Wednesday, April 17, 2024
Homeઓપન સ્પેસવેકેશનમાં કરવા જેવા કાર્ય

વેકેશનમાં કરવા જેવા કાર્ય

સામાન્ય રીતે વેકેશનનો વિદ્યાર્થીઓ સગા સંબધીઓના ઘરે કે પોતાના જ ઘરે વિતાવી દેતા હોય છે. અહીં કેટલાક એવા કાર્યો તરફ નિર્દેશ કરવામાં આવ્યો છ કે જેથી વેકેશનનો સદ્ઉપયોગ થઇ શકે.

રઘુવીર ચૌધરીએ લખ્યું હતું કે માણસે ત્રણ બાબતો ક્યારેય ન ભૂલવી જોઈએ. ધર્મ, ઇતિહાસ અને પ્રવાસ. એમ તો દીવાળી વેકેશન લગભગ ૨૧-૨૨ દિવસનું હોય છે. એ કોઈ વધારે લાંબુ નથી પરંતુ એમાં સમયનો સદુપયોગ કરવામાં આવે તો જીવનના ઘણા મહત્ત્વના પાઠ શીખી શકાય એમ છે.

ઉપર જણાવ્યું તેમ ત્રણે બાબતો ખુબ મહત્તવની છે. આપણા જીવનનો હેતુ શું છે? આપણે શા માટે ધરતી ઉપર મોકલવામાં આવ્યા? જીવન માત્ર શું મોજમજામાં જ વ્યતિત કરવાનું નામ છે? જે બાબતોથી જે દુષ્કૃત્યો કે શેતાની કામોથી રોકવામાં આવ્યા છે એની તરફ મન કેમ વધારે ખેંચાય છે? વોટ્સ એપ ઉપર ધર્મની સારી સારી વાતો ફોરવર્ડ કરી દેવાથી જ પુણ્ય મળશે? ના, અસલ પુણ્ય તો એની ઉપર આચરણ કરવાથી મળશે. તો એના માટે કેટલી તૈયારી કરી? આ કેટલાક એવા સવાલો છે જેને જાણવા જરૂરી છે. ઇસ્લામ ધર્મમાં દીન (ધર્મ) અને દુન્યાવી એમ બંને શિક્ષણ હાંસલ કરવુંુ દરેક સ્ત્રી-પુરુષ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આપણે જાતે જ પ્રશ્ન પૂછવાના છે કે જો દીનનું કેટલું જ્ઞાાન પ્રાપ્ત કર્યું? શરીઅતે બતાવેલ માર્ગદર્શન મુજબ મારૃં જીવન હું જીવી રહ્યો છું? શું મને કુઆર્નમજીદ અરબીમાં વાંચતા આવડે છે? મને એ સમજાય છે? શું મેં ક્યારેય એનો અનુવાદ વાંચી એને સમજવાનો પ્રયત્ન કર્યો છે? અને સમજી લીધા પછી એના પર આચરણ કરવાની કોશિશ કરી છે?

ધર્મ ખૂબ વિશાળ ક્ષેત્ર છે. પરંતુ સાચું અને સારૃં જીવન જીવવું હોય તો એનો આદેશ અનુસાર જીવવું આવશ્યક છે. ધર્મ એક એવી બાબત છે જે માણસને માણસ બનાવે છે નહીંતર ધર્મના આદેશોને ફગાવીને જીવવું હોય તો જંગલીયતભર્યા, દમનભર્યા પ્રાણીઓની જેમ જીવવામાં પછી ફરક ક્યાં છે? શેતાની જીવન જીવવું સરળ છે કારણ કે એમાં કોઈ બંધન નથી, કોઈ નિયમો નથી, કોઈ આદેશો નથી, કોઈ મર્યાદા નથી. પાપ-પુણ્યમાં કોઈ ભેદ જ નથી, અનીતિ, ભ્રષ્ટતા, વ્યભિચાર, શરાબખોરી ઉપર કોઈ રોકટોક નથી. પરંતુ એવું જીવન શું ખરેખર જીવન છે? વિચારવાની વાત છે. મર્યાદાઓ અને બંધન વિનાશથી બચવા માટે હોય છે. ધર્મના આદેશો માણસને વિનાશથી બચાવવા માગે છે. એને મર્યાદામાં રાખી સારી રીતે જીવન કેવી રીતે જીવવું જોઈએ એની આજ્ઞાા આપે છે. શેતાની જીવન માણસને પશુથી બદતર બનાવી શકે છે પરંતુ ધર્મ પશુ જેવા માણસને માણસાઈની ઉચ્ચતા બક્ષી શકે છે. એથી ઇશ્વરના આદેશો અનુસાર જીવન જીવવું હોય તો ધર્મની આવશ્યકતા છે. પરંતુ જેને એ પ્રમાણે નથી જીવવું પોતાની મનમરજીથી જીવવું હોય એના માટે ધર્મની કોઈ જરૃર નથી. એટલે ધર્મને મજબૂતીથી પકડી રાખવું જોઈએ. સાથે સાથે ધાર્મિક જીવન જીવવા માટેના જે આદેશો આપવામાં આવ્યા છે એમને પણ જાણવા જોઈએ. એ માટે વાંચવુ-સાંભળવું- જોવું આવશ્યક છે. ધાર્મિક પુસ્તકોનું વાંચન ખાસ કરીને કુઆર્ન કરીમનું વાંચન ખૂબ આવશ્યક છે. કારણકે એ અલ્લાહ તરફથી માનવજાતને આપવામાં આવેલ શ્રેષ્ઠ બંધારણ છે. એનાથી વધીને બીજું કોઈ ગ્રંથ હોઈ શકે નહીં. થોડા દિવસ પહેલાં જ વોટ્સએપ ઉપર એક સરસ શોર્ટ ફિલ્મ આવી હતી હૈદરાબાદમાં ઉત્તરભારતથી આવેલ એક મુસ્લિમ યુવાનને તેલુગુ છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે પરંતુ કેટલાક દિવસથી બંને વચ્ચે મુલાકાતો કોઇ કારણથી બંધ થઇ ગઇ છે. ફોન છે નહીં. એ યુવાન પોતાના મિત્રોને એ છોકરી વિશે જણાવે છે અને ક્યારેક તો એ પત્ર લખે એવી આશા વ્યક્ત કરે છે. બેચેનીમાં દિવસો પસાર કર્યા પછી એક દિવસ પત્ર આવે છે. પરંતુ એ તેલુગુ ભાષામાં લખાયેલું છે અને એ તો એને આવડતી નથી. એમાં શું લખ્યું છે એને શું ખબર પડે. મિત્રોને એ પત્ર વંચાવે છે પરંતુ એના મિત્રોને પણ આ ભાષા આવડતી નથી. ગલીમાં ઘણા લોકોને એ લોકો પૂછે છે પણ કોઈને એ ભાષા આવડતી નથી. પછી એક જાણકાર પાસે જાય છે જેમને ઘણી ભાષાઓનું જ્ઞાાન છે. એ વાંચીને એને સાદી ભાષામાં સમજાવે છે. એનાથી એ યુવાનને સંતોષ થતો નથી ઉલ્ટું એને વહેમ પડે છે કે એ કાકાએ કંઇક ઊંધું જ સમજાવી દીધું લાગે છે એટલે ફરીથી કોઈ જાણકારની શોધખોળ કરવા બધા મિત્રો લાગી જાય છે. એક જણ એમને બતાવે છે કે આજે એ જગ્યાએ મળવા બોલાવ્યો છે. દોડતા હાંફતા થાકતા બધા મિત્રો એ જગ્યાએ પહોંચે છે તો કોઈ છોકરી નથી. એમાંથી એક મિત્ર યુવાનને કહે છે કે એ પત્ર છોકરી તરફથી નથી આવ્યો પણ એણે જ લખ્યો હતો. યુવાન ગુસ્સે થઇ એને ધોલમારી બેસે છે અને પુછે કે આવી મજાક શા માટે કરી? મિત્ર જવાબ આપે છે કે બીજી ભાષામાં લખાયેલ પ્રેમપત્ર વાંચવા માટે આપણે દોડધામ કરીએ છીએ કે એમાં શું લખ્યું છે એ સમજી શકીએ પરંતુ અલ્લાહે આપણને કુઆર્નમજીદ આપ્યું છે એને એને વાંચીને સમજવા માટે આપણે મહેનત કેમ નથી કરતા? માફ કરજે દોસ્ત, મેં તેને આટલી સાદી વાત સમજાવવા માટે જ આ પત્ર તને લખ્યો કે પ્રેમિકા આપણને શું કહેવા માગે છે એના માટે આટલી મહેનત, દોડધામ, ઉધામા કરીએ છીએ પણ અલ્લાહ શું કહે છે એને સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કર્યો છે? જ્યાં સુધી એ અરબી ભાષા આપણે શીખીશું નહીં ત્યાં સુધી અલ્લાહ આપણને શું કહેવા માગે છે એ પણ સમજીશું નહીં, અને સમજીશું નહીં તો એના ઉપર આચરણ કેવી રીતે કરીશું? યુવાનને મિત્રની વાત સમજાઈ જાય છે અને તરત તેલુગુની સાથે અરબી શીખવાનું પણ નક્કી કરી લે છે.

યુવાનને કોઈના ઉપર ભરોસો નથી એટલે પોતે જ તેલુગુ શીખવા માટે તૈયાર થઈ જાય છે એ દરમ્યાન આ ઘટના ઘટે છે.

ભાષા એક સશક્ત માધ્યમ છે પણ એની જાણકારી હોવી જોઈએ. આજે તો કુઆર્નમજીદનો વિશ્વની લગભગ દરેક ભાષામાં અનુવાદ ઉપલબ્ધ છે. શું આપણે આ અનુવાદ વાંચી અલ્લાહની વાત સમજવા અને આચરણ કરવાનો પ્રયત્ન કર્યો છે? જો એને વધારે ઊંડાણમાં સમજવું હોય તો ઘણીબધી તફસીર (વિવરણ) પણ ઉપલબ્ધ છે. અને એ પણ લગભગ દરેક ભાષામાં આજે ઘણી બધી એન્ડ્રોઇડ એપ્સમાં પણ કુઆર્નમજીદ અને અનુવાદ ઉપલબ્ધ છે. આપણે જેમના નામનો કલમો પઢીએ છીએ એ સૈયદુલ અંબિયા અને અલ્લાહના આખરી નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત-જીવનકથા વિશે જાણીએ છીએ. આપની સીરત બાબતે અલ્લાહે કુઆર્નમાં કહ્યું છે આપનું ઇખ્લાક-શિષ્ટાચાર સૌથી અઝીમ-શ્રેષ્ઠ છે. એમાંથી આપના શિષ્ટાચારોને અમલમાં લાવી શકીશું. સહાબાએ કિરામ અને અવલિયાએ કિરામના જીવનચરિત્રો આપણને ઇસ્લામી રીતે જીવન કેવી રીતે વ્યતિત કરવું એ શિખવાડે છે. વાંચનની ટેવ હશે તો જ્ઞાાન પ્રાપ્તિ થઇ શકશે.

આ વેકેશનમાં ફેસબુક અને વોટ્સઅપને ૨૨ દિવસ માટે બંધ કરી આ કાર્યો કરો તો સમજાશે કે સાચંુ જીવન શું છે!!

આ ઉપરાંત ઇતિહાસ પણ યાદ રાખવું જોઈએ. તારીખે ઇસ્લામ અર્થાત્ ઇસ્લામી ઇતિહાસ બાબતે પણ ઘણી બધી ભાષાઓમાં અસંખ્ય પુસ્તકો ઉપલબ્ધ છે. એનું વાંચન કરવું જોઈએ. સહાબાએ કિરામે કેવી રીતે કેટલા સંઘર્ષ કરીને ઇસ્લામને અડધી દુનિયામાં ફેલાવ્યું હતું. કેટલી કુરબાનીઓ આપી હતી. એ પછી ઇસ્લામી ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાતો થયો. ઇસ્લામ તલવારના જોરે ફેલાયો છે એ વિરોધીઓએ ફેલાવેલી અફવાનું ખંડન ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે પોતે ઇતિહાસ વાંચીશું અને બીજાને વાંચવા પ્રેરશું. આપણો ભૂતકાળ કેવો ભવ્ય હતો, આપણો વર્તમાન આટલું મુશ્કેલ કેમ છે. અને આપણો ભવિષ્ય શું હોઈ શકે એની સમજ ઇતિહાસના પૃષ્ઠો ઉપર ફેલાયેલા છે. જરા એને સમજવાની તસ્દી લેવાની છે નહીંતર અલ્લામા ઇકબાલે કહેલા એક શેરને થોડાથી સુધઆરા સાથે કહી શકીએ કે,

ન સમજોગે તો મિટ જાઓગે, એ મુસલમાનો!
તુમ્હારી દાસ્તાં તક ન હોગી દાસ્તાનો મેં

ધર્મ, ઇતિહાસ અને હવે પ્રવાસની વાત. પ્રવાસ કરવાનું કુઆર્નમજીદમાં પણ આદેશ આપવામાં આવ્યો છે કે તમે પ્રવાસ કરો અને એ સ્થળો જુઓ જ્યાં પહેલાની (મજબૂત) કોમો (સમુદાયો) રહેતી હતી અને પહાડોમાં ઘર કોતરીને રહેતી કોમો નાશ પામી અને આજે એમના ઘરો ખંડેર બનીને માનવજાતને એ બોધ આપી રહ્યા છે કે શારીરિક કે માનસિક તાકાત ઉપર ભરોસો ના કરતા. અલ્લાહના આદેશો માનજો નહીંતર કોઈ આંધી તોફાન કે કોઈ ચીસ તમારી આખી કોમને નષ્ટ કરી નાંખશે. કુઆર્નમાં પ્રવાસ કરવાનો મુળ હેતુ એ દર્શાવવામાં આવ્યંુ છે કે ભૂતકાળમાં થઇ ગયેલ કોમોની ભૂલોમાંથી પાઠ શીખો. અલ્લાહના આદેશો માનો નહીંતર તમે પણ કોઈ અઝાબમાં ફસાઈ શકો છો. પ્રવાસ કરવાથી ઘણા લાભ થાય છે. નવી નવી વસ્તુઓ જોવા, એમનો ઇતિહાસ જાણવા મળે છે. એ સંસ્કૃતિની ભવ્યતા, એમની રહેણી-કરણી, એમનો સંઘર્ષ એમનું ઉત્થાન અને પતન કેવી રીતે થયું. કયા કારણો હતા, ઘણું બધુ ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી જાણવા મળે છે. પ્રવાસ કરવાથી નવા નવા લોકો, નવી નવી ભાષાઓ બોલીએ, સભ્યતા-સંસ્કૃતિ, રીતિરિવાજો, ખાવા-પીવા-પહેરવાની વિવિધતાના દર્શન થાય છે. પ્રવાસથી સહિષ્ણુતા અને જ્ઞાાનમાં વધારોે થવાની સાથે માણસની ઇશ્વર સાથેની આસ્થા કે શ્રદ્ધામાં વધારો થાય છે. પોતાની પાસે શું છે અને શું નથી તેની અનુભૂતિથી માણસને થાય છે. ‘સફર’ (મુશ્કેલી સહન કરવી) કરવાથી શક્તિ મળે છે. ગાડીમાં, ટ્રેનમાં જગ્યા પૂરતી ન હોય તોય લોકો એડજસ્ટ કરી લે. ઊભા રહેવું પડે અને પગ દુખે તો પણ સહન કરે છે. બાજુમાં બેઠેલા સહપ્રવાસી ગંદકી કરે કે એના શરીરની અસહ્ય દુર્ગંધ આવતી હોય તોય અજાણ બનીને નિભાવી લે છે. નાના બાળકો ગરમીને લીધે રોકકળ મચાવતા હોય અને એમની ઝીણી ચીસો સહન ન થતી હોય તો પણ આપણે એમને મારતા નથી કે એમને ગુસ્સામાં આવીને બહાર ફેંકી દેતા નથી. ધીરજ, સહિષ્ણુંતા અને એડજસ્ટ કરવાના સદ્ગુણો આપણને પ્રવાસ કરવાથી શીખવા મળે છે. ક્યારેય સેકન્ડ કલાસ એસીમાં આરામદાયક મુસાફરીનો લહાવો મળે છે તો ક્યારેક રીઝર્વેશન ન હોવાને લીધે જનરલ ડબ્બામાં વેઠવી પડતી હાડમારીઓ પણ સહન કરવી પડે છે. મુસાફરી કે પ્રવાસ એ જીવનને સૌથી શ્રેષ્ઠ પાઠ શીખવાડે છે કે ભઇલા જીવનમાં તો આવું થાય, સુખદુખ આવ્યા કરે, તકલીફો પણ આવે, લડાઈ ઝઘડા પણ થાય પણ અંતે તો મંઝિલ આવેને આપણે હરખાતા હરખાતા ત્યાં પહોંચી જઇએ એના આનંદમાં આખી મુસાફરીના બધા જ કડવા દુખો તકલીફો અને હાડમારીઓને ભૂલી જઈએ એમ આખરે તો આપણે આ ફાની દુનિયા છોડી કયામતમાં હિસાબ કિતાબ પછી જન્નત મળશે તો આ જીવનના બધા જ દુખો ભૂલાઈ જવાના. હા પણ સારા આમાલ કર્યા હશે, સદ્કૃત્યો કર્યા હશે, ઇમાન સાચવી રાખ્યુ હશે, એની ફરજો અદા કરી હશે, નમાઝ, રોઝા, ઝકાત, હજ અદા કરી હશે, ભૂખ્યાને ખવડાવ્યા હશે, માતા-પિતા, પતિ-પત્નિ, બાળકો, સંબંધીઓ અને પાડોશીઓના હક અદા કર્યા હશે તો જન્નત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments