અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
દરેકને માટે એક દિશા છે જેના તરફ તે મુખ કરે છે, પછી તમે સદ્કાર્યો તરફ આગળ વધો. તમે ગમે ત્યાં હશો અલ્લાહ તમને સૌને શોધી કાઢશે. કોઈ વસ્તુ તેની શક્તિ બહાર નથી. (સૂરઃ બકરહ-૨:૧૪૮)
સમજૂતી :
દુનિયામાં જુદા જુદા લોકોના જુદા જુદા હેતુ હોય છે. કોઈ વધુને વધુ સંપત્તિ હાંસલ કરવાના હેતુને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. કોઈ વધુને વધુ તાકાત મેળવવા માટે લાગેલા છે. કોઈ ધન કરતાં પ્રતિષ્ઠાને હાંસલ કરવામાં લાગેલા છે. હેતુને પ્રાપ્ત કરવા અને વિકાસ કરવા માટે સ્પર્ધા કરવી અયોગ્ય પણ છે અને યોગ્ય પણ. અયોગ્ય ત્યારે છે જ્યારે ખરાબ કામોમાં આવું કરવામાં આવે અને યોગ્ય ત્યારે છે જ્યારે સારા કામોમાં આવું કરવામાં આવે. વિકાસ કરવા માટે જરૂરી છે : સ્પર્ધા કરવી અને એક-બીજાથી આગળ વધવું. એક-બીજાથી આગળ વધવાના પ્રયત્નો કરવામાં જો દુષ્ટતા હોય તો સમાજને નુકશાન પહોંચે છે. પરંતુ જો સારા કામોમાં હોય તો સમાજ માટે લાભદાયી સાબિત થાય છે. વિકાસ બે જાતના હોય છે : સારા અને ખરાબ. સારો વિકાસ એ છે કે સારા હેતુને પ્રાપ્ત કરવા માટે સુંદર રીતનો ઉપયોગ કરવામાં આવે. ખરાબ વિકાસ એ છે કે ખરાબ ધ્યેયને હાંસલ કરવા માટે ખરાબ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે. હકીકતમાં આ વિકાસ નથી હોતો બલ્કે પતન હોય છે. ચોરનો વિકાસ, ડાકુનો વિકાસ, દાણચોરનો વિકાસ અને હત્યારાનો વિકાસ માનવામાં જ નહીં આવે.