Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસવાણી અને વર્તનમાં એકરુપતા

વાણી અને વર્તનમાં એકરુપતા

હઝરત સઈદ બિન આમીર  રદી. હમાસના ગવર્નર હતા.  એકવાર હમસવાળાઓએ ખલીફા હઝરત ઉમર રદી.થી તેમના સંબંધે ફરિયાદ કરી અને તેમના ચાર કાર્યોનો ઉલ્લેખ કરીને તે બાબતે પોતાની નાપસંદને રજૂ કરી. હઝરત ઉમર રદી. કહે છે કે ફરિયાદ સાંભળ્યા પછી મેં હમસવાળા અને સઈદબિન આમીર રદી. બંનેથી વાતચીત કરી અને અલ્લાહથી દુઆ કરી કે સઈદ બિન આમીર રદી. સંબંધે મારો જે મત છે તે ન બદલાય, તેમના સંબંધે હમસવાળાઓની ફરિયાદ ખોટી સાબિત થાય, કેમકે હું તેમના ઉપર ખૂબ જ ભરોસો કરતો હતો. મેં તે લોકોથી પૂછ્યું કે તમને લોકોને પોતાના ગવર્નરથી શુ ફરિયાદ છે? તેમણે કહ્યું, “તેઓ ઘરમાંથી ત્યારે બહાર નીકળે છે જ્યારે દિવસ ખૂબ ચડી ગયો હોય છે.” મેં સઈદથી પૂછ્યું કે, તમે આ સંબંધે બચાવમાં શું કહેવા માંગો છો? સઈદ બિન આમીર રદી. થોડીક વાર રોકાયા અને પછી કહ્યું, “ખુદાની કસમ હું આ વાત કહેવા નહોતો માંગતોે, પરંતુ હવે કહેવું જરૂરી બની ગયું છે, એટલા માટે કહું છું, વાત એમ છે કે મારા ઘરમાં કોઈ સેવક કે નોકર નથી. એટલા માટે હું વહેલી સવારે ઉઠીને લોટ મસળુ છું પછી તેને થોડીવાર રહેવા દઉં છું જેથી તે સુંવાળો બની જાય. તે પછી હું મારા ઘરવાળા માટે રોટલી બનાવું છું. રોટલી પકાવીને નવરો થાઉં છું તે પછી વુઝુ કરીને ઘરની બહાર નીકળું છું.”

હઝરત ઉમર રદી. હમસવાળાઓથી પૂછ્યું, “તેમને બીજી શું ફરિયાદ છે?” તેમણે કહ્યું, “તેઓ રાતના સમયે ઘર ઉપર ટકોરા મારીએ તો જવાબ આપતા નથી.” હઝરત સઈદ રદી.થી હઝરત ઉમર રદી.એ પુછ્યું, “આ સંબંધે તમારે શું કહેવું છે?” હઝરત સઈદ બિન આમીર રદી.એ કહ્યું, “આ વાત પણ હું જાહેર કરવા માંગતો ન હતો પરંતુ હવે વિવશ થઈને કહેવી પડે છે, તે એ છે કે હકીકતમાં મેંે પોતાના દિવસને લોકો માટે ફાળવ્યો છે અને પોતાની રાતને અલ્લાહ માટે ખાસ ફાળવી દીધી છે. એટલે કે હું રાત્રે માત્ર અલ્લાહની ઈબાદત જ કરું છું.”

હઝરત ઉમર રદી.એ કહ્યું, “તમને લોકોને તેમનાથી હજુ શું ફરિયાદ છે?” તે લોકોએ કહ્યું, “તેઓ મહીનામાં એક દિવસ ઘરમાંથી બહાર નીકળતા નથી.” હઝરત ઉમર રદી.એ પૂછ્યું, “હે સઈદ! આ શું બાબત છે?” તેમણે કહ્યું, “હે મુસલમાનોના સરદાર! મારા પાસે કોઈ સેવક નથી અને મેં જે કપડાં પહેર્યા છે તે સિવાય મારા પાસે બીજી જોડ કપડાં નથી. એટલા માટે હું તેને ધોવા અને સુકવવા માટે ઘરમાં જ રહું છું. પછી જ્યારે કપડાં સુકાઈ જાય છે તો તે પહેરીને સાંજના સમયે ઘરમાંથી બહાર નીકળું છું.”

હઝરત ઉમર રદી.એ હમસવાળાથી પૂછ્યું કે શું તમને હજુ પણ કોઈ ફરિયાદ તેમનાથી છે? તેમણે કહ્યું, “તેમના ઉપર ક્યારેક ક્યારેક બેહોશી છવાઈ જાય છે અને તેમને સભા અને મજલિસનું પણ ધ્યાન રહેતું નથી.” હઝરત ઉમર રદી.એ તેમનાથી પૂછ્યું, “આ વાતનો તમારા પાસે શું જવાબ છે.” હઝરત સઈદ બિન આમીર રદી.એ કહ્યું, “મેંે જ્યારે ઇસ્લામ નહોતો સ્વીકાર્યો ત્યારે મેં મક્કામાં ખૂબેબ બિન અદી રદી.ને કતલ થતાં જોયા હતા. મેંે જોયું કે મક્કાના કુરૈશના લોકો તેમના શરીરના ટુકડા કરતા જતા હતા અને તેમનાથી પૂછતા જતા હતા કે, શું તમે એ પસંદ કરશો કે તમારી જગ્યાએ અત્યારે મુહમ્મદ સ.અ.વ. હોય … અને ખુબેબ તેમને કહેતા હતા કે, ખુદાની કસમ હું તો એ પણ પસંદ ન કરું કે હું મારા ઘરમાં સહી સલામત બેઠો હોઉં અને મુહમ્મદ સ.અ.વ.ના પગમાં કોઈ કાંટો પણ વાગી જાય.” “હે મુસલમાનોના સરદાર! ખુદાની કસમ હું જ્યારે પણ તે દિવસને યાદ કરું છું તો વિચારું છું કે મેં ત્યારે ખૂબેબ રદી.ની મદદ કેમ ન કરી? મને એવું લાગ્યા કરે છે કે અલ્લાહ મને માફ નહીં કરે અને આ વિચાર આવતા જ મારા ઉપર બેહોશી છવાવવા લાગે છે.”

આ સાંભળીને હઝરત ઉમર ફારૃક રદી.એ કહ્યું, “અલ્લાહનો આભાર કે સઈદ બિન આમીર રદી. સંબંધે મારો મત નથી બદલાયો.”

જે લોકોને પ્રજાની વિવિધ બાબતો અને મામલાઓના જવાબદાર બનાવવામાં આવે છે ત્યારે લોકો તેમના વિરોધી બની જાય છે. અહીં સુધી કે હઝરત સઈદ બિન આમીર રદી. જેવા વ્યક્તિઓને પણ નથી છોડતા અને તેમની દરેક નાની મોટી વાત ઉપર નજર રાખે છે. એટલા માટે તેવા જવાબદાર લોકો માટે એ જરૂરી છે કે તેઓ પોતાના વાણી-વર્તનમાં કોઈ વિરોધાભાસ ઉત્પન્ન ન થવા દે.  *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments