મોદી સરકારની જનવિરોધી નીતિઓ અને સામાન્ય માણસનો સંઘર્ષ
“સોનાની ચીડિયા” કહેવાતા દેશમાં, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ઓલ ઈઝ વેલ’નું ગાણું ગાતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની આમ જનતાને સોનું નહીં ખરીદવા માટે હૃદયદ્રાવક અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી પોતાના 12 વર્ષના શાસનકાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થાને તીવ્ર ગતિએ આગળ વધારી, દેશને અગિયારમીથી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અંગે જે દાવા કર્યા છે, તે દેશના લોકોને ભ્રમમાં રાખવા જેવા સાબિત થયા છે. પરિણામે, 2024ની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યો. ત્રીજી વખત જેમ-તેમ કરીને સરકાર તો બનાવી લીધી, પરંતુ જનવિરોધી નીતિઓનો અમલ નિરંતર ચાલુ જ છે.
ભારતની ઐતિહાસિક ઓળખ “સોનાની ચીડિયા” તરીકેની હતી, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય જનતાને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા છે. મોદી શાસન પહેલાં સોનું પ્રતિ દસ ગ્રામ ₹24,000 હતું, જે વધીને બાર વર્ષના શાસનકાળમાં ₹1,54,200 સુધી પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે નિમ્ન કે મધ્યમ વર્ગ તો શું, ઉચ્ચ વર્ગ પણ સોનું ખરીદી ન શકે તેવું વાતાવરણ સર્જાયું છે. એટલું જ નહીં, લોકોને પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ રસોઈ ગેસ અને ખાદ્ય તેલના ઉપયોગમાં પણ ઘટાડો કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન પોતે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ દેશના લોકોને વિદેશ પ્રવાસ ન કરવા કહેવામાં આવી રહ્યું છે. આ તો “પોતે ગોળ ખાવો અને બીજાને શિખામણ આપવી” જેવો ઘાટ થયો છે. જેમને પોતાને ‘બાયોલોજીકલ’ નથી એવું ગણાવવું છે, તેમને દેશભક્તિ સાબિત કરવાની જરૂર ક્યાં છે? એ તો દેશના લોકોએ સાબિત કરવાની હોય ને!
લોકો માટે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. દેશની મોટાભાગની વસ્તીને મફત અનાજ આપીને વિકાસની ખોટી વાહવાહી લૂંટવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ 21મી સદીમાં દેશની ગરીબી અને ભૂખમરાનું વર્ણન કરે છે, ‘વિકસિત અર્થવ્યવસ્થા’નું નહીં.
“આત્મનિર્ભર ભારત”નો દાવો પણ પોકળ સાબિત થયો છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર કરેલા હુમલા બાદ ઈંધણ સંસાધનો બાબતે ભારતની વિદેશી નિર્ભરતા અત્યંત જોખમી જણાઈ રહી છે. આત્મનિર્ભરતા હવે અમેરિકા પરની નિર્ભરતા બની ગઈ છે. આજે લગભગ ₹215 લાખ કરોડનું વિદેશી દેવું આપણી અર્થવ્યવસ્થાને ગુલામી તરફ ધકેલી રહ્યું છે. દેશને દાવ પર લગાવીને વિકાસની વાત કરવી એ બેઈમાની સમાન છે.
નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે સલાહ આપી છે. લોકો સોનું ખરીદે છે કારણ કે તેમને સોનામાં આર્થિક સુરક્ષા દેખાય છે, તેથી સોનાની ખરીદી ઘટવાની નથી એ એક હકીકત છે. જો મોદી સરકાર સોના પર પ્રતિબંધ મૂકી દે અથવા આયાત જકાત (Import Duty) વધારી દે તો જ આ સમસ્યા હલ થઈ શકે.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, 2008માં જ્યારે વિશ્વના તમામ દેશો આર્થિક મંદીમાં સપડાયા હતા, ત્યારે પ્રખર અર્થશાસ્ત્રી એવા તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘની કોઠાસૂઝથી દેશને મહામંદીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું હતું, જેની વિશ્વના તમામ દેશોએ ખૂબ પ્રશંસા કરી હતી.
