Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમુશ્કેલીઓ : જીવનની કસોટી

મુશ્કેલીઓ : જીવનની કસોટી

આજના યુગમાં દસ માણસોને મળો એમાંથી આઠ માણસો પોતાની મુશ્કેલીઓની વાત કરશે. વાત સાચી પણ છે, આપણા બધાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, કારણ કે જીવન છે એટલે જ મુશ્કેલીઓ છે, અને મુશ્કેલીઓ છે એટલે જ જીવન છે. મુશ્કેલીઓ વિનાનું જીવન કબ્રસ્તાનમાં હોઇ શકે કદાચ! કોઇ મહાપુરૃષે કહ્યું હતું કે ‘‘Life is hard But compared to what?’ જીવન મુશ્કેલ છે, પરંતુ કોની સરખામણીમાં? આપણે એમને પૂછવું પડે કે સાહેબ જીવન મુશ્કેલ નથી તો પછી આ બધી મુશ્કેલીઓ આવે છે ક્યાંથી? આ જગતમાં કોઇનું પણ જીવન મુશ્કેલીઓ વિનાનું નથી. સામાન્ય માનવીઓ જ નહીં મોટા મોટા પયગમ્બરો અને મહાપુરૃષો બધાએ જીવનમાં કઠણ મુશ્કેલીઓનો સામનો કર્યો જ હતો. સોનાને અગ્નિમાં તપાવીને એને બધો જ મેલ કાઢી નાંખવામાં આવે છે ત્યાર પછી એ કુંદન બને છે. ઇશ્વર પણ પોતાના બંદાઓના મનમાંથી બધી જ અશુદ્ધિઓ, લોભ, લાલચોને કાઢી નાખવા મુશ્કેલીરૃપી અગ્નિમાં નાખી દે છે, જેથી એના બંદાઓના મન કુંદન બની જાય. એટલે મુશ્કેલીઓ આવે તેથી ઘબરાઇ જવું ન જોઇએ. એનાથી તો આપણું પાણી મપાઇ જાય છે. જેઓ મુશ્કેલીઓ વેઠે છે એ જ ખરા અર્થમાં જીવી રહ્યા છે. અપ્સ-ડાઉન-ઉતાર-ચઢાવ એ જીવનનો સામાન્ય ક્રમ છે મુશ્કેલીઓ વિનાના સીધા સીધા રસ્તા ઉપર ચાલવું એટલે કાર્ડીઓગ્રાફની સીધી લીટી જેવું છે – મૃતઃપ્રાય અવસ્થા.

મોટા મોટા મહાપુરૃષોની જીવનકથા વાંચીએ તો સમજાય છે કે એમણે જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ, હાડમારીઓ સહન કરી હતી. કદાચ મહાનતાની પારાશીશી જ મુશ્કેલીઓ છે. જે જેટલી વધુ મુશ્કેલીઓ સહન કરે એ વધુ મહાન. જેણે જેટલી વધુ મુશ્કેલીઓનો સામનો કર્યો, પ્રતિકાર કર્યો એટલો એ વધુ સફળ બન્યો. ઇતિહાસમાં આવા ઘણા ઉદાહરણો છે. મુશ્કેલીઓમાં માણસે આ પ્રાર્થના જરૃર કરવી જોઇએ કે હે ઇશ્વર ! આ મુશ્કેલીઓનો સામનો કરવાની મને શક્તિ અને હિમ્મત આપ, અને મારૃં જીવન સરળ નહિ પરંતુ સફળ બનાવ.

મુશ્કેલીઓમાં માણસની હિમ્મત, ધીરજ અને પ્રમાણિક્તાની કસોટી પણ થઇ જાય છે. ગરીબ હોવું, મુશ્કેલ સમયમાં હોવું અને છતાંય પ્રમાણિક્તાથી જીવવું એ ખરેખર કાબિલે દાદ છે. ઘણા ઓછા હોય છે એ વીરલાઓ જેણે દુર્ભાગ્ય જોયું અને સાથે સાથે સદ્ગુણોને પણ પારખી લીધા. નહિતર મુશ્કેલીઓ અને મજબૂરી માણસને અપ્રમાણિક્તાની લપસણી સીડી પાસે લાવીને છોડી દે છે. એ સમયે જાતને રોકી રાખવી કે લપસી જવું એ સંસ્કારો અને વિવેકબુદ્ધિ ઉપર નિર્ભર કરે છે.

જીવનમાં જો બધું જ સરળતાથી મળી જાત તો? તો આપણું જીવન જ નિરસ થઇ જાત. એકની એક ઘરેડમાં, મોનોટોનસ વસ્તુઓથી માણસનું મન જલ્દી ભરાઇ જાય છે અને કશુંક નવું જોઇએ છે. એટલે ઇશ્વરે ઋતુઓના પરિવર્તનનું વૈવિધ્ય રાખ્યું એમ માનવજીવનમાં પણ ‘પરિવર્તન’નો કેટલોક સમય રાખ્યો. આ પરિવર્તન સમય એટલે મુશ્કેલીઓનો સમય. જીવનમાં નવું સ્વાદ પણ જરૂરી છે. આ મુશ્કેલીઓ ‘ચેઇન્જ ઓફ ટેસ્ટ’ છે. મુશ્કેલીઓ આવે એટલે માણસ સુષુપ્તાવસ્થામાંથી ઊભો થઇ એકદમ એક્ટીવ બની જાય છે. હાથપગ હલાવવા લાગે છે, પડે છે, આખડે છે, ઝઝૂમે છે અને મોટાભાગના લોકો આ જંગમાં સફળ થઇને બહાર આવે છે. કારણ કે માણસના સ્વભાવમાં પ્રતિકાર છે માત્ર ગણ્યા ગાંઠ્યા જ નિરાશ થઇને જીવન સમાપ્ત કરી નાખવાની મુર્ખાઇ કરી બેસે છે. માનવનો ઇતિહાસ જુઓ તો સમજાશે કે એ યુદ્ધો, પ્રતિકાર, લડાઇ અને સંઘર્ષનો ઇતિહાસ છે. પછી એ દુશ્મન સામે હોય, અન્યાય સામે હોય કે પોતાના મન સાથે જ કેમ નહોય! માનવજાતના સશક્તિકરણમાં સૌથી મોટો ફાળો મુશ્કેલીઓનો જ છે. કેમ કે નિર્બળતામાંથી શક્તિ જન્મે છે. સંઘર્ષમાંથી શક્તિ જન્મે છે. જો મુશ્કેલીઓ, દુઃખો કે વિડંબનાઓ ન હોત તો માનવજાતે આજે જે પ્રગતિ કરી છે એ થઇ શકી જ ન હોત. મુશ્કેલી જ સૌથી મોટું શિક્ષક છે. એ એકવાર પણ પાઠ શીખવાડે એ જીવનભર માટેનો હોય છે. બુદ્ધિશાળીઓ એમાંથી શીખે છે અને મુર્ખાઓ એમાંથી કાંઇ ન શીખીને નિષ્ફળ થતા રહે છે.

મુશ્કેલીઓ આવે ત્યારે મુખ્યત્વે બે બાબત બને છે, કાં તો માણસ એના બોજ તળે દબાઇને ફસકી પડે છે અને કાં તો એનો પ્રતિકાર કરી વધારે મજબૂત બનીને ઊભો થાય છે અને સફળ બને છે. વિદ્ધાનો એટલે જ કહી ગયા હશે કે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓમાં જ સફળતા છુપાયેલી હોય છે. મુશ્કેલીઓનો સામનો કરનારમાં એક મહત્વનું પરિવર્તન પણ આવે છે કે એ વધારે સહિષ્ણુ, દયાળુ અને બીજાના દુઃખ દર્દને સમજી શકે એવો સમજદાર બની જાય છે. બીજાની મુશ્કેલીઓ સમજાય એટલા માટે પણ માણસ ઉપર મુશ્કેલીઓ આવે એ આવશ્યક હોય છે.

મુશ્કેલીઓમાં માણસના ચારિત્ર્યની જ કસોટી નથી થતી પરંતુ એની પ્રમાણિક્તા અને શ્રદ્ધાની પણ કસોટી થઇ જાય છે. કુઆર્ન મજીદમાં કહેવામાં આવ્યું છે એનો ભાવાર્થ એવો છે કે અલ્લાહ પોતાના બંદાઓને ભૂખ, તરસ, સંતાનો અને ધનદૌલત (આપીને બિલકુલ ન આપીને)થી કસોટી કરે છે. સાચા બંદાઓ ફરિયાદ કર્યા વિના આ કસોટીમાંથી પાસ થઇને ઉગરી જાય છે. સેમ્યુઅલ સ્માઇલ્સે યોગ્ય જ કહ્યું હતું કે આપણને સફળતા કરતાં પણ વધુ ડહાપણ નિષ્ફળતામાંથી મળે છે. એટલે નિષ્ફળતાનો ભય રાખ્યા વિના મુશ્કેલીઓમાં સંઘર્ષ કરતો રહે તો માણસે એ સમજી લેવું જોઇએ કે સફળતા માટેના બધા જ કોઠા એણે પાર કરી લીધા છે અને હવે પછી એ સફળતાની રેસમાં સૌથી મોટો અને શક્તિશાળી પ્રતિસ્પર્ધી છે.
મુશ્કેલીઓમાંથી બાહર આવવા શું કરવું?

સૌથી પહેલી શરત છે શ્રદ્ધા ન ગુમાવવી, આશા ન છોડવી. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે નિરાશાવાદી માણસ દરેક તકમાં પણ મુશ્કેલી જુએ છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં પણ તક જુએ છે. આજ ખરાબ છે તો કાંઇ વાંધો નહીં, આવતીકાલ તો સારો જ દિવસ હશે. મુશ્કેલી આજે છે તો કાલે રાહત મળશે. કુઆર્નમજીદમાં છે, “દરેક મુશ્કેલી પછી રાહત છે.”

બીજું, સંઘર્ષ કરવાનું છોડવું નહીં, હથિયાર હેઠા મૂકવા નહીં, માથે હાથ દઈને બેસી રહેવું નહીં, સખત પરિશ્રમ કરતા રહેવું.

ત્રીજું, પ્રાર્થના કરવી. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે આ તો માત્ર એક ધાર્મિક પ્રક્રિયા છે. પરંતુ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પ્રાર્થના કરવાથી ન જ માત્ર માનસિક તણાવ ઓછો થાય છે પરંતુ માણસની શ્રદ્ધામાં વધારો થાય છે અને માનસિક બીમારીમાં પણ રાહત મળે છે. મનને દુરસ્ત રાખશો તો તન પણ દુરસ્ત રહેશે. મનને દુરસ્ત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ઇશ્વરની પ્રાર્થના કરવી.

અને છેલ્લે, આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા, ત્રણ સિદ્ધાંતોને અનુસરવા (૧) અસ્તવ્યસ્તતા, ભીડભાડ કે ભાંજગડમાં પણ સાદાઇ અપનાવવી, (૨) કુસંપ કે વિસંવાદિતામાં સુમેળ સાધવો અને (૩) મુશ્કેલીઓની વચ્ચે તક શોધતા રહો.

મોટાભાગના લોકો તક શોધવા માટે બારણ ખડખડાવતા રહે છે. પરંતુ સાથે સાથે જ્યારે બારણા ઉપર તક ટકોરા માટે છે ત્યારે એને સાંભળતા નથી. એટલે ઇન્દ્રિયોને પણ સતેજ રાખવી.
(મો. ૯૬૨૪૦ ૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments