Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસહજ્જ : આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા

હજ્જ : આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા

સાંસારિક સુખ સુવિધાથી ઉપરવટ થઈને મનને શાંતિ પ્રદાન કરવા તેમજ આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવના મનુષ્યમાં આદિકાળથી જોવા મળે છે. ખુદ આપણા દેશમાં આધ્યાત્મિક સુધાર અને માનસિક સુખ પ્રાપ્તિની ઘણા પ્રકારની શિક્ષાઓ અહીંયાના વિદ્વાનો, મહર્ષિઓ અને મુનિઓએ રજૂ કરેલી છે. યજ્ઞો અને તીર્થોની લાંબી સૂચિ છે, જેની ગણના અશક્ય છે. બ્રહ્મ પુરાણ (૨૫: ૭-૮) અનુસાર તીર્થો અને પવિત્ર ધાર્મિક સ્થળોની એટલી મોટી સંખ્યા છે કે તેને સેંકડો વર્ષો સુધી પણ ના ગણી શકાય. આત્માની શાંતિ અને જન્મ-મરણના ચક્રોથી હંમેશા માટે છુટકારો મેળવવાના અનેક ઉપાયો બતાવ્યા છે. આ તેનું સ્પષ્ટ પ્રમાણ છે કે માનસિક શાંતિથી આગળ વધીને આત્માના વિકાસ અને પ્રભુનું સાનિધ્ય મેળવવાની લાલસા મનુષ્યમાં આદિકાળથી જોવા મળે છે.

‘હિન્દુ ધર્મનો ઇતિહાસ’ના પ્રસિદ્ધ લેખક ડૉ. પાંડુરંગ વામન કાણેના મતાનુસાર હિન્દુ ધર્મમાં તીર્થ સ્થળોની શ્રેણીમાં સમયાંતરે નવા તીર્થો પણ જોડવામાં આવ્યા છે, તથા તીર્થોમાં સ્થાયી થયેલા અને ખાસ કરીને તીર્થ-પુરોહિતોએ ધન-લાભની લાલસાએ સંદિગ્ધ આધારોયુક્ત ઘણા તીર્થોનું નિર્માણ કરી દીધું છે અને તેમના પર મહાભારત તેમજ પુરાણોના પ્રસિદ્ધ રચનાકાર વ્યાસનું નામ જોડી દીધું છે. (ભાગ-૩, પૃ. ૧૩૦6) શ્રી કાણેએ આ પણ લખ્યું છે કે ‘તીર્થો પર લખવા વાળા મોટાભાગના લેખકોએ (રચનાકારોએ) સ્વરૂચિના આધારે પસંદગીની પ્રક્રિયા અપનાવી છે.’ તેમણે લક્ષ્મીધરની ‘તીર્થ કલ્પતરુ’ નૃસિંહ પ્રસાદની ‘તીર્થસાર’ નારાયણ ભટ્ટની ‘ત્રિસ્થલીસેતુ’નો ઉલ્લેખ કરીને બતાવ્યું છે કે, એક વ્યક્તિ માટે આ નિર્ણય કરવો મુશ્કેલ બની જાય છે કે કયું તીર્થ સ્થળ તેના ઉદ્દેશ્યની પૂર્તિ માટે યોગ્ય, ઉચિત અને ફળદાયી નીવડશે.

ઇસ્લામી દૃષ્ટિકોણ :

ઇસ્લામ ધર્મમાં હજ્જનું વર્ણન આ આવશ્યકતાની યોગ્યરૂપથી પૂર્તિ કરે છે, કેમ કે આમાં તીર્થસ્થળ પણ નક્કી છે, તથા આ સંબંધી બધી જ ક્રિયાઓ અને વિધિઓ પણ નિશ્ચિત છે. કહી શકાય કે હજ્જ, ઇબાદત, સાધના, પ્રેમ ભક્તિ, શ્રદ્ધા, બલિદાન તેમજ ત્યાગ, તપસ્યા અને આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. હજ્જ એક એવી ઇબાદત છે જેની તુલના સંસારની કોઈ બીજી પૂજા, અર્ચના, આરાધના, તપ અથવા ઉપાસનાથી કરી શકાય તેમ નથી. હજ્જ એક મહત્વપૂર્ણ તીર્થયાત્રા જ નથી, આમાં એક મહાન દર્શન પણ સમાયેલ છે. આપણે આના પર જેટલું ચિંતન કરીશું તેમ તેના વિવિધ ભાગો એક એક કરીને સામે આવશે.

હજ્જની પરિભાષા :

હજ્જનો શાબ્દિક અર્થ છે ઝિયારતની નિયત અથવા ઇરાદો કરવો, કોઈ જગ્યાએ અથવા કોઈને મળવા માટે નીકળવું. ઇસ્લામી પરિભાષા પ્રમાણે હજ્જ એટલે મક્કાસ્થિત અલ્લાહના પવિત્ર ઘર કાબાની ઝિયારત માટે નીકળવું, તેની પરિક્રમા કરવા તેમજ તેના સંબંધિત સ્થળોના દર્શન કરવા અને તેનાથી જોડાયેલા કર્મો કરવાનું નામ હજ્જ છે. જેવી રીતે કે, અહેરામ બાંધવા, કુર્બાની કરવી, સફા-મરવાહની દોડ, મીના, મુજદલફા, અરાફાતમાં રોકાવવું, શૈતાનને કાંકરી મારવી, માથાનું મુંડન કરવું વગેરે..

ઉમરાહ એટલે કાબાનો તવાફ (પરિક્રમા કરવી), સફા-મરવાની દોડ, માથાનું મુંડન કરવું.

હજ્જ અને ઉમરાહમાં એક ફર્ક આ છે કે પહેલું ફર્ઝ છે અને બીજું સુન્નત. બીજા શબ્દોમાં કહીએ તો પહેલું અનિવાર્ય છે, બીજું સ્વૈચ્છિક.

હજ્જનું મહત્વ :

ઇસ્લામના પાંચ મુખ્ય સ્તંભોમાં એક મહત્વપૂર્ણ સ્તંભ હજ્જ છે. જેમ કે બુખારી અને મુસ્લિમની હદીષોથી સ્પષ્ટ છે કે, “ઇસ્લામનો આધાર પાંચ ચીજો પર છે: ૧) એ વાતની સાક્ષી આપવી કે અલ્લાહના સિવાય કોઈ બીજો ઉપાસ્ય નથી અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસૂલ (ઈશદૂત) છે, ૨) નમાઝ, ૩) ઝકાત, ૪) રમઝાનના રોઝા, ૫) હજ્જ.”

કુર્આન મજીદમાં સ્પષ્ટ રૂપે હજ્જ એ બધા જ મુસલમાનો માટે ફર્ઝ (અનિવાર્ય) ઠેરવવામાં આવ્યું છે જે ત્યાં જવાનું સામર્થ્ય ધરાવતા હોય. (કુર્આન, ૨:૧૯૬, ૩:૯૭, ૨૨:૨૭)

અર્થાત આ ઇબાદત એવી નથી કે, જેનું મન ચાહે તે કરે અથવા ન કરે. પરંતુ હદીષથી ખબર પડે છે કે, સામર્થ્ય હોવા છતાં જે વ્યક્તિ હજ્જ ના કરે તે અલ્લાહના પ્રકોપનો ભાગીદાર બને છે. જે વ્યક્તિ કોઈ સખત જરૂરિયાત અથવા એવી બીમારી જેનાથી મુસાફરી સંભવ ના હોય અથવા વિઝા વગેરેની અડચણ વગર પણ હજ્જ ના કરે તો તે ભલે ઈસાઈ થઈને મરે અથવા યહૂદી, આનાથી આ દીનને કોઈ લેવા દેવા રહેતી નથી.

હજ્જની વિશેષતાઓ :

હજ્જ મનનું શુદ્ધિકરણ કરે છે, તે પાપનિવારક છે અને આત્માના વિકાસનું ઉત્તમ સાધન છે. હદીષમાં છે કે, “જે આ (પવિત્ર) ઘરનો ઇરાદો કરે અને (ત્યાં પહોંચીને) બેશર્મી અને બેહયાઈના કામ ના કરે, ગુનાહોથી દૂર રહે તો તે એવો નિર્દોષ થઈ જાય છે કે, જેવી રીતે નવજાત શિશુ.” (બુખારી, મુસ્લિમ)

એક અન્ય હદીષમાં છે કે “વિધિસર સાચા મનથી કરેલા હજ્જનું ઇનામ તો બસ જન્નત છે.” (બુખારી). એક બીજી હદીષમાં આવે છે કે “સૌથી ઉત્તમ કાર્ય અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવવું, અલ્લાહના માર્ગમાં જિહાદ (સંઘર્ષ) કરવો અને વિધિવત રૂપથી સાચા મનથી હજ્જ કરવી છે.” (બુખારી, મુસ્લિમ)

હજ્જની વ્યાપકતા :

હજ્જના સંબંધમાં મુસ્લિમ વિદ્વાનોનો મત છે કે આ એક સંપૂર્ણ અને વ્યાપક ઇબાદત છે, જેમાં અન્ય ચાર સ્તંભોમાં વર્ણવેલ માન પણ સંમ્મિલીત છે. જેમ કે, મુસલમાન માટે જે બધાથી પહેલી અને મૂળ શરત છે તે છે એકેશ્વરવાદની ધારણા, તો આ હજ્જ દરમિયાન તેની ચરમસીમાએ હોય છે. હજ્જયાત્રી જ્યારે પૂરા મનથી ઝૂમી-ઝૂમીને તલ્બીયા પઢે છે તો તે બહુ રોમાંચક દ્રશ્ય હોય છે. સાંભળવાવાળા પણ ઈશ્વરના ગુણગાન અને ભક્તિભાવથી ભાવવિભોર થઈ જાય છે.

“લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન્નેઅમત લક વલ મુલ્ક લા શરીક લક”

અર્થ : હું તારી સેવામાં ઉપસ્થિત છું, હે પ્રભુ તારી સેવામાં ઉપસ્થિત છું, હે પ્રભુ તારી સત્તામાં કોઈ ભાગીદાર નથી, હું તારી સેવામાં ઉપસ્થિત છું, નિ:શંક બધી જ પ્રાર્થના તારા માટે જ છે, બધી જ નેઅમતો તારી જ છે, તારી બાદશાહીમાં કોઈ ભાગીદાર નથી. હું તારી સેવામાં હાજર છું.

લાખો હાજીઓના મોઢેથી લયબદ્ધ થઈને જ્યારે આ પંક્તિઓ ફિઝામાં ગુંજે છે, ત્યારે આ સંસારમાં અલ્લાહના એકત્વ હોવા અંગેનું તથા તેનું સર્વોપરી હોવાનું આનાથી મોટું કાંઈ એલાન નથી.

ઇસ્લામનો બીજો સ્તંભ નમાઝ છે. નમાઝમાં અલ્લાહનું જે ધ્યાન, વિનય, તેના પ્રતિ સમર્પિત થઈ જવાની, તથા સંસારથી થોડી વાર કપાઈને તેના જ થઈ જવાનો ભાવ છે, તો હજ્જની ઇબાદતમાં પણ આ બધી વિશેષતાઓ મોજૂદ છે. કેમ કે વ્યક્તિ એક લાંબા સમય માટે તેના ઘર, ધંધા-કારોબાર, બીવી-બચ્ચાં અને વતનથી દૂર થઈને માત્ર એક અલ્લાહની ઇબાદત માટે એકાગ્ર થઈ જાય છે. બધા જ પરિવારજનો, સગા-સંબંધીઓની મોહબ્બત પર એક ખુદાની મોહબ્બત પ્રભુત્વ ધરાવે છે અને તે સંપૂર્ણ રીતે અલ્લાહની ઇબાદતમાં તલ્લીન થઈ જાય છે. ત્યાં સુધી કે તેનું હરવું-ફરવું, સૂવું-જાગવું, ખાવું-પીવું, બધું જ ઇબાદતમાં સમાઈ જાય છે.

નિયમિત રીતે પઢવામાં આવનારી નમાઝમાં ૧૫-૨૦ મિનિટ અથવા વધારેમાં વધારે અડધો કલાક લાગે છે. જ્યારે હજ્જમાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે છે. આજકાલના વ્યસ્ત જીવનમાં એક મહિનાનો સમય ઇબાદત અથવા તીર્થ યાત્રા માટે ખાસ મહત્વ ધરાવે છે. હજ્જના લાંબા સફરમાં જે કોઈ પ્રકારની તકલીફો હજ્જયાત્રીને સહન કરવી પડે છે તે નમાઝના નિયમિત પરિશ્રમથી ઘણી વધારે છે. વિમાનના આરામદાયક સફરના આ યુગમાં પણ પરેશાનીઓ તો સહન કરવી જ પડે છે, કેમ કે સફર તે સફર જ છે. ૪૦-૫૦ લાખના ટોળામાં કોઈ ફૂલોની જાજમ તો લગાડેલી હોતી નથી કે અમીર અને ધનવાન લોકો આરામથી હજ્જ કરે અને સાધારણ લોકો તકલીફથી.

નમાઝમાં ઇચ્છનીય તો એ છે કે જ્યારે વ્યક્તિ નમાઝ માટે ઊભો થાય તો તેને એવું લાગે છે કે જાણે તે તેના રબને જોઈ રહ્યો છે અને જો આ ભાવ ઉત્પન્ન ન થાય તો કમ સે કમ એટલું ધ્યાન રાખે કે તેનો રબ તેને જોઈ રહ્યો છે. એકાગ્રતાની આ સ્થિતિ હજ્જની ક્રિયામાં તેની પરાકાષ્ઠાએ હોય છે.

હજ્જ દરમિયાન કેટલીક વિશેષ ક્ષણો એવી પણ આવે છે જેના વિશે હદીષમાં પણ આવે છે કે તે સમયની દુઆ જરૂર કુબુલ થાય છે. હાજી રડી-રડીને, ગીડગીડાઈને પોતાના ગુનાહોની માફી માંગે છે. ભવિષ્યમાં નિષ્કપટ અને પાપરહિત જીવન જીવવાનો નિશ્ચય કરે છે. પોતાના માટે, પોતાના પરિવારજનો માટે, સંસારના બધા જ ઈમાનવાળાઓ માટે અને સમગ્ર વિશ્વ સમુદાયના શુભ કલ્યાણની દુઆ કરે છે. નમાઝ મુસલમાનોની દિનચર્યાનો એક ભાગ હોય છે, જ્યારે હજ્જનો સુઅવસર જીવનમાં એકવાર અથવા ક્યારેક જ મળે છે.

ઇસ્લામનો ત્રીજો સ્તંભ ઝકાત છે. વર્ષમાં એકવાર પોતાની જાયઝ અને હલાલ કમાણીની ૨.૫% ઝકાત આપીને મુસલમાન પોતાની સંપત્તિ પ્રત્યે નિશ્ચિત થઈ જાય છે. પરંતુ હજ્જમાં તેણે સળંગ લાંબી રકમ લગાવવી પડે છે અને આ ભારે રકમના ખર્ચથી જ સામર્થ્યવાન લોકોના માટે તેને અનિવાર્ય કરવામાં આવી છે. એક ભારતીય હાજીને વર્તમાન સમયમાં સામાન્ય રીતે વ્યક્તિદીઠ ત્રણ લાખ જેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે. જો પતિ-પત્ની બંનેનો સામૂહિક સફર હોય તો આ ખર્ચ ઘણો વધી જાય છે અને લગભગ છ લાખ રૂપિયા જેટલી મોટી રકમ લાગી જાય છે.

આ રીતે, આપણે જોઈએ છીએ કે એક વ્યક્તિ કોઈ સાંસારિક લાભ અથવા સુખની ઇચ્છાથી ખસીને માત્ર અલ્લાહને ખુશ કરવા, પોતાની આત્માનો વિકાસ કરવા, પાપોથી મુક્ત થવા, ક્યારેય ક્ષીણ ન થવા વાળા શાશ્વત જીવન (આખિરત)ની ઇચ્છામાં પોતાની કમાણીનો એક મોટો ભાગ આ પવિત્ર યાત્રા માટે ખુશી ખુશી ખર્ચ કરે છે. જો હજ્જના લોટરીમાં તેનું નામ ન આવે તો તે ખુશ થવાના બદલે દુખી થાય છે. ખરેખર, સાંસારિક દ્રષ્ટિએ આ ખુશ થવાનો મોકો હોય છે કે કોશિશ તો કરી પણ સફળ ન થયા. ચલો, સારું થયું આટલા પૈસા બચી ગયા, કોઈ બીજા કામમાં લાગી જશે.

ઇસ્લામનો ચોથો સ્તંભ રોઝા અને પાંચમો સ્તંભ હજ્જ છે. નિયમિત રોઝા રમઝાનના દિવસોમાં પૂરા એક મહિના માટે રાખવામાં આવે છે. દિવસ દરમિયાન ખાવા પીવા અને જાતીય ઇચ્છાઓની મનાઈ કરવામાં આવી છે. પરંતુ સૂર્યાસ્ત થતાં જ આ બધા બંધન આપમેળે સમાપ્ત થઈ જાય છે. હાજી લોકો ઝિલહજ્જ મહિનાના ચાંદ જોઈને રોઝા રાખવાનું શરૂ કરે છે અને ૧૦ ઝિલહજ્જે આ કોર્સ પૂરો થઈ જાય છે. પરંતુ ૧૦ દિવસના આ ગાળામાં હાજીને જે પાબંદીઓ અને બંધનોના ઘેરામાંથી ગુજરવું પડે છે, તે સ્વયં એક કઠિન પરીક્ષાથી ઓછું નથી. આ પાબંદીઓ તો એહરામ બાંધવાની સાથે જ શરૂ થઈ જાય છે. ભલે હજ્જને શરૂ થવામાં મહિનો કે અઠવાડિયા પહેલા એહરામ બાંધી લીધો હોય.

આ બંધનો નીચે મુજબ છે: માથા અથવા શરીરના વાળ કપાવવા, નખ કાપવા, સીવેલા કપડાં પહેરવા, ટોપી-પાઘડી, અમામા અથવા કોઈ પણ પ્રકારે માથું ઢાંકવું, મોજાં પહેરવા, શરીર પર સુગંધ કે અત્તરનો ઉપયોગ કરવો. સ્ત્રીઓએ નકાબનો ઉપયોગ કરવો, સગાઈ કે નિકાહ કરવા, સંભોગ કરવો, કોઈ જાનવરોનો શિકાર કરવો, વ્યાભિચાર અને ગુનાહના બધા જ કાર્યો, લડાઈ, ઝઘડા વગેરે પ્રતિબંધિત છે.

પરંતુ સ્ત્રીઓ માટે સીવેલા કપડાં પહેરવા જાયઝ છે. એહરામમાં ઇચ્છનીય છે કે સફેદ લૂંગી અને ચાદર હોય, જે કોઈપણ પ્રકારે રંગીન ના હોય. નાહી-ધોઈને હજામત કરાવીને, એહરામ બાંધવો સુન્નત છે. ૧૦ ઝિલહજ્જે એહરામ ઉતારે છે, માથું મુંડાવે છે અને બધા પ્રતિબંધ સમાપ્ત થઈ જાય છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ગુનાહોના કામોનો પ્રતિબંધ હટી જાય છે.

અંદાજો કરી શકીએ છીએ કે, હજ્જના દિવસોમાં મનુષ્ય કેટલો બધો સંયમી થઈ જાય છે. પોતાની પસંદ-નાપસંદ અને બધી જ ઇચ્છાઓ પર ખુદાનો હુકમ સર્વોપરી છે. હજ્જનું આ સ્થાન ઉચ્ચ છે, આ તેની ગુણવત્તાની દ્રષ્ટિથી પણ આશ્રમો, સાધનાઓ, યોગા અને તપસ્યાઓમાં ઉત્તમ છે.

કાબાનો તવાફ :

કાબાને પવિત્ર કહેવામાં આવે છે અને તેને અલ્લાહના ઘરનું વિશેષણ આપવામાં આવે છે. અલ્લાહ પોતે પવિત્ર છે અને તેનાથી સંબંધિત વસ્તુઓનું પણ પવિત્ર-પાવન હોવું સ્વયંસિદ્ધ થઈ જાય છે. “અલ્લાહનું ઘર” કહેવાનો અર્થ તેવો કોઈ નથી લગાવી શકતું કે તે આમાં નિવાસ કરે છે અથવા આમાં આવીને પ્રકટ થાય છે. હકીકતમાં અલ્લાહના આદેશથી આને આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે હઝરત ઇબ્રાહીમ અલૈ.એ પોતાના આજ્ઞાંકિત દીકરા હઝરત ઇસ્માઇલ અલૈ.ના સહયોગથી એકેશ્વરવાદના કેન્દ્રના રૂપમાં નિર્માણ કર્યું. આજે પણ આ એકેશ્વરવાદનું સમગ્ર વિશ્વમાં મહાનતમ પ્રતીક છે. જેના સાનિધ્યમાં સમગ્ર વિશ્વમાં આના અનુયાયીઓ લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે.

ઈંટ-પથ્થરની આ ઇમારતનું મહત્વ એનાથી જ વધી જાય છે કે તેના આજ્ઞાંકિત અનુયાયી હઝરત ઇબ્રાહીમ અલૈ.ની આ યાદગારને અલ્લાહે પોતાનું ઘર પ્રતિપાદિત કર્યું છે અને તેને પવિત્ર પાવન બનાવ્યું છે.

હજ્જનો વિશેષ મહિમા :

હજ્જનું એક મહત્વપૂર્ણ અંગ કુર્બાની છે. હમણાં જ તમે જાણી ચૂક્યા છો કે એહરામ ધારણ કરેલી વ્યક્તિ માટે શિકાર કરવો પ્રતિબંધિત છે, તેમજ શિકારની નિશાનદેહી કરવી પણ પ્રતિબંધિત છે અને આ પ્રતિબંધ એવો છે કે કોઈ હાજી માટે કોઈ અન્ય વ્યક્તિ શિકાર કરે તો પણ તેનું માંસ ખાવું તેના માટે યોગ્ય નથી. આ મર્યાદાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે આર્થિક દંડની જોગવાઈ છે. આટલું જ નહીં માથામાં મળનારી જૂ, ખાટલા કે બિસ્તરમાં મળવાવાળા માંકડ કે કીડીને પણ મારવી પ્રતિબંધિત છે. તેમજ પગના નીચે કોઈ કચડાઈ જાય તો તેમાં પણ આ જ સજા છે.

ઘણા લોકો જાણે છે કે કુર્બાનીનો ઉદ્દેશ્ય માંસ ખાવાનો નથી પરંતુ એક યાદગારીને તાજી કરવાનો છે અને આ યાદગારી અલ્લાહના પ્રિય પયગમ્બર (ઈશદૂત) હઝરત ઇબ્રાહીમ અલૈ. એ કાયમ કરી હતી. અલ્લાહે તેમની પરીક્ષા તે રીતે લીધી કે તેમણે સ્વપ્નમાં જોયું કે પોતાના વૃદ્ધાવસ્થાની યાદગીરી એવા વહાલા દીકરા ઇસ્માઇલ અલૈ.ને ઝિબહ (કુર્બાન) કરે છે. તેમણે એવું વિચાર્યું કે આ અલ્લાહનો આદેશ છે અને જવાન દીકરાને તેમણે કુર્બાન કરવાનો નિશ્ચય કરી લીધો. કુર્બાની આપવાથી પહેલા અલ્લાહે તેમને પરીક્ષામાં સફળ કરીને દીકરાની જગ્યાએ આકાશમાંથી એક ઘેટું ઉતારી દીધું અને તેમને દિવ્ય વાણી કરવામાં આવી કે તમે પરીક્ષામાં સફળ છો, હવે આ ઘેટાની કુર્બાની કરો. તેથી તેમણે તે ઘેટાને કુર્બાન કર્યું.

જ્યારે પણ કોઈ મુસલમાન કોઈ જાનવરને કુર્બાન કરે છે ત્યારે આ વચન તેની સામે હોય છે કે હે પ્રભુ! તારા આદેશ પર અમે સંસારની બધી નાની મોટી વસ્તુ ન્યોછાવર કરી શકીએ છીએ ત્યાં સુધી કે પોતાના વહાલા દીકરાને પણ તારા માટે કુર્બાન કરી શકીએ છીએ. આ જાનવર તો માત્ર એક પ્રતીક છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments