Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઆદર્શ મહિલા હઝરત ખદિજા રદિ.

આદર્શ મહિલા હઝરત ખદિજા રદિ.

હઝરત મુહમ્મદ રસુલુલ્લાહ સ.અ.વ. નુબુવ્વતથી પહેલાં પણ પોતાની કોમના ખોટા, વ્યર્થ અને ફુઝુલ કામોથી હંમેશા દૂર જ રહેતા હતા. આપ સ.અ.વ.ને એકાંત ખૂબ જ પ્રિય હતું. એટલા માટે આપ સ.અ.વ. થોડોક ખોરાક અને પાણી લઈને નૂર નામ પર્વતની ગુફા હીરામાં જતા રહેતા ત્યાં એકલા વસવાટ કરતા. તે ગુફામાં ઈબાદત અને ચિંતન-મનનમાં મગ્ન થઈ જતા.

આપના પવિત્ર પત્ની હઝરત ખદીજા રદી. આપના સ્વભાવ, સંતોષ અને આરામનો ખૂબજ ખ્યાલ અને ધ્યાન રાખતા. આપ સ.અ.વ. ક્યારેક હીરાની ગુફાથી આવતા વાર થઈ જતી તો મક્કાથી અત્યંત દૂર આ પર્વત સુધી ખાવાનું લઈને પહોંચી જતા. આપ સ.અ.વ. જ્યારે ખદીજા પાસે ઘરે હોતા તો તેઓ આપથી ખૂબ પ્રેમપૂર્વક સારસંભાળ રાખતા. હઝરત ખદીજા રદી. પોતાના વ્હાલા પતિ હઝરત મુહમ્મદ સ.અ.વ.ના પ્રત્યેક કામથી તદ્દન સંતુષ્ટ રહેતા અને સહયોગ આપતા. પોતાની પ્રાકૃતિક સંજ્ઞાથી તેમને એ વાતની ખાત્રી થઈ ગઈ હતી કે તેમના પતિ ખૂબ જ ઉચ્ચ અને મહાન મરતબાના વ્યક્તિ છે.

ચાલીસ વર્ષની ઉંમરે આપ સ.અ.વ.ના ઉપર હીરાની ગુફામાં એક રાત્રે ચિંતન દરમ્યાન અલ્લાહ તરફથી વહીનું અવતરણ થયું. અલ્લાહનો ફરિશ્તો આપ સ.અ.વ. પાસે આવ્યો અને બોલ્યો, “પઢો.” હઝરત મુહમ્મદ સ.અ.વ. ફરમાવે છે કે મેં કહ્યું, “મને પઢતા આવડતુ નથી.” તો તે ફરિશ્તાએ મને પકડીને પોતાની સાથે એટલી હદે ભીંસી દીધો કે જાણે મારી જાન નીકળી ગઈ. પછી મને છોડી દીધો. અને કહ્યું, “પઢો.” મેં ફરી કહ્યું, “હું ભણેલો નથી.” ફરિશ્તાએ ફરી મને પોતાનાથી ભીંસી દીધો. આવું તેણે ત્રણ વાર કર્યું. તે પછી તેણે કહ્યું, “ઇકરા…” પઢો પોતાના રબના નામ સાથે જેણે સર્જન કર્યું… થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું…. પઢો અને તમારો રબ અત્યંત ઉદાર છે.

આ અદ્ભૂત બનાવ પછી આપ સ.અ.વ. ઘરે પાછા આવ્યા. તે વખતે આપના ઉપર કંપારી અને ધ્રુજારી ચાલુ હતી. આપ સ.અ.વ.એ હઝરત ખદીજા રદી.થી કહ્યું, “મને ચાદર ઓઢાડી દો, મને ચાદર ઓઢાડી દો. મને મારી જાતનો ખતરો લાગે છે.”

આ તબક્કે હઝરત ખદીજા રદી. એક જબરદસ્ત કીરદાર અને હિંમત સાથે આગળ આવે છે. ન તો તેઓ પોતાના પતિની આ સ્થિતિ જોઈને ગભરાઈ જાય છે ન ચિંતામાં મુકાઈ જાય છે કે ન કોઈ શંકા કુશંકામાં પડી જાય છે. બલ્કે પોતાના પવિત્ર પતિને હિંમતપૂર્વક દિલાસો આપતા કહે છે જેઓ ગભરાયેલા દેખાતા હતા, “કદાપી નહીં… અલ્લાહના સૌગંધ અલ્લાહ આપને ક્યારેય તરછોડી નહીં દે, કેમકે આપ દયાભાવના રાખો છો. લોકોની વિપદાઓ દૂર કરો છો. વંચિતોને ખાવાનું ખવડાવો છો. મહેમાનોનું સન્માન કરો છો અને મુસીબત ને સંકટમાં ઘેરાયેલાઓની મદદ કરો છો. આપનો રબ આપને કદાપી નાસીપાસ નહીં જ કરે. ”

હઝરત ખદીજા પોતાના ગભરાએલા પતિને દિલાસો આપવા માત્ર આટલું જ નથી કરતી બલ્કે આપ સ.અ.વ.ને પોતાના કાકાના દીકરા વરકા બિન નોફલ પાસે લઈ જાય છે જેઓ વૃદ્ધ માણસ છે અને અજ્ઞાનતા કાળમાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ચુક્યા હતા. હઝરત ખદીજા રદી. તેમનાથી કહે છે, “હે મારા ભાઈ! તમે તમારા ભત્રીજાની વાત જરા સાંભળોને.” વરકાએ પૂછ્યું, “શું વાત છે દીકરા?” આમ ઉદાસ કેમ છે? આપ સ.અ.વ.એ તેમના સામે હીરાની ગુફામાં બનેલી સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. વરકાએ કહ્યું, “આ તે જ ફરિશ્તો છે જેને અલ્લાહે મુસા અ.સ.ના પાસે મોકલ્યા હતો. કદાચ હું તે સમય સુધી જીવીત હોત જ્યારે તમારી કોમ તમને અહીંથી બહાર કાઢી મુકશે, તો હું તમારી મદદ કરતો મને જો ત્યાં સુધી જીવન મળ્યું તો હું તમારી ભરપૂર મદદ કરીશ.”

અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે શું હઝરત ખદીજા રદી.નું આ ચરિત્ર અને આ કામથી વધારે ડહાપણ અને હિંમતભર્યુ કોઈ બીજુ કામ હોઈ શકે છે? શું આપણે નહીં ઇચ્છીએ કે આવું જ ઉચ્ચ દૃષ્ટાંત આપણે પણ ઊભું કરી શકીએ.

આ બનાવ દાવત અને ઇસ્લામના આમંત્રણના મિશનની સુરક્ષા અને ઇસ્લામના કાઈદ અને ઉદ્ઘોષકના સમર્થન સંબંધે હઝરત ખદીજા રદી.ના આદર્શ વ્યક્તિત્વને તદ્દન સ્પષ્ટ કરે છે. અને એ સબક આપે છે કે દરેક મુસ્લિમ બહેને દરેક સમય અને સ્થળે ઉમ્મતની આ પ્રથમ મા અને પ્રથમ મહિલા દાઈને પોતાના આદર્શ બનાવવા જોઈએ કે આપણે પણ તેમના પવિત્ર પદ્ચિહ્નો પર ચાલીને ઇસ્લામની ઉત્કૃષ્ટ સેવા બજાવી શકીએ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments