Homeઓપન સ્પેસક્ષણની પ્રતીક્ષામાં

ક્ષણની પ્રતીક્ષામાં

વર્ષોમાં એક જ વાર આવતી અર્થપૂર્ણ રાજકીય ટકરાવની ક્ષણ જેવા તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં હું પોતાને જોડી ન શક્યો, આ વાત ઘણા સમયથી મારા અંતરાત્માને ડંખી રહી છે. જ્હોન લોક (John Locke)ની રાજકીય કલ્પનામાં, જ્યારે કોઈ પ્રજા સત્તાવાદી શાસન સામે ઊભી હોય ત્યારે તેની પાસે અંતિમ ઉપાય માત્ર “સ્વર્ગને અપીલ” (appeal to heaven) કરવાનો રહે છે: યુદ્ધનો માર્ગ અપનાવવો, એવી અર્ધ-પ્રાકૃતિક અવસ્થામાં પ્રવેશ કરવો જ્યાં વર્તમાન રાજકીય વ્યવસ્થાને ફરીથી ગોઠવી શકાય. કારોબારીની અતિશયતા જ એવી રાજકીય ક્ષણ સર્જે છે, જ્યાં પ્રજા અને સત્તા આમને-સામને ઊભાં રહે છે. આ દેશના યુવાનોને “વંદા” કહેવામાં આવ્યા ત્યારે એવી જ એક ક્ષણ જન્મી — એવી ક્ષણ, જેનું આવવું ઘણા સમયથી અપેક્ષિત હતું. પરંતુ યુવાનોને વંદા કહેવાય તે પહેલાં, દેશના એક મોટા વર્ગને “ઉધઈ” કહેવામાં આવ્યો હતો, છતાં તે અપમાન કોઈ આ પ્રકારની સમાન રાજકીય ક્ષણ સર્જી શક્યું નહીં, વ્યવસ્થા સામે સીધો પડકાર ઊભો કરી શક્યું નહીં. કોઈ એક ક્ષણમાં શું બને છે તે મહત્વનું છે, પરંતુ તે પહેલાંનો લાંબો, શાંત અને ધીમે ધીમે આકાર લેતો સંચય — તે તો તેના કરતાં પણ વધુ મહત્વનો છે.

હું લાંબા સમયથી એવી કોઈ તકની રાહ જોતો હતો: કંઈક કરવાની, પોતાનો અવાજ વ્યક્ત કરવાની, ફાટી નીકળવાની, જીવવાની, સમયને વટાવી જવાની અને હિંસાના મારા પોતાના અનુભવમાંથી કોઈ અર્થ તારવવાની. પરંતુ જ્યારે એવી તક આવી હોય તેમ લાગ્યું, ત્યારે મને સમજાયું કે મારે એવા તાલ પર નાચવું પડશે જેમાં મારા પોતાના અનુભવ માટે કોઈ સ્થાન જ નહોતું. હું લાંબા સમયથી એ તંગદિલીને શબ્દ આપવા માંગતો હતો કે હું એક એવો નાગરિક છું જે સતત અનિશ્ચિતતામાં લટકે છે — “લટકાવાયેલો નાગરિક” નહીં, પણ “લટકતી નાગરિકતા ધરાવતો”; આ તફાવત અગત્યનો છે. મારે સતત મારી પોતાની નાગરિકતાનો હિસાબ ફરીથી ગોઠવવો પડે છે; મારી પીડાને એવી ભાષામાં અનૂદિત કરવી પડે છે જે તેની પોતાની નથી અને જેને સતત નરમ બનાવી દેવામાં આવી છે; શંકાની અખંડ નજર સહન કરવી પડે છે; અને જીવતા રહેવાની વ્યૂહરચના તરીકે મૌન પસંદ કરવાની શાંત હિંસા ભોગવવી પડે છે.

લોકોને દમનકારી અને ઉદાસીન સત્તા સામે ઊભા થતા જોવું હૃદયસ્પર્શી હતું. પરંતુ ન્યાય માત્ર અત્યાચાર કરનારનો વિરોધ કરવાનો વિષય નથી; ન્યાયનો અર્થ એ પણ છે કે દમનના દરેક સૂક્ષ્મ અનુભવને યોગ્ય અભિવ્યક્તિ આપવામાં આવે. હું પણ એ ક્ષણનો ભાગ બનવા માંગતો હતો — માત્ર ‘Gen Z’ તરીકે નહીં, કારણ કે હું સ્પષ્ટપણે તે પેઢીનો નથી — પરંતુ એક મુસ્લિમ તરીકે. હું ઇચ્છતો હતો કે તેને “NEET જિહાદ” કહેવામાં આવે; અને એ જ ક્ષણે, મને “જિહાદી” કહેવડાવવામાં પણ આનંદ થયો હોત: એક એવા રાજકીય કર્તા તરીકે જે “સ્વર્ગને અપીલ” કરે છે, જે પોતાના લાંબા અને અસંખ્ય સ્તરો ધરાવતા દમનના ઇતિહાસને લઈને એ અર્ધ-પ્રાકૃતિક અવસ્થામાં પ્રવેશે છે અને સમગ્ર રાજકીય વ્યવસ્થાને ફરીથી ગોઠવવા તૈયાર થાય છે. મારી પૃષ્ઠભૂમિ, મારું સંચિત દુઃખ અલગ છે — વધુ ઊંડું, વધુ તીક્ષ્ણ, વધુ જટિલ અને વધુ મૂળભૂત.

હું નથી ઇચ્છતો કે આ લાંબા ઐતિહાસિક અનુભવમાંથી જન્મેલું દુઃખ માત્ર હતાશામાં ફેરવાઈ જાય, અથવા એવી રીતે બહાર આવે કે જે તેની પાછળની ભયાનકતાને રજૂ કરવામાં નિષ્ફળ જાય. હું ખરેખર ખુશ છું કે લોકોએ નિર્દયી સત્તાનો સામનો કરવાની હિંમત બતાવી. પરંતુ સાથે સાથે હું મારી પોતાની વાર્તાને, મારા પોતાના લાંબા સંચયને પણ એટલું જ મૂલ્ય આપું છું, જે હજુ પણ પોતાની ક્ષણની રાહ જોઈ રહ્યો છે: એવી ભયાનકતા, જે મારા જન્મ પહેલાંથી ચાલી આવે છે અને માત્ર હું જે છું તેના કારણે મને વારસામાં મળી છે. હું વોલ્ટર બેંજામિન (Walter Benjamin)એ વર્ણવેલી “દૈવી હિંસા”ની કોઈ ક્ષણ ઉતરી આવે તેની રાહ જોઈને બેસી રહેવા નથી માંગતો; હું ઇતિહાસનો માત્ર દર્શક નહીં, પણ તેનો સક્રિય ભાગ બનવા માંગું છું. હું મારી ક્ષણની રાહ જોઈ શકું છું. પણ હું એવું ક્યારેય નહીં કરું કે કોઈ બીજાએ લખેલી પટકથા પર હું અભિનય કરું.

આ શાસનને જવાબદાર ઠેરવવા માટે લડી રહેલા દરેક વ્યક્તિ પ્રત્યે મારા મનમાં પ્રેમ અને એકતા છે; છતાં હું મારી પોતાની ક્ષણની રાહ જોવામાં સંતોષ માનું છું. હું ઇચ્છું છું કે એ ક્ષણ શુદ્ધ રહે: તેમાં હું કોઈ ગૌણ પાત્ર ન હોઉં, કોઈ આઇટમ નંબર ન હોઉં; હું મુખ્ય ભૂમિકામાં હોઉં, અથવા ઓછામાં ઓછું સમાન ભાગીદાર હોઉં. તેનાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. બસ.

(લેખક ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધક છે. તેઓ અગાઉ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (AMUSU)ના પ્રમુખ રહી ચૂક્યા છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments