Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમોત શું રોકશે આ દીવાનાઓને ...

મોત શું રોકશે આ દીવાનાઓને …

તમામ ન્યાયપ્રિય લોકોને આઘાત પહોંચે તેવા સમાચાર તાજેતરમાં મિસ્રથી આવ્યા છે. ઇજિપ્તના ઇતિહાસમાં પ્રથમવાર લોકશાહી ઢબે ચુંટાયેલા મુહમ્મદ મુરસી કે જેઓ કુઆર્ન હાફિઝ પણ છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રોફેસર પણ છે. તેમને ત્યાંની એક અદાલતે તેમના સાથીદારો સાથે મૃત્યુદંડની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૧૨માં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર ૧૨ મહિનાની અંદર જ અબ્દુલ ફત્તાહ અલ સીસી નામના ફિરઔનના નેતૃત્વમાં પશ્ચિમી તાકતો તથા સઉદી આરબના સહયોગથી વાહિયાત ગણાવી શકાય તેવા કારણો બતાવીને તેમની સરકાર ઉથલાવી દેવામાં આવી.

સૈન્ય બળના નેતા સીસીએ સત્તા કબ્જે કર્યા પછી અટકયા નહીં અને એક પછી એક ઇજિપ્તની પ્રજામાં સૌથી વધારે લોકપ્રિય તેવી મુસ્લિમ બ્રધરહૂડ પર સકંજો મજબૂત કરવામાં આવ્યો. જે વિચારધારાને સવા કરોડથી પણ વધારે મતો મળ્યા હતા તેને આતંકવાદી ગણાવીને બાન કરી દેવામાં આવી. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના વિરોધમાં જે અહિંસક પ્રદર્શનો યોજવામાં આવતા તેમાં ૩૦૦૦ થી પણ વધારે નિર્દોષોની ધોળે-દહાડે હત્યા કરવામાં આવી. મુસ્લિમ બ્રધરહૂડથી સંલગ્ન સેવાભાવી સંસ્થાઓ પર વારાફરથી પાબંદી લાદવામાં આવી. આટલું ઓછું હોય તેમ ક્ષૃલ્લક કારણો દર્શાવી મુસ્લિમ બ્રધરહૂડના હજારો સમર્થકોને જેલના સળિયા પાછળ પહોંચાડી દેવામાં આવ્યા. અને અહીં સુધી કે મુહમ્મદ મુરસીને જાસુસીના આરોપો લગાવી ૨૦ વર્ષનો જેલવાસો આપી દેવામાં આવ્યો. તેઓ ક્યાં બંદ છે તેની જાણકારી પણ દુનિયાથી ગુપ્ત રાખવામાં આવી. અને હવે સીસી સરકારે એક પછી એક મૃત્યુદંડના ફરમાનોનો સિલસિલો શરૃ કરી દીધો છે. મુહમ્મદ મુરસી અને તેમના સાથીદારોને મુબારક સરકારના ‘બિનમુબારક’ સમયે જેલ તોડીને ભાગી જવાના આરોપસર મૃત્યુદંડ ફટકારી દેવામાં આવ્યો. આ મૃત્યુદંડની સજાની ટીકા ચોમેરથી થઈ રહી છે. જેમાં તુર્કી સરકાર મોખરે છે.

આ ઉપરાંક માનવ અધિકારો માટે કામ કરતી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ આ સજાને તદ્દન ગેરવ્યાજબી અને અતિરેક ગણાવી છે. આ ઉપરાંત દુનિયાભરની ઇસ્લામી ચળવળોએ પણ આ સજાને રાજકીય બદલો ગણાવી છે અને બિન ઇસ્લામી પણ ઘોષિત કરી છે. આ સજા આપવા માટે જે ખટલો ચલાવવામાં આવ્યો તેણે ન્યાય પ્રક્રિયાની બુનિયાદી બાબતોની પણ તદ્દન અવગણના કરી છે. જેલ તોડવાના જે ગુનામાં મુહમ્મદ મુરસીને આરોપી બનાવવામાં આવ્યા હતા તે સમયે મુબારક સરકાર સમક્ષ પ્રજાનો ભયાનક રોષ હતો. આ કારણે પોલીસ કસ્ટડી અને જેલોમાંથી અધિકારીઓ પોતે જ બધા દરવાજા ખોલી ફરાર થઈ ગયા હતા. અને આ વ્યવસ્થાનો જે દોર હતો તેમાં તેઓએ જેલ છોડી હતી. આ ઉપરાંત મુહમ્મદ મુરસી સાથે બે એવા લોકોને પણ મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો જે પોતે જેલ છોડવાની ઘટના પહેલા જ મૃત્યુ પામી ચુક્યા હતા. આ ઉપરાંત બચાવ પક્ષને પોતાની દલીલ રજૂ કરવાનો એક મોકો પણ આપવામાં આવ્યો ન હતો. મૃત્યુ દંડ માટે જજોએ માત્ર એક કે બે સુનાવણી કરી હતી અને ફરમાન આપી દીધુ હતું. આ જ અદાલતોએ થોડા સમય અગાઉ એક પોલીસવાળાની હત્યાના આરોપમાં ૫૦૦ વ્યક્તિઓને મૃત્યુદંડ સુનાવી દીધી હતી. આમ ઇજિપ્તમાં કોઈ ન્યાય વ્યવસ્થા બાકી જ નથી રહી અને સીસી સરકાર માત્ર પોતાના રાજકીય હેતુસર સત્તાનો બેફામ દુરૃપયોગ કરી રહી છે.

સીસી ને આ ખુલો દોર પશ્ચિમી રાષ્ટ્રો જેમાં અમેરિકા અને યુરોપીય દેશોનો સમાવેશ થાય છે તેમણે આપ્યો છે. લોકશાહી, ન્યાય અને આઝાદીના બંડ પોકારનારી આ સંસ્કૃતિનો અસલ ચહેરા આવા સમયે તદ્દન ઉઘાડો પડી જાય છે. અમેરિકાને મુસ્લિમ બ્રધરહૂડના સશક્તિકરણથી મધ્યપૂર્વમાં તેમની ઇજારાશાહી માટે સ્પષ્ટ ખતરો નજર આવી રહ્યો હતો. મુસ્લિમ બ્રધરહૂડે સત્તા આવતાવેત પેલેસ્ટાઈનના સુરંગી રસ્તાઓ ખોલવાનું શરૃ કર્યું હતું. જેથી તેમને અન્ન પુરવઠો અને જીવન જરૂરીયાતનો સામાન મળતો રહે. આવું કરવામાં હમાસ અને પેલેસ્ટાઈન સશક્ત થાય અને ઇઝરાયલ પરનો સંકટ ઘેરાય જે પશ્ચિમી રાષ્ટ્રોને કદાપી મંજૂર હોય નહીં. આ જ કારણે મુસ્લિમ બ્રધરહૂડનો નાશ કરવા માટે પહેલા સીસી નો ઉપયોગ કરી તેમનું સાશન ઉથલાવી દેવામાં આવ્યું અને હવે સકંજો વધુ ઘેરો બને અને આખી ઇસ્લામી ચળવળ નેસ્તનાબૂદ થઈ જાય તે માટે આખુ પ્રકરણ ઘડાઈ રહ્યું છે. જાણકારો માને છે કે ઇજિપ્તની સરકાર આંતરરાષ્ટ્રીય દબાવના કારણે મુહમ્મદ મુરસીના મૃત્યુદંડ પર રોક લગાવે તેની શક્યતાઓ ઓછી છે.

આ આખાય પ્રકરણમાં તે પ્રશ્નો સ્વભાવિક પણે ઉદ્ભવે કે મુસ્લિમ બ્રધરહૂડ અને મધ્યપુર્વની બીજી ઇસ્લામી ચળવળોનું ભવિષ્ય શું હશે? જો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો માલૂમ પડે છે કે આવો દોર તેમના માટે નવો નથી. જમાલ નાસરના સમયમાં મુસ્લિમ બ્રધરહૂડના સ્થાપક હસ્નુલબન્ના (રહ.)ને શહીદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના ટોચના ચિંતક સૈયદ કુતુબ (રહ.)ને શહીદ કરવામાં આવ્યા હતા અને સેંકડો ઇખ્વાનિયોને પોતાના જીવનનું બલિદાન આપવું પડ્યું હતું. આ દરેક કસોટીઓમાંથી અને કટોકટીમાંથી મુસ્લિમ બ્રધરહૂડ વધારે મજબૂત થઈને બહાર આવી છે. મુહમ્મદ મુરસીને પથભ્રષ્ટ કર્યા પછી જે ૩૦૦૦ લોકોએ શહીદી વહોરી તેમાં મુસ્લિમ બ્રધરહૂડના ટોચના આગેવાનો અને તેમના સ્નેહીઓ પણ શામેલ હતા. આટલા જીવોના બલિદાન પછી પણ મુસ્લિમ બ્રધરહૂડનું કેડર એટલું સક્ષમ છે કે તેઓ પોતાની શહાદતને મોટી સફળતા સમજે છે અને તેમના પોતાના વિચારો અને ચળવળ માટે લગાવ વધી રહ્યો છે. જો ઇજિપ્ત સરકાર મુહમ્મદ મુરસી અને તેમના સાથીદારોને શહીદ પણ કરી નાંખે તો પણ આ ચળવળ વધારે જ વેગ પકડશે તેવું જણાઈ રહ્યું છે. આ જ પ્રકારનો સંઘર્ષ ઇસ્લામી ચળવળોને બાંગ્લાદેશમાં પણ કરવો પડી રહ્યો છે. જો પશ્ચિમી રાષ્ટ્રો અને વિચારધારાઓ એમ ધારતી હોય છે કે ખૂન ખરાબો કરવાથી અને લોકોની હત્યા કરવાથી તેમનો અવાજ બંધ કરી દેવામાં આવશે તો તેમણે ભૂતકાળથી કોઈ જ શીખ નથી મેળવી.

આવા સમયે તટસ્થ લોકોએ પણ પશ્ચિમી રાષ્ટ્રોની દોગલી નીતિઓની ફરીથી સમીક્ષા કરવી જોઈએ. આ ઉપરાંત ઇસ્લામી ચળવળોને પણ નજદીકથી સમજવાની જરૃર છે કે એ કયું બળ છે જે તેમને વિશ્વઆખાની દુશ્મની સામે લડવા તાકાત આપે છે. આ સમયે મુસ્લિમ જગતે પણ પોતાના કેવા શાસકો હોય તે જાણવાની જરૃર છે. મુસ્લિમ જગત જે સાઉદી આરેબીયાને આસ્થાને કારણે ખાસ દરજ્જો આપે છે તેનો વ્યવહાર પણ ખૂબ નવાઈ પમાડે તેવો છે. મધ્યપુર્વની બદહાલીમાં ચોક્કસ પશ્ચિમી રાષ્ટ્રોની અનીતિઓ છે. પરંતુ ખુદ આરબ શાસકાનું વલણ તેમનાથી પણ વધારે ખતરનાક રહ્યું છે. કહેવા માટે તો ઇસ્લામનું વડુમથક છે પરંતુ સાઉદી પ્રશાસકો માત્ર પોતાની ગાદી સચવાઈ રહે તે માટે પશ્ચિમી રાષ્ટ્રો જેમ આદેશ આપે છે તેવું વર્તન કરે છે. અને પોતાના જ મુસ્લિમ ભાઈઓની હત્યા કરવા માટે તમામ દોલત અને સવલતો પુરી પાડે છે.

આવા સમયે અલ્લાહથી તે દુઆ કરવામાં આવે કે વિશ્વમાં શાંતિ સ્થાપાય, ન્યાયપ્રિય લોકોનું શાસન સ્થાપિત થાય, અને ધુર્ત લોકોનું શાસન ખતમ થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments