જમાઅતે ઇસ્લામી હિન્દ (અમદાવાદ પૂર્વ) અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO – બાપુનગર યુનિટ) ના સંયુક્ત ઉપક્રમે ગત ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મસ્જિદ સાબિર શહીદ, બાપુનગર ખાતે “કુર્આન પ્રવચન: શાંતિ અને માનવતાનો સંદેશ” વિષય પર એક વિશેષ અને વિચારપ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશબંધુઓ સુધી પવિત્ર કુર્આનનો સંદેશ અને પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ના જીવનમૂલ્યો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ બિરાદરાને વતન ભાઈ-બહેનો અને વિવિધ સમાજના અગ્રણીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા અને જમાઅતે ઇસ્લામી હિન્દ (ગુજરાત)ના સેક્રેટરી ડૉ. ઇફ્તિખાર મલિક સાહેબે પવિત્ર કુર્આન અને પયગંબર મુહમ્મદ (સ.અ.વ)ના જીવનદર્શન પર વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનું પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે: માનવતા અને ન્યાયના માર્ગમાં સૌથી મોટા અવરોધો દ્વેષ, નફરત, અન્યાય અને માણસનો પોતાનો અહંકાર (ઈગો) છે. જ્યાં સુધી આપણે સૌ અંતરાત્માથી એ વાતનો સ્વીકાર નહીં કરીએ કે આપણે બધા એક જ માતા-પિતાના સંતાન છીએ, ત્યાં સુધી સમાજમાં સાચી શાંતિ અને ન્યાય સ્થપાઈ શકે નહીં. અલ્લાહે મનુષ્યની અંદર રૂહ (આત્મા) અને ઝમીર (અંતરાત્મા) મૂક્યું છે, જેમાં માનવ સમાનતાના મૂલ્યને આત્મસાત કરવું અને તેને પોતાની આસ્થાનો અભિન્ન અંગ બનાવવો દરેક મોમીન માટે ફર્ઝ છે, જેથી કોઈ અન્ય મનુષ્યને પોતાના કરતાં નાનો કે હીન ગણતાં જ વ્યક્તિનું અંતઃકરણ તેને ખોટું કર્યાનો અહેસાસ કરાવે. કુર્આનની શિક્ષા આ સમાનતાના વિચારને વ્યક્તિની શ્રદ્ધા અને ઈમાનનો મૂળભૂત ભાગ બનાવે છે.
તેમણે કુર્આનની સૂરહ નિસાની પ્રથમ આયતનો સંદર્ભ આપતાં સમજાવ્યું હતું કે, અલ્લાહે તમામ માનવોને એક જ જીવમાંથી પેદા કર્યા, તેમાંથી તેનું જોડું બનાવ્યું અને તે બંનેમાંથી અસંખ્ય પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધા. આ આયત સાર્વત્રિક ભાઈચારો અને જેન્ડર જસ્ટિસના મૂલ્યોને સ્થાપિત કરે છે. ઇસ્લામમાં પરલોક (આખિરત) અને અલ્લાહ સમક્ષ જવાબદેહીની શ્રદ્ધા માણસને માત્ર દેખાવ ખાતર નહીં પણ વાસ્તવિક જીવનમાં સદાચારી બનાવે છે. દુનિયામાં થતા તમામ શોષણ અને અન્યાયના મૂળમાં માણસને મળેલી શક્તિ અને સત્તાનો અહંકાર રહેલો છે. પયગંબર મુહમ્મદ (સ.અ.વ)એ શીખવ્યું કે માણસે પોતાની શક્તિ, સમજ અને સત્તા અલ્લાહને સમર્પિત કરીને લોકકલ્યાણ માટે વાપરવી જોઈએ.
સૂરહ હુજુરાતની આયત ટાંકીને તેમણે વધુમાં કહ્યું કે અલ્લાહે તમામ મનુષ્યોને એક પુરુષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા પછી વિવિધ કોમો અને કબીલાઓ માત્ર પરસ્પર ઓળખ અને સંબંધોની જવાબદારીઓ નિભાવવા માટે બનાવ્યા છે, ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા માટે નહીં. અલ્લાહની નજરમાં શ્રેષ્ઠતાનો આધાર જન્મ કે જાતિ નહીં પરંતુ સદાચાર અને પરહેઝગારી (અલ્લાહનો ડર) છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર આધુનિક ડિગ્રીઓથી નૈતિકતા નથી આવતી, પરંતુ પયગંબર મુહમ્મદ (સ.અ.વ)એ સમાજમાં ત્રણ વિશેષ ગુણોવાળા લોકો તૈયાર કર્યા હતા: ‘સેલ્ફ-મોટિવેટેડ’ જેઓ નિઃસ્વાર્થપણે અડગ રહીને કામ કરે, ‘સેલ્ફ-ડિસિપ્લિન’ જેઓ બાહ્ય દબાણ વિના સાતત્યપૂર્વક નેકીના માર્ગે ચાલે, અને ‘સેલ્ફ-એકાઉન્ટેબલ’ જેઓ પોતાના કર્મો અને નિયતનું જાતે આત્મનિરીક્ષણ કરે.
ડૉ. ઇફ્તિખાર સાહેબે આગળ જણાવ્યું કે ઇસ્લામ માત્ર દર્શનશાસ્ત્ર (ફિલોસોફી) નથી પરંતુ સંપૂર્ણ જીવનશાસ્ત્ર છે. પયગંબર મુહમ્મદ (સ.અ.વ)નું જીવન “ચાલતું-ફરતું કુર્આન” હતું. તેઓ આદર્શ પિતા, શ્રેષ્ઠ પતિ, સ્નેહાળ પાડોશી અને ન્યાયપ્રિય શાસક સાબિત થયા. તેમણે સ્ત્રીઓને વારસાનો હક્ક અપાવ્યો, હઝરત બિલાલ (રદિ.) જેવા અશ્વેત સાથીને કાબાની છત પર અઝાન આપવાનું સન્માન આપી વર્ણભેદ નાબૂદ કર્યો અને અંતિમ હજમાં સ્પષ્ટ ઘોષણા કરી કે કોઈ ગોરાને કાળા પર કે કોઈ અરબીને અજમી પર કોઈ શ્રેષ્ઠતા નથી. તેમણે જૂનાગઢના સેમિનારનો પ્રસંગ ટાંકીને બાબાસાહેબ આંબેડકરના વિચારોને માત્ર પૂજામાં બાંધવાને બદલે જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. કુર્આનની સૂરહ આરાફ મુજબ પયગંબર મુહમ્મદ (સ.અ.વ) મનુષ્યો પર લાદવામાં આવેલી ખોટી રૂઢિઓ, અંધશ્રદ્ધાઓ અને સામાજિક ગુલામીની જંજીરો તોડીને તેમને સાચા અર્થમાં સ્વતંત્ર અને સન્માનિત કરવા આવ્યા હતા.
ડૉ. ઇફ્તિખાર સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, આજે જે અમેરિકા અને પશ્ચિમી દેશો ફેમિનિઝમ (સ્ત્રી અધિકાર) અને વુમન એમ્પાવરમેન્ટની મોટી-મોટી વાતો કરે છે, ત્યાં ૨૦મી સદી સુધી સ્ત્રીઓને વોટિંગનો પણ અધિકાર નહોતો. જ્યારે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ૧૪૦૦ વર્ષ પહેલાં સ્પષ્ટ આદેશ આપ્યો કે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્ત્રીઓને મિલકતમાં વારસાનો અધિકાર આપો. ઇસ્લામી વારસા વ્યવસ્થા મુજબ, જે સંબંધોને સૌથી પહેલાં વારસો મળે છે તેમાં પુરુષોના ૪ સંબંધો સામે સ્ત્રીઓના ૮ સંબંધો એવા છે જેમને વારસામાં કાયદેસર હિસ્સો મળે છે. આમ, ઇસ્લામે સદીઓ પહેલાં સ્ત્રીઓને આર્થિક સદ્ધરતા અને વારસાનો હક્ક આપીને સાચું સશક્તિકરણ પૂરું પાડ્યું છે.
આ અગાઉ, કાર્યક્રમની શરૂઆતમાં જમાઅતે ઇસ્લામી હિન્દ (અમદાવાદ પૂર્વ)ના પ્રમુખ રાશિદ હુસેને સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે વિવિધતામાં એકતા અને સદ્ભાવનાને દેશની ખરી તાકાત ગણાવી, વર્તમાન સમયમાં ગેરસમજો દૂર કરી શાંતિ-ભાઈચારો સ્થાપવાની નાગરિક ફરજ પર ભાર મૂક્યો હતો. તેમણે પવિત્ર કુર્આનને સમગ્ર માનવજાત માટે શાંતિ, ન્યાય અને સમાનતાનો માર્ગદર્શક ગ્રંથ ગણાવ્યો હતો. આ સાથે તેમણે જમાઅતે ઇસ્લામી હિન્દ દ્વારા શિક્ષણ, સામાજિક સુધારણા અને જનસેવા જેવા ક્ષેત્રોમાં ચાલતી વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓની માહિતી પણ રજૂ કરી હતી.
પ્રવચન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં શ્રોતાઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. એક શ્રોતાએ દલિત સમાજની ઐતિહાસિક વ્યથા રજૂ કરી મુસ્લિમોને અપીલ કરી હતી કે તેમને ‘હિન્દુ’ તરીકે સંબોધવા ન જોઈએ. તેના પ્રત્યુત્તરમાં ડૉ. ઇફ્તિખાર મલિક સાહેબે ખૂબ જ મહત્વપૂર્ણ વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે ઓળખના બે પાસાં હોય છે; એક નામકરણ (ટર્મિનોલોજી) અને બીજું વ્યવસ્થા. તેમણે સ્પષ્ટ કર્યું કે અમે તમને એ નામકરણથી નહીં બોલાવીએ અને તેમાંથી મુક્તિ આપી દઈશું, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે તમે જાતિવાદ અને શોષણકારી સામાજિક વ્યવસ્થામાંથી કેવી રીતે બહાર આવશો? માત્ર નામકરણ બદલવાથી મુક્તિ નથી મળતી, પરંતુ શોષણકારી વ્યવસ્થાઓ અને બંધનોમાંથી મુક્ત થઈને વિચારધારા દ્વારા સામાજિક ઉત્થાન સાધવું જરૂરી છે.
આ ઉપરાંત, એક શ્રોતાએ ‘કાફિર’ શબ્દના વાસ્તવિક અર્થ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. ઇફ્તિખાર સાહેબે સ્પષ્ટતા કરી હતી કે અરબી ભાષામાં કાફિરનો મૂળ શાબ્દિક અર્થ ‘સત્યને જાણી-સમજીને છુપાવવું’ થાય છે, જેમ ખેડૂત બીજને જમીનમાં છુપાવે છે; આ કોઈ વ્યક્તિગત કે જાતિગત અપમાનજનક સંબોધન નથી.
કાર્યક્રમના અંતે જનાબ આફતાબ આલમ સાહેબે બાબાસાહેબ આંબેડકરના “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ના વિચારને યાદ કરી, અન્યાય સામે સંગઠિત થઈ સંઘર્ષ કરવા કુર્આન અને પયગંબર મુહમ્મદ (સ.અ.વ)ના જીવનચરિત્રમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સર્વે મહેમાનો અને શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમજદ અલી અંસારી સાહેબે કર્યું હતું. આ પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિન્દ (ગુજરાત)ના સેક્રેટરી વાસિફ હુસેન શેખ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જમાઅતે ઇસ્લામી હિન્દ અને SIO ના કાર્યકરોના સમર્પણથી આયોજન અત્યંત સુચારૂ રીતે સંપન્ન થયું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ ઉપસ્થિતોએ સાથે મળીને સ્નેહભોજન લીધું હતું.
