Saturday, July 27, 2024
Homeપયગામવાસ્તવમાં દારૃ દૂષણોની માતા છે

વાસ્તવમાં દારૃ દૂષણોની માતા છે

એક વ્યક્તિ રસ્તા પર ચાલતા ચાલતા પડી ગયો. જોતજોતામાં તેની આસપાસ લોકોની ભીડ જામી ગઈ. વાહનોની અવરજવર ચાલતી હતી. કેટલાક વટેમાગૃ દર્શકોની જેમ એક ક્ષણ ઉભા રહી નિકળી જતા તો કેટલાક ઘટના વિશે પુછી આગળ નીકળી જતા જાણે તેમના સામાન્ય જ્ઞાાનમાં કોઈ વૃદ્ધિ થઈ હોય. કેટલાક મલકાતા મોઢે ભીડમાંથી નિકળી એમ ચાલતી પકડતા જાણે કશું બન્યુ ન હોય પરંતુ એક સજ્જન વ્યક્તિએ કોલ કરીને એમ્બ્યુલેન્સને બોલાવી. તેણે માથામાં વાગ્યુ હતુ અને ઘણું રકત વહી ગયુ હતું. તાત્કાલિક ધોરણે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો. ભાનમાં આવતા જ સામે ઉભેલી પત્નિને જોઈ પ્રશ્ન કર્યો હું ક્યાં છું? પત્નિએ અશ્રુભીની આંખો સાથે મજબૂરી અને ક્રોધના મિશ્ર ભાવે કહ્યું તમારા કર્મોની પથારી પર પડયા છો. ત્યાં જ તેની એકની એક પુષ્પ જેવી નાની દીકરી રડતી-રડતી તેના પાપાના બેડ પાસે આવી અને કહ્યું, ‘પાપા તમે અમને એકલા મૂકીને તો નહીં જાવને, પાપા મને કોણ ભણાવશે, તમે નહીં હોવ તો મારા માટે રમકડા કોણ લાવશે.’

વાતાવરણ ગમગીન અને ભાવુક બની રહ્યું હતું. પથારીવશ પપ્પાએ હિંમત કરી અને પોતાની દીકરીના મોઢે હાથ ફેરવતા કહ્યું, મારી પ્રિય ઢિંગલી કેમ રડે છે, ચિંતા ન કર હું સાજો થઈ જઈશ. નાનકડી છોકરીએ નિર્દોષ ભાવ સાથે પુછયું કેવી રીતે પપ્પા તમે દારૃ તો છોડતા નથી. અવાર-નવાર લોકો તમને ઘરે મુકી જાય છે અને આ વખતે તો તમારે અહીં દાખલ થવુ પડયું. પોતાની દીકરીના શબ્દો સાંભળી તે વિચાર મગ્ન થઈ ગયો અને તેની આંખો અવાક થઈ ગઈ.

આવા ઘણા બનાવો આપણા આસપાસ બનતા રહે છે. કેટલાક ઘરો વેરાન થયા છે. ન જાણે કેટલી સ્ત્રીઓ વિધવા અને બાળકો અનાથ થતા હશે. દારૃના નુકસાનો પોતાની નરી આંખે જોવા છતાં ઘણા લોકો પોતાની કુટેવ બદલવા તૈયાર નથી. ઐસી લગી હૈ હોઠો સે કે છૂટતી હી નહીં. દારૃ એક સામાજિક દુષણ છે. તેને નાબૂદ કરવા સિવાય સમાજનો ઉદ્ધાર થવો અશક્ય છે. અશિક્ષિત અને દરિદ્ર લોકોમાં જ નહીં ઉચ્ચધારા ધોરણ ધરાવતા લોકો પણ આ લતના બંધાણી છે. ઘણા ભણેલા ગણેલા લોકો તો તેનો બચાવ પણ કરે છે અને સુફીયાણી સલાહ આપે છે કે તેના સીમિત પ્રયોગથી સ્વાસ્થ્ય સારૃ રહે છે. કહેવાતી સીવિલ અને ક્રીમી સોસાયટીમાં પણ ઘણા લોકો દારૃના ‘પ્રેમ’ બંધનમાં છે. અરે હદ તો આ છે કે આર્મી માટે સરકારી સ્તરે વ્યવસ્થા કરવામાં આવે છે.

આપણા દેશનું ગોવા દારૃનું હબ છે. ત્યાં દુનિયાભરના દારૃ મળી રહે છે બલ્કે દારૃનું પ્રદર્શન યોજાય છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં દારૃ ખુલ્લેઆમ વેચાય છે. પીવાય છે અને છડેચોક તેની ભટ્ટીઓ ચાલે છે. ઘણા રાજ્યોમાં સરકારી વ્યવસ્થાતંત્રની સાંઠગાઠ સાથે દારૃની ફેકટરીઓ ચાલે છે. માલ્યા જેવા દારૃના મોટા-મોટા વેપારીઓને બેંકોથી લોન આપવામાં આવે છે. એવા પણ કેટલાક રાજ્યો છે જ્યાં દારૃ પીવું ગુનો છે છતાં દારૃ સરળતાથી મળી રહે છે. હોટલોમાં સરકાર પોતે પરમીટ આપે છે.

હવે તો શાળા કોલેજમાં પણ આ દુષણ વધી રહ્યું છે. લગ્ન સમારંભ હોય કે પાર્ટી કલ્ચર દારૃ વગર કોઈ પર્વ શક્ય નથી. સભ્ય અને અસભ્ય કહેવાતી સોસાયટીઓ હોય કે વિકસિત અલ્પવિકસિત કે વિકાસશીલ દેશો હોય દારૃની બાબતમાં બધા સરખા લાગે છે. (અમુક મુસ્લિમ દેશો જ અપવાદરૃપ હોઈ શકે) દારૃના બંધાણી કોઈ વ્યક્તિને તેના છોડવા બાબત સમજાવીએ તો અદાકાર રાજકુમારનું ગીત સંભળાવે છે, ‘પી લેને દે નાજુક હોઠો કો કુછ ઔર નહીં હૈ, જામ હૈ યે, કુદરત ને જો બકસા હૈ ક્યા ખૂબ હસીં ઇનામ હૈ યે’ મારા એક બિનમુસ્લિમ મિત્રને એક વાર જમવા બોલાવ્યો. બિરયાનીનો સ્વાદ મળતા ગમ્મત કરતા બોલ્યો આની સાથે કઈ ‘પીવાનું’ નહીં મળે?, મે કહ્યું સ્વચ્છ પાણી છે ને, મને એની કુટેવની જાણ હતી મેં ગંભીરતાપૂર્વક કહ્યું તમે દારૃ પીવાનું કેમ છોડતા નથી, તમારા સ્વાસ્થ્ય તમારા કુટુંબ તમારા ભવિષ્ય વિશે તો કંઈક વિચારો? તેણે ખુલાસો આપતા કહ્યું હું તેનો બંધાણી નથી ક્યારેય ક્યારેય પાર્ટી યોજુ છું. આનંદ લેવા, જીવનની મજા માણવા, દુઃખ અને તણાવ નાબૂદ કરવા.

દારૃ દવા નથી પોતે એક બીમારી છે. આ મુર્ખતા અને નાદાની છે કે કોઈ વિષને અમૃત સમજે. દારૃથી વ્યક્તિ દુખને ભૂલતો નથી બલ્કે જીવનને ભૂલે છે. વ્યક્તિ પોતે જ બેખબર હોય તો આનંદ કેવી રીતે માણી શકે. આનંદ અને ખુશી એક હાર્દિક અને માનસિક ભાવ છે અને તેના માટે મન-મસ્તિષ્કનું સ્વસ્થ્ય હોવું જરૂરી છે. કદાચ તેના લાભ પણ હોઈ શકે પરંતુ લાંબા ગાળે તેના નુકસાન વધારે છે. દારૃડિયો જે રસ્તા પર ચાલી રહ્યો છે તેમાં આગળ ડાયવર્જન છે જ. તે ધીમે-ધીમે મોત ભણી આગળ વધી રહ્યો છે. એમ તો મૃત્યુનો સમય નિશ્ચિત છે પરંતુ અકાળ મૃત્યુ કેમ વ્હોરી લેવું.  ભાગ્યમાં શું લખ્યું છે એ કોઈ વ્યક્તિને ખબર નથી. પરંતુ પોતાના હાથે પોતાના ભવિષ્યની સાથે સોદો કરી શકાય નહીં. દારૃ પીનાર વ્યક્તિ ભલે તેના લાભ જોતુ હોય પરંતુ તેની સ્થિતિ એ મુર્ખ વ્યક્તિ જેવી છે જે તે જ ડાળને કાપી રહ્યો હોય છે જેની ઉપર બેસેલો હોય છે.

લઠ્ઠાકાંડ જેવા બનાવો અવાર-નવાર બનતા રહે છે. સેંકડો લોકો મોતના ભરડામાં જતા રહે છે. છતાં સરકાર તેના પર પ્રતિબંધ બાબતે ગંભીર દેખાતી નથી. કેમ? કેમકે સરકારને મોટી આવક તેના એકસાઈઝથી મળતી હોય છે અને બે નંબરમાં જે ખિસ્સા ભરાતા હોય છે એ જુદા. જો આ ફેકટરીઓ અને ભટ્ટીઓ બંધ થઈ જશે તો તેમનો પોતાનો વિકાસ રૃંધાઈ જશે. લોકજીવનથી રમવાની આ નીતિઓ બંધ થઈ જવી જોઈએ. દારૃના પ્રતિબંધથી થતા નુકસાન દેખાય છે પરંતુ તેના લાભ નથી દેખાતા. આતંકવાદ અને નકસલવાદથી એટલા લોકો મૃત્યુ નથી પામ્યા જેટલા રોડ એકસીડેન્ટમાં પામ્યા છે. રોડ એકસીડેન્ટનું મહત્તમ કારણ દારૃ છે. વ્યભિચાર અને બળાત્કારની ઘટનાઓ જોઈ લો મોટા ભાગે ગુનાગારો દારૃના બંધાણી હોય છે. ઘરેલુ હિંસાની ઘટનાઓ પર નજર કરો મોટા ભાગે સ્ત્રીઓના પતિઓ દારૃના બંધાણી હોય છે. ઘણા મોટા રોગોનું કારણ પણ દારૃ છે. દરિદ્રતા અને ગરીબીનું એક કારણ દારૃ છે. બલ્કે બાળકોના ડ્રોપ આઉટ અને કેટલાક કિસ્સામાં લડાઈ ઝઘડાનું કારણ પણ બને છે. કુઆર્ન કહે છે,

“શેતાન તો એવું ઇચ્છે છે કે દારૃ અને જુગાર દ્વારા તમારામાં વૈમનસ્ય અને દ્વેષ નાખી દે અને તમને અલ્લાહના સ્મરણથી અને નમાઝથી રોકે. પછી શું તમે આ વસ્તુઓથી રોકાઈ જશો ?” (સૂરઃ માઇદહ-૯૧)

ગુજરાતની વાત કરીએ એવા વિસ્તાર મળી જશે જ્યાં પાણી સરળતાથી ન મળતુ હોય પરંતુ દારૃ સરળતાથી મળી રહે છે. હોટલમાં પરવાનગી સરકાર આપે છે. વિવિધ વિસ્તારોમાં દારૃના અડ્ડા પોલીસની નિગરાનીમાં જ ચાલતા હોય છે. દારૃના ધંધા સાથે જોડાયેલા ક્રિમિનિલસના સામાન્ય પોલીસ વાળાથી લઈને ઉચ્ચ અધિકારી સુધી ‘સારા સંબંધ હોય છે. નબીરાઓની પાર્ટીઓમાં રેડ પડે છે એ માત્ર દેખાવ પૂર્તિ. સેટિંગ સાથે બધું કરી શકાય અને સેટિંગના હોય તો રેડ પાડી સેટિંગ કરી લેવાય. કોઈ વ્યક્તિ તંત્રને કોઈ સ્થાને દારૃ વિશેની કમ્પ્લેઇન કરે તો ‘ભાઈ’ લોકો સુધી તેનું નામ પહોંચી જાય છે અને આવા અનિષ્ટ તત્ત્વો તેની ‘સારી’ ખબર લેતા હોય છે. નીતિશે બિહારમાં દારૃબંધીનું પ્રશંસનીય પગલુ લીધું છે અને તેના માટે ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યા છે તેમણે માત્ર પ્રતિબંધની ઘોષણા નથી કરી બલ્કે તેના માટે યોગ્ય નીતિઓ પણ બનાવી છે. લોકોનું વિશેષરૃપે મહિલાઓને તેને સારો આવકાર મળ્યો છે. અને કેમ ન મળે… દારૃના પૈસા બચાવાય તો એ પૈસાથી જીવન સ્તર ઉંચે આવે બાળકોનું શિક્ષણ સુધરે, સ્વાસ્થ્ય સારૃં બને. રોજ રોજની ઘર કંકાસથી છુટકારો મળે. મારઝુડ બંધ થાય વગેરે વગેરે. આપણા ગુજરાતમાં દારૃના નુકસાનો અને પછાતપણાથી પ્રેરણા લઈ અલ્પેસ ઠાકોરે દારૃબંધીનું આંદોલન શરૃ કર્યું છે. પ્રશંસનીય વાત આ છે કે તેના આંદોલનને જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતે સપોર્ટ જાહેર કર્યો છે. આ બદી નાબૂદ થાય તો સમાજનો સારો એવો વિકાસ થઈ શકે છે.

સંપૂર્ણ દારૃબંધી માટે વિવિધ સ્તરે વ્યવસ્થિત અને આયોજન બદ્ધ રીતે કાર્ય કરવાની જરૃર છે. માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી પરંતુ ધાર્મિક અને સામાજિક સ્તરે પણ આંદોલન કરવાની જરૃર છે. વીસમી સદીના બીજા દસકામાં અમેરિકામાં દારૃબંધી કરવામાં આવી તેના માટે સતત સઘળ પ્રયત્નો કરવામાં આવ્યા. નીતિઓ બનાવવામાં આવી. જાગૃતિ લાવવામાં આવી. પોલીસને સતર્ક કરવામાં આવી. બોર્ડર એરિયામાં  નજર રાખવામાં આવી. જાહેરાતો અને સજાઓ ફરમાવવામાં આવી પરંતુ લોકોએ તેનો વિરોધ કર્યો અને આખરે ચોથા દસકાની શરૃઆતમાં લોકમાંગણી સામે ઘૂંટણીએ પડી દારૃબંધી ઉઠાવી લેવાઇ. કહેવાનો અર્થ આ છે કે કાયદો-વ્યવસ્થા, નીતિ-રીતિ ઘડવાની સાથે લોકજાગૃતિ લાવવાની જરૃર છે. જ્યાં સુધી લોકો સ્વેચ્છાએ તેને છોડવા તૈયાર નહીં થાય ત્યાં સુધી સફળતા મળવી શક્ય નથી. અને આ કાર્ય સરકાર કરતા ધાર્મિક ગુરૃઓ તથા સામાજિક આગેવાનો સારી રીતે કરી શકે છે. સો ટકા આ ધ્યેયને પ્રાપ્ત કરવા ફાઈવ સ્ટાર હોટલોમાં પણ દારૃની પરમીટ રદ કરવી જોઈએ. જે લોકો દારૃ બનાવતા, વેચતા, હેરાફેરી કરતા કે પીતા પકડાય તેમને યોગ્ય સજા કરવી જોઈએ. તેમના માટે કાઉન્સીલીંગ સેન્ટરોની વ્યવસ્થા અને લાંબા સમય સુધી દારૃ નિવારણ કેન્દ્રમાં આ કુટેવ છોડાવવા પ્રયત્ન કરવા જોઈએ.

દારૃબંધીની વાત નિકળી તો એક નજર ઇતિહાસ તરફ પણ કરવી રહી. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ જે સમાજની રચના કરી હતી તેમાં આ દુષણને નાથવા કઈ રીતે સફળતા મળી. ઇસ્લામે કાયદા તો પાછળથી બનાવ્યા સૌથી પહેલાં લોક જાગૃતિ પેદા કરવામાં આવી. તેમની અંદર ઇશ્વરની આજ્ઞાાંકિતા તથા તેમની સામે ઉત્તરદાયિત્વની ભાવના પેદા કરવામાં આવી. જેના અંતે આ અશક્ય લાગતુ કાર્ય શક્ય બની રહ્યું. ઇસ્લામે ક્રમશ જે આદેશો આપ્યા તે નીચે મુજબ છેઃ

“પૂછે છે ઃ દારૃ અને જુગારનો શું આદેશ છે ? કહો ઃ આ બંને વસ્તુઓમાં મોટી ખરાબી છે. જો કે આમાં લોકો માટે થોડાંક ફાયદા પણ છે, પરંતુ તેમનો ગુનો તેમના ફાયદા કરતાં ઘણો વધારે છે…” (સૂરઃબકરહ-૨૧૯)

બીજા આદેશ આવ્યો, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જ્યારે તમે નશાની હાલતમાં હોવ તો નમાઝના નજીક પણ ન જાઓ. નમાઝ તે વખતે પઢવી જોઈએ જ્યારે તમે જાણતા હોવ કે શું કહી રહ્યા છો …” (સૂરઃનિસા-૪૩)

ત્રીજા ચરણમાં દારૃ સંપૂર્ણપણે હરામ ઠેરવવામાં આવ્યું, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! આ દારૃ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો. આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે.” (સૂરઃમાઇદહ-૯૦)

દારૃ હરામ કરી દેવામાં આવ્યું છે… સાંભળતા જ તેમના અનુયાયીઓએ દારૃને નાળીઓમાં વહાવી દીધી. ઘરના માટલાઓ ફોડી નાખ્યા. ભેટમાં આપવાની પણ મના ફરમાવી. એક વ્યક્તિએ પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.થી પ્રશ્ન કર્યો કે દવા તરીકે ઉપયોગ કરી શકાય? આપે ફરમાવ્યું, તે દવા નથી બિમારી છે. એક બીજી વ્યક્તિએ અરજ કરી હે અલ્લાહના રસૂલ સ.અ.વ. અમે એવા વિસ્તારમાં રહીએ છીએ જે ખૂબ જ ઠંડો છે. અમારે મહેનત પણ વધારે કરવી પડે છે શરાબથી જ અમે થાક અને ઠંડીનો સામનો કરીએ છીએ. આપે પુછયું તમે લોકો જે પીઓ છો તે નશો કરે છે? તેમણે કહ્યું હા. તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું તેનાથી પરહેજ કરો. પરંતુ અમારા વિસ્તારના લોકો નહીં માને. આપે ફરમાવ્યું તો તેમનાથી લડો. આપ સ.અ.વ.એ ફરમાવ્યું અલ્લાહે લાનત (નિંદા) કરી છે દારૃ પર, તેને પીનારા પર, પાનારા પર, વેચનારા પર, ખરીદનારા પર, બનાવનાર અને બનાવડાવનારા પર, લઈ જનાર પર અને જેના માટે લઈ જવાય તેની ઉપર. બલ્કે શરૃઆતમાં આપે એ વાસણોનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી હતી જેમાં દારૃ બનાવવામાં આવ્યું હોય કે પીવામાં આવ્યું હોય.

જે વ્યક્તિ આ ગુનો કરતો તેના માટે વિશેષ કોઈ સજા નિયુક્ત કરવામાં આવી ન હતી તેને ઢોર માર મારવામાં કે ખજૂરના સાંટા મારવામાં આવતાઃ અબૂબક્ર રદી. અને ઉમર રદી.ના જમાનામાં ૪૦ કોરડા મારવાની સજા હતી. પાછળથી તે ૮૦ કોરડા કરવામાં આવી. આમ કાયદા-કાનૂનની સાથે જે વસ્તુએ સફળતા અપાવી કે લોકો ઘોષણા સાંભળતાં જ તેનાથી દૂર થઈ ગયા તેના મૂળમાં આખિરતની વિચારધારા અને અલ્લાહ તથા તેના રસૂલનું આજ્ઞાાપાલન હતું.

અને દુનિયામાં તમે સંયમ રાખો અને દારૃથી દૂર રહો તો અલ્લાહ તેનાથી સારી શરાબ સ્વર્ગમાં ઇનામરૃપે આપશે. કુઆર્નમાં તે બાબતે ઉલ્લેખ છે, “ચળકતી-ઉજ્જવળ શરાબ ! જે પીનારાઓ માટે સ્વાદિષ્ટ હશે.” (સૂરઃ સાફ્ફાત-૪૬)

“અલ્લાહ અને તેના રસૂલની વાત માનો અને અટકી જાઓ, પરંતુ જો તમે આદેશનો અનાદર કર્યો તો જાણી લો કે અમારા પયગંબર પર માત્ર સ્પષ્ટપણે આદેશ પહોંચાડી દેવાની જવાબદારી હતી.” (સૂરઃ માઇદહ-૯૩) અને, “તે લોકો જેવા ન થઈ જાઓ જેઓ અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે તેમને તેમના પોતાના અસ્તિત્વને ભુલાવી દીધું. આ જ લોકો અવજ્ઞાાકારી છે.” (સૂરઃ હશ્ર-૧૮)

દારૃ શું છે… એક દુર્ગંધ મારતું પીણું છે. જે વ્યક્તિના ગળાને ચીરી નાંખે છે. પેટમાં જઈ તેને ખરાબ કરે છે. બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. લિવરને પ્રભાવિત કરે છે. સ્વાસ્થ્ય બગાડે છે. નશામાં તે શું બોલે છે તેનું ભાન રહેતું નથી. તે વ્યક્તિના સ્થાનથી પડી જઈ પ્રાણીથી વધુ ખરાબ થઈ જાય છે. ચાલો, પોતાના ચારિત્ર્યને આ બદીથી પવિત્ર કરીએ. વાસ્તવમાં દારૃ દૂષણોનું મૂળ છે. *

sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments