નોટબંધીના ૪૧ દિવસ દરમ્યાન ગરીબ હોય કે અમીર, નોકરીયાત હોય કે ધંધાધારી, ગામડાના હોય કે શહેરના દરેકે હાલાકી અને તકલીફ ભોગવી છે. મોદી સરકારે નોટબંધીનો નિર્ણય ઉતાવળે, બંધબારણે અને પૂર્વ આયોજન વગર લીધો છે તે મોદી ભક્તો સહિત તમામે સ્વીકારી લીધું છે. ૧૯ ડિસેમ્બરની સાંજે સમાચાર પ્રકાશિત થયા કે હવે પાંચ હજારથી વધુ રોકડ (૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણો નોટોમાં) સ્વીકારવામાં આવશે નહીં. આનાથી વધુ રકમ જમા કરાવવાની હોય તો બેંક અધિકારીઓ સમક્ષ કારણ આપવા પડશે કે અત્યાર સુધી તેઓએ આ રકમ કયા કારણોસર જમા કરાવી નથી. અને જો બેંક અધિકારીઓને કારણ સંતોષકારક નહીં જણાય તો રકમ જમા કરાવી શકાશે નહીં! અત્યાર સુધી સરકારે આ રીતે અચાનક ઘણીવાર નિયમોમાં ફેરફારો કર્યા છે. આ અચાનકના ફેરફારો સૂચવે છે કે સરકાર પાસે કોઈ નક્કર આયોજન હતું જ નહીં. સરકારની જે ગણતરી હશે તે તમામ ઊંધી પડી ગઈ છે. બાકીના ૯ દિવસોમાં કેવા ફેરફારો અને નિર્ણયો કરવામાં આવશે તે જોવું રહ્યું. બજારમાં ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોનો કુલ જથ્થો લગભગ ૧૫.૪ લાખ કરોડ રૃપિયાનો હતો. તેની સામે ૧૩ લાખ કરોડ રૃપિયા બેંકોમાં જમા થઈ ગયા છે. તેથી સરકારને એવો ડર છે કે ૩૦ તારીખ સુધી જો નોટોનો કુલ જથ્થો બેંકોમાં ૧૫.૪ લાખ કરોડ કરતા વધી જશે તો શું થશે!
ચલણમાં ૮૬ ટકા પ્રવાહિતા ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની હતી. અચાનક આ બંને નોટો બંધ કરી દેવાના કારણે ૧૨૫ કરોડના દેશમાં સૌથી વધારે ગામડાઓને ભોગવવું પડયું છે. મોદી સરકાર સારી રીતે જાણે છે કે દેશની બહુમતી શહેરોમાં નહીં બલ્કે ગામડાઓમાં વસે છે. છતાં તેમની બિલકુલ અવગણના કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના ઠેકાણા નથી ત્યાં તો Digital Indiaના નારાઓ આપી સરકાર પોતે હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે Cashless Economy અર્થાત્ રોકડરહિત અર્થતંત્રની વાતો વડાપ્રધાન મોદી અને તેમની સરકારના લોકો છેલ્લા કેટલાક દિવસોથી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં રોકડરહિત વ્યવહારો થાય તે કેટલુ શક્ય છે, કેટલું વાજબી છે અને ખરેખર ભ્રષ્ટાચારને રોક લાગશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.
નોટબંધીના કારણે બજારમાં વ્યાપેલ રોકડની અસહ્ય તંગીને કારણે લોકોએ ચેકથી વ્યવહારો કરવાના શરૃ કર્યા. જેમની પાસે ચાલુ ખાતા ન હતા તે લોકોએ ખાતાઓ ખોલાવવાના શરૃ કર્યા. કાર્ડરીડર મશીન, પેટીએમ, ઈ વોલેટ વગેરેનો ઉપયોગ કરિયાણાવાળાઓ, રીક્ષાવાળાઓએ, ફેરીયાઓએ અને નાની દુકાનો ધરાવતા ધંધાધારીઓએ શરૃ કર્યા છે. પેટીએમના ઉપભોગતાની સંખ્યા નવેમ્બર મહિનામાં વધીને ૧૪ મિલિયનને સ્પર્શી ગઈ છે. ઓકસીજન સર્વિસિસના સીએમડી પ્રમોદ સકસેના કહે છે કે, “નોટબંધી પછી ઓકસીજન સર્વિસિસની એપ ડાઉનલોડ કરનારામાં મોટા ભાગે નાના ધંધાધારીઓનો સમાવેશ થાય છે”.
HSBC કોમર્શિયલ બેંકીગ ડિવિઝન, ઇન્ડિયાના હેડ અર્પણ નાંગીયા કહે છે કે, “કેશલેસ વ્યવહારો કરવાની પૂર્વ શરતો છે કે લોકો પાસે બેંક ખાતા હોય”. હવે દેશની ઉત્તરીય પટ્ટીમાં કે જ્યાં મોટા ભાગના લોકો ખેતી જ કરે છે ત્યાં લોકોને બેંક એકાઉન્ટ, એટીએમ, પેટીએમ વગેરે શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો ખ્યાલ જ નથી. દેશની કુલ વસ્તિના માત્ર ૧૭ ટકા લોકો પાસે સ્માર્ટ ફોન છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાતા ધારકોની સંખ્યા અને સ્માર્ટ ફોન યુઝર્સની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો નોંધાયો છે. પરંતુ આ ખાતા ધારકો અને સ્માર્ટ ફોન યુઝર્સ શહેરી વિસ્તારોમાં છે નહીં કે ગ્રામીણ વિસ્તારોમાં. એક અંદાજ મુજબ દેશના કુલ વ્યવહારોમાં માત્ર પાંચ ટકા વ્યવહારો જ બેંકિગ ચેનલના ઉપયોગ દ્વારા થાય છે. બાકીના ૯૫ ટકા વ્યવહારો રોકડમાં થાય છે.! બીજું, વેપારી વર્ગ કે જે ધંધાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેમાંથી ૯૦ ટલા લોકો પાસે કાર્ડરીડર મશીન નથી. આ દેશના કુલ મજૂરો પૈકી ૮૫ ટકા જેટલા લોકોને વેતન રોકડમાં ચુકવાય છે. આશ્ચર્યની વાત તો આ છે કે ઓનલાઈન ખરીદી કરતા લોકોમાંથી ૭૦ ટકા લોકો ‘કેશઓન ડિલિવરી’ના વિકલ્પને પસંદ કરે છે. આ માનસિકતા છે દેશના શહેરી વિસ્તારોમાં વસ્તા સુશિક્ષિત લોકોની.! આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે દેશને રોકડરહિત થતા કેટલો સમય લાગશે.
દેશને રોકડ રહિત અર્થતંત્ર બનાવવા માટે જરૂરી છે કે લોકો શિક્ષિત હોય પરંતુ દેશમાં શિક્ષણની પરિસ્થિતિને આપણે સારી રીતે જાણીએ છીએ. દેશની ચોથા ભાગની વસ્તી પ્રાથમિક શિક્ષણ સુધી પણ ભણેલ નથી. બીજું રોકડરહિત અર્થતંત્ર માટે અત્યંત જરૂરી છે કે ઇન્ટરનેટની કનેક્ટિવીટી સર્વત્ર અને સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય. હાલની પરિસ્થિતિએ જ્યારે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ચુકવણી કરનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે છતાં કેટલીક વાર લોકોના પૈસા તેમના ખાતામાંથી કપાઇ જાય છે અને બીજા છેડે રકમ જમા થતી નથી. જ્યારે યુઝર્સ વધી જશે ત્યારે આવા કિસ્સાઓની સંખ્યા વધી જવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે રોકડરહિત અર્થતંત્ર ધરાવતા આગળ વધતા દેશોની યાદીમાં સ્વિડન, સોમાલી લેંડ, કેન્યા, કેનેડા અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાં સૌથી આગળ પડતો દેશ સ્વિડન છે જ્યાં શિક્ષણનું પ્રમાણ ૯૯ ટકા છે. અને ઇન્ટરનેટ કનિક્ટિવીટીનો દર ૧૯.૭ mbps છે. સંશોધનકર્તાઓના મતે સ્વિડનમાં સંપૂર્ણ રોકડરહિત અર્થતંત્ર થતા ૨૦૩૦ સુધીનો સમય લાગશે. હવે આપણે વિચારીએ કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ૭૪ ટકા છે જ્યારે ઇન્ટરનેટ કનિક્ટીવીટીનો દર માત્ર ૨.૮ mbps છે. આપણા દેશને રોકડરહિત અર્થતંત્ર થતા કેટલો સમય લાગશે?? જ્યાં સુધી ભ્રષ્ટાચાર નાબૂદીનો પ્રશ્ન છે તો જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો છે તેમ તેમ ભ્રષ્ટાચાર કરવાની પધ્ધતિઓ પણ બદલાતી ગઇ છે. ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ એ એક ઉદાહરણ છે. પાસવર્ડ હેક થઇ જવું અને વેબસાઇટ હેક થઇ જવાના બનાવો બનતા જ હોય છે. વેબસાઇટ્સ અને યુઝર્સ એકાઉન્ટના પાસવર્ડ હેક થઇ જવાથી વ્યક્તિને કોઇ નાણાકીય નુકશાન થતું નથી પરંતુ કેશલેશ ઇકોનોમીમાં જો કોઇનું પાસવર્ડ હેક થઇ જાય તો કેવી હદ સુધી નાણાકીય નુકસાન થશે તેની કલ્પના કરી શકાય છે.
એક વાત જરૃર છે કે સરકારની આવકમાં વધારો થશે. અત્યારે કર ચુકવણી કરતા લોકોનું પ્રમાણ માત્ર ૧ ટકા છે તેનું પ્રમાણ અવશ્ય વધશે પરંતુ ભ્રષ્ટાચાર પર રોક લાગશે તે જરૂરી નથી. ભ્રષ્ટાચારને રોકવા માટે જરૂરી છે કે વ્યક્તિના અંતરાત્મામાં રહેલ ગંદકીને બહાર કાઢવામાં આવે. જ્યાં સુધી વ્યક્તિના મનમાં મેલ હશે તે ભ્રષ્ટાચારના રસ્તાઓ શોધી લેશે અને જેનું મન પવિત્ર હશે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર કરશે નહીં.
નોટબંધીના નિર્ણય પાછળ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છૂપાયેલો છે. ઓનલાઇન વ્યવહારો કરવા માટે જે કંપનીઓને સત્તા આપવામા ંઆવી છે તે કંપનીઓ ખૂબ કમાશે. રોકડરહિત અર્થતંત્રમાં સામાન્ય માનવીને કોઇ ખાસ ફાયદો થશે નહીં. ફાયદો થશે માત્ર સામ્રાજ્યવાદી તાકતોને કે જેમના હાથમાં સમગ્ર અર્થતંત્ર હશે અને તેઓ જે રીતે ઇચ્છશે તે રીતે કૌભાંડો કરશે. *
તા. ૨૦-૧૨-૧૬