જે મુદ્દાઓ પર વર્તમાન સરકાર સત્તામાં આવી હતી તેમાં દરેક ક્ષેત્રમાં તે નિષ્ફળ નીવડી છે. વધુમાં દેશમાં સાંપ્રદાયિકતા અને કોમવાદનો ફેલાવો થયો છે. જે ભારતની ઓળખને કલંકિત કરી રહ્યા છે. મોબોક્રેસીની વધતી જતી ઘટનાઓ પર સરકાર કોઈ અસરકારક પગલાં લઇ રહી નથી.( જ્યારે હવાલદાર પોતે ચોરી કરે તો પછી ધરપકડ કોની કરે!!). લિન્ચિંગ અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી વણસી છે કે સુપ્રિમ કોર્ટને કહેવું પડયું કે લિન્ચિંગને રોકવા સરકાર કાયદો બનાવે. સુપ્રિમના આદેશને સરકાર કેટલી ગંભીરતાથી લેશે એ તો આવનારો સમય બતાવશે. કેમકે મોટા ભાગે લિન્ચિંગમાં અંધભક્તો જ સંડોવાયલા છે. હા, મુસ્લિમોથી જોડાયલો કોઈ વિષય હોત તો ખૂબજ ઉત્સાહ જોવા મળતો. ગૌ-હત્યા અને લવ-જિહાદના નામે, તો કયારે ઔરંગઝેબ અને બાબરી મસ્જિદના નામે, કયારે જિન્ના અને લઘુમતી યુનિવર્સિટીઓમાં રીઝર્વેશનના નામે, તો કયારે ત્રિપલ તલાક અને હલાલાના નામે બે સમુદાયો વચ્ચે ગેરસમજ, દ્વેષ, ઘૃણા અને શત્રુતાનો ભાવ પેદા કરવામાં આવી રહ્યો છે કે જેથી આવનારી ચૂંંટણીમાં તેનો લાભ લઇ શકાય અને આ વાતાવરણને તેઓ બનાવી રાખશે બલ્કે વધુ દૂષિત કરશે. ખોબે ખોબે ભરીને પૈસા મળતા હોય તો મીડિયાનો એક મોટો વર્ગ પણ પોતાની જવાબદારી બાજુએ મૂકી સરકારની વફાદારી જ કરશે.
આમ એક નિવેદનમાં મુસ્લિમ પર્સનલ લોના સભ્ય ઝફરયાબ જીલાનીએ કહ્યું કે, અમારી ઈચ્છા દેશના દરેક જીલ્લામાં ‘શરિયત કોર્ટ’ની સ્થાપના કરવાની છે જેનો હેતુ આ છે કે ‘દારૃલ કઝા’ દ્વારા શરિયતની રોશનીમાં લોકો પોતાના મામલાઓનું નિરાકરણ લાવી શકે. ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડો.અન્સારીએ દેશના દરેક જિલ્લામાં શરિયા અદાલતોની સ્થાપના માટે ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ AIMPLBની દરખાસ્તને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, “દરેક સમુદાયને પોતાના અંગત કાયદાની પ્રેક્ટિસ કરવાનો અધિકાર છે. કાયદાવ્યવસ્થા સાથેના સામાજિક વ્યવહારમાં લોકો ગુંચવણ અનુભવે છે. આપણા કાયદામાં જ આ વાત સ્વીકારવામાં આવી છે કે દરેક સમુદાય પોતાના અંગત નિયમો ધરાવી શકે છે. ભારતમાં વ્યક્તિગત કાયદો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાને આવરી લે છે. દરેક સમુદાયને તેના પોતાના અંગત કાયદાનો અમલ કરવાનો અધિકાર છે.”
બંધારણના જાણકાર અને કાયદા નિષ્ણાંતો જાણે છે કે દરેક સમુદાયને તેમના પર્સનલ લો પર અમલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, અને આવા મામલાનું નિરાકરણ લાવવામાં આવા સેન્ટર્સ આવકાર્ય છે. છતાં અમુક કોમવાદીઓ તેને ખોટું રૃપ આપવા હંમેશા તત્પર રહે છે અને તેમને જોઈતું ન થતું હોય તો અફવા ફેલાવવામાં પણ પાછીપાની કરતા નથી. એવી જ રીતે ‘હમેં શરિયત અદાલત નહિ દિયા જા સકતા તો મુસલમાનો કો અલગ દેશ દે દો’ આ મેસેજ ફેસબુક પર પર્સનલ લો કે ત્રણ સભ્યની ફોટોની સાથે પોસ્ટ કરવામાં આવ્યો. જે ઇન્ડિયા ટુડેની વાઈરલ ટીમે તપાસ કરતા ફેક સાબિત થયો.
દેશના ભાગલાની દુઃખદ ઘટનાના કારણે મુસલમાનો પહેલાથી જ ના કરેલા કાર્યની સજા ભોગવી રહ્યા હોય તો આવું કયારેય સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી. મુસલમાનો ભારતના બંધારણ માટે પ્રતિબદ્ધ છે, તેમના દેશપ્રેમ કે રાષ્ટ્રીય ભાવના પર કોઈએ આંગળી ઉપાડવાની જરૃર નથી. ન મુસલમાનોને તેની સાબિતી આપવાની જરૃર છે. શરિયત કોર્ટની બાબતમાં પણ ઘણા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે અથવા કેટલાક લોકો તેને પણ સમાંતર કાયદા વ્યવસ્થાની જેમ સમજી રહ્યા છે. આમ નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવામાં આપણી સરકાર અને મીડિયા ખુબજ પાવરધા છે. તેની ચર્ચા પહલા બે ઘટનાનો ઉલ્લેખ સુસંગત રહશે.
એક સ્ત્રી અમારાં સેન્ટરમા આવી અને ઉગ્ર્ર રજુઆત કરી કે મારા પતિએ મને મારી છે મને અપમાનિત કરી છે, હુ ઘરેથી ચાલી આવી છું મને છૂટાછેડા જોેઈએ કોઈ પણ કિંમતે. મને તેમની સાથેરહેવું નથી. મને તલાક આપી દે હું બીજો લગ્ન કરી સુખથી રહીશ. તેમનાં પતિથી સંપર્ક કરવામાં આવ્યો તો તેઓે પણ ખૂબ જ ચીઢાયલા હતાં. ૨૫ વર્ષથી તેને સહન કરી રહ્યો છું હવે બહુ થયું. જ્યારથી ગઇ છે ખૂબજ શાંતિમાં છું. હુ ફરીથી જીવનને નર્ક બનાવવા માંગતો નથી. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અમે વિચાર્યું કે તલાકની પ્રક્રિયા શરુ કરતાં પેહલા બન્ને વચ્ચે મનમેળ થઈ જાય તેનો પ્રયત્ન કરવો જોઈએ, જો કે મહિલા તેનાં માટે તૈયાર ન હતી. અમે બન્નેને સાંભળ્યો. કુઆર્ન અને હદીસનાં પ્રકાશમાં સમજાવ્યું કે સાથે રહેવાથી દુનિયા અને આખેરતમાં શુ ફાયદા થશે. ૨૫ વર્ષના લગ્નજીવન બાદ આ ઉંમરે આ પગલાંથી શું નુકસાન થશે તેનાં વિશે પણ તેમનું કાઉન્સેલિંગ કર્યું. અને અલ્લાહની કૃપાથી પ્રયત્ન સફળ રહ્યો. આજે બન્ને સુખેથી ઘર-સંસાર ચલાવી રહ્યાં છે. માત્ર બે જ મિટિંગમાં, એક પણ રૃપિયાનાં ખર્ચ વગર સમસ્યાનું નિરાકરણ આવી ગયું. આ માત્ર એક ઘટના છે આવા જેટલા કેસો પણ અમારાં સેન્ટર પર આવે છે એમા ૯૯ ટકામા અમે સફળ રહીએ છીએ. કોઈ પણ જાતનો ખર્ચ કે ફી લેવામાં આવતી નથી. આવા સેન્ટરને અમે શરઇ પંચાયત કે કાઉન્સેલિંગ સેન્ટર કહીએ છીએ. હવે તમે વિચારો કે આવા સેન્ટર્સ સમાજ માટે અભિશાપ છે કે આશિર્વાદ રૃપ છે.
એક ભાઈથી મુલાકાત થઈ, વાતોવાતમાં ઘરની વાત નીકળી તો તુટી પડયા. કીધું સાહેબ, ૧૦ વર્ષ થયાં પત્ની પિયરથી આવતી નથી, ને ખાદ્યા ખોરાકીનો કેસ કર્યો છે. કંટાળીને મેંે પણ છૂટાછેડાનો કેસ કર્યો છે. અત્યાર સુધી કોઈ ચુકાદો કે નિકાલ આવી શકયો નથી. પરંતું કાર્ટનાં ધક્કા, વકીલોનાં ખર્ચા અને પત્નીની ખાદ્યાખોરાકી માટે મહિને ૧૦ હજાર રૃપિયા આપતાં આપતાં માનસિક અને આર્થિક રીતે કમર તુટી ગઇ છે. જીવન બહુ કઠિન થઈ ગયુ છે. તમારામા હારું છે કે તલાક આપી ને છુટા.!
બન્ને કિસ્સા કાલ્પનિક નથી મારા વ્યક્તિગત અનુભવ પર આધારિત છે. નીરાકરણની કઈ પ્રક્રિયા સરળ, સસ્તી, સુખદ અને સરસ છે એ તમે પોતે સમજી શકો છો. પહેલા કેસમાં આવેલો સુખદ અંત આ જ શરઈ પંચાયત કે કાઉન્સેલિંગ સેન્ટરની દેણ છે.
શરિયત કોર્ટની હકીકત શું ?
કદાચ કોર્ટ શબ્દથી લોકોને ગેરસમજ ઉભી થતી હોય અથવા અમુક લોકોને શરિયત નામથી જ એલર્ર્જી હોઈ શકે છે. AIMPLBએ જે શરિયત કોર્ટની વાત કરી છે તે વર્તમાન કોર્ટની કોઈ સમાન્તર વ્યવસ્થા નથી બલ્કે કુટુંબના અંગત મામલાઓને કુઆર્ન અને હદીસના પ્રકાશમાં નિરાકરણ લાવવાના સેન્ટર છે. કોર્ટ શબ્દથી ગેરસમજ ઉભી થતી હોય તો તેના માટે દારુલ કઝા, શરઈ પંચાયત કે ઇસ્લામી કાઉન્સેલિંગ સેન્ટર જેવા નામ આપવો વધારે હિતાવહ છે. મુસ્લિમો સિવિલ અને ફોજદારી મામલાઓમાં વર્તમાન કોર્ટને જ અનુસરે છે. શરિયત કોર્ટ(દારુલ કઝા)બે પક્ષકારો વચ્ચે arbitral council (મધ્યસ્થી પરિષદ- લવાદ)ની જેમ કાર્ય કરે છે.
બીજી વસ્તુ, જે લોકો અલ્લાહનો ડર રાખતા હોય અને માનતા હોય કે તેઓ તેમનાં કાર્યો માટે સર્વશક્તિમાન અલ્લાહ સામે જવાબદાર છે અને કાલે (મૃત્યુ પછી) પોતાના કાર્યોના પરિણામનો સામનો કરવો પડશે એવા લોકો ફતવો લેવા આવી કોર્ટમાં જાય છે. બંને પક્ષકારો શરીયત કોર્ટ (દારુલ કઝા)ના વડા એટલે કાઝીનો ફેસલો માનવાની બાહેંધરી આપે તો જ કોઈ મામલામાં તેઓે કોઈ ફતવો (opinion) આપે છે. ચુકાદો સાંભળ્યા પછી જો પક્ષકારો તેના ઉપર અમલ ન કરે તો દારુલ કઝાને કોઈ સત્તા નથી કે તે લાગુ કરી શકે, ન દંડ કરી શકે ન જ જેલ મોકલી શકે. ન તેના ફેસલાને કોઈ કાનૂનની પકડ – લીગલ બાઈન્ડીંગ છે. બલકે પક્ષકારો સામાન્ય કોર્ટમાં પણ જઈ શકે છે.
ત્રીજું, પારિવારિક સમસ્યાઓ સિવાયના સીવીલ અને ક્રિમીનલ મેટરમાં તેઓે કોઈ હસ્તક્ષેપ કરતા નથી. એટલે આવી મેટરમાં સામાન્ય કોર્ટના કાનુન ને જ અનુસરવામાં આવે છે. ઇસ્લામી કાયદા મુજબ ચુકાદો આપવામાં આવતો નથી.
શું શરિયત કોર્ટ ગેરબંધારણીય છે?
મુસલમાનોની અંગત સમસ્યાઓના નિરાકરણ માટે ૧૯૩૭માં જે શરિયા એક્ટ બન્યો હતો તે આજે પણ લાગુ છે. ભારતની સામાન્ય કોર્ટ પણ ચુકાદા આપવામાં તેને પોતાની સમક્ષ રાખે છે. અને માત્ર મુસલમાનો જ નહિ ભારતમાં ૨૫૦ જેટલા પર્સનલ લો છે, જેમ શીખ, ખ્રિસ્તી, જૈન વગેરે પોતાના પર્સનલ લોને અનુસરે છે તેમ મુસલમાનોને પણ તેનો અધિકાર છે. લગ્ન, છુટેછેડા વગેર જેવી બાબતોમાં મોટા ભાગે ધાર્મિક લોકો પોતાના ધર્મના રીતી રીવાજોને અનુસરે છે અને ધાર્મિક વડાઓ પાસે જાય છે.
કલમ ૮૯ અને સિવિલ પ્રોસીજર કોડના ઓર્ડર ૧૦નું નિયમ ૧-એ વાંચો તે સ્પષ્ટ કરે છે કે કોર્ટ,પક્ષોને Alternative Dispute Resolution (વૈકલ્પિક વિવાદ ઠરાવ)ની પાંચ સ્થિતિઓમાંથી કોઈપણને પસંદ કરવા દિશા નિર્દેશ કરે છે. તેમાં લવાદ (Arbitration), સમાધાન (Conciliation), મધ્યસ્થી (Mediation), ન્યાયિક પતાવટ (Judicial Settlement), લોક અદાલત (Lok Adalat) છે. શરિયા કોર્ટ પણ આ જ પ્રકારની ADR છે.
શું શરિયત કોર્ટ સ્ત્રી વિરોધી છે?
દારુલ કઝાએ કોઈ સ્ત્રી વિરોધી સેન્ટર નથી. ઇસ્લામે સ્ત્રીને જેટલા હકો આપ્યા છે કદાચ બીજા કોઈ ધર્મે આપ્યા નથી. દારુલ કઝાએ નિયમોને અધીન છે અને મોટા ભાગે આવા સેન્ટરમાં ખુલા( તલાક લેવા માટે)ના કેસ અને વારસાને લગતા કેસ આવતા હોય છે. કાઝી કુઆર્નના પ્રકાશમાં ફતવો આપી સમાધાન કે ઉકેલ લાવે છે. અને મોટા ભાગે પક્ષકારોને સંતોષ થાય છે. કોર્ટમાં હમેશા એવું બને છે કે એક પાર્ટીને અસંતોષ થાય છે અથવા તેને અન્યાય થયાનો અહસાસ થાય છે. પરંતુ દારુલ કઝામાં મોટા ભાગે બંને પક્ષ ખુશી ખુશી પાછા ફરે છે. “શરિયત કોર્ટ સ્ત્રી વિરોધી છે” આ માત્ર પ્રોપેગન્ડા છે – અપ્રચાર છે તેનો કોઈ આધાર નથી.
બધા નાગરિકો ઇન્ડિયન પીનલ કોડને અનુસરે છે તો મુસલમાનો ને શું વાંધો છે?
અદાલત કોઈ પણ સ્ટેટનુ અવિભાજ્ય અંગ છે તેનાં વગર દેશમાં અરાજકતા ફેલાઇ શકે છે. દેશને દૃઢ અને મજબૂત બનાવવા કાયદા બનાવવામા આવે છે જેનાં મુજબ અદાલતો ચુકાદો આપે છે. જેને સરકાર, વ્યવસ્થાતંત્ર અને પોલીસતંત્રની તાકત વડે અમલી બનાવવામાં આવે છે, તેનાં વિરૂદ્ધ જનારને સજા આપવામાં આવે છે. એક દેશમાં બે સમાન્તર અદાલત હોઈ શકે નહિ, તેનાથી સમસ્યામાં વધારો થશે. કોઈ પણ દેશમાં બે સુપ્રીમ ઓથોરીટી હોઈ ન શકે.જનતા સરકારને સત્તા આપે છે કે તે દેશની વ્યવસ્થા ચલાવે પરંતુ જનતા અને સરકાર વચ્ચે એક કરાર હોય છે કે સરકાર તેમના ખાનગી જીવનમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહી. જે દેશમાં આ જન અધિકાર અને ફરજ વચ્ચે સંતુલન હશે ત્યાં સમાજમાં શાંતિ અને ન્યાય હશે. ભારતમાં બધા નાગરિક હિંદુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ખ્રિસ્તી બધા દેશના બંધારણમાં વિશ્વાસ ધરાવે છે. અને અંગત મામલા સિવાય બધી બાબતોમાં સામાન્ય કોર્ટને જ અનુસરે છે. અને ભારતનો દરેક નાગરિક પોતાના પર્સનલ લો પર અમલ કરે છે જે બંધારણની કલમ ૨૫માં આપવામાં આવી છે.
કેટલીક વાર તો પોલીસ સ્ટેશનમાં જ પક્ષકારો વચ્ચે સુલેહ થઇ જાય છે. દરેક ન્યાયાલયમાં મીડીએશન સેન્ટર હોય છે. જ્યાં બન્ને પક્ષકરો વચ્ચે સુલેહ કરવાની કોશિશ કરવામાં આવે છે. ત્યાં નિષ્ફળતા મળે તો કેસ ટેબલ પર આવે છે. અને અંતરીક સમસ્યોનું આવા સેન્ટરમાં નિરાકરણ થઇ જાય એવું સરકાર પોતે ઈચ્છે છે. અદાલતમાં કેસોનો ભરાવો વધુ છે ને ન્યાયાધીશોની સંખ્યા પુરતી નથી. ૫ હજાર ન્યાયધીશની જગ્યા ખાલી છે અને એક કાયદાવિદના મત મુજબ એક લાખ ૩૦ હજાર જજીસની જરૃર છે. આવી પરિસ્થિતિમાં શરિયા કોર્ટ, પંચાયત કે કાઉન્સેલીંગ સેન્ટર આપણી ન્યાય પ્રક્રિયા માટે ખુબજ મદદ રૃપ થઇ શકે છે.
એક ભય દર્શાવવામાં આવે છે કે મુસલમાનોની જેમ બીજા ધર્મના લોકો પણ આવી માંગણી કરે તો દેશનું શું થશે? આવા પ્રશ્ન નિરર્થક છે. વાસ્તવમાં બીજા ધર્મોના લોકો પણ પોતાની અંગત સમસ્યાઓના નિરાકરણ માટે પંચ કે ધાર્મિક આગેવાનોની શરણ લે છે. કોઈ સેન્ટર ન હોય અને બે વ્યક્તિ આપની પાસે આવે કે અમને તમારી ઉપર ભરોસો છે તમે અમારી વચ્ચે લવાદ બની અમારી સમસ્યાનું નિરાકરણ લાવી દો તો તમે શું કરો. કોઈ પણ સજ્જન વ્યક્તિ લવાદ બનવા માટે ના ન પડે. બસ આજ રીતે શરિયા કોર્ટ પણ અંતરીક વિવાદમાં એક પ્રકારની વૈકલ્પિક પદ્ધતિનું નામ છે. આવા સેન્ટર્સમાં એક ધર્મથી જોડાયલી વ્યક્તિઓ આવતી હોવાથી હિંદુ મુસ્લિમ વચ્ચે અંતરનો કે નફરતનો પ્રશ્ન ઉભો જ થતો નથી. અંતર-નફરત વધવાના કારણ આવી પંચાયતો કે સેન્ટર્સ નથી બલ્કે રાજનેતાઓની નીતિ છે. જેમકે આપણા ગુજરાતમાં વર્ષોથી શાંતિ હોવા છતાં ઘણા બધા વિસ્તારોમાં અશાંત ધારો છે. અને આવા વિસ્તારોમાં વધારો થઇ રહ્યો છે. એ લોકો નથી ઈચ્છતા કે બે સમુદાયના લોકો એક મંચ પર આવે અથવા બહુધર્મીય સમાજની રચના થાય. બલ્કે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ કમિટી કે સદભાવ મંચનું કામ જ આ છે કે વિવિધ સમુદાયો વચ્ચે મનમેળ થાય અને લોકો હળી મળી ને રહે અને તેની અસરકારકતા અને ફાયદા જોઇને મોટા ભાગે પોલીસ સ્ટેશનોમાં પણ આવી કમિટીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પોલીસના કામને સરળ બનાવે છે. આવી જ રીતે શરીયત કોર્ટ પણ ન્યાયાલયના કામને સરળ બનાવશે.
આ કુશંકા પણ દૂર થવી જોઈએ કે શરિયત કોર્ટ એ ઇસ્લામી સ્ટેટની સ્થાપના કરવાનું કોઈ કાવતરું છે, અને ન જ ભારતનું ઇસ્લામીકરણ કરવું તેમનો ધ્યેય છે. તેમની હેસિયત માત્ર મધ્યસ્થી કમિટી જેવી છે, લવાદ જેવી છે. આ શંકા સામ્રાજ્યવાદી શકિતઓ દ્વારા આયોજનબદ્ધ રીતે ઇસ્લામ વિરુદ્ધ કરવામાં આવેલો દુષ્પ્રચાર છે. જેમણે isis અને અલકાયદા જેવા સંગઠનો ઉભા કરીને ઇસ્લામને બદનામ કરવાનો કારસો રચ્યો છે. ઇસ્લામ ધર્મ કોઈ પણ દેશમાં અરાજકતા ફેલાવવામાં વિશ્વાસ ધરાવતો નથી. તે પોતાની વિચારધારાને તર્કબદ્ધ અને વિવેકપૂર્ણ રીતે રજુ કરે છે.
શું શરીયત કોર્ટ(દારુલ કઝા)અને ખાપ પંચાયત એક જેવી છે?
શરિયત કોર્ટને ખાપ પંચાયત સાથે સરખાવવી પણ યોગ્ય નથી કેમકે ખાપ પંચાયતો પારિવારિક સિવાય બીજા સિવિલ મેટર અને કેટલીક વાર ક્રિમીનલ મેટર(ચોરી,બળાત્કાર,હત્યા,વગેરે)માં પણ હસ્તક્ષેપ કરે છે, ફેસલો આપે છે. આ પંચાયતોનું પણ કોઈ કાયદાકીય અસ્તિત્વ નથી પરંતુ તેમની પાસે તેમના ચુકાદાઓને અમલી બનાવવા સામાજિક દબાણ છે. જોર જબરદસ્તી કરી શકે છે, તેઓ દંડ અને બાયકોટ કરી શકે છે. જયારે શરીયત કોર્ટ પાસે એવી કોઈ શક્તિ નથી કાઝી માત્ર પોતાનો અભિપ્રાય આપી શકે છે.
શું આવી કોર્ટ દેશ માટે લાભદાયી છે કે નુકસાનકારક ?
આવા કોર્ટ/સેન્ટર્સ દેશ માટે ખુબજ લાભ દાયી છે. હવે જયારે કે વર્તમાન કોર્ટસમાં એક અંદાજ મુજબ ૪ કરોડથી વધારે કેસ પેન્ડીંગ છે તેમના જ નિકાલમાં એક નિષ્ણાંતના મતમુજબ ૩૬૬ વર્ષો લાગશે. આપણા દેશમાં એક તૃતાંશ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. અને બહુમતિ મધ્યમ વર્ગ પર આધારિત છે. સામાન્ય વ્યક્તિ માટે ન્યાય મેળવવું ખુબ જ અધરું,મોંધુ અને દુષ્કર છે. અને સંતોષ પણ મળતો નથી. આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ આવા સેન્ટર્સ ઉભા કરવામાં આવે તો ઝડપી નિકાલ મળી શકે છે.