂત હેતુઓ. વિસ્તૃત વિગતને વર્ણવવાનો હેતુ શરીઅતના એક મહત્વના સિદ્ધાંતને સ્પષ્ટ કરવાનો છે કે તેનો કોઈ આદેશ માનવી માટે હાનિકારક નથી હોતો.

(૨) માનસિક વિકાસ :

રમઝાનનો મહિનો મો’મિનીન (ઈમાનવાળાઓ)ના માનસિક વિકાસની પણ સામગ્રીઓ પણ પૂરી પાડે છે. માનસિક વિકાસ માટે શીખવાની અમલ જરૂરી છે. અને શીખવા તથા શીખવાડવા લાયક જે શ્રેષ્ઠ વસ્તુ છે તે ખુદાનો કલામ (કુઆર્ન) છે. હદીસના શબ્દોમાં “તમારામાં શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જે કુઆર્ન શીખે અને શીખવાડે.” કુઆર્નમજીદ વહી (કે વહ્ય)ના જ્ઞાનને “અલ-ઇલ્મ” એટલે કે વાસ્તવિક કે સાચુ જ્ઞાન કહે છે. અને જે લોકો કુઆર્નના સંદેશથી બચતા હોય તેમને અજ્ઞાની ઠેરવે છે. (સૂરઃઝુમર – ૬૪)

રમઝાનુલ મુબારક કુઆર્નના ઉતરાણનો મહિનો છે. અને આ મહિનામાં કુઆર્નથી ઈમાનવાળાઓની રૃચિ અનેકગણી વધી જાય છે. તરાવીહની નમાઝોમાં આખો કુઆર્ન સાંભળવામાં આવે છે. આ રીતે દર વર્ષે ફરજિયાતપણે આખા કુઆર્નનું શિક્ષણ ઉમ્મત સામે આવી જાય છે. આ વાત જુદી છે કે આપણામાંથી મોટાભાગના લોકો કુઆર્નની ભાષા (અરબી)થી અજાણ હોવાના કારણે તેનાથી ઉઠાવવો જોઈએ તેટલો લાભ ઉઠાવી નથી શકતા. તેમ છતાં આવા લોકો સામે પણ કુઆર્ની-શિક્ષણનું સંક્ષિપ્ત આવશ્ય આવી જાય છે. તે એટલા માટે કે ઉર્દુ અને અરબી ભાષામાં ઓછામાં ઓછું શબ્દોની હદ સુધી તો ઘણી બધી સામ્યતા જોવા મળે છે. તેના પર વધારો આ કે કુઆર્ન સમજવા માટેની એ સભાઓ કે આયોજનો છે કે જે આ મુબારક મહિનાઓમાં યોજાય છે. ‘નુઝૂલે કુઆર્ન’ (કુઆર્નના ઉતરાણ)ને રમઝાન મહિનાની ભૂખ અને તરસ તેમજ રાત-દિવસની ઇબાદતો સાથે સાંકળીને આ પણ બતાવી દેવાયું કે ઇસ્લામમાં માનસિક કસરત અને બુદ્ધિમત્તાવાદની કોઈ કદર-કીમત નથી.

હું માનસિક વિકાસને કુઆર્નની સાથે માત્ર એટલા માટે જોડી નથી રહ્યો કે કુઆર્ન ઉપર મારો અકીદો છે, બલ્કે આ એક હકીકત છે કે કુઆર્ને જે માનવતા માટે માનસિક વિકાસના બંધ દ્વાર ખોલ્યા છે. જે લોકો અનુકરણની દૃષ્ટિએ વસ્તુઓને માની રહ્યા હતા તેમને ચિંતન-મનન માટે શિક્ષણ આપ્યું. ચિંતન, મનન અને બુદ્ધિમત્તાને ઈમાનવાળાઓનું જીવન-વળતર બતાવ્યુ. કુઆર્નના આગમન પહેલાં લોકો શિર્કના છાંયડામાં જીવી રહ્યા હતા, જેનો જરૂરી અપેક્ષા આ હતો કે સૃષ્ટિને પૂજા અને ઉપાસનાની વસ્તુ માનવામાં આવે. આ તો તૌહીદ એટલે કે એકેશ્વરવાદની જ દેણ છે કે પ્રથમવાર ખુદાની આ સૃષ્ટિ શોધ અને સંશોધનની વિષય બની. કુઆર્ને જણાવ્યું કે અલ્લાહની સુન્નત (રીત)માં ક્યારેય કોઈ જ ફેરફાર નથી થતો.

અહીંથી જ મુસલમાનોએ સુન્નતુલ્લાહ એટલે કે સૃષ્ટિના કાયમી કાયદાઓની શોધ શરૃ કરી દીધી. કુઆર્ને રજૂ કરેલ ઇલાહ (ઉપાસ્ય)ની કલ્પના (વલ હુકમુ ઇલાહ વાહિદ) અથવા બીજા શબ્દોમાં તૌહીદ (એકેશ્વરવાદ)ના અકીદાએ ઇલ્મ (જ્ઞાન)ની અદ્વિતીયતા (Dualism)નો પણ ઇન્કાર કરી દીધો. આનું જ પરિણામ હતું કે ‘કુરૃને ઊલા’ના મુસલમાનોએ ખુદાને ઓળખવાની સાથો સાથ સૃષ્ટિની ઓળખ પણ પ્રાપ્ત કરી. એક જ વ્યક્તિ મુફસ્સિર, મુહદ્દિસ અને ફકીહ પણ હોતી હતી, અને તે જ ફિલ્સૂફ, વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર પણ.

(૩) સામાજિક પાસાંથી વ્યક્તિનો વિકાસ :

સમાજના અમીર-ધનવાન તથા ગરીબ વચ્ચે તફાવતને ઘટાડવા માટે જરૂરી છે કે ધનિકો ધનમાં અને પોતાની હાલતમાં મસ્ત રહેનારા બની ન જાય, બલ્કે તેમને ગરીબોની લાચારી અને વિવશતાનો અહેસાસ થાય. રમઝાનના રોઝા ધનિકથી ધનિક વ્યક્તિને પણ ભૂખ અને તરસની તીવ્રતાનો અહેસાસ કરાવી દે છે. આ વાત સામાન્ય સંજોગોમાં અશક્ય છે કે ધનિક માણસ ભૂખ્યો રહે અને તેને ભૂખ તથા તરસનો અહેસાસ થાય. રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક વખત રમઝાનુલ મુબારકના આગમન પહેલાં શા’બાન મહિનામાં એક લાંબો ખુત્બો આપ્યો હતો. એ ખુત્બામાં રમઝાનના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડતાં આપ (સ.અ.વ.)એ આ પણ જણાવ્યું હતું કે શહરુલ મવાસાત એટલે કે લોકોસાથે હમદર્દી કે સહાનુભૂતિનો મહિનો છે. આ મહિનામાં વધુમાં વધુ ઇન્ફાક અર્થાત્ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવો અને રોઝાદારોને ઇફતાર કરાવવાની તાકીદ કરવામાં આવી છે. રોઝાદારોથી અભિપ્રેત એ જ રોઝાદારો હોઈ શકે છે જેઓ ઇફ્તારથી વંચિત હોય.

કુરઆન, નમાઝ તથા ઝકાતનો સાથો સાથ ઉલ્લેખ કરે છે. નમાઝ અલ્લાહના હક્કની પ્રતિનિધિ છે અને ઝકાત બંદાઓના હક્કની પ્રતિનિધિ. અમલની દૃષ્ટિએ નમાઝ તબત્તલ ઇલલ્લાહ અર્થાત્ બંદાઓથી કપાઈને ખુદાથી જોડાઈ જવાનું નામ છે. (સૂરઃમુઝ્ઝમ્મિલ-૮). પરંતુ પરિણામની દૃષ્ટિએ નમાઝ બંદાઓથી વધુ સમીપ થવું છે. સૂરઃમાઊનનું અધ્યયન કરવાથી જણાય છે કે નમાઝની વાસ્તવિક્તા જ આ છે કે માણસ બંદાઓ સાથે જોડાય. એ લોકો કે જેઓ અનાથને ધક્કા મારતા કે ધુત્કારતા હોય, મિસ્કીનની ભૂખની જેમને કોઈ પરવા ન હોય અને જેઓ રોજિંદા વપરાશની સાધારણ વસ્તુઓ લોકોને આપતા ન હોય તેમની નમાઝોને આ સૂરઃમાં દંભ કે દેખાડા સાથે સરખાવવામાં આવી છે, અને તેમના પર લાનત મોકલવામાં આવી કે તેઓ પોતાની નમાઝની હકીકતથી અજાણ છે. રમઝાનના રોઝા તથા અન્ય ઇબાદતો વ્યક્તિમાં સામાજિક સંવેદના જાગૃત કરે છે, અને તેનામાં સામાજિક સંવેદનશીલતા જન્માવે છે. તબત્તલ ઇલલ્લાહ અને એ’તેકાફ જેવી ઇબાદતો છતાં સમાજથી કપાવવાના બદલે તેનાથી વધુ જોડાઈ જાય છે.

(૪) રુહાની (આધ્યાત્મિક) વિકાસ :

રમઝાનનો મૂળ હેતુ વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ જ છે. આ વ્યક્તિત્વના વિવિધ પાસાઓમાંથી માત્ર એક પાસું નથી, બલ્કે આ જ વાસ્તવમાં વ્યક્તિત્વ-વિકાસનો પાયો છે. માનવી વાસ્તવમાં ફરિશ્તાઓ તથા પ્રાણીઓ જેવા ગુણોનો સમૂહ છે. આધ્યાત્મિક વિકાસનો અર્થ આ જ છે કે તે ફરિશ્તાઓ જેવા ગુણોને વિકસાવે અને પ્રાણી જેવા ગુણોને કાબૂમાં રાખે,આને જ ‘નફસ’ (ઇચ્છાઓ)ને કાબૂમાં રાખવું કહેવાય છે. ઇસ્લામે ઇચ્છાઓને મારવા કચડવાનું નથી કહેતો બલ્કે ‘નફસ’નો મુજાહિદા એટલો કે ‘નફસ’ (મનેચ્છાઓ)ને કાબૂમાં કરવાનું શિક્ષણ આપે છે. વિદ્રોહી ઘોડાને ખતમ કરવા માટે બંદૂકની એક ગોળી અથવા તો કામઠાનુ એક તીર પૂરતું છે પરંતુ તેને કાબૂમાં લાવવા માટે ખૂબ જ મહેનતની જરૂરત હોય છે. ‘નફસ’ના વિદ્રોહ ઉપર અંકુશ મૂકવા માટે રોઝાને ખૂબ જ અસરકારક હથિયાર ગણવાયુ છે. મૌલાના અમીન અહસન ઇસ્લાહી રહ.ના શબ્દોમાં રોઝા સન્યાસીની સીમાઓને સ્પર્શનારી ઇબાદત છે. રોઝામાં માણસ હલાલ વસ્તુઓ વિષે પોતાના પર પ્રતિબંધ મૂકીને હરામ વસ્તુઓથી રોકાવા પર પ્રથમ દરજ્જાનો શક્તિશાળી બની જાય છે. ત્યાર પછી હલાલ અને હરામ અંગે આ ફિલ્સૂફી પણ તેના પર સ્પષ્ટ થઈ જાય છે, કે જો કે શરીઅતે પવિત્ર તથા શુદ્ધ વસ્તુઓને હલાલ ઠેરવી અને અપવિત્ર કે ગંદી વસ્તુઓને હરામ ઠેરવી, પરંતુ કોઈ વસ્તુ ખુદ પોતે ન તો હલાલ છે અને ન તો સ્વયં પોતે હરામ, બલ્કે હલાલ અને હરામનો નિર્ણય ખુદાની સત્તામાંથી છે.

શીવ ખેરાએ પોતાના પુસ્તક “You can win”માં એક બોધપ્રદ વાર્તા નોંધી છે. “એક માણસ કોઈક કંપની માટે વૃક્ષ કાપવાનું કામ કરતો હતો. તે ૫ વર્ષોથી આ કામ કરી રહ્યો હતો, પરંતુ તેના પગારમાં સ્હેજેય વધારો ન થયો. બીજો માણસ જે ૧ વર્ષથી એ કંપની માટે કામ કરી રહ્યો હતો, કંપનીએ તેના પગારમાં સારો એવો વધારો કરી દીધો. એ માણસ જે ૫ વર્ષથી કામ કરી રહ્યો હતો પોતાના બોસ પાસે ગયો અને કહ્યું કે હું પાછલા ૫ વર્ષોથી તમારી પાસે કામ કરી રહ્યો છું, પરંતુ મારો પગાર એટલો જ છે કે જેટલો પ્રથમ દિવસે હતો, અને એ માણસ જે ફકત ૧ વર્ષથી અહીં કામ કરી રહ્યો છે તેનો પગાર તમે આટલો બધો વધારી દીધો છે. આ સાંભળીને તેના બૉસે કહ્યું કે ઃ જુઓ! તમે પાછલા ૫ વર્ષથી અહીં કામ કરી રહ્યા છો પરંતુ તમારી કારકિર્દીમાં કંઇ પણ વધારો નથી થયો; અને જે માણસની તમે વાત કરી રહ્યા છો તેની કારકિર્દી તમારા કરતાં ઘણી સારી છે. તે માણસ પાછો ફર્યાે અને કામ પર લાગી ગયો. હવે તે વધુ મહેનત કરવા લાગ્યો અને વધુ સમય સુધી પણ કામ કરતો હતો, પરંતુ પરિણામ એ જ હતું. તેની કારકિર્દીમાં સ્હેજ પણ વધારો ન થયો. તેણે ફરીથી જઈને પોતાના બૉસને ફરિયાદ કરી. તેના બૉસે કહ્યું કે એ માણસની કારકિર્દી આટલી સારી શા માટે છે, તેનું રહસ્ય મને પણ ખબર નથી. તમે પોતે જઈને તેને પૂછી લો. શક્ય છે કે તે કોઈ એવી વસ્તુ જાણતો હોય જે હું અને તમે નથી જાણતા! એ માણસ તેની પાસે ગયો અને તેની શ્રેષ્ઠ કારકિર્દીના રહસ્ય વિશે પ્રશ્ન કર્યો. તેણે કહ્યું કે હું દરેક વૃક્ષ કાપ્યા બાદ પોતાની કુહાડી ધારદાર કરૃં છું. (After every tree I cut, I sharpen my axe).

આધ્યાત્મિક વિકાસનો અર્થ આ છે કે તમે તમારી કુહાડી તેજ કરો. (sharpen my axe). આપણે દીન-દુનિયાની વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીએ છીએ. ઇસ્લામ માત્ર આ નથી કહેતો કે દુન્યવી કાર્યોની વચ્ચે આધ્યાત્મિક જરૂરતો માટે સમય ફાળવો, બલ્કે તેની સમીપ માણસ જો માત્ર ને માત્ર દીની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે પણ તેણે આધ્યાત્મિક વિકાસ માટે અલગથી સમય કાઢવા કે ફાળવવાની જરૂરત પડે છે. આ જ કારણ છે કે બિલકુલ જિહાદના સમયે પણ નમાઝમાંથી મુક્તિ નથી મળતી બલ્કે ‘કઝા’ (મોડી) પણ નથી થતી. જિહાદના મેદાનમાં જ્યાં માણસ સર્વ કાંઈ ખુદાના હવાલે કરી દે છે, નમાઝ જમાઅત સાથે અદા કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, અને તેની રીત પણ બતાવવામાં આવી છે “અને હે નબી ! જ્યારે તમે મુસલમાનો વચ્ચે હોવ અને (યુદ્ધની સ્થિતિમાં) તેમને નમાઝ પઢાવવા માટે ઊભા હોવ તો તેમાંથી એક જૂથ તમારા સાથે ઊભું રહે અને પોતાના શસ્ત્રો સાથે રાખે, પછી જ્યારે તે સિજદો કરી લે તો પાછળ જતું રહે અને બીજું જૂથ જેણે હજુ નમાઝ નથી પઢી, આવીને તમારા સાથે પઢે અને તે પણ સાવધ રહે અને પોતાના શસ્ત્રો સાથે રાખે, કેમ કે કાફિરો (વિરોધીઓ) એ લાગમાં છે કે તમે પોતાના શસ્ત્રો અને પોતાના સામાન તરફથી સહેજ બેદરકાર થાવ તો તેઓ તમારા ઉપર ઓચિંતા તૂટી પડે. અલબત્ત, જો તમે વરસાદના કારણે તકલીફ અનુભવો અથવા બીમાર હોવ તો શસ્ત્રો બાજુએ રાખી દેવામાં વાંધો નથી, પરંતુ તે પછી પણ ચેતતા રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહે કાફિરો માટે નામોશીભરી યાતના તૈયાર કરી રાખી છે. પછી જ્યારે નમાઝ પૂરી કરી લો તો ઊભા અને બેઠાં અને સૂતાં, દરેક હાલતમાં અલ્લાહને યાદ કરતા રહો. અને જ્યારે શાંતિ પ્રાપ્ત થઈ જાય તો પૂરેપૂરી નમાઝ પઢો. નમાઝ હકીકતમાં એવું અનિવાર્ય કાર્ય છે જે સમયની પાબંદી સાથે ઈમાનવાળાઓ માટે ફરજિયાત બનાવવામાં આવેલછે.” (સૂરઃ નિસા – ૧૦૨,૧૦૩). આ અંગે આપણા વર્તુળોમાં ખૂબ જ ઢીલ કે સુસ્તી દાખવવામાં આવે છે. એક તરફ એ લોકો છે જેમણે નમાઝને જિહાદના મેદાનથી અલગ કરી નાખી છે, અને બીજી બાજુ એવા લોકો છે જેઓ “ઇકામતે દીન” (દીનની સ્થાપના)માં વ્યસ્ત થઈને “ઇકામતે સલાત” (નમાઝની સ્થાપના) પ્રત્યે ગાફેલ થઈ જઈએ છીએ.

રમઝાનુલ મુબારકનો મહિનો એ જ ‘કુહાડી તેજ કરવા’નું નામ છે. બાહ્ય રીતે જોતાં એવું લાગે છે કે આ મહિનામાં આપણી કાર્ય-ક્ષમતા ઘટી જાય છે, પરંતુ વાસ્તવમાં કાર્ય-ક્ષમતા કે કારકિર્દીની સુંદરતાનું રહસ્ય આ જ કુહાડી તેજ કરવામાં છુપાયેલું છે. તેના વિના દીનના માર્ગમાં ન તો વધારે સમય લગાડવાથી કંઈ લાભ થશે અને ન તો વધારે મહેનત કરવાથી…!!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments