કુઆર્નના પ્રકાશમાં જ્ઞાનના દરેક ક્ષેત્રના તેમજ જીવનની સમસ્યાના પ્રત્યેક પાસાની સમીક્ષા કરી સંશોધન કાર્યની સાથે ઇસ્લામી જીવન વ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર દુનિયા સમક્ષ એવી રીતે રજૂ કરી દો કે લોકો સરળતાથી એ જોઈ શકે કે વ્યવસ્થાતંત્ર ઇસ્લામ મુજબ ચાલે તો તેનું સ્વરૃપ કેવું હશે. શું લોકો એટલા પૂર્વગ્રહથી ગ્રસ્ત અને મૂર્ખ હોઈ શકે કે તેઓ એક એવી પ્રણાલીને ત્યજી દે જે અસ્પૃશ્યતા, ઊંચનીચ, ભેદભાવ, અન્યાય, જોર-જુલમ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, નફરત તથા વિખવાદોથી પર હોય !!! આ કહેવું જમાઅતે-ઇસ્લામી હિંદ, ગુજરાતના અમીર શકીલ એહમદ રાજપૂતનું હતું.
ગત તારીખ ર૪ નવેમ્બર ર૦૧૭, શુક્રવારના રોજ ‘રાજકીય મજબૂતીઃ મુસ્લિમો શું કરે ?’ હેઠળ જમાઅતે-ઇસ્લામી હિંદ, અહમદઆબાદ પૂર્વ દ્વારા એક કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં અહમદઆબાદ પૂર્વના લોકોએ જોશપૂર્વક હાજરી આપી હતી.
શકીલ એહમદ રાજપૂતે પોતાની વાતની શરૃઆતમાં કુઆર્નની વિશેષતા વિશે જણાવ્યું કે કુઆર્ન દુનિયાનો સૌથી ઉત્તમ ગ્રંથ છે અને તેના નિયમો દુનિયાના બધા પુસ્તકોના નિયમોથી શ્રેષ્ઠ છે. એક સામાન્ય પુસ્તકમાં આપણને સમયની સાથે ફેરફારો જોવો મળે છે પરંતુ કુઆર્ન એક એવો ગ્રંથ (કિતાબ) છે જેમાં ૧૪૦૦ વર્ષથી કોઈ ફેરફારો થયા નથી અને ન તો થઈ શકશે, પરંતુ કુઆર્ન પ્રત્યે મુસ્લિમોનું વલણ ખૂબજ નિરાશાજનક છે. જો કુઆર્નના આદર્શો ઉપર મુસ્લિમ મિલ્લત ચાલવા લાગે તો અલ્લાહતઆલાએ જે બશારતો આપી છે એ પૂરી થતી દેખાશે. ભૂતકાળમાં આપણે જોઈ ચૂકયા છીએ કે સંસારના એક મોટા ભૂ-ભાગ ઉપર ઇસ્લામી વિચારોનો દબદબો હતો અને સાચી વાત તો આ છે કે જ્યારે વ્યક્તિ ઈમાનના તકાદાઓ પૂરા કરે છે તો અલ્લાહ પણ તેના વાયદાઓ પૂરા કરે છે.
આગળ બોલતા તેમણે કહ્યું કે, આજે મુસ્લિમો જે હાલમાંથી પસાર થઈ રહ્યા છે એ નવા નથી. દરેક પરિસ્થિતિમાં ‘આભાર’ અને ‘ધીરજ’નો ગુણો કેળવી અડગતા સાથે મુસલમાનો કુઆર્ન ઉપર અનુસરણ કરવા લાગે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. યૂસુફ અ.સ.ના જીવન પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે માણસ કંઈક ઇચ્છે અને તેનાથી વિપરિત અલ્લાહની ઇચ્છા બીજી હોય છે. તેમની ચાલો તેમની જ વિરુદ્ધ થઈ જાય છે અને અલ્લાહ પોતાનું આયોજન પૂર્ણ કરે છે. આંધળા કૂવાથી મિસ્રની બાદશાહી સુધીની ઘટના આપણી સમક્ષ છે. એક નાસ્તિક વ્યક્તિ પોતાના આત્માને સંતોષવા જ જીવે છે અને પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને તેની આ વર્તણૂક પણ નૈતિકતા કહેવાય છે, જ્યારે કે ઇસ્લામનું નૈતિક શિક્ષણ અટલ છે.
સમગ્ર સૃષ્ટિ માટે સૂરઃ યૂસુફથી આપણને મોટા મોટા ત્રણ બોધ મળે છે. (૧) વ્યક્તિત્વનું નિર્માણ, એક એવું ચારિત્ર્ય જેના ઉપર લેશ માત્ર દાગ ન હોય અને આવી સીરત અલ્લાહ પર ઈમાન અને આખિરત પર યકીન સિવાય સંભવ નથી. (ર) જે વ્યવસ્થા અને નીતિમત્તાને ઈમાનવાળી વ્યક્તિ સાચી સમજે છે દુનિયાને તેની તરફ આવવાનું આમંત્રણ. (૩) નેતૃત્વ માટેની વ્યવસાયિક કુશળતા
તેમણે જણાવ્યું કે મુસ્લિમ કયારેય જાતિવાદી કે કોમવાદી હોઈ શકતો નથી. તે કુઆર્ની શિક્ષણના પ્રકાશમાં વિચારે છે. તે ખૂબ જ સમજી વિચારીને પોતાના માટે એકશન પ્લાન બનાવે છે.
આજે એક મુસલમાનની પરિસ્થિતિ એવી છે કે જેમ એક ગોવાળિયાને આભાસ થાય કે એક ખૂંખાર વરૃ છે જે તેને ફાડી ખાશે અને તે તેનાથી બચવા માટે દોટ મૂકે છે. દૂર એક જૂનો કૂવો દેખાય છે તેને લાગે છે કે તેમાં શરણ લેવાથી તે બચી જશે પરંતુ તે કૂદકા લગાવવા તૈયાર છે તો જુએ છે કે કૂવામાં એક મોટો નાગ છે જે તેને ડંખી લેશે. બંને વિકલ્પોથી વ્યથિત એ ધ્યાનથી કૂવામાં જુએ છે તો તેને તેમાં વૃક્ષની એક નાજુક ડાળ દેખાય છે. ત્રીજો વિકલ્પ સમજી અ ેતેને પકડી લટકી જાયછે. ત્યાં જ એ જુએ છે કે બે કીડાઓ તે ડાળને ખાઈ રહ્યા છે અને અમુક ક્ષણોમાં જ એ નીચે પડી જશે. પોતાના સ્વાર્થ માટે તે જે વિકલ્પ પકડે છે એ પણ તેના માટે ભયંકર સાબિત થાય છે. અહીં સાચી વાત આ હતી કે તેને ઘભરાયા વગર પોતાની લાઠીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈતો હતો, અને આ લાઠી આપણ માટે કુઆર્નના રૃપમાં છે.