રહીમચાચાને ગામની પગદંડી ઉપર આવતા જોઈને બધા બાળકો પોતપોતાની રમત છોડીને તેમની તરફ દોડી પડયા. ખેતરોમાં કામ કરતા ખેડૂતો ખુશ થઈ ગયા. રહીમચાચા કાખઘોડીથી સંભાળીને ધીરે ધીરે ચાલી રહ્યા હતા. નાનકડી ઝેબા તેમની કમરથી લપેટાઈ ગઈ. અને આમીરે તેમનો હાથ પકડી લીધો. બધા બાળકો હસતા રમતા ગેલ કરતા ચૌધરી સાહેબના આંગણા સુધી આવી ગયા.
ચૌધરી સાહેબના આંગણામાં બેસીને રહીમચાચાથી વાર્તાઓ સાંભળવામાં આવતી હતી. ચાચા ક્યારેક શહેરમાંથી બાળકો માટે મિઠાઈ લાવતા હતા પરંતુ બાળકોને તો મીઠાઈ કરતા ચાચાની વાર્તાઓ વધારે ગમતી હતી.
આંગણામાં પહોંચીને રહીમચાચાએ ઘોડી ખૂણામાં મૂકી અને ખાટલા ઉપર બેસી ગયા – બધા બાળકો તેમને ઘેરીને આસપાસ બેસી ગયા.
“ચાચા! આજે તો કોઈ સરસ વાર્તા સંભળાવો – ઘણી સારી હોય એ” શાહીદ તેમના નજીક સરકીને બોલ્યો…
ઘણી સારી વાર્તા સાંભળવી છે તમને … ચાચા હસીને બોલ્યા,
સારૃં ચાલો સાંભળો એક વાર્તા – સરસ…
એક છોકરો હતો, માબાપનો વ્હાલો – એક મોટા ઘરમાં રહેતો હતો – મા દીકરાને ખૂબજ વ્હાલ કરતી હતી. પરંતુ દીકરો ખૂબજ મસ્તીખોર હતો – તે માનું કહેવું માનતો ન હતો – ભણવામાં તો તેનો જીવ લાગતો જ ન હતો, મદ્રસામાંથી પણ ભાગી આવતો હતો અને દિવસભર ઘરમાં રમ્યા જ કરતો હતો.
રમત પણ આ છોકરાની સારા બાળકો જેવી ન હતી. ઘરના પાલતુ જાનવરોને સતાવતો હતો, ક્યારેક કોઈ મરઘીનો પગ પકડીને ઊંઘી લટકાવતો હતો તે ફફડતી તો આ ખુશ થતો – મા ચીસ પાડતી તો આ મરઘીને છોડીને ઉંદરના પિંજરાથી ઉંદર પકડવા લાગતો અને જ્યારે કોઈ ઉંદર પકડાઇ જતો તો તેને બહાર લઈ જઈને પથ્થર – ઈંટ મારી મારીને ખતમ કરી દેતો.
મા તેની હરકતોથી તંગ આવી જતી – બાપ વૃદ્ધ હતા અને પાછા દમના રોગી. બિચારા સતત ખાંસ્યા કરતા અને મનમાં ને મનમાં કંટાળતા રહેતા.
એક દિવસ તો તેની મસ્તી એ હદ જ કરી નાંખી.. જમીન ઉપર દાણા નાંખી દીધા અને એક ટોપલામાં દોરી બાંધીને ફાંસો બનાવીને દૂર જઈ બેઠો, ચકલીઓ દાણા જોઈને ચરવા નીચે ઉતરી અને ખુશ થઈ થઈને ટીપલા નીચેથી દાણા ચૂગવા લાગી. છોકરોએ દોરી ખેંચી-ટોપલું નીચે પડી ગયું – બધી ચકલીઓ ઉડી ગઈ – પણ એક ચકલી ટોપલાના અંદર રહી ગઈ – છોકરો ખુશીથી નાચી ઉઠયો.
તેણે દોડીને ટોપલા નીચેથી ચકલીને કાઢી અને તેનો એક પગ દોરીથી બાંધી દીધો અને તેને પતંગની જેમ ઉડાડવા લાગ્યો. બિચારી ચકલી ફરફરવા લાગી – છોકરો તો જાણે રમતો રહ્યો – છેવટે ચકલી નિસહાય થઈ ગઈ એક વખત જ્યારે તેણે દોરી જોરથી ખેંચી તો ચકલીનો પગ તૂટીને દોરીમાં ફસાઈ ગયો અને ચકલી જમીન ઉપર પડીને તરફડવા લાગી.
હાય બિચારી ચકલી! નાનકડી ઝેબા ચીસી પાડી ઉઠી.
પછી શું થયું ચાચા? આમીર રહીમચાચાના નજીક આવી ગયો.
પછી બેટા, તે છોકરાનું આ રમતથી મન ભરાઈ ગયું – ચાચાએ અફસોસમાં કહ્યું.
તે છોકરો ચકલીને તડપતી છોડીને બહાર જતો રહ્યો. તેની મા આવી તો આ જોઈને રડવા લાગી તેણે ઘાયલ ચકલીને પકડીને દવા લગાવી અને અલ્લાહથી આજીજી સાથે દુઆ માંગવા લાગી કે તેનો દીકરો સુધરી જાય.
દિવસ ગુજરતા રહ્યા, છોકરો મોટો થઈ ગયો તે હજુ પણ વૃદ્ધ મા ને સતાવતો અને અબોલ જાનવરો પર જુલ્મ કરતો – આ દિવસોમાં યુદ્ધ છેડાઈ ગયું. આ છોકરો ફૌજમાં ભરતી થઈ ગયો. હવે તે સૈનિક બની ગયો.
એક સૈનિક ટૂકડી સાથે તે પણ લડવા ગયો. યુદ્ધ મેદાનમાં જોરશોરથી લડાઈ થઈ રહી હતી – તે છોકરો પણ દુશ્મનોથી લડી રહ્યો હતો. ગોળીઓ અનરાધાર વરસી રહી હતી. ઘુમાડાના ગોટેગોટા થઈ રહ્યા હતા નજીકની ચીજ પણ દેખાતી ન હતી. અચાનક તે છોકરાને એમ લાગ્યું કે કોઈએ તેના પગમાં આગ ચાંપી દીધી છે. તે ત્યાં જ ચક્કર ખાઈને બેહોશ થઈ પડી ગયો. આંખો ખોલી તો તે હોસ્પિટલમાં બિછાને હતો. ડોકટરે કહ્યું, તેના પગમાં અસંખ્ય ગોળીઓ વાગી છે અને ઝેર ફેલાઈ રહ્યું છે જેથી પગ કાપવો પડશે નહીંતર જીવનું જોખમ થઈ જશે.
ત્યારે… પહેલી વખત તે છોકરાને પોતાના જુલ્મ અને મસ્તી યાદ આવી ગયા. તે કેટલો ખુશ થતો હતો અબોલ જાનવરોને સતાવીને – કેટલી ચકલીઓના માળાઓ તેણે વેરાન કરી નાંખ્યા હતા, કૂતરાના કુરકુરયાને ઈંટો મારતો હતો – આજે જે સજા તેને મળી રહી હતી તે પેલી નિઃસહાય ચકલીની બદ્દુઆ હતી. જેનો પગ તેણે દોરી ખેંચીને તોડી નાંખ્યો હતો. પક્ષીઓ પણ બદ્દુઆ કરે છે શ્રાપ આપી શકે છે. કોઈપણ જીવતા પશુ પંખીને સતાવવું ગુનો છે. તેણે એક પંખીનો પગ તોડી નાંખ્યો તો અલ્લાહ, જે ખૂબ જ ન્યાયી છે તેને, તેના પગથી મહેરૃમ કરી નાંખ્યો.
આ કહેતાં કહેતાં રહીમચાચા રડવા લાગ્યા – બાળકો તેમના સામે રડમસ ચહેરે જોઈ રહ્યા હતા – કોઈની સમજમાં આવતું ન હતું કે બાબા આટલું કેમ રડે છે?
મારા વ્હાલા બાળકો! તે ખરાબ છોકરો તમારો આ ચાચા જ છે. આ જુઓ અલ્લાહે કેવો ઇન્સાફ કર્યો છે… તેના સાથે… આમ કહીને,
તેમણે પોતાનો કપાયેલો અર્ધો પગ બાળકો સામે લાંબો કરી દીધો. મેં એક ચકલીનો પગ તોડી નાંખ્યો હતો. અલ્લાહે મને તેની ભરપૂર સજા આપી. દરેક જુલ્મખોરને તેના જુલ્મની સજા આખિરતમાં કયામતના દિવસો તો મળશે જ પરંતુ ક્યારેક આ દુનિયામાં પણ તેણે સજા ભોગવવી પડે છે.
રહીમચાચાના આસપાસ બેસેલા બાળકો ચૂપચાપ તેમનો કપાયેલો પગ જોઈ રહ્યા હતા – જેને તેઓ રમત સમજીને રમી રહ્યા હતા – ખરેખર તો તે જુલ્મ હતો, અને તેની જ સજા આટલી મોટી હોય છે.
“ચાચા! હવે હું ઝેબાની બિલાડીને નહીં સતાવું હું સારો દીકરો બની જઈશને?” આમીરે ચાચાના કાનમાં કહ્યું, પણ બધાએ સાંભળી લીધું અને બધા બાળકો હસી પડયા.
અને તે દિવસે ઘણા બાળકોએ ચાચાના સામે હાથ ફેલાવીને અલ્લાહથી દુઆ માંગી કે અલ્લાહ તેમનાથી રાજી રહે – તેઓ હવે ક્યારેય કોઈને નહીં સતાવે.
રહીમચાચાનું મન આજે ખૂબજ ખુશ હતું – તેમણે બાળકો સામે પોતાનો જ દાખલો રજૂ કર્યો હતો અને બધા બાળકોએ રમત ગમતમાં પણ જુલ્મ ન કરવાનું નક્કી કરીને તૌબા કરી હતી. પાછા વળતા ખેતરો વચ્ચેથી ગુજરતા તેમને એવું લાગ્યું કે તેમના અલ્લાહે તેમને માફ કરી દીધા છે. વરસોથી જે બોજ અને ભાર તેમના દિલ પર હતો તે આજે ઉતરી ગયો અને તેમને પ્યારા રસૂલ સ.અ.વ.નું એ ફરમાન યાદ આવી ગયું કે, “નેકી તરફ પ્રોત્સાહિત કરવું ખુદ નેકી કરવું છે.” *