૧. મુસાફરી માટે એવા સમયે નીકળવું જોઈએ કે જેમાં ઓછામાં ઓછો સમય લાગે તેમજ નમાઝોના સમય પણ સચવાય. નબી સ.અ.વ. પોતે જ્યારે મુસાફરીએ નીકળતાં અથવા કોઈને મોકલતાં ત્યારે સામાન્ય રીતે ગુરૃવારનો દિવસ પસંદ કરતા હતાં.
ર. મુસાફરી એકલા ન કરો, શકય હોય તો ઓછામાં ઓછા ત્રણ માણસો સાથે લો. આનાથી રસ્તામાં માલ-સામાનનું રક્ષણ તેમજ બીજી જરૃરિયાતોમાં પણ આસાની રહે છે, અને માણસ ઘણાં જોખમોથી સલામત રહે છે. નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘જો લોકોને એકલા મુસાફરી કરવાની એ ખરાબીઓની ખબર પડી જાય જે હું જાણું છું તો કોઈ અસ્વાર કયારેય રાતમાં એકલો મુસાફરી ન કરે.’ (બુખારી)
એક વખત એક માણસ લાંબી મુસાફરી ખેડીને નબી સ.અ.વ. સમક્ષ આવ્યો તો આપે તે મુસાફરને પૂછયુંઃ તમારી સાથે કોણ છે ? મુસાફરે કહ્યુંઃ હે રસૂલુલ્લાહ સ.અ.વ., મારી સાથે કોઈપણ નથી, હું એકલો આવ્યો છું’ તો નબી સ.અ.વ.એ ફરમાવ્યું ઃ ‘એકલો અસ્વાર શૈતાન છે અને બીજો અસ્વાર શૈતાન છે, અલબત્ત, ત્રણ અસ્વાર અસ્વાર છે.’ (તિર્મિઝી)
૩. મહિલાઓએ હંમેશાં એક મહરમની સાથે જ મુસાફરી કરવી જોઈએ. હા, જો એકાદ દિવસની સામાન્ય મુસાફરી હોય તો એમાં કોઈ હરજ નથી પરંતુ સાવચેતી એમાં જ છે કે મહિલા એકલી મુસાફરી ન કરે. નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ ‘જે મહિલા અલ્લાહ અને કયામતના દિવસ ઉપર ઈમાન ધરાવતી હોય તેના માટે ત્રણ દિવસ અથવા તેનાથી વધારાની મુસાફરી એકલી કરવાનું જાઇઝ નથી. તે આવી લાંબી મુસાફરી ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેની સાથે તેના પિતા હોય, ભાઈ હોય, પતિ હોય અથવા તેનો પોતાનો દીકરો હોય અથવા કોઈ બીજી મહ્રમ વ્યક્તિ હોય.’ (બુખારી)
અને એક બીજા પ્રસંગે તો નબી સ.અ.વ.એ એટલે સુધી ફરમાવ્યું છે કેઃ ‘મહિલાએ એક દિવસ અને એક રાતની મુસાફરી માટે પણ એકલા જવું જોઈએ નહીં. (બુખારી, મુસ્લિમ)
૪. મુસાફરી ઉપર જતી વખતે જ્યારે સવાર થઈ જાઓ અને સવારી ચાલવા લાગે ત્યારે આ દુઆ પઢોઃ
‘પાક અને ઉચ્ચતર છે એ (અલ્લાહ) કે જેણે એને અમારા તાબે કરી દીધું જો કે અમે તેને કાબૂમાં કરી શકનારા ન હતાં. ચોક્કસ અમે અમારા માલિક તરફ પાછા જવાના છીએ. હે અલ્લાહ ! અમે અમારી આ મુસાફરીમાં તારી પાસેથી નેકી અને તકવા-સંયમ માટે સાનુકૂળતા માગીએ છીએ અને એવા કામો માટે અનુકૂળતા માગીએ છીએ કે જે તારી પ્રસન્નતાના હોય અલ્લાહ અમારા માટે મુસાફરી સરળ કરી દે અને આનું અંતર અમારા માટે ટકાવી દે. હે અલ્લાહ તું જ આ મુસાફરીમાં મિત્ર છે અને તું જ ઘરવાળાઓમાં ખલીફા અને દેખરેખ રાખનાર છે. હે અલ્લાહ ! હું મુસાફરીની કઠણાઈઓ સામે, અણગમતા દૃશ્યો સામે અને મારા માલ સામે, મારા સંબંધીઓ સામે અને મારી ઓલાદમાં ખરાબ રીતે પાછા ફરવા સામે અને નેકી પછી બદી સામે અને મઝલૂમની બદદુઆઓની સામે તારૃં રક્ષણ માગું છું. (મુસ્લિમ, અબૂ દાઊદ, તિર્મિઝી)
પ. રસ્તામાં બીજા લોકોની સગવડ અને આરામનું પણ ધ્યાન રાખો. રસ્તાના સાથીનો પણ હક્ક છે. કુઆર્નમાં વસ્સાહિબિ બિલ્જંબિ શબ્દો ફરમાવવામાં આવ્યા છે. ‘અને પડખેના સાથીની સાથે સારું વર્તન કરો.’ પડખે ચાલતો કે બેઠેલો સાથી એ દરેક માણસ છે કે જેની સાથે ગમે ત્યાં ગમે ત્યારે તમારો સંગાથ થઈ જાય. મુસાફરી દરમિયાનની ટૂંકી મિત્રાચારીનો પણ એ હક્ક બને છે કે તમે તમારા સફરના સાથી સાથે સારામાં સારું વર્તન દાખવો અને એવો પ્રયત્ન કરો કે તમારા કોઈ શબ્દો કે વ્યવહારના કારણે તેને કોઈ શારીરિક કે માનસિક તકલીફ ન પહોંચે. નબી સ.અ.વ.એ ફરમાવ્યું છેઃ ‘કોમનો સરદાર એમનો સેવક હોય છે જે બીજા લોકોની સેવા કરવામાં અન્યો કરતાં આગળ વધી જાય. નેકીમાં તેનાથી આગળ વધી જનાર કોઈ હોય તો માત્ર એ જ માણસ જે અલ્લાહની રાહમાં શહાદત પામે.’ (મિશ્કાત)
૬. મુસાફરી શરૃ કરતાં સમયે અને પાછા આવો ત્યારે બે રકઅત શુકરાના-આભારની નફલ નમાઝ અદા કરો. નબી સ.અ.વ. આમ જ કરતા હતાં.
૭. જ્યારે તમારી કાર, બસ અથવા વહાણ ઉંચે ચઢે અથવા ઊંચાઈ પકડે ત્યારે આ દુઆ પઢો.
‘હે અલ્લાહ ! તને જ બધી જ મોટાઈ અને ઊંચાઈ ઉપર સરસાઈ મળેલી છે. દરેક હાલતમાં હમ્દ-વ-સનામાં તારો જ હક્ક છે.’
૮. રાત્રે કયાંક રોકાણ કરવું પડે ત્યારે સુરક્ષિત ઠેકાણે રોકાણ કરો કે જ્યાં ચોર-ડાકુથી પણ તમારા જાનમાલ સલામત હોય અને હાનિકારક પ્રાણીઓ તરફથી પણ કોઈ ભયની આશંકા ન હોય.
૯. મુસાફરીની જરૃરિયાત સમાપ્ત થયે ઘરે પાછા આવવામાં ઉતાવળ કરો. બિનજરૂરી હરવા-ફરવાથી દૂર રહો.
૧૦. મુસાફરી કરીને એકાએક કોઈ સમાચાર આપ્યા વિના રાત્રે ઘરે પાછા આવી જાઓ નહીં. પહેલાં ખબર કરો, પછી મસ્જિદમાં બે રકઅત નફલ અદા કરો, પછી ઘરના લોકોને સમય આપો કે તેઓ તમારા સ્વાગત માટે સારી રીતે તૈયાર થઈ શકે.
૧૧. મુસાફરીમાં જો પશૂ સાથે હોય તો તેમના આરામ અને સગવડનો પણ ખ્યાલ રાખો અને જો કોઈ સવારીનું જાનવર હોય તો તેની જરૂરતો અને સલામતીની પણ વ્યવસ્થા કરો.
૧ર. ઠંડીની ઋતુમાં જરૃર પ્રમાણે પથારી વિગેરે સાથે રાખો અને યજમાનને બિનજરૂરી અગવડમાં ન મૂકો.
૧૩. મુસાફરીમાં પાણી માટે વાસણ અને મુસલ્લો ભેગો રાખો કે જેથી કુદરતી હાજત, વુઝૂ, નમાઝ અને પીવાના પાણીની તકલીફ સહન કરવી ન પડે.
૧૪. થોડા માણસો ભેગાં મળીને મુસાફરી કરી રહ્યાં હોય ત્યારે એક વ્યક્તિને તમારો અમીર-આગેવાન ઠરાવી લો. અલબત્ત, દરેક જણ પોતાની ટિકિટ, જરૃર જેટલા પૈસા અને બીજો જરૂરી સામાન પોતાની પાસે રાખે.
૧પ. જ્યારે મુસાફરી દરમિયાન કયાંક રાત પડી જાય તો આ દુઆ પઢોઃ
‘હે ધરતી, મારો અને તારો માલિક અલ્લાહ છે, હું તારી બૂરાઈથી અને એ મખ્લૂકની બૂરાઈથી, કે જે તારામાંથી અલ્લાહે પેદા કરી છે, અને એ મખ્લૂકની બૂરાઈથી કે જે તારી ઉપર ચાલે છે હું અલ્લાહની પનાહ માગું છું. અને હું સિંહથી, કાળમુખા અજગરથી અને સાપ-વીંછીથી અને આ શહેરના રહેવાસીઓથી અને દરેક જન્મ આપનાર અને જન્મનારની બુરાઈથી અલ્લાહની પનાહ માગું છું. (અબૂદાઊદ)
૧૬. અને જ્યારે મુસાફરીએથી ઘરે પાછા આવો ત્યારે આ દુઆ પઢોઃ
‘પાછા ફરવાનું છે, આપણા માલિકની તરફ જ પાછા ફરવાનું છે અને આપણા માલિકની જ સામે તૌબા છે એવી તૌબા છે કે જે આપણા ગુનાઓની કોઈ અસર બાકી રહેવા ન દે.’ (હિસ્નેહસીન)
૧૭. જ્યારે કોઈને મુસાફરી માટે વિદાય આપો તો થોડા દૂર સુધી તેની સાથે જાઓ. વિદાય કરતી વખતે તેને પણ દુઆ કરવા માટે કહો અને તેને આ પ્રમાણે દુઆ કરીને વિદાય આપોઃ
‘હું તારા દીનને અમાનતને અને અમલના અંતને અલ્લાહને સુપરત કરું છું.’ (હિસ્નેહસીન)
૧૮. જ્યારે કોઈ મુસાફરી પૂરી કરીને પાછો આવે ત્યારે તેને આવકારો અને પ્રેમ દર્શાવતા શબ્દો બોલીને જરૃર મુજબ પ્રસંગને અનુરૃપ હસ્તધૂનન કરો અથવા ભેટો પણ ખરા.