Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસહારનપુરમાં ૧૫૦ વર્ષ જૂની મસ્જિદ પર બુલડોઝર: ન્યાય અને કાયદાકીય પ્રક્રિયા સામે...

સહારનપુરમાં ૧૫૦ વર્ષ જૂની મસ્જિદ પર બુલડોઝર: ન્યાય અને કાયદાકીય પ્રક્રિયા સામે ગંભીર સવાલો

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. સમગ્ર વાતાવરણ ભય, શંકા અને નફરતથી ઘેરાયેલું છે. સત્તાધારી પક્ષ વાતાવરણનું ધ્રુવીકરણ અને કોમીકરણ કરીને તણાવ તથા નફરતના ડહોળાયેલા પાણીમાં પોતાની રાજકીય રોટલી શેકવા ઉત્સુક દેખાય છે.

બરાબર આવા જ સમયે, ૫ સપ્ટેમ્બરના રોજ સહારનપુરમાં ૧૫૦ વર્ષ જૂની સક્રિય મસ્જિદને તોડી પાડવામાં આવી. કોમી અને ફાસીવાદી પરિબળો આ ઘટનાથી ઉત્સાહિત છે અને મુશ્કેલીભરી પરિસ્થિતિનો અણછાજતો લાભ ઉઠાવવા તત્પર બન્યાં છે.

કાયદાને તેનો સંપૂર્ણ માર્ગ અપનાવવા દેવામાં આવ્યો નથી અને ઉતાવળે ઉપલી અદાલતોના દરવાજા ખખડાવવાના રસ્તા પણ રોકી દેવાયા. જિલ્લા અદાલતે માત્ર એટલું કહ્યું હતું કે મસ્જિદ પ્રશાસન જમીનની માલિકી સંતોષકારક રીતે સાબિત કરી શક્યું નથી; અદાલતે તેને તોડી પાડવાનો કોઈ આદેશ આપ્યો નહોતો. એક કાનૂની નિષ્ણાતે આ અંગે ટિપ્પણી કરી છે કે, “ઉતાવળિયો ન્યાય એ વાસ્તવમાં ન્યાયની કબર સમાન છે.”

સહારનપુર કલેક્ટર કચેરીના પરિસરમાં આવેલી ૧૫૦ વર્ષ જૂની અને દૈનિક નમાજ પઢાતી આ મસ્જિદને તોડી પાડવામાં આવી તે પહેલાંની રાત્રે સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાન જેવો ભાસતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, યાકૂબ ખાન અને વહીદ ખાન નામના બે ભાઈઓએ આ મસ્જિદ માટે જમીન દાનમાં આપી હતી; એ જ જમીન પર બનેલી આ મસ્જિદને હવે બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવાઈ છે.

ડિમોલિશનની આગલી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો (કોર્ડન કરી દેવાયો હતો) અને કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી નહોતી. વિરોધનો વિચાર સુદ્ધાં કરનાર કોઈપણ વ્યક્તિ પર તૂટી પડવા પોલીસ અને અન્ય સુરક્ષા દળો સજ્જ હતાં. સમાજવાદી પાર્ટીના સાંસદ ઇકરા હસન અને કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદને વ્યવહારિક રીતે નજરકેદ (હાઉસ અરેસ્ટ) કરી દેવાયા હતા અને અધિકારીઓ સાથે વાતચીત પણ કરવા દેવાઈ નહોતી.

હવે વ્યાપકપણે એ જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે મસ્જિદ તોડવાની આટલી બધી ઉતાવળ કેમ કરવામાં આવી? કાયદાને તેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવા દેવી જોઈતી હતી. છેવટે તો જિલ્લા અદાલતે માત્ર ચુકાદો આપ્યો હતો, તેને તોડી પાડવાનો આદેશ નહોતો આપ્યો. આમ કરીને પીડિત પક્ષને કાયદાકીય રક્ષણ અને ન્યાયિક જોગવાઈઓથી વંચિત રાખવામાં આવ્યો છે. આ બાબત દર્શાવે છે કે પક્ષપાતી વહીવટીતંત્રે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના નેતૃત્વ હેઠળના શાસક પક્ષના આંધળા સમર્થકોને ખુશ કરવા માટે આ પગલું ભર્યું છે. આ સ્પષ્ટપણે કોમી અને ફાસીવાદી તત્ત્વોના તાલે નાચવા જેવો કિસ્સો છે.

મસ્જિદના દરજ્જા અંગેનો આ સમગ્ર વિવાદ જાણીતા કટ્ટરપંથી સંગઠન બજરંગ દળના એક સભ્ય દ્વારા દાખલ કરાયેલી અરજીથી શરૂ થયો હતો.

અમને પૂર્ણ વિશ્વાસ છે કે વડી અદાલત (હાઈકોર્ટ) ન્યાય કરશે. જો ત્યાં ન્યાય નહીં મળે, તો સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) આ મામલાની સુનાવણી કરશે અને ન્યાય તથા કાયદાના શાસનના સર્વોચ્ચ માપદંડોને અનુરૂપ આખરી ચુકાદો આ ઇબાદતગાહની તરફેણમાં આવશે.

આપણી શાસનવ્યવસ્થા દરેક નાગરિક અને સમુદાયને કાયદાના શાસનની ખાતરી આપે છે. હવે જોવાનું એ રહે છે કે શું આ ખુદાના ઘરને તેની પૂર્વસ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે? જો તેમ થશે, તો સ્વતંત્રતા, સમાનતા અને સદ્ભાવના પક્ષમાં વધુ એક સુવર્ણ અધ્યાય લખાશે.

મુસ્લિમોએ અત્યંત ધીરજ, ગરિમા અને સંયમ જાળવવો જોઈએ. તેઓ જોઈ શકે છે કે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે; સત્યનો જ વિજય થશે અને નફરત તથા અન્યાયનો પરાજય થશે, ઇન્શાઅલ્લાહ.

લેખ સૌજન્યઃ Radiance Views Weekly, Issue No 24


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments