સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા (SIO) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં યુનિવર્સિટી સ્થાપિત કરવા છેલ્લા ત્રણ વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહી છે. આશરે ૮ લાખની વસ્તી ધરાવતું મુર્શિદાબાદ દુર્ભાગ્યવશ શિક્ષણક્ષેત્રે અને સાક્ષરતા દરની દ્રષ્ટિએ ઘણાં નીચા સ્થાને છે. જિલ્લામાં વસતા લોકોની કથળેલ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જોતાં એસ.આઈ.ઓ. પશ્ચિમ બંગાળ ઝોને યુનિવર્સિટી સ્થાપિત કરાવવા સંઘર્ષ શરૃ કરવાનો નિર્ણય લીધો, કારણ કે સંગઠન માને છે કે શિક્ષણ જ લોકોને અજ્ઞાનતા અને પછાતપણાથી મુક્ત કરવાનું એકમાત્ર હથિયાર છે.
યુનિવર્સિટીની માંગ કેટલી અનિવાર્ય છે તે બાબતે લોકોને જાગૃત કરવા તેમજ મીડિયાનો અવાજ બનવા બાઈક રેલી, કેમ્પસ લેકચર્સ, માનવ સાંકળ, હડતાળ, પ્રદર્શનો જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને મળી મુદ્દાની મહત્તા સમજાવવાના પ્રયત્નો કર્યા. તાજેતરમાં આશરે ત્રણ માસ પહેલાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ, યુવાનો અને શુભચિંતકોની મેદનીએ એસેમ્બલી કૂચ કરી, વિધાનસભાનો ઘેરાવ કર્યો. અને પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને એક પ્રતિનિધિમંડળે મળીને યુનિવર્સિટીની સ્થાપના અંગે મેમોરેન્ડમ આપ્યું અને મંત્રીએ તે માટેની બાંહેધરી આપી. આ એસેમ્બ્લી કૂચ પછી એસ.આઈ.ઓ.ની માગ ચર્ચાનો વિષય બની.
આખરે આ અથાગ અને સતત પ્રયત્નો અને સંઘર્ષનું ફળ પ્રાપ્ત થયું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુર્શિદાબાદમાં યુનિવર્સિટી શરૃ કરવાની જાહેરાત કરી.
એસ.આઈ.ઓ. મુર્શિદાબાદના જિલ્લા પ્રમુખ સાદિકુર્રહમાને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો આભાર માન્યો અને સર્વ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. એસ.આઈ.ઓ. મુર્શિદાબાદના જિલ્લા સેક્રેટરીએ જણાવ્યું કે આ એસ.આઈ.ઓ.ના સંઘર્ષની નૈતિક જીત છે, તેમજ બધા જ સંકળાયેલા કાર્યકરો અને લોકો અભિનંદનપાત્ર છે. તેમણે સરકારથી ત્વરિત યુનિવર્સિટીની સ્થાપનાનો પાયો નાખવા અરજ કરી છે.