Wednesday, June 12, 2024
Homeઓપન સ્પેસરમઝાનની અસરો રમઝાન પછી ...

રમઝાનની અસરો રમઝાન પછી …

જ્યારે આપણે કોઈ અસર કે પ્રભાવની વાત કરીએ તો હંમેશા કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો પ્રભાવ કે સમાજમાં થતા બદલાવની અસરો અનુભવતા હોઈએ છીએ. જો કોઈ વ્યક્તિ કે સમાજની જીવનશૈલી જોઈશું તો કોઈના કોઈ રીતે તે બંને પર કોઈની સકારાત્મક કે નકારાત્મક અસરોના પ્રભાવ જોવા મળશે.

પરંતુ શું કદી આપણે એવું કોઈ દીવસ વિચાર્યું છે કે ‘પોતાની અસરો પોતાના પર’ હા તમે સાચુ જ વાચ્યું જીવનના સફરમાં આ અવસર દરેક માનવીને અલ્લાહે રમઝાન મહીનાના નામથી આપ્યું છે. રમઝાન મહીનો જે ઇસ્લામી કેલેન્ડરમાનો એક મહીનો છે અને રમઝાન મહીનામાં રખાતા રોઝોએ ઇસ્લામના પાંચ પાયામાંથી એક પાયો છે. રોઝાનો શાબ્દિક અર્થ રોકાઈ જવાનું પણ થાય છે. આનાથી એક વાતનો અંદાજ આવે છે કે રોઝો ફકત ઇબાદત કે બંદગીનું નામ નથી તે તો વ્યક્તિની જીવનશૈલીનો એક ભાગ છે. જેમ કે રોઝો વ્યક્તિને ફકત ખાવા-પીવાથી નથી રોકતો તે તો દરેક એવા કામોથી રોકે છે જેનાથી અલ્લાહે મનાઈ ફરમાવી છે. જેમ જળાશયો (ડેમ) પાણીના સંગ્રહ માટે ઢાળ સમાન હોય છે તેમ રોઝો મનુષ્ય માટે પોતાને ખરાબ કામોથી રોકી રાખે છે અને પરિણામે મનુષ્યને એવી શક્તિ મળે છે જે પોતાની જવાબદારીને સમજી અલ્લાહ તઆલાનો પ્રેમાળ બંદો બની શકે છે.

રમઝાન માસમાં દીવસો અને રાત્રીની જે રોનકો મુસલમાનોમાં હોય છે તે અદ્ભૂત હોય છે. દરેક મુસ્લિમ જાણે અલ્લાહની નઝદીક હોય. જાણે કે અલ્લાહ તેને જ જોઈ રહ્યો હોય તેમ તેે જુઠ બોલવાથી, ચુગલી કરવાથી તેમજ હરામ કામોથી રોકાઈ જાય છે. દરેક સમયે રોઝેદાર રોઝો તૂટી ન જાય તેનો એટલો બધો ખ્યાલ રાખશે કે મોંમા રહેલું થૂંક પણ અવારનવાર થુંકતો હોય છે. નમાઝનો પણ મુસલમાનોની અંદર આ મહીનામાં એટલો લગાવ હોય છે જે બીજા મહીનામાં નથી દેખાતો અને હોય પણ કેમ નહીં દરેક નમાઝનો બદલો વધી જાય છે. સાથે-સાથે કુઆર્નનું પઠન પણ એટલું વધી જાય છે જે બીજા મહીનામાં જોવા નથી મળતું. જ્યારે તરાવીહનો સમય હોય ત્યારે તો જાણે અલ્લાહની પાક કિતાબ કુઆર્નની મહેફીલમાં ઉંમર લાયક અને યુવાનોની સાથે નાના બાળકો પણ ખુશી-ખુશી સામેલ થાય છે. અમુક સમયે તો માણસોની એવી દોડધામ થઈ જાય છે કે તરાવીહના સમયે જાણે કુઆર્નના દરેક આયતોને સમજવાની કોશિશ કરતો હોય. દરેક મુસ્લિમ નમાઝી જાણે હઝરત અલી રદી.ના કોલનું પ્રતિબિંબ બનતું હોય એવું આભાસ થાય છે. હઝરત અલી રદી. કહે છે કે, “જ્યારે મને અલ્લાહથી વાત કરવી હોય તો હું નમાઝ પઢુ છું, અને જ્યારે મને એમ થાય કે અલ્લાહ મારી સાથે વાત કરે તો કુઆર્ન પઢુ છું.”

કુઆર્ન પાકને લઈને આટલો બધો લગાવ રમઝાન માસમાં મુસલમાનોનું અલ્લાહ પ્રત્યે સાચો પ્રેમ દર્શાવે છે. આવો જ પ્રેમ અને લગાવ જે મુસલમાનોના હૃદયમાં વસ્યો હોય તેનું પ્રતિબિંબ બીજા ૧૧ મહીનામાં થવો જ જોઈએ.

આ રમઝાન મહીનામાં જાણે એવું લાગે છે કે દરેક મુસ્લિમ નમાઝી હોય કે બેનમાઝી બધા જ સમયના પાબંદ જોવા મળે છે. દીવસની પ્રવૃત્તિ હોય કે રાતની પ્રવૃત્તિ નિયત સમયે પૂર્ણ કરવાની કોશિશ કરતો હોય છે અને વધારેમાં વધારે અલ્લાહની ઇબાદતમાં સમય આપવાનું પસંદ કરતો હોય છે. આના પર મોલાના સૈયદ અબુલઆલા મોદૂદી રહ. ફરમાવે છે કે, “રોઝો વર્ષ ભરમાંથી એક મહીનાની અસાધારણ પ્રશિક્ષણ વ્યવસ્થા છે. જે માણસને લગભગ ૭૨૦ કલાક સુધી પોતાને મજબૂત રીતે જકડી બીજા દીવસો કરતા આ દીવસોમાં તેની તર્બિયતની અસરો બમણી થઈ જાય છે.”

રોઝો ફકત ભૂખ્યા રહેવાનું પણ નામ નથી. રોઝાની અસલ રૃહ અલ્લાહનો તકવા મેળવવાનો છે. અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ફરમાવે છે, “જે વ્યક્તિએ રોઝાની હાલતમાં જૂઠ બોલવાનું અને જૂઠ પર અમલ કરવાનું ન છોડ્યું તો અલ્લાહને એ વ્યક્તિની કોઈ જરૃર નથી કે તે પોતાનું ખાવા પીવાનું છોડી દે.” આ પ્રશિક્ષણ ભર્યા મહીનામાં જેમ મુસ્લિમ જૂઠ બોલવાથી બચે છે તેમ બીજા મહીનામાં પણ ભરપૂર કોશીશ કરવી કે જૂઠ બોલવાથી દૂર રહે. એની સાથે-સાથે આ એહસાસ પણ રાખવો કે દુનિયામાં આપણી જેમ બીજા લોકોને એક સમયનું પૂરતુ અન્ન મળતુ નથી. રમઝાનમાં તો લોકો હોંશે હોંશે ઝકાત, સદ્કા અને ફીતરાના નામ પર લોકોને મદદ કરતા હોય છે. પરંતુ જેમ રમઝાન માસ પૂરો થાય ત્યારે પોતાના કામોમાં બધા મશગૂલ થઈ જાય છે. માણસની સામાજીક અને પોતાની ખુદની જે જીમ્મેદારી સમજવાની હોય છે તેનાથી પણ તે દૂર જતો જાય છે.

રમઝાન મહીનામાં વ્યક્તિ દરેક અઝાનનો જવાબ આપવાની કોશીશ કરતો હોય છે, એમ કહોતો કોઈ અતિશ્યોક્તિ નહીં હોય કે અમુક વ્યક્તિઓ તો તત્પર હોય છે. દરેક અઝાનનો જવાબ આપવામાં એની આગળ વધીને કહીયે તો લોકો નમાઝ માટે પણ દોટ મૂકતા હોય છે. પરંતુ રમઝાનનો છેલ્લો દિવસ તો જાણે મુસલમાનો પીંજરામાંથી છૂટતા હોય!!! (પાંજરામાંથી તો શૈતાન છૂટતા હોય છે.) તેમ ઈશાની નમાઝમાં લોકોની ભીડ મસ્જિદોના બદલે બાજારોમાં જોવા મળતી હોય છે. આશ્ચર્ય થાય છે આ એ જ ઈમાનવાળાઓ છે જે ભૂખ્યા રહીને પણ અલ્લાહનો ખોફ રાખીને દરેક કામોથી રોકાઈ રહે છે જેનાથી અલ્લાહ નારાઝ થઈ જાય છે. એવુ લાગે છે કે મુસલમાનોનું ઈમાન ફકત દેખાવ પૂરતુ જ છે. લોકો રમઝાનનું ઈનામ ઈદને ફીલ્મ થીયેટરોમાં જઈને મનાવે છે નહીં કે મીસ્કીન, ગરીબ કે બેવાઓ સાથે.

રમઝાન અલ્લાહની કૃપાઓનો દૂત બનીને આપણી વચ્ચે આવ્યો હતો જે આખા વર્ષ તમારી સાથે રહે અને તેમને શૈતાનના કામોથી રોકી રાખે. આ કૃપા રૃપી ભેટથી અલ્લાહના રસૂલ સ.અ.વ.ની હદીષ યાદ આવે છે. હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી.થી રિવાયત છે કે રસૂલ સ.અ.વ. ફરમાવ્યું, રમઝાનમાં રાખવાવાળો રોઝો અલ્લાહના દરબારમાં રજૂ થશે અને રમઝાન ભલામણ તેમજ મુક્તિની દરખાસ્ત કરતો રહેશે કે, અય રબ મેે આને દિવસભર ખાવા-પીવા અને કામક્રિડાથી રોકી રાખ્યા હતો. તેના પક્ષે મારી શિફાઅતને કબૂલ કરો. તેના સમર્થનમાં કુઆર્ન પણ ખુદા સમક્ષ અરજ કરશે કે, અય રબ મેં આને રાત્રે આરામ કરવાથી રોકી રાખ્યો હતો. આના પક્ષે મારી શિફાઅત કબૂલ કરો.

રમઝાન માસ પછી સૌથી આવશ્યક વાત એ છે કે દીનને કાયમ કરવા માટે આપણે પ્રયત્નો કરીએ અને આ પ્રયત્નો વ્યક્તિગત નહી, પણ સામૂહિક સ્તરે કરવામાં આવે અને જે લોકો આ મહાન કાર્યમાં વ્યસ્ત હોય તેમની સાથે જોડાવુ જોઈએ ત્યારે જ અલ્લાહની મદદ આવશે અને અલ્લાહ તરફથી આવનારી રોજગારીની કસોટીઓમાંથી મુક્તિ મળશે. અમીર ગરીબનો તફાવત મટી જશે. અલ્લાહની ખુશી પ્રાપ્ત થશે અને બદલામાં જન્નત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments