Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપબે છેડાઓ વચ્ચે સંતુલન: સ્ત્રી – પરિવાર, વ્યવસાય અને આંતરિક ઓળખ

બે છેડાઓ વચ્ચે સંતુલન: સ્ત્રી – પરિવાર, વ્યવસાય અને આંતરિક ઓળખ

અતિરેકના યુગમાં ઇસ્લામિક મધ્યમમાર્ગની પુનઃશોધ

બે અતિરેકો વચ્ચે અટવાયેલી સ્ત્રી

આધુનિક મહિલા સમક્ષ અવારનવાર બે પરસ્પર વિરોધી દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવે છે:

  • પ્રથમ દ્રષ્ટિકોણ: કહે છે કે સ્ત્રીનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે જ છે. તે તેણીની ઓળખને માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત કરી દે છે અને શીખવાની, નેતૃત્વ કરવાની કે સમાજમાં યોગદાન આપવાની તકો પોતે છીનવી લે છે.
  • બીજો દ્રષ્ટિકોણ: કહે છે કે ખરી સફળતા દરેક પરંપરાગત ભૂમિકાને તોડી નાખવામાં, પુરુષો સાથે અવિરત સ્પર્ધા કરવામાં, પારિવારિક જીવનને મુલતવી રાખવા કે છોડી દેવામાં અને પોતાનું મૂલ્ય માત્ર વ્યાવસાયિક સિદ્ધિઓથી માપવામાં છે.

આ બંને દ્રષ્ટિકોણ અધૂરા છે અને નારીત્વના વાસ્તવિક સ્વરૂપને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે.

ઇસ્લામ આ બંનેમાંથી એકેય અતિરેકનું સમર્થન કરતો નથી. તેના બદલે, તે એક સંતુલિત વ્યવસ્થા આપે છે જે સ્ત્રીને દીકરી, પત્ની, માતા, પ્રોફેશનલ, વિદ્વાન, યોદ્ધા, વક્તા, નેતા અને સમાજ નિર્માતા તરીકે અનન્ય શક્તિઓ સાથે સન્માનિત કરે છે. તે સ્ત્રીને ઘરની અંદર અને બહાર—પોતાના સંજોગો અને પ્રાથમિકતાઓ અનુસાર દરેક ભૂમિકા ભજવવાની સુવિધા આપે છે. આજે યુવા મહિલાઓ સમક્ષ કોઈ એક અતિરેકની પસંદગી કરવાનો પડકાર નથી, પરંતુ અલ્લાહ અને તેમના રસૂલ ﷺ દ્વારા દર્શાવેલા મધ્યમ અને સંતુલિત માર્ગને પુનઃ શોધવાનો છે.

પ્રથમ અતિરેક: સુરક્ષાના નામે કેદ

સદીઓથી મુસ્લિમ સમાજના કેટલાક વર્ગો સહિત અનેક સમાજોમાં સ્ત્રીઓને દ્વિતીય શ્રેણીના નાગરિક તરીકે ગણવામાં આવી છે. ઘણી વાર સન્માન કે સુરક્ષાના નામે તેમને શિક્ષણથી વંચિત રાખવામાં આવી, નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી બાકાત રખાઈ અને માત્ર ઘરની ચાર દીવાલો સુધી સીમિત કરી દેવાઈ.

ગૃહિણીઓ માટે સામાન્ય રીતે એક કટાક્ષ સાંભળવા મળે છે: “તે તો ઘરે બેઠી છે.” પરંતુ વાસ્તવમાં ઘર સંભાળતી કોઈ પણ સ્ત્રી ક્યારેય ‘નવરી બેસી’ રહેતી નથી. ઘરનું સંચાલન કરવું એટલે રાંધવું, સફાઈ કરવી, બજેટ બનાવવું, દેખભાળ કરવી, પરિવારને માનસિક ટેકો આપવો, બાળકો અને વડીલોની સેવા કરવી—આ એવા કાર્યો છે જેને અર્થશાસ્ત્રીઓ હવે વિશાળ આર્થિક મૂલ્ય ધરાવતા ‘અવેતન શ્રમ’ (Unpaid Labour) તરીકે સ્વીકારે છે.

પ્રગતિ છતાં અસમાનતા હજુ પણ છે:

  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5, 2019–21): ભારતમાં મહિલા સાક્ષરતામાં સુધારો થયો છે પરંતુ તે હજુ પણ પુરુષો કરતાં પાછળ છે. આર્થિક રીતે નબળા પરિવારોમાં શિક્ષણ પાછળ ખર્ચ કરતી વખતે દીકરાઓને પ્રાથમિકતા મળે છે, કારણ કે સમાજમાં એવી માનસિકતા છે કે ‘છોકરી ભણીને શું કરવાની?’
  • પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS): શિક્ષણ વધવા છતાં ઔપચારિક રોજગારમાં મહિલાઓનું પ્રમાણ ઓછું દર્શાવે છે.

ઘણી પ્રતિભાશાળી યુવતીઓ શિક્ષણમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે પરંતુ લગ્ન પછી તરત જ જાહેર જીવનમાંથી અદ્રશ્ય થઈ જાય છે. આવું એટલા માટે નથી બનતું કે ઇસ્લામ તેમને રોકે છે, પરંતુ એટલા માટે બને છે કારણ કે સામાજિક માનસિકતા લગ્નને બૌદ્ધિક વિકાસનો અંત માની લે છે.

આ ઇસ્લામિક મોડેલ નથી. કુર્આનનો પ્રથમ અવતરિત થયેલ શબ્દ ‘ઇકરા’ (પઢો) હતો, જે માત્ર પુરુષો માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે હતો. પયગંબર હઝરત મુહમ્મદ ﷺ ના જણાવ્યા અનુસાર, જ્ઞાન મેળવવું એ દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રી પર ફરજ છે.

બીજો અતિરેક: નકલ દ્વારા સફળતાની શોધ

સામે પક્ષે રહેલો અતિરેક પણ એટલો જ નુકસાનકારક છે. આધુનિક સંસ્કૃતિ એવો આભાસ કરાવે છે કે સ્ત્રી હોવું એ જ એક મર્યાદા કે નબળાઈ છે અને સાચી મુક્તિ માત્ર પુરુષો જેવા બની જવામાં જ છે.

  • માતૃત્વને ‘અડચણ’ ગણવામાં આવે છે.
  • ગૃહિણી હોવાને ‘નિષ્ફળતા’ માનવામાં આવે છે.
  • બીજાઓ પર આર્થિક નિર્ભરતાને ‘નબળાઈ’ અને લગ્નને ‘અવરોધ’ તરીકે જોવામાં આવે છે.
  • સફળતાનું માપદંડ માત્ર આવક, પ્રમોશન અને દેખાડો બની ગયું છે.

આ માનસિકતા શોષણનું એક નવું સ્વરૂપ છે. ઘણી સ્ત્રીઓ સમાજમાં સ્વીકૃતિ મેળવવા માટે પુરુષો કરતાં ચઢિયાતી સાબિત થવાના દબાણ હેઠળ જીવી રહી છે. કાર્યસ્થળોમાં સ્ત્રીઓ સાથેના ભેદભાવ દૂર થવાને બદલે તેમના પર નવો બોજ લદાયો છે. યોગ્યતા કરતાં બાહ્ય દેખાવ, શારીરિક બાંધો કે આધુનિકતાને વધુ મહત્ત્વ અપાય છે. પ્રસૂતિની રજા કે બાળકની સંભાળ માટે છૂટછાટ માંગતી સ્ત્રીઓ પર આક્ષેપો થાય છે અથવા તેમને નોકરી આપવાથી બચવામાં આવે છે.

આ સ્વતંત્રતા નથી, પરંતુ સુંદર આવરણ હેઠળ ઢંકાયેલી ગુલામી છે.

ઓળખનું સંકટ (Identity Crisis)

આ બે વિરોધી વિચારો વચ્ચે સૌથી મોટું નુકસાન સ્પષ્ટતાનું થયું છે. આજની યુવતીઓ મૂંઝવણમાં છે કે સાચું નારીત્વ શું છે? શું તે નબળાઈ છે? લાચારી છે? કે માત્ર શારીરિક આકર્ષણ છે?

આધુનિક મીડિયા સ્ત્રીને માત્ર બાહ્ય આકર્ષણ તરીકે રજૂ કરે છે, જ્યારે સંસ્કૃતિનું નિર્માણ કરનારા ગુણો—જેવા કે કરુણા, ડહાપણ, સહનશક્તિ, નૈતિક હિંમત અને આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાને નજરઅંદાજ કરે છે. ઇસ્લામ સ્ત્રીને માત્ર સુંદરતા કે ઉત્પાદકતાના સાધન તરીકે જોવાનો ઇનકાર કરે છે. કુર્આન સ્ત્રીઓના ઈમાન, બુદ્ધિમત્તા, બહાદુરી અને ત્યાગની પ્રશંસા કરે છે.

ઇસ્લામ બંને અતિરેકોને નકારે છે

અલ્લાહ ફરમાવે છે:

“લોકો! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડું બનાવ્યું…”

(સૂરહ અન-નિસા 4:1)

આ આયત સ્ત્રી અને પુરુષ બંનેની સમાન ઉત્પત્તિ અને સન્માન સ્થાપિત કરે છે. ઇસ્લામ પુરુષ પ્રધાનતા કે સ્ત્રી પ્રધાનતાને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ ન્યાયનું સમર્થન કરે છે.

કુર્આનમાં મોમિન (ઈમાનવાળા) સ્ત્રી-પુરુષોને એકબીજાના સહાયક ગણાવ્યા છે:

“મોમિન (ઈમાનવાળા) પુરુષો અને મોમિન (ઈમાનવાળી) સ્ત્રીઓ સૌ એકબીજાના મિત્રો છે. ભલાઈની આજ્ઞા આપે છે અને બૂરાઈથી રોકે છે…”

(સૂરહ અત-તૌબા 9:71)

આ સ્પષ્ટ કરે છે કે સ્ત્રીઓ સમાજમાં માત્ર મૂક પ્રેક્ષક નથી, પરંતુ સક્રિય ભાગીદાર છે. આ સહભાગિતા ઐચ્છિક નથી, પરંતુ સમાજ અને ઉમ્મતની સામૂહિક જવાબદારીનો ભાગ છે.

સ્ત્રીને અપાયેલું વિશેષ સન્માન

ઇસ્લામ માત્ર સમાનતાની વાત નથી કરતો, પરંતુ ભેદભાવ વિનાના સ્વાભાવિક તફાવતને ઓળખે છે. માતા ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને સ્તનપાનની જે પીડા અને જવાબદારી ઉઠાવે છે તે કોઈ પુરુષ કરી શકતો નથી. તેથી જ ઇસ્લામ માતાને સર્વોચ્ચ સ્થાન આપે છે.

  • અંતિમ પયગંબર ﷺ એ ફરમાવ્યું: “જન્નત માતાઓના કદમો નીચે છે.” (મુસ્નદ અહમદ)
  • જ્યારે એક સહાબીએ પૂછ્યું કે મારી સારી સોબત અને સેવાનો સૌથી વધુ હકદાર કોણ છે? ત્યારે પયગંબર ﷺ એ ત્રણ વાર “તારી માતા” કહ્યું અને ચોથી વાર પિતાનું નામ લીધું. (સહીહ બુખારી, સહીહ મુસ્લિમ)

આ સન્માન માત્ર પ્રતીકાત્મક નથી; તે પરિવાર, સમાજ અને વ્યવસ્થા તરફથી વ્યાવહારિક સહયોગની માંગ કરે છે જેથી સ્ત્રી મુશ્કેલી વિના પારિવારિક અને સામાજિક બંને જવાબદારીઓ નિભાવી શકે.

કેરિયર બનાવવાની છૂટ છે, પણ ફરજિયાત નથી

ઇસ્લામે સ્ત્રીને એક એવો અધિકાર આપ્યો છે જેની ઘણી વાર ઉપેક્ષા થાય છે—‘કમાણી ન કરવાનો અધિકાર’. પરિવારના ભરણપોષણની આર્થિક જવાબદારી ઇસ્લામે પુરુષના શિરે મૂકી છે. છતાં, ઇસ્લામ સ્ત્રીને યોગ્ય ક્ષેત્રમાં કેરિયર બનાવવાથી રોકતો નથી.

ઇસ્લામિક ઇતિહાસ આ વાતની સાબિતી આપે છે:

  • હઝરત ખદીજા (રદિ.): મક્કાના સૌથી સફળ વેપારીઓમાંના એક હતા.
  • હઝરત આયશા (રદિ.): ઇસ્લામના મહાન વિદ્વાન બન્યા, જેમણે પુરુષો સહિત સેંકડો સહાબીઓને શિક્ષણ આપ્યું.
  • હઝરત અસ્મા બિન્તે અબૂબક્ર (રદિ.): પરિવાર અને સામાજિક સેવામાં અગ્રેસર રહ્યા.
  • ઉમ્મે અમ્મારા (નુસૈબા બિન્તે કા’બ રદિ.): ઉહદના યુદ્ધમાં પયગંબર ﷺ નું શારીરિક રક્ષણ કર્યું.
  • ખવલાહ બિન્તે સા’લબાહ (રદિ.): જેમણે અલ્લાહના પયગંબર ﷺ સમક્ષ પોતાની ફરિયાદ મૂકી અને અલ્લાહે તેમના સમર્થનમાં કુર્આનની આયતો (સૂરહ અલ-મુજાદિલાહ) ઉતારી.

આ મહિલાઓ કોઈ અપવાદ નહોતી, પરંતુ ઇસ્લામનું ઉત્કૃષ્ટ પરિણામ હતી. પ્રશ્ન એ નથી કે સ્ત્રી યોગદાન આપી શકે કે નહીં; પ્રશ્ન એ છે કે સમાજ તેને કેવી રીતે સુવિધા અને પ્રોત્સાહન આપે છે.

પરિવારોએ પણ જાગૃત થવું પડશે

જ્યારે કોઈ સ્ત્રી તબીબી (મેડિકલ), કાયદો, શિક્ષણ, પરામર્શ (કાઉન્સેલિંગ) કે જાહેર સેવાનું ક્ષેત્ર પસંદ કરે છે, ત્યારે સમગ્ર પરિવારની જવાબદારી બને છે કે તેને સહકાર આપે. બોજ માત્ર સ્ત્રી પર ન આવવો જોઈએ.

પયગંબર ﷺ સમગ્ર માનવજાતની સૌથી મોટી જવાબદારી નિભાવતા હોવા છતાં, પોતાના કપડાં જાતે ધોતા, બકરી દોહતા અને ઘરકામમાં સાથ આપતા.

હઝરત આયશા (રદિ.) જણાવે છે:

“પયગંબર ﷺ ઘરના કામકાજમાં પરિવારની મદદ કરતા અને નમાઝનો સમય થતાં જ નમાઝ માટે નીકળી જતા.”

(સહીહ અલ-બુખારી)

તેથી, પત્નીને મદદ કરતો પતિ કોઈ અસાધારણ ઉપકાર નથી કરતો, પરંતુ સુન્નતનું પાલન કરે છે. બાળકોએ પણ પોતાની પ્લેટ જાતે સાફ કરવી, પોતાનો બિસ્તર જાતે વાળવો, ઓરડો વ્યવસ્થિત રાખવો જેવી નાની-નાની આદતો કેળવવી જોઈએ જેથી માતા પરનો બોજ હળવો થાય.

પ્રાથમિકતાઓનું વિજ્ઞાન (ફિકહ અલ-અવલવિયાત)

ઇસ્લામનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત ‘ફિકહ અલ-અવલવિયાત’ (પ્રાથમિકતાઓની સમજ) છે. જીવનના દરેક તબક્કે દરેક ભૂમિકાને સમાન સમય આપી શકાતો નથી.

  • કોઈ તબક્કે બાળકોનો ઉછેર વધુ સમય માંગી લે.
  • કોઈ તબક્કે વૃદ્ધ માતા-પિતાની સેવા સર્વોપરી બને.
  • તો કોઈ સમયે સામાજિક સેવાની જરૂરિયાત વધી જાય.

કેરિયર મહત્વનું છે, પરંતુ માનસિક શાંતિ, પરિવાર અને સૌથી વિશેષ આખિરત અનેક ઘણાં વધુ મહત્વનાં છે. સફળતા માત્ર હોદ્દાઓથી નથી મપાતી, પરંતુ અલ્લાહે સોંપેલી જવાબદારીઓ કેટલી નિષ્ઠાથી નિભાવી તેનાથી મપાય છે.

સશક્તિકરણની સાચી વ્યાખ્યા

સાચું સ્ત્રી સશક્તિકરણ પુરુષોની આંધળી નકલ કરવામાં કે નારીત્વને નકારવામાં નથી.

સાચું સશક્તિકરણ એટલે:

  • કોઈ પણ સામાજિક દબાણ વિના અલ્લાહની આજ્ઞાનું પાલન કરવાની આઝાદી હોવી.
  • લઘુતાગ્રંથિ (હીનભાવના) રાખ્યા વિના નેક સંતાનોનો ઉછેર કરવો.
  • પરિવારની ઉપેક્ષા કર્યા વિના શિક્ષણ મેળવવું.
  • ઈમાન સાથે સમાધાન કર્યા વગર વ્યાવસાયિક યોગદાન આપવું.
  • કોઈ સંકોચ વિના ગૌરવપૂર્વક હિજાબ ધારણ કરવો.
  • ટ્રેન્ડને બદલે ‘તકવા’ (ઈશ્વરભય અને સદાચાર)ના આધારે નિર્ણયો લેવા.

ઇસ્લામ શ્રેષ્ઠતા શીખવે છે, નકલ નહીં. જો તમે સ્વીકૃતિ મેળવવા પુરુષોની નકલ કરો છો, તો તે લઘુતાગ્રંથિ દર્શાવે છે. અલ્લાહે સ્ત્રીને એવાં કાર્યો માટે બનાવી છે જે પુરુષો ક્યારેય કરી શકતા નથી. તેથી સ્ત્રીએ પોતાના નારીત્વ પર ગર્વ અનુભવવો જોઈએ.

સમાજે શું કરવાની જરૂર છે?

  • ઘરોમાં મશવરા (પરામર્શ)નું વાતાવરણ બને: પતિ-પત્ની કેરિયર, નાણાકીય બાબતો, બાળકોના ઉછેર અને જવાબદારીઓની સાથે મળીને ચર્ચા કરે.
  • કાર્યસ્થળો અનુકૂળ બને: કચેરીઓમાં કામના કલાકોમાં છૂટછાટ (Flexibility), સુરક્ષિત વાતાવરણ અને માતૃત્વ સુરક્ષા મળે.
  • મસ્જિદો અને સંસ્થાઓ સ્ત્રી-મૈત્રીપૂર્ણ બને: પયગંબર ﷺ ના સમયની જેમ સ્ત્રીઓ માટે આદરપૂર્ણ અને આવકારદાયક જગ્યાઓ ઊભી થાય.
  • સમાજ ગુણોની કદર કરે: સ્ત્રીઓને માત્ર બાહ્ય દેખાવ પરથી નહીં, પરંતુ તેમના જ્ઞાન, ચારિત્ર્ય, નેતૃત્વ અને સેવાના આધારે સન્માન મળે.
  • મીડિયાના નકારાત્મક પ્રવાહ સામે સાચા આદર્શો રજૂ થાય: હઝરત ખદીજા, આયશા, મરયમ, આસિયા, બિલકીસ અને વર્તમાન સમયની પ્રેરણાદાયી મુસ્લિમ મહિલાઓના જીવનચરિત્ર લોકો સમક્ષ આવે.

આયાતી વિચારોથી સાવધાન

‘આઝાદી’ના નામે રજૂ થતો દરેક વિચાર વાસ્તવિક મુક્તિ આપતો નથી. ઘણી વાર કહેવાતા ઉદારવાદી વાતાવરણમાં લગ્નમાં વિલંબ કરવો, બાળકોથી બચવું, ધાર્મિક ઓળખ છુપાવવી કે સુંદરતાના અવાસ્તવિક માપદંડો અપનાવવાનું અદ્રશ્ય દબાણ હોય છે.

તેવી જ રીતે, મુસ્લિમ સમાજમાં ચાલતી દરેક રૂઢિવાદી પરંપરા પણ ઇસ્લામ નથી. આપણે ઇલાહી માર્ગદર્શન (વહી) અને લોકસંસ્કૃતિ વચ્ચેનો ભેદ સમજવો પડશે. આપણો માપદંડ પૂર્વ કે પશ્ચિમ નથી, પરંતુ કુર્આન અને સુન્નત છે.

વૈચારિક હિજરતનું આહ્વાન

આજે ભૌગોલિક નહીં, પરંતુ બૌદ્ધિક અને આધ્યાત્મિક હિજરત (સ્થળાંતર)ની જરૂર છે:

  • સફળતાની ખોટી વ્યાખ્યાઓમાંથી હિજરત.
  • બિન-ઇસ્લામિક સામાજિક કુરિવાજોમાંથી હિજરત.
  • અલ્લાહની મરજી ગુમાવીને લોકોની વાહવાહ મેળવવાની માનસિકતામાંથી હિજરત.
  • માન-સન્માન માત્ર કેરિયરમાં છે અથવા માત્ર ચાર દીવાલોમાં છે—તેવા બંને ભ્રમોમાંથી હિજરત.

અલ્લાહ ફરમાવે છે:

“ખરેખર, અલ્લાહ કોઈ કૌમ (સમાજ)ની હાલત ત્યાં સુધી નથી બદલતો જ્યાં સુધી તેઓ પોતે પોતાના વિચારો અને સ્થિતિને બદલતા નથી.”

(સૂરહ અર-રા’દ 13:11)

અલ્લાહ પ્રેરિત મધ્યમ માર્ગ તરફ પાછા વળીએ

વાસ્તવિક ચર્ચા ઘર વિરુદ્ધ કેરિયર કે પરંપરા વિરુદ્ધ આધુનિકતાની નથી; ખરી વાત એ છે કે આપણી પસંદગી આપણને અલ્લાહની કેટલી નજીક લઈ જાય છે.

ઇસ્લામ સ્ત્રીને ઘરના સુખ અને સામાજિક યોગદાન વચ્ચે કોઈ એકની પસંદગી કરવા મજબૂર કરતો નથી, પરંતુ બંનેનો સમન્વય સાધે છે. તે સ્ત્રીને શિક્ષણ અને લોકસેવામાં આવકારે છે, પરંતુ તેના મૂલ્યને માત્ર કમાણી પૂરતું સીમિત કરતો નથી. તે પુરુષોને સ્ત્રીઓ પર પ્રભુત્વ જમાવવાને બદલે તેમનો આદર, રક્ષણ અને સાથ આપવાનો આદેશ આપે છે.

જ્યારે આપણા નિર્ણયોના કેન્દ્રમાં અલ્લાહની પ્રસન્નતા હશે, ત્યારે દરેક ભૂમિકા—ઘરમાં હોય, ઓફિસમાં હોય કે સમાજમાં—એક ઇબાદત બની જશે. આ જ એ મધ્યમ માર્ગ છે જે ઇસ્લામ આપે છે, જેની આપણા પરિવારોને તાતી જરૂર છે, અને જે સ્ત્રી-પુરુષ બંનેને આ દુનિયા અને આખિરતમાં વાસ્તવિક શાંતિ તથા સફળતા અપાવશે.

(લેખિકા જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય સચિવ છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments