Homeસમાચારનેશનલ ફેડરેશન ઓફ ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનની દેશવ્યાપી ઝુંબેશ 'એમ્બ્રેસિંગ ફેમિનિનિટી'નો બેંગલુરુથી પ્રારંભ

નેશનલ ફેડરેશન ઓફ ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનની દેશવ્યાપી ઝુંબેશ ‘એમ્બ્રેસિંગ ફેમિનિનિટી’નો બેંગલુરુથી પ્રારંભ

ખોળામાં દૂધપીતાં બાળકોને રમાડતી યુવાન માતાઓ, વિવિધ યુનિવર્સિટીઓની વિદ્યાર્થીનીઓ, શિક્ષિકાઓ, સામાજિક કાર્યકરો અને કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન (GIO)ની મહિલા કાર્યકરો રવિવાર, 2 ઓગસ્ટના રોજ બેંગલુરુના ‘એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ ઓડિટોરિયમ’ ખાતે એકઠી થઈ હતી, જ્યાં નેશનલ ફેડરેશન ઓફ ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન (NFGIO) દ્વારા તેની દેશવ્યાપી ઝુંબેશ ‘એમ્બ્રેસિંગ ફેમિનિનિટી’ (નારીત્વનો સહર્ષ સ્વીકાર)નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ઉદ્ઘાટન બેઠકમાં બેંગલુરુ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાન વિદ્યાર્થીનીઓ, સામાજિક કાર્યકરો અને GIOના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. નાના બાળકો સાથે યુવાન માતાઓની હાજરી એ વાતનું પ્રતીક હતી કે મહિલાઓ પારિવારિક જવાબદારીઓની સાથે વૈચારિક, ધાર્મિક અને સામાજિક ચર્ચાઓમાં પણ સક્રિયપણે ભાગ લેવા ઇચ્છે છે.

આ એકત્રતા માત્ર એક ઉદ્ઘાટન સમારંભ ન હતો, પરંતુ વર્તમાન સમયમાં મહિલાઓની ઓળખ, તેમનું સ્થાન, ભૂમિકા અને નારીત્વ અંગે ચાલી રહેલી ચર્ચાઓના સંદર્ભમાં ઇસ્લામિક દ્રષ્ટિકોણ રજૂ કરવાનો એક સંગઠિત પ્રયાસ હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશનો હેતુ રૂઢિચુસ્ત સામાજિક જુલમ અને પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત એવા વિચારો; જે નારીત્વને માત્ર એક સામાજિક રચના ગણે છે; એ બંને અતિરેકો વચ્ચે કુર્આન અને પયગંબર મુહમ્મદ સ.અ.વ.ની હદીસના પ્રકાશમાં એક મધ્યમ અને સંતુલિત માર્ગ તરફ ધ્યાન દોરવાનો છે.

નારીત્વ પર પુનઃવિચાર કરવાનું આહ્વાન

આયોજકોના જણાવ્યા મુજબ, “એમ્બ્રેસિંગ ફેમિનિનિટી” એ માત્ર એક મહિનાની પ્રવૃત્તિ નથી, પરંતુ મહિલાઓ, તેમની કુદરતી ક્ષમતાઓ અને સમાજમાં તેમની ભૂમિકા અંગેનો એક વૈચારિક સંવાદ છે. આ ઝુંબેશ એવા સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓની ઓળખ, સ્વતંત્રતા, અધિકારો અને સામાજિક ભૂમિકા પર વિવિધ વૈચારિક ચર્ચાઓ ચાલી રહી છે.

જ્યાં આધુનિક નારીવાદી ચળવળો (Feminist Movements)નો એક મોટો હિસ્સો મહિલાઓની સ્વાયત્તતા અને પરંપરાગત લિંગ ભૂમિકાઓ પર પુનઃવિચાર કરવાની વકીલાત કરે છે, ત્યાં NFGIOના હોદ્દેદારોનું કહેવું છે કે આ ઝુંબેશ કુર્આન અને હદીષના પ્રકાશમાં નારીત્વને સ્ત્રી સ્વભાવનું એક હકારાત્મક અને અનિવાર્ય પાસું ગણીને તેના પર ગંભીર વિચારણા કરવાનું આહ્વાન કરે છે. તેમનો હેતુ કોઈ વૈચારિક સંઘર્ષને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ મુસ્લિમ સમાજ, ખાસ કરીને શિક્ષિત મહિલાઓ અને યુવા પેઢીમાં એક અર્થપૂર્ણ સંવાદ ઊભો કરવાનો છે.

બે અતિરેકો વચ્ચે સમતુલનનું આહ્વાન

પ્રારંભિક પ્રવચન આપતાં નેશનલ ફેડરેશન ઓફ ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ એડવોકેટ સુમૈયા રોશનએ જણાવ્યું હતું કે, “એમ્બ્રેસિંગ ફેમિનિનિટી” ઝુંબેશ મહિલાઓના અધિકારો, સન્માન, ક્ષમતાઓ અને સમાજમાં તેમની ક્ષમતાપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે. તેમણે કહ્યું કે પુરુષ અને સ્ત્રી વચ્ચેના કુદરતી તફાવતને ભેદભાવના ધોરણે નહીં, પરંતુ સામાજિક સંતુલન અને એકબીજાના પૂરક હોવાના સંદર્ભમાં સમજવાની જરૂર છે.

તેમણે ઉમેર્યું કે આજે સ્ત્રીના મૂલ્યનું માપદંડ સતત કાર્યક્ષમતા અને વ્યવસાયિક સફળતા બની ગયું છે, જેનાથી માનસિક તણાવ, થાક અને અશાંતિમાં વધારો થઈ રહ્યો છે. આ ઝુંબેશ આ વિચારસરણીને પડકારે છે અને સ્પષ્ટ કરે છે કે નારીત્વ એ શક્તિ, નેતૃત્વ, જ્ઞાન અને સામાજિક સેવા વિરુદ્ધ નથી, પરંતુ આ ગુણો સાથે સુસંગત છે.

સુમૈયા રોશને જણાવ્યું કે આ ઝુંબેશ એક એવા “ત્રીજા માર્ગ” (Third Space) ની વકીલાત કરે છે, જે રૂઢિચુસ્ત સામાજિક બંધનો અને કામગીરી-આધારિત આધુનિક માનસિકતા; બંનેથી આગળ વધીને સ્ત્રીને સન્માન, સંતુલન અને તેની કુદરતી વિશેષતાઓ સાથે જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ પરિવર્તન માટે પરિવાર, શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને પુરુષોએ પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે.

ઇસ્લામનો સંતુલિત નારીત્વનો ખ્યાલ

જમાઅતે ઇસ્લામી હિંદ, કર્ણાટકના સેક્રેટરી તશ્કીલા ખાનમે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી સ્ત્રી વિશે બે અતિરેકો વચ્ચે ગૂંચવાયેલી છે. એક તરફ રૂઢિચુસ્ત રિવાજોના નામે સ્ત્રીને તેના અધિકારો અને નિર્ણયો લેવાથી વંચિત રાખવામાં આવે છે, જ્યારે બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત સ્ત્રી-સ્વતંત્રતાનો ખ્યાલ કૌટુંબિક વ્યવસ્થા, મર્યાદા (હયા) અને સ્ત્રીની વિશિષ્ટ ઓળખને નબળી પાડી રહ્યો છે.

તેમણે કહ્યું કે ઇસ્લામ આ બંને અતિરેકોને નકારીને મધ્યમ માર્ગ, સંતુલન અને અલ્લાહની તાબેદારીનો માર્ગ રજૂ કરે છે. ઇસ્લામે સ્ત્રીને તેના સ્વભાવ મુજબ અધિકારો અને જવાબદારીઓ આપી છે; અને વફાદારી, પ્રેમ, સહનશીલતા, કુરબાની, શરમ-સંકોચ તથા દયા જેવા ગુણોને તેની નબળાઈ નહીં પણ તેની સુંદરતા ગણાવી છે.

તશ્કીલા ખાનમે યુવાન મહિલાઓને વિનંતી કરી કે તેઓ પોતાની ઓળખ બદલાતા સામાજિક પ્રવાહોમાં નહીં પરંતુ કુર્આન અને પયગંબર સ.અ.વ.ના શિક્ષણમાં શોધે. તેમણે હઝરત હાજરા (અ.સ.), હઝરત મરિયમ (અ.સ.), હઝરત ખદીજા (રદિ.), હઝરત ફાતિમા (રદિ.) અને હઝરત આયશા (રદિ.)ના જીવનને મહિલાઓ માટે શ્રેષ્ઠ આદર્શ ગણાવતા કહ્યું કે કોમના ભવિષ્યના નિર્માણ માટે યુવા પેઢીનું વૈચારિક અને નૈતિક ઘડતર ઇસ્લામિક સિદ્ધાંતો પર થવું અનિવાર્ય છે.

નારીત્વ પર નવા દ્રષ્ટિકોણથી સંવાદ

ઉદ્ઘાટન બેઠક બાદ યોજાયેલા સિમ્પોઝિયમ “ધ થર્ડ સ્પેસ: રી-ઈમેજિનિંગ વુમનહૂડ બિયોન્ડ પોલરાઇઝ્ડ નેરેટિવ્સ” માં નિષ્ણાતોએ મનોવિજ્ઞાન, સાહિત્ય અને ઇસ્લામિક વિચારસરણીના પ્રકાશમાં સ્ત્રીની ઓળખ, નારીત્વ અને વર્તમાન સમયના પડકારો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મનોવૈજ્ઞાનિક ડૉ. ઝુલેખા શુકૂર રાજાનીએ જણાવ્યું હતું કે પરસ્પર વિરોધી વૈચારિક વર્ણનો આજની સ્ત્રીને તેની મૂળ ઓળખથી દૂર કરી રહ્યા છે. તેમણે વર્તમાન વિચારોને “તૂટેલા અરીસા” સાથે સરખાવતા કહ્યું કે આ વૈચારિક અરાજકતામાંથી બહાર નીકળવાનો માર્ગ ઇસ્લામ તરફ પાછા ફરવામાં અને પોતાના મૂળ સ્વભાવની પુનઃપ્રાપ્તિમાં છે.

લેખિકા અને સંશોધક સારાહ મહમૂદએ જણાવ્યું કે સ્ત્રીનું જીવન અનેક ભૂમિકાઓથી બનેલું છે, પરંતુ દરેક ભૂમિકાનો પોતાનો સમય અને પ્રાથમિકતા હોય છે. જીવનના દરેક તબક્કાની પોતાની જરૂરિયાતો હોય છે, તેથી સાચું સંતુલન દરેક જવાબદારીને એકસાથે નિભાવવામાં નથી, પરંતુ દરેક તબક્કાની જરૂરિયાતોને પોતાના ધાર્મિક અને નૈતિક સિદ્ધાંતો સાથે પૂરી કરવામાં છે; સમાજ દ્વારા લાદવામાં આવેલા સફળતાના ધોરણોની પાછળ દોડવામાં નહીં.

NFGIOના વાઇસ પ્રેસિડેન્ટ અફીફા તહનિયતે જણાવ્યું કે નારીત્વ એ સ્ત્રીના કુદરતી સ્વભાવનો એક અનિવાર્ય હિસ્સો છે. તેમણે માહિતી આપી કે આ ઝુંબેશ દરમિયાન ‘વુમન સપોર્ટ ગ્રુપ્સ’, ‘લિસનિંગ સર્કલ્સ’ અને ‘ઓનલાઇન કાઉન્સેલિંગ’ જેવી વ્યવહારિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે જેથી મહિલાઓના માનસિક, ભાવનાત્મક અને સામાજિક કલ્યાણ માટે સુરક્ષિત અને મદદરૂપ વાતાવરણ પૂરું પાડી શકાય.

કુર્આનનો સાર્વત્રિક સંદેશ

કાર્યક્રમના વિવિધ વક્તાઓએ વારંવાર એ કુર્આનિક સિદ્ધાંત પર ભાર મૂક્યો કે અલ્લાહની નજરમાં મનુષ્યની શ્રેષ્ઠતાનો માપદંડ લિંગ (જાતિ) નથી પરંતુ ઈમાન અને સત્કર્મો છે. તેમણે સુરહ અન્નહલ (આયત 97)નો સંદર્ભ આપતા કહ્યું:
“જે કોઈ પણ સત્કર્મ કરશે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, શરત એ કે તે મોમિન (ઇમાનવાળા) હોય, તો અમે તેને પવિત્ર જીવન પ્રદાન કરીશું અને તેમના શ્રેષ્ઠ કાર્યો મુજબ તેમને ઉત્તમ બદલો આપીશું.”
વક્તાઓના મતે, આ આયત આ ઝુંબેશની મૂળ વિભાવનાને રજૂ કરે છે કે ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષના મૂલ્યનો માપદંડ જાતિ નથી પરંતુ ઈમાન, ચરિત્ર અને સત્કર્મો છે, અને નારીત્વને આ જ કુર્આનિક સંદર્ભમાં સમજવાની જરૂર છે.

સમાજમાં વૈચારિક જાગૃતિનું આહ્વાન

મુખ્ય પ્રવચન આપતાં જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય સચિવ રહમતુન્નિસા અબ્દુર્રઝ્ઝાકે જણાવ્યું હતું કે “એમ્બ્રેસિંગ ફેમિનિનિટી” ઝુંબેશની સફળતા કાર્યક્રમોની સંખ્યાથી નહીં, પરંતુ મુસ્લિમ સમાજમાં; ખાસ કરીને શિક્ષિત વર્ગમાં, સ્ત્રી, નારીત્વ અને તેના કુદરતી સ્વભાવ વિશે ગંભીર વિચારસરણી પેદા કરી શકે છે કે નહીં તેનાથી માપવામાં આવશે.

પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે આ ઝુંબેશનો હેતુ મહિલાઓને કોઈ નવી ઓળખ આપવાનો નથી, પરંતુ તેમને ઇસ્લામના પ્રકાશમાં તેમની મૂળ ઓળખ સાથે ફરીથી જોડવાનો છે. જો શિક્ષિત મહિલાઓ અને યુવા પેઢી નારીત્વને સ્ત્રીના અનિવાર્ય સ્વભાવ તરીકે સમજીને પોતાના સ્થાન અને ભૂમિકા પર પુનઃવિચાર કરવા લાગે, તો આ જ આ ઝુંબેશની સૌથી મોટી સફળતા હશે.

તેમણે કહ્યું કે આ ઝુંબેશ ભારતની જાગૃત મહિલાઓને પણ વિચાર કરવા માટે આમંત્રણ આપે છે કે તેઓ બદલાતા સામાજિક વિચારોના બદલે ઇસ્લામ, પયગંબર સ.અ.વ.ની પુનિત પત્નીઓ , અહલે બૈત અને ઇસ્લામિક ઇતિહાસની મહાન મહિલાઓના જીવનમાંથી માર્ગદર્શન મેળવે; જ્યાં ગૌરવ, હયા, જ્ઞાન, સેવા, નેતૃત્વ અને સામાજિક જવાબદારી એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે.

રહમતુન્નિસાએ ઉમેર્યું કે “એમ્બ્રેસિંગ ફેમિનિનિટી” સ્ત્રીને માત્ર વ્યક્તિગત સફળતા સુધી સીમિત નથી જોતી, પરંતુ તેને પરિવાર, સમાજ અને માનવીય મૂલ્યોના નિર્માણમાં એક સક્રિય અને અસરકારક ઘટક તરીકે રજૂ કરે છે.

સમાજની સર્જક મહિલાઓનું બહુમાન

આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ તબક્કો “વુમન ઓફ ઇમ્પેક્ટ” એવોર્ડ સમારંભ હતો, જેમાં શિક્ષણ, પત્રકારત્વ, સાહિત્ય, સામાજિક સેવા, વ્યવસાય, દિવ્યાંગોનું કલ્યાણ, પેરેન્ટિંગ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

એવોર્ડ મેળવનારાઓમાં ડૉ. ફરીદા અબ્દુલ્લાહ ખાન, હરીના હાલમ (મિટ્ટી કાફે), સારાહ મહમૂદ, ઝીનત સાહિબા, તસ્નીમ સાહિબા, શાહીના સાલેહ ખાન, મરિયમ સાલેહ ખાન, કનીઝ ફાતિમા મોહમ્મદ હુસૈન અને જાણીતા ડિજિટલ ઉર્દૂ પત્રકાર સબીહા ફાતિમા બેગમનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે “ઓરા” (Aura) મેગેઝિનના વિશેષ પ્રિન્ટ એડિશનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જોકે ઓરા મૂળભૂત રીતે એક ડિજિટલ મેગેઝિન છે, પરંતુ તેની વિશેષ પ્રિન્ટ આવૃત્તિઓ સમયાંતરે પ્રકાશિત થાય છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ પ્રકાશનનો હેતુ ઝુંબેશના વૈચારિક અને શૈક્ષણિક વિષયોને લેખિત સ્વરૂપમાં વધુ વ્યાપક બનાવવાનો છે.

દેશવ્યાપી પ્રવૃત્તિઓની જાહેરાત

ઝુંબેશની યોજના રજૂ કરતાં ‘એમ્બ્રેસિંગ ફેમિનિનિટી’ના નેશનલ કન્વીનર આર્કિટેક્ટ સમીન મોમિનએ જણાવ્યું હતું કે આગામી એક મહિના દરમિયાન દેશભરમાં રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઝુંબેશનો સંદેશ વિવિધ વર્ગો સુધી પહોંચાડવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ ઝુંબેશ હેઠળ જાહેર સભાઓ, સેમિનારો, કેમ્પસ પ્રોગ્રામ્સ, સંવાદો, ચર્ચાઓ, આર્ટ સ્પર્ધાઓ, પ્રદર્શનો, વુમન સપોર્ટ ગ્રુપ્સ, લિસનિંગ સર્કલ્સ, ઓનલાઇન કાઉન્સેલિંગ અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ યોજવામાં આવશે; જ્યારે યુવાનો સુધી પહોંચવા માટે રીલ્સ, પોડકાસ્ટ, ટૂંકા વીડિયો અને સોશિયલ મીડિયા મટિરિયલ પણ તૈયાર કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે ઝુંબેશનો હેતુ માત્ર કાર્યક્રમો યોજવાનો નથી પરંતુ સ્ત્રીની નારીવાદી ઓળખ, ગૌરવ અને સંતુલિત ભૂમિકા પર હકારાત્મક વૈચારિક સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે શ્રોતાઓને પોતાના ઘરો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક વર્તુળો સુધી આ સંદેશ પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

એક વૈચારિક પ્રવાસનો પ્રારંભ

દુઆ સાથે ઉદ્ઘાટન બેઠક પૂર્ણ થઈ હતી, પરંતુ ઉપસ્થિત લોકોના પ્રભાવથી એવું લાગતું હતું કે વાતચીત પૂરી થઈ નથી પરંતુ એક નવા વૈચારિક પ્રવાસનો પ્રારંભ થયો છે. યુવાન વિદ્યાર્થીનીઓ વક્તાઓને પ્રશ્નો પૂછી રહી હતી, મહિલાઓ માહિતી સ્ટોલનો અભ્યાસ કરી રહી હતી અને સ્વયંસેવકો આગામી મહિનાની પ્રવૃત્તિઓની તૈયારીમાં વ્યસ્ત હતા.

બેંગલુરુથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી થોડા અઠવાડિયામાં દેશના અઢાર રાજ્યો સુધી પહોંચશે. આ ઝુંબેશ સમાજમાં કઈ હદ સુધી વૈચારિક જાગૃતિ અને ગંભીર સંવાદને પ્રોત્સાહન આપે છે તેનો નિર્ણય આવનારો સમય કરશે, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે “એમ્બ્રેસિંગ ફેમિનિનિટી” એ નારીત્વ, હયા, સ્ત્રીની કુદરતી વિશેષતાઓ અને ઇસ્લામિક સ્ત્રી-ખ્યાલના વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ચર્ચાની શરૂઆત કરી દીધી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments