Saturday, July 27, 2024
Homeમનોમથંનલોકશાહીના પાયા હચમચાવતા રાષ્ટ્રવાદના ઠેકેદારો

લોકશાહીના પાયા હચમચાવતા રાષ્ટ્રવાદના ઠેકેદારો

ઘણાં સમયથી સ્વતંત્ર ભારતની કેટલીક શૈક્ષણિક સંસ્થાનોમાં સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. FTII (ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા)માં ગજેન્દ્ર ચૌહાણને ચેરમેન બનાવવાનો મામલો ખૂબ ચગ્યો. FTIIના વિદ્યાર્થીઓએ મહીનાઓ સુધી વિરોધ કર્યો અને વિરોધ સમી પણ ગયો. સામાન્ય માણસ વિરોધ પહેલા FTIIનો નામ પણ જાણતો નહીં હોય. એચ.આર.ડી. વિભાગે ગજેન્દ્ર ચૌહાણને ચેરમેન તરીકે ચાલુ રાખી વિદ્યાર્થીઓના વિરોધને કોઈ અસર કે તરફેણ આપી નહીં. એમ તો એચ.આર.ડી. મિનિસ્ટર પોતે વિવાદિત છે. એટલે તેમનો કાર્યકાળ વિવાદિત રહેવાનો, તેમાં બે મત નથી. બીજો મામલો ગયા મહિને રોહિત વેમુલાનો બન્યો. હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં ભણતા દલિત વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તેમાં સરકારની બેજવાબદાર અને પક્ષપાતી ભૂમિકા સ્પષ્ટ દેખાય છે.

હવે મામલો બિચક્યો છે જે.એન.યુ.માં. હકીકત એવી છે કે ડાબેરીઓનો દબદબો ધરાવતા જે.એન.યુ.માં અફઝલ ગુરૃને ફાંસી આપવાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં નારેબાજી પણ કરવામાં આવી. નારેબાજીમાં પાકિસ્તાન જીન્દાબાદના નારાઓ પણ બુલંદ કરવામાં આવ્યા. જેના પગલે JNUSU પ્રમુખ કન્હૈયા કુમારની રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી.

કેસની સુનાવણી માટે પટિયાલા કોર્ટમાં પહોંચેલ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ સ્વપ્ને વિચાર્યું નહીં હોય કે તેમને કોર્ટ રૃમમાં કાળા કોટમાં સજ્જ બદમાશોના હાથે માર ખાવાનો વારો આવશે. હાં, એ જ કોર્ટ કે ન્યાયપાલિકા કે જ્યાં ‘ન્યાય’ આપવામાં આવે છે. ત્યાં જે.એન.યુ.ના વિદ્યાર્થીઓને વકીલો ઉપરાંત દિલ્હીના બી.જે.પી. એમ.એલ.એ. ઓ પી શર્માએ વિદ્યાર્થીઓને ખૂબ માર માર્યો. વિદ્યાર્થીઓની સાથે સાથે પત્રકારોની પણ બરાબર ધોલાઈ કરવામાં આવી. વિદ્યાર્થીઓ ઉપરાંત પત્રકારોને પણ દેશદ્રોહી અને ગદ્દાર જેવા શબ્દોથી નવાજવામાં આવ્યા. પત્રકારો સમક્ષ પોતાની દેશભક્તિનો પરિચય કરાવતા ઓ પી શર્મા ત્યાં સુધી કહી ગયા કે બંદુક હોત તો ગોળી પણ ધરબી દીધી હોત. રાષ્ટ્રપ્રેમ એ સ્વભાવિક અહસાસ છે. પોતાના ગામડાથી, શહેરથી, રાજ્યથી કે દેશથી પ્રેમ હોય અને હોવું પણ જોઈએ. પરંતુ અહીં દેશનો માહોલ એવો બની ગયો છે કે જે વ્યક્તિ તમારી માનસિકતા કે વિચારસરણીથી વિપરિત મંતવ્ય ધરાવતો હોય તો તે દેશદ્રોહી છે, તેનો દેશ નિકાલ કરી દેવો જોઈએ, તેને પાકિસ્તાન મોકલી દેવો જોઈએ, તેને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવી સાવ પાયા વિહોણી અને નફરત અને દ્વેષથી ખદબદતી દલીલ આપવામાં આવે છે.

વર્તમાન સરકારથી સીધી કે આડકતરી રીતે સંબંધ ધરાવતા સંગઠનો, સંસ્થાઓ અને કાર્યકરો દેશ પ્રેમ અને દેશદ્રોહનો પ્રમાણપત્ર લઈને ફરી રહ્યા છે. ગમે તે વિવાદ હોય કે ચર્ચાનો વિષય હોય તેમાં દરેક વ્યક્તિને પોતાના મંતવ્ય રજૂ કરવાનો પૂરો અધિકાર દેશના બંધારણે તેના નાગરિકોને આપ્યો છે. કાયદાને હાથમાં લેવાનો અધિકાર કોઈને પ્રાપ્ત થયો નથી. છતાં બીજેપી સરકારના આગમનથી ‘દેશપ્રેમ’ ધરાવતા તમામ તત્વો ફોર્મમાં આવી ગયા છે. કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા મારપીટની ઘટના દેશની લોકશાહી પર કાળા ડાધ સમાન છે. આવી હરકત બાદ પશ્ચાતાપ થવો જોઈએ પરંતુ કોઈ પશ્ચાતાપના શબ્દો તો સંભળાયા નહીં એ જ દ્વેષ અને નફરતથી ભરેલી વાણી સંભળાઈ રહી છે. આનાથી એક ડગલું આગળ વધીને મારપીટ કરવાના ઇરાદા સાથે નેતૃત્વ કરી રહેલા એક વકીલને સન્માનિત કરવામાં આવે છે.! શુ વાંચીને વકીલ થયા હશે મને એ જ સમજાતુ નથી? કાયદાને નહીં જાણતી વ્યક્તિ જો ગુનો કરે તો વાત સમજી શકાય છે પણ વકીલો તો કાયદો વાંચીને જ વકીલ થાય છે. તેમના દ્વારા આવી મારપીટ અને એ પણ કોર્ટ પરિસરમાં.! દેશ ક્યાં જઈ રહ્યો છે અને આવી માનસિકતા ક્યાં જઈ અટકશે તે ખ્યાલ મેળવવો અત્યંત મુશ્કેલ છે.

જે વીડિયોને આધાર બનાવીને કન્હૈયા કુમારની ધરપકડ કરવામાં આવી છે તે વીડિયો પોતે હમણાં તપાસનો વિષય છે. વીડિયોમાં દર્શાવવામાં આવતા લોકો કે જેઓ ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારાઓ લગાવી રહ્યા છે તેઓ શંકમંદો છે. એક વીડિયો સોશ્યલ્ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં ફોટોશોપ એડીટીંગ થઇ હોય તેવુ દેખાઈ રહ્યું છે અને નારાઓ પોકારનારા એબીવીપીના કાર્યકર્તાઓ હોય તેવું કથિત રીતે દેખાઈ રહ્યું છે. ઔ        સમગ્ર જે.એન.યુ. પ્રકરણમાં આરોપ પ્રત્યારોપ થઇ રહ્યા છે. પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા કોર્ટને તેનું કામ કરવા દેવાનો સમય આપવો જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તે આરોપસર પકડાય જ્યાં સુધી તેના પર લાગેલા આરોપો સાચા પુરવાર ન થઈ જાય ત્યાં સુધી તેને ગુનેગાર ગણી શકાય નહીં. પરંતુ દેશની પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે કોઈપણ સાબિતી અને પુરાવા સિવાય સીધો દેશદ્રોહનો ફતવો જારી કરી દેવામાં આવે છે અને સજા પણ ફટકારી દેવામાં આવે છે. કાયદા અને વ્યવસ્થા નામની કોઈ સંસ્થા આપણા દેશમાં કાર્યરત છે કે નહીં તે પણ વિચારવા જેવા પ્રશ્ન છે. કોર્ટ રૃમમાં પોલીસ મુકબધીર બનીને જોઈ રહી અને જાણે વકીલોને છુટો દોર આપવામાં આવ્યો હોય તે રીતે પોલીસે કંઇ પણ એકશન લીધો નહીં. કદાચ પોલીસના મનમાં પણ એ જ માનસિકતા વ્યાપી ગઇ હશે.

અફઝલની યાદમાં રેલી કાઢવી તે ક્યાં સુધી વાજબી છે અને વાણી સ્વતંત્રતાની મર્યાદા ક્યાં સુધી છે તે બીજો પ્રશ્ન છે. તેની ચર્ચાનો અહીં અવકાશ નહીં. ચર્ચા એ બાબતની છે કે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રભક્તિ કયાં સુધી વાજબી છે. કેટલાક લોકો રાજ્યોના વાડાઓમાં પ્રદેશવાદને સળગતું રાખે છે. સમાજમાં રહી જાતિવાદને પ્રોત્સાહન આપે છે. છતાં પ્રદેશવાદ અને જાતિવાદને લોકો ખોટું જ માને છે. કેમ કે બંને દેશની એકતા અને બંધુતા માટે ઘાતક હોવાથી આમ જનતાની સ્વીકૃતિ આવા વાદો સાથે જોડાયેલ નથી. તેવી જ રીતે રાષ્ટ્રવાદ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાઈચારા માટે ઘાતક છે અને તે વધુ ઘાતક અને ખતરનાક ત્યારે સાબિત થાય છે જ્યારે દેશની અંદર જ કોઈ ખાસ સમાજ અને સંપ્રદાયના લોકોને જ કોઈપણ આધાર કે બુનિયાદ વગર રાષ્ટ્ર વિરોધી ગણાવવામાં આવે. રાષ્ટ્રવાદ જ્યારે રાષ્ટ્રપ્રેમથી આગળ વધી રાષ્ટ્રભક્તિ પર આવી જાય ત્યારે રાષ્ટ્રવાદનો ચહેરો વિકૃત બને છે. એ વિકૃતિ હઠીલાપણામાં તબદીલ થાય છે અને લોકશાહીના પતનની શરૃઆત થાય છે. ભૂતકાળમાં બે વિશ્વયુદ્ધો થઇ ગયા. જેના ગર્ભમાં નકરૃં રાષ્ટ્રવાદ જ હતું.

આવા વિવાદોમાં કેન્દ્ર સરકારે નિષ્પક્ષ રહીને તપાસ કરાવવી જોઈએ અને ગુનેગારોને સજા ફટકારવી જોઈએ. પરંતુ પોણા બે વર્ષમાં કેન્દ્ર સરકારે કાર્યો ઓછા અને વિવાદો વધારે ઉભા કર્યા છે. મનમોહન સિંહને મનમૌન સિંહ કહી વારંવાર ઠેકડી ઉડાડતા વર્તમાન પ્રધાનમંત્રી મોદી હવે મૌન થઇ ગયા છે. ઔમનમોહન સિંહ તો ઓછા બોલા હતા જ. પરંતુ મોદી તો બહુ બોલનારા છે તેમને શું થયું? મૌન રાખીને પ્રધાનમંત્રી જાણે દેશદ્રોહીનું પ્રમાણપત્ર વહેંચતા લોકોને છુપો ટેકો આપી રહ્યા હોય. આશ્ચર્ય એ વાતનું છે કે આર.આર.એસ.નું ઇતિહાસ સાક્ષી છે કે સ્વાતંત્ર સંગ્રામમાં તેમનો ફાળો નહીંવત હોવા છતાં દેશભક્તિના ગુણગાન તેઓ જ અલાપ્યા કરે છે.!

દેશની ઉચ્ચ સ્તરીય શૈક્ષણિક સંસ્થાઓમાં ન્યાયિક ફેંસલાઓ કરવામાં કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ પોતાની જવાબદારી ઈમાનદારીથી અદા કરવાની હતી. પરંતુ મોટાભાગના મીડિયા સમુહો રાજકીય પક્ષોના હાથા બની તેમની માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. જટીલ અને અત્યંત મુશ્કેલ મુદ્દાઓ અને સમસ્યાઓને કેટલાક પ્રશ્નોમાં રૃપાંતર કરીને હાં કે ના માં ઉત્તર હાંસલ કરી મીડિયા સમાચારોની હત્યા કરી રહી છે. મીડિયાએ પત્રકારત્વની ગરીમાને જાળવવું હોય તો દેશની તમામ સમસ્યાઓ પછી ભલે તે આર્થિક હોય, સામાજીક હોય, શૈક્ષણિક હોય કે રાજકીય હોય તેનું પૃથ્થકરણ ખૂબજ નિષ્ઠા અને ઈમાનદારીથી થવું જોઈએ. ત્યારે જ તેમની વિશ્વસનિયતા જળવાશે.

આખું જે.એન.યુ. કેમ્પસ અંધાધુંધીનો શિકાર છે. વિદ્યાર્થીઓ ભયભીત છે. આવા સમયે મીડિયા અને સરકારની ભૂમિકા ખૂબ મહત્ત્વની બની જાય છે. જોવાનું રહ્યું કે ન્યાયની સ્થાપના માટે કોણ કેવી ભૂમિકા ભજવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments