Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસરાષ્ટ્રપતિ ભવનમાં રામરાજ

રાષ્ટ્રપતિ ભવનમાં રામરાજ

રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિના પદે ચૂંટાયા પછી ઉપરોકત શિર્ષક એક પ્રસિદ્ધ હિન્દી દૈનિકે આપ્યું છે. જેમાં રામનાથ કોવિંદના નામના પ્રથમ શબ્દને રાષ્ટ્રપતિ ભવનના સત્તા શાસન સાથે જોડવામાં આવ્યું છે. આ દ્વિઅર્થી શબ્દ ભગવાન રામના રામરાજ્ય તરફ પણ ઇશારો કરે છે. દેશના ૧૪મા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા પછી રામનાથ કોવિંદે જાહેરમાં એમ કહ્યું કે તેઓ ગરીબો અને વંચિતોના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી રહ્યા છે. પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો તેઓ આરએસએસના એક વફાદાર સ્વયંસેવક તરીકે દેશના પ્રમુખ ભવનમાં પ્રવેશી રહ્યા છે અને શાસક ભારતીય જનતા પાર્ટી તેમના દ્વારા ખૂબ ઝડપથી પોતાના અસલ એજન્ડાને આગળ વધારવાનું કામ કરશે.

રામનાથ કોવિંદ આ પહેલા બિહારના ગવર્નર હતા અને તેમને એક દલિત ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે તેઓ દેશના પ્રથમ દલિત પ્રમુખ નથી કેમ કે આ પહેલાં કે.આર. નારાયણન દેશના પ્રથમ દલિત પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું સન્માન પ્રાપ્ત કરી ચૂકયા છે. વિરોધ પક્ષોએ કોવિંદના સામે ભૂતપૂર્વ લોકસભા સ્પીકર અને વિખ્યાત દલિત નેતા જગજીવનરામની દીકરી મીરાકુમારને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમને સફળતા ન મળી. અમુક રાજ્યોમાં સેકયુલર પક્ષોએ પણ શાસક પક્ષના ઉમેદવારને વોટ આપ્યા. અમુક રાજ્યોમાં ક્રોસ વોટિંગ પણ થયું. રામનાથ કોવિંદને ર૯૩૦ વોટ મળ્યા જેનું મૂલ્ય સાત લાખથી વધુ છે. જ્યારે મીરાકુમારને ૧૮૪૪ વોટ પ્રાપ્ત થયા જેનું મૂલ્ય ૩૬૭૩૧૪ મતો બરાબર હતું. જો કે આ હરિફાઈમાં ભાજપની સંસદ અને વિધાનસભાઓમાં વર્તમાન રાજકીય શક્તિ જોતાં કોવિંદની સફળતા અગાઉથી જ માનવામાં આવતી હતી અને મીરાકુમારની હાર નિશ્ચિત દેખાતી હતી.

હવે વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિના હોદ્દા માટે મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે અને  સત્તા પક્ષે વૈંકેયા નાયડુને જેમનો સંબંધ આંધ્રપ્રદેશથી છે અને શરૃઆતથી જ સંઘના આજ્ઞાંકિત સેવક છે. તેમની તુલનામાં ગાંધીની ઉમેદવારી ફરજિયાતપણે ખૂબજ ભિન્ન અને વજનદાર છે. કેમ કે તેઓ પ્રબુધ વ્યક્તિત્વના માલિક છે. એક બૌદ્ધિક વિચારક, રાજનૈતીક અને ભાવનાપ્રધાન વ્યક્તિના સ્વરૃપે તેમની ઓળખ ખૂબજ મજબૂત છે. હવે જોવાનું રહે છે કે પ ઓગસ્ટના ઉપરાષ્ટ્રપતિના ઈલેકશનમાં સફળતા કોને મળે છે.

ર૦૧૪માં જંગી બહુમતથી કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી ભાજપનો પહેલો પ્રયત્ન રાજ્યસભામાં બહુમતી પ્રાપ્ત કરવાનો અને રાષ્ટ્રપતિ ભવનમાં પોતાનો પ્રતિનિધિ મોકલવાનો હતો. આ કામ  માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સેનાપતિ અમિત શાહે પોતાના તમામ ઘોડાઓને ખુલ્લા છોડી દીધા અને પોતાના મિશનને સફળ બનાવવા અગ્રેસર છે. આ બંનેએ એક પછી એક ઘણા રાજ્યોમાં ભાજપની સરકારો બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી અને એવા રાજ્યોમાં પણ ભાજપનો ભગવો લહેરાવી દીધો જ્યાં તેનું નામનિશાન પણ ન હતું. રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિના હોદ્દાઓ માટે શરૃઆતમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીના નામ લેવામાં આવી રહ્યા હતા પરંતુ ખરા સમયે તેમના પત્તા કપાઈ ગયા અને રામનાથ કોવિંદને વૈંકેયા નાયડુના નામ આગળ આવી ગયા. હવે જ્યારે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં દાખલ થઈ ચૂકયા છે તો જરૂરત માલૂમ પડે છે કે તે એજન્ડા ઉપર ફરીથી નજર નાંખી લેવામાં આવે જેને પૂર્ણ કરવા માટે ભાજપએ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું !

આમાં ભાજપનો પ્રથમ એજન્ડો અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિરનું નિર્માણ કરવાનો છે. અયોધ્યા વિવાદ કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, અને કોર્ટ પહેલા જ કહી ચૂકી છે કે પક્ષકારો કોર્ટની બહાર સમજૂતી કરી શકે છે. જો કે આ મામલામાં સમજૂતી થવાને કોઈ અવકાશ દેખાતો નથી. જો અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટ ભાજપની ધારણા વિરુદ્ધ કોઈ ચુકાદો સંભળાવ્યો તો સરકાર તેને ફેરવી નાંખવા માટે કોઈ બંધારણીય પગલું ભરી શકે છે. આ સંજોગોમાં તેના માટે રાષ્ટ્રપતિ ભવન સૌથી મોટો આધાર હશે. જો રામમંદિર નિર્માણના મામલામાં બંધારણીય ફેરફારની જરૂરત ઊભી થઈ તો દેશના અર્ધા રાજ્યોમાં સત્તાધીન ભાજપ સરકારો મદદગાર સાબિત થઈ શકે છે.

ભાજપ સામે બીજો મોટો પ્રશ્ન સમાન સિવિલ કોડનો છે. ભાજપ શરૃઆતથી જ મુસ્લિમ પર્સનલ લૉની સખત વિરુદ્ધમાં છે, અને તેણે આનો રાજકીય લાભ ઉઠાવવા ખાતર જ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ દરમ્યાન ત્રણ તલાકના મામલાને ખૂબ ચગાવ્યો અને તેને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવામાં મોદીભકત મીડિયા સૌથી આગળ હતું. એવું માનવામાં આવે છે કે સમાન સિવિલ કોડના સંબંધે ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કોઈ કાનૂની મુસદ્દો સંસદમાં રજૂ કરી શકાય છે. લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે જ્યારે કે રાજ્યસભામાં તેના પાસે બહુમતી માટે ૪૯ સીટો ખૂટે છે. વૈંકેયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ અને એ હોદ્દાની રૃએ રાજ્યસભાના ચેરમેન હોવાના કારણે અને ભાગીદાર પક્ષોના તરફથી સમર્થન મળ્યા પછી આ બિલ પાસ થઈ જવાની શકયતા છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ પણ કોઈ અડચણ ઊભી નહીં કરે. ત્રીજો અને મહત્ત્વનો એજન્ડો કાશ્મીરન ખાસ દરજ્જો આપનારી બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાનો છે. આ કલમના કારણે હાલ કાશ્મીર ખીણમાં ઘણા કાયદાઓ લાગુ પાડી શકાતા નથી. આરએસએસ પ્રારંભથી જ આ કલમને હટાવી દેવાની માગણી કરતું રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ ઓકટોબર ર૦૧પમાં કહ્યું હતું કે સંસદ જ કલમ ૩૭૦ને નાબૂદ કરવાની વિચાર કરી શકે છે. આના માટે બંધારણમાં ફેરફાર કરવા પડશે અને બેતૃત્યાંશ બહુમતીની જરૃર પડશે. ભાજપે અગાઉથી જ ઘોષણા કરી રાખી છે કે ર/૩ બહુમતી મળશે તો કલમ ૩૭૦ હટાવી શકાય છે. ચોથો મહત્ત્વનો એજન્ડા લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકીસાથે કરાવવા બાબતનો છે. વડાપ્રધાન મોદી ઘણા દિવસોથી આના ઉપર ભાર મૂકી રહ્યા છે. આ સાથે ચૂંટણીનો ખર્ચ રાજ્ય સરકારો તરફથી ભોગવવાની વાત પણ થઈ રહી છે જેથી ચૂંટણીઓમાં ભ્રષ્ટાચારને નાષૂદ કરી શકાય. આના બે જ રસ્તા છે, પહેલો એ કે આ મામલામાં તમામ પક્ષોમાં સંમતિ ઊભી થાય. જો આવું થયું તો બંધારણીય ફેરફાર કરવાથી બચી શકાય પરંતુ નિયમો માટે બંધારણમાં સુધારા કરવા પડશે અને તેને સંસદના બંને ગૃહોમાં ર/૩ બહુમતીથી પાસ કરાવવું પડશે અને વધુમાં વધુ રાજ્યોની સંમતિ પણ જરૂરી લેખાશે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિના રૃપે નિર્વાચનથી લોકશાહી મૂલ્યો સુરક્ષિત રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને બુનિયાદી રીતે દેશમાં ભાજપની વધતી જતી અસરો અને ફેલાવાની રીતે જોવામાં આવી રહ્યા છે. ભાજપ એ એક દલિત સ્વયંસેવકને એક એવા સમયે દેશના સૌથી સન્માનીય હોદ્દા પર બિરાજમાન કર્યા છે જ્યારે દેશમાં દરરોજ કયાંકને કયાંક દલિતો અને લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના સમાચારો આવી રહ્યા છે. એક દલિત રાજપુરુષનું રાષ્ટ્રપ્રમુખ બની જવા પછી આ સમસ્યાનો અંત આવી જવો જોઈએ મે કહેવું ખોટું છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રમુખ માત્ર એક દેખાવ પુરતો હોદ્દો છે.

દલિત પશ્ચાદભૂમિથી સંબંધ ધરાવતા દેશના પ્રથમ રાષ્ટ્રપતિએ ર૦૦રના ગુજરાત હત્યાકાંડ પર કડક વલણ ધારણ કરીને ત્યાંની સરકારને અમુક મામલાઓમાં પોતાનું વલણ બદલવા મજબૂર કરી દીધી હતી- હવે જોવાનું એ છે કે નવા દલિત રાષ્ટ્રપ્રમુખ દલિતો અને લઘુમતીઓ વિરુદ્ધ વધતા જઈ રહેલા અત્યાચારો અને હિંસાચાર બાબતે શું વલણ અપનાવે છે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments