રવિવારની સાંજ હતી. હું મિત્રો સાથે હળવાશની પળો માણવા નીકળ્યો હતો. અમે કારમાં સવારી કરી રહ્યા હતાં. ડ્રાઇવર બિનમુસ્લિમ હતો. તેનાથી વાતા શરૃ થઈ. વિવિધ વાતોથી ગુજરી અમારી વાતની દિશા ‘જીવનની હકીકત’ તરફ વધી. ડ્રાઇવરે કહ્યું, “આ જીવન જે આપણને મળ્યું છે તેના ઉપર વધારે વિચારવાની જરૃર નથી, આનંદ માણો અને વૈભવી જીવન ગુજારો અને આ જે લોકો સ્વર્ગ (જન્નત) અને નર્ક (જહન્નમ)ની વાતો કરે છે હકીકતમાં ભ્રમ છે.” હું ડ્રાઇવરને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો અને મારા વારાની રાહ જોઈ રહ્યો હતો. છેલ્લે મારો વારો આવ્યો અને મેં ડ્રાઇવરને કહ્યું “આ સ્વર્ગ અને નર્ક ભ્રમ હોઈ શકે છે જો તેનો સંબંધ ફકત ફિસોફીકલ અને સૈધ્ધાંતિક ખ્યાલ સુધી સીમિત હોય પરંતુ તેનો સંબંધ આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનથી જોડાયેલો છે.” વધુમાં કહ્યું, “જે સ્વર્ગ અને નર્કને તમે ભ્રમ સમજી રહ્યાં છો, જો તે સ્વર્ગને હાંસલ કરવાની ઇચ્છા અને નર્કથી બચવાની પરવા માનવના મન અને મસ્તિષ્કથી નીકળી જાય તો અનિવાર્યપણે માનવ આ દુનિયાને જ બધું સમજવા લાગે છે. અને જબરદસ્ત પ્રકારની અનૈતિકતા અને સ્વાર્થીપણાનો ભોગ બની જાય છે. અને આ વિચારની અસર સીધી રીતે આપણા વ્યક્તિગત અને સામુહિક જીવન ઉપર પડે છે…” ડ્રાઇવરે થોડા સમય ચુપ રહી હંસીને વાતની દિશા બદલી નાંખી. નૈતિક દૃષ્ટિકોણથી આ એક જીવંત ઉદાહરણ છે જે મૃત્ય પછી જીવનને મજબૂતી આપે છે.
તેવી જ રીતે મૃત્યુ પછી જીવનના સંદર્ભમાં એક બીજા દૃષ્ટિકોણ ઉપર નજર નાંખીએ, જેનું અર્થઘટન ‘ન્યાયના તકાદા’ સાથે કરી શકાય છે. જ્યારે આપણે આસપાસના માહોલની સમીક્ષા કરીએ છીએ તો આપણને ખબર પડે છે કે આ સમાજમાં એવા લોકો મોજૂદ છે જેમણે માનવતાને ગંભીર રીતે નુકશાન પહોંચાડ્યું છે. લૂંટફાટ, ક્રૂરતા-દમન અને ખૂનામરકી સતત ચાલુ જ છે. આ સમાજમાં એવા લોકો પણ છે જેઓ દેશો, કોમો અને મનુષ્યો વચ્ચે તિરસ્કારની ભાવના પેદા કરે છે જેના કારણે એક સમુદાય બીજા સમુદાયથી મૃત્યુ સુધી લડતાં રહે છે અને એકબીજાનું રક્તપાત કરે છે.
હવે થોડાક વિચાર કરો આ અતિશય ક્રૂરતા અને દમનની સજા શું હોવી જોઈએ? અને જે લોકો આ અપરાધ કરે છે તેઓ કેટલા અંશે સજા પામે છે? તેમાંથી ઘણા લોકો તો ઢોંગ રચીને કાનૂનથી બચી પણ જાય છે અને જો અમુક લોકો કાનૂનની પકડમાં આવી પણ જાય છે તો વધારેમાં વધારે તેઓને મૃત્યદંડ મળે છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું મૃત્યુદંડ ‘સંપૂર્ણ ન્યાય’ થઇ શકે છે? ક્યારેય નહીં થઈ શકતો. કારણ કે જો મનુષ્ય એક મનુષ્યને કત્લ કરે તો તેની નકારાત્મક અસરો સમગ્ર ખાનદાન ઉપર પડે છે. તો વિચારો હજારો ખૂનનો અપરાધી વ્યક્તિ ફકત એક મૃત્યની સજા ભોગવી આ ખરાબ પરાક્રમની સજા કેવી રીતે પૂરી કરી શકે છે?!!! આવી જ રીતે સમાજમાં એવા લોકો પણ રહે છે જે નેક છે, ઈમાનદાર છે, જુલ્મની વિરુદ્ધ લડે છે. જોખમનો સામનો કરે છે અને એવા કાર્યો કરી જાય છે જેનાથી સદીઓ સુધી લોકો ફાયદો ઉઠાવે છે. એવા લોકોને આપણે વધારેમાં વધારે શું આપી શકીએ? માન-પ્રતિષ્ઠા-હોદ્દો…! પરંતુ તેઓની આ મહાન સિદ્ધીઓના આ કાર્યનો સંપૂર્ણ બદલો ક્યારેય નથી થઈ શકતો.
ઉપર જે બે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેનાથી જે બુનિયાદી વાત સમજવામાં આવે છે તે આ છે કે મનુષ્ય જીવનમાં જે અનુસરણ કરે છે તેનો સંપૂર્ણ રીતે સારો અને ખરાબ બદલો આ દુનિયામાં નથી મળી શકતો. જેનાથી ન્યાયનો તકાદો પૂરો નથી થતો. ન્યાયના તકાદાઓની પૂર્ણતા માટે એક એવા વિશ્વની કલ્પના અનિવાર્ય છે જે ન્યાય સાથે સારો અને ખરાબ બદલો સ્થાપિત કરે. અને એવા વિશ્વની શરૃઆત મૃત્યુ પછીના જીવનથી થાય છે. હજુ સુધી આપણે જે વાત ઉપર ભાર મુકયો એ આ છે કે જીવનનું મૃત્યુ પછીના જીવનથી છે જેણે આપણે ‘આખેરત’ પણ કહીએ છીએ, ફકત ફિલોસોફિકલ અને સૈધ્ધાંતિક સંબંધ નથી અને તે કોઈ ફિકશન (અફસાના) પણ નથી બલ્કે આખેરતથી તેનો સંબંધ પ્રાયોગિક અને વાસ્તવિક છે.
હવે વિચાર કરવાવાળો મન-મસ્તિષ્ક હંમેશા આ વાત ઉપર મંથન કરશે કે ‘મૃત્ય પછી જીવન (આખિરત)ની કલ્પના’ શું છે? આ જ કારણ છે કે માનવીય દિમાગે આના ઉપર મંથન કર્યું અને અમુક માનવોએ જીવનને ‘પુનર્જન્મની માન્યતા’ સાથે જોડી દીધો. પુનર્જન્મની માન્યતા અનુસાર મનુષ્ય પોતાના સારા-નરસા કર્મોનો ફળ મેળવવા માટે વારંવાર આ દુનિયામાં જન્મ લે છે, પોતાના કર્મો અનુસાર તે ક્યારેક મનુષ્યના સ્વરૃપમાં જન્મ લે છે અને ક્યારેક જીવ-જંતુઓના સ્વરૃપમાં જન્મે છે અને ક્યારેક પ્રાણીઓ કે વનસ્પતિના સ્વરૃપમાં જન્મે છે. આવી જ રીતે આત્માનો પરિવર્તિત થવાનો ક્રમ હંમેશા ચાલતો રહે છે.
હવે પ્રશ્ન આ છે કે સૌથી પહેલા આત્મા કયા શરીરમાં હતી? જો મનુષ્યના શરીરમાં હતી તો આ વાતનો સ્વીકાર કરવો પડશે કે આના પહેલા પ્રાણીઓમાં હતી અને જો સૌથી પહેલા પ્રાણીઓમાં હતી તો કયા કર્મના કારણે હતી. આ પ્રશ્ન ઉપર વિચાર કરવાથી માલૂમ પડે છે કે પુનર્જન્મની માન્યતા માનવીય જીવનની શરૃઆત ક્યાંથી થઈ તે સંદર્ભમાં મોટી મુંઝવણ ઉત્પન્ન કરે છે. આ મૂંઝવણ બિલ્કુલ આવી જ છે કે પહેલા મરઘી આવી કે ઈંડુ. પછી પુનર્જન્મની કલ્પના આ પણ કહે છે કે મનુષ્યને એક જીવનની સજા બીજા જીવનમાં ભોગવી પડે છે. પરંતુ સજા તો તે જ સ્વરૃપમાં ફાયદાકારક છે અને ન્યાયનો તકાદો પણ આ જ છે કે સજા મળનારને કયા અપરાધમાં સજા મળી રહી છે એ ખબર હોવી જોઈએ. પરંતુ મનુષ્યને પોતાનું પૂર્વ-જીવન કેવી રીતે યાદ રહી શકે છે. તેથી જણાયું કે પુનર્જન્મની માન્યતાના આધારે મનુષ્ય પોતાના એવા કર્મનો સારો અને ખરાબ બદલો ભોગવી રહ્યો હોય છે જેની તેેને ખબર જ નથી.
આ ચર્ચા પછી હવે આપણે ઇસ્લામી કલ્પના ઉપર પણ ટૂંકમાં મંથલ કરી લઇએ કે આ કલ્પના કેવી રીતે પ્રાયોગિક છે અને ન્યાયના તકાદા ઉપર આધારિત છે. કુઆર્નમાં વારંવાર ઘણા સ્થાનો પર મૃત્યુ પછીના જીવનનો ઉલ્લેખ આવ્યો છે. વાસ્તવમાં ‘આખેરત’ કુઆર્નની બુનિયાદી શિક્ષાઓમાંથી એક છે. કુઆર્ન કહે છે,
“જ્યારે ધરતી પોતાની પૂરી તીવ્રતાથી હલાવી નાખવામાં આવશે, અને ધરતી પોતાની ભીતરના બધા બોજ કાઢીને બહાર નાખી દેશે, અને મનુષ્ય કહેશે કે તેને આ શું થઈ રહ્યું છે? તે દિવસે તે પોતાના (પર વીતેલા) સંજોગોનું વર્ણન કરશે, કેમ કે તારા રબે (પ્રભુએ) તેને (આવું કરવાનો) આદેશ આપ્યો હશે. તે દિવસે લોકો જુદી-જુદી દશામાં પાછા ફરશે જેથી તેમને તેમના કર્મો બતાવવામાં આવે. પછી જેણે રજભાર ભલાઈ કરી હશે તે તેને જોઈ લેશે, અને જેણે રજભાર બૂરાઈ કરી હશે તે એને જોઈ લેશે.” (સૂરઃ અઝ્-ઝિલઝાલ)
આ સૂરઃમાં આયત ૧ થી ૫ સુધી વિશ્વનો નાશ કેવી રીતે થશે તેનો ચિતાર આપવામાં આવ્યો છે કારણકે બધા મનુષ્યોને જે દિવસે બ્રહ્માંડના રબની સમક્ષ પોતે કરેલ કાર્યોનો હિસાબ રજૂ કરશે તેને ‘મેહશર’નો દિવસ કહેવામાં આવે છે અને તેની શરૃઆત વિશ્વનો નાશ પછી જ થશે. આમ વાસ્તવમાં આખેરતની શરૃઆત વિશ્વના નાશથી શરૃ થશે. અલબત્ત વ્યક્તિગત રીતે મનુષ્યની મોત પછી જ તેની આખેરત શરૃ થઈ જાય છે. આયત ૬ થી ૮માં તે દિવસે મનુષ્યના સારા અને ખરાબ કર્મોની વાત કરવામાં આવી છે. તેનો અર્થ આ છે કે તે દિવસે અદ્લ-ન્યાય સાથે નિર્ણય થશે. લોકો ઉપર જઝા અને સજાને એમ ને એમ થોપી દેવામાં નથી આવશે, બલ્કે તેનો એક એક કર્મ તેમને દેખાડવામાં આવશેે. અને તેમના પર દલીલ પુરી કરી દેવામાં આવશે. મનુષ્ય તેના કર્મોને જોઈને પોતે નિર્ણય કરી લેશે તોે તેનો અંજામ શું થશે.
એક બીજી જગ્યાએ કુઆર્ને ઘણી સમજણ સાથે એક ઉદાહણના માધ્યમથી એવા લોકોને સંબોધીને કહ્યું છે કે જે લોકો આમ કહે છે કે અમે મર્યા પછી ફરીથી કેવી રીતે જીવિત થઈ શકીશું??
કુઆર્ન કહે છે”આમને કહો, અલ્લાહ સિવાય આકાશો અને ધરતીમાં કોઈ અદૃશ્યનું જ્ઞાન ધરાવતું નથી અને તે (તમારા ઉપાસ્યો તો એ પણ) નથી જાણતા કે ક્યારે તેઓ ઉઠાવવામાં આવશે ?” (સૂરઃ નમ્લ-૬૫)
અને જે લોકો પોતાના મતને જડતા-પૂર્વક વળગી રહે છે અને આ દાવો કરી બેસે છે કે આખેરત નામની કોઈ વસ્તુ છે જ નહીં કુઆર્ન તેવોેને સંબોધન કરતા કહે છે કે,
“ઇન્કાર કરનારાઓએ મોટા દાવા સાથે કહ્યું છે કે તેઓ મૃત્યુ પછી કદાપિ બીજીવાર ઉઠાવવામાં આવશે નહીં. તેમને કહો, નહીં, મારા રબ (પ્રભુ)ના સોગંદ ! તમે જરૃર ઉઠાવવામાં આવશો, પછી ચોક્કસ તમને બતાવવામાં આવશે કે તમે (દુનિયામાં) શું-શું કર્યું છે, અને આમ કરવું અલ્લાહ માટે ખૂબ જ સરળ છે.” (સૂરઃ તગાબુન-૭)
આટલું જ નહીં કે કુઆર્ન ફકત આખેરતમાં સારા-ખરાબ કર્મોનો ઉલ્લેખ જ છે કર્યો બલ્કે જઝા અને સજા સ્પષ્ટ રીતે રજૂ પણ કર્યા છે અને સારા-ખરાબ બદલો કોના માટે થશે એનું પણ માર્ગદર્શન કરે છે. આમ, કુઆર્ને નર્ક (જહન્નમ)નું દૃશ્ય આપતાં કહ્યું છે કે,
“આ બે પક્ષો છે જેમના વચ્ચે પોતાના રબ વિષે ઝઘડો છે. એમાંથી તે લોકો જેમણે ઇન્કાર (કુફ્ર) કર્યો, તેમના માટે આગના પોશાક વેતરી નાખવામાં આવ્યા છે, તેમના માથાઓ પર ઉકળતું પાણી રેડવામાં આવશે જેનાથી તેમની ચામડી જ નહીં, પેટના અંદરના ભાગો પણ ગળી જશે, અને તેમની ખબર લઈ નાખવા માટે લોખંડની ગદાઓ હશે. જ્યારે પણ તેઓ ગભરાઈને જહન્નમ (નર્ક)માંથી નીકળવાનોે પ્રયત્ન કરશે, ફરી તેમાં જ ધકેલી દેવામાં આવશે કે ચાખો હવે બળવાની સજાની મજા.” (સૂરઃ હજ્જ- આયત ૧૧ થી ૨૨)
“આગ તેમના ચહેરાની ચામડીને ચાટી જશે અને તેમના જડબા બહાર નીકળી આવશે ” (સૂરઃ મુ’મિનૂન-૧૦૪).
“અને તમે શું જાણો કે શું છે તે દોજખ? ન બાકી રાખે, ન છોડે. ચામડી બાળી મૂકનારી.” (સૂરઃ મુદ્દસ્સિર- આયત ૨૭ થી ૨૯).
“ઝક્કૂમ (થુવેર)નું વૃક્ષ ગુનેગારોનો ખોરાક હશે,” (સૂરઃ દુખાન- આયત ૪૩-૪૪)
આ જ રીતે સ્વર્ગ (જન્નત)નું દૃશ્ય આપતાં કુઆર્ન કહે છે,
“રહ્યા એ લોકો જેઓ ઈમાન લઈ આવે અને સદ્કાર્યો કરે, તો તેમને અમે એવા બાગોમાં દાખલ કરીશું જેની નીચે નહેરો વહેતી હશે અને તેઓ ત્યાં હંમેશાં રહેશે. આ અલ્લાહનો સાચો વાયદો છે અને અલ્લાહથી વધીને કોણ પોતાની વાતમાં સાચો હશે.” (સૂરઃ નિસા-૧૨૨)
“અને અમારા બંદાઓ, ઇબ્રાહીમ અને ઇસ્હાક અને યાકૂબનું વર્ણન કરો. ખૂબ કાર્ય-શક્તિ ધરાવનારા અને દૃષ્ટિવાળા હતા. અમે તેમને એક વિશિષ્ટ ગુણના કારણે ચૂંટી લીધા હતા, અને તે આખિરત (પરલોક)ના ઘરની યાદ હતી. નિઃશંક અમારી નજીક આ લોકોનો સમાવેશ ચુનંદા સદાચારી પુરુષોમાં છે. અને ઇસ્માઈલ અને અલ્-યસઅ અને ઝુલકિફ્લનું વર્ણન કરો, આ સૌ સદાચારી લોકો પૈકી હતા. આ એક ઝિક્ર (અનુસ્મરણ) હતું, (હવે સાંભળો કે) અલ્લાહનો ડર રાખનારા લોકો માટે નિશ્ચિતપણે સર્વશ્રેષ્ઠ સ્થાન છે,” (સૂરઃ સૉદ આયત ૪૫-૪૯)
“તો અલ્લાહ તેમને એ દિવસની મુસીબતથી બચાવી લેશે અને તેમને પ્રફુલ્લતા અને આનંદ પ્રદાન કરશે. અને તેમના સબ્ર (અલ્લાહના આજ્ઞા-પાલનમાં દૃઢતા)ના બદલામાં તેમને જન્નત અને રેશમી પોશાક પ્રદાન કરશે. ત્યાં તેઓ ઊંચી બેઠકો પર ગાવ-તકિયાને અઢેલીને બેસ્યા હશે. ન તેમને તડકાની ગરમી સતાવશે, ન શરદીની ટાઢ. જન્નતની છાયા તેમના ઉપર ઝૂકીને છાંયડો કરી રહી હશે, અને તેના ફળ હંમેશાં તેમના વશમાં હશે (કે જે રીતે ઇચ્છેે તેને તોડી લે.) તેમની આગળ ચાંદીના વાસણ અને કાચના પ્યાલા ફેરવવામાં આવી રહ્યાં હશે, કાચ પણ એવા, જે ચાંદીના પ્રકારના હશે, અને તેમને (જન્નતના વ્યવસ્થાપકોએ) યોગ્ય પ્રમાણમાં ભર્યા હશે. તેમને ત્યાં એવી શરાબના જામ પીવડાવવામાં આવશે જેમાં સૂંઠનું મિશ્રણ હશે, આ જન્નતનું એક ઝરણું હશે જેને ‘સલ્-સબીલ’ કહેવામાં આવે છે. તેમની સેવામાં એવા કિશોરો દોડતા ફરતા હશે જે હંમેશાં કિશોરો જ રહેશે. તમે તેમને જુઓ તો લાગે કે જાણે મોતી છે જે વિખેરી દેવામાં આવ્યા છે ! તમે જ્યાં પણ નજર નાખશો નેઅમતો જ નેઅમતો (કૃપાઓ જ કૃપાઓ) અને એક મોટી સલ્તનતની સામગ્રી તમને દેખાશે.” (સૂરઃ દહ્ર- આયત ૧૧ થી ૨૦)
આ છે ઇસ્લામમાં મૃત્ય પછી જીવનની કલ્પના જે ખૂબ જ ટૂંકમાં રજૂ કરવામાં આવી છે. આ કલ્પનામાં મનુષ્ય કોઈ પણ મુંઝવણનો ભોગ નથી બનતો અને ન જ કોઈની સાથે અન્યાય કરવામાં આવે છે. બલ્કે આખેરતની શરૃઆતથી લઈને સારા-ખરાબ બદલાની એક એક વાત સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે. હવે જો કોઈ વ્યક્તિ બધું જાણી અને સમજીને પણ આજ્ઞાભંગ અને પોતાના મતે વળગી રહેવા ઉપર ઉતરી જાય તો તેના અજામનો જવાબદાર તે પોતે હશે.