Wednesday, June 12, 2024
Homeઓપન સ્પેસશરીઅત કાયદાનું રક્ષણ, પણ શરીઅત કાયદા ઉપર અનુસરણ ક્યારે ???

શરીઅત કાયદાનું રક્ષણ, પણ શરીઅત કાયદા ઉપર અનુસરણ ક્યારે ???

જ્યારથી મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં ત્રણ તલાકના વિરોધમાં અને કોમન સિવિલ કોડ લાગુ કરવાના સમર્થનમાં જે સોગંદનામું દાખલ કર્યું છે ત્યારથી મુસલમાનોની દીની જમાઅતો, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સ્વમાની મુસલમાનોએ સરકારના આ બિનકાયદાકીય પ્રયત્નોના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. મુસલમાનોમાં એકતાની વાતો થઈ રહી છે. આ સમગ્ર ઘટનાના રાજકીય પાસાઓ ગમે તે હોય, તેમાં ન પડતા અત્યારે અમુક પ્રશ્નો હું અહીં કરવા ઇચ્છું છું.

આજે જે અવાજો સાથે મુસલમાનો શરીઅત કાયદાના રક્ષણની વાતો કરી રહ્યા છે અને જેના માટે લડવા-મરવા માટે પણ તૈયાર છે, શું મુસલમાનો પોતે શરીઅત ઉપર અનુસરણ કરે છે?  શું મુસલમાનો પોતે છડેચોક શરીઅતના કાયદાઓનો જનાઝો નથી કાઢી રહ્યા ? મુસલમાનોના લગ્નો, તલાકોની રીત અને વિરાસતની વહેંચણી, શું આ બધા ચીસો નથી પાડી રહ્યા કે મુસલમાનો ! તમે સરકારથી આશા રાખી રહ્યા છો કે તેઓ ન્યાય કરે અને મુસ્લિમ પર્સનલ લો સાથે ચેડાં ન કરે! પરંતુ તમે પોતે શું કરી રહ્યા છો?

શરીઅતના કાયદાઓનું સમર્થન દરેક સ્થિતિમાં થવું જોઈએ પરંતુ શું મારા પ્રશ્નો વિચારવા લાયક નથી ? શું આવુ નથી કે આજે મુસલમાનોએ નિકાહના ધારાધોરણો તકવાને નહીં બલ્કે પૈસા અને સુંદરતાને બનાવી રાખ્યા છે? છોકરીવાળાઓથી ભિક્ષા (દહેજ) માંગે છે. બજારૃ મહિલાઓ લગ્નમાં નૃત્ય કરે છે. અશ્લીલ ગીતો વગાડે છે, ઉડાઉ ખર્ચ કરે છે. અયોગ્ય પ્રથાઓનું અનુસરણ કરે છે. બધાને ખુશ કરે છે પરંતુ અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ની  પ્રસન્નતાનો વિચાર નથી કરતા.

આ મુસલમાનો જ છે કે જેઓ પોતાની વિરાસતમાં, પોતાની બહેનોને સામેલ નથી કરતા. વિરાસતની આ વહેંચણીને સાચી નથી સમજતા અથવા વિરાસત આપે  પણ છે તો બોજો સમજીને અદા કરે છે. વિરાસતના ભાગીદારોમાં ન્યાય સાથે વિરાસત નથી વહેંચતા. બીજાઓની સંપત્તિ ઉપર સાપની જેમ બેઠા રહે છે.

આ મુસલમાનો જ છે કે જેઓ પોતાની તલાકોમાં તલાકના કુઆર્નના સિદ્ધાંતો ઉપર આચરણ નથી કરતા. એક જ બેઠકમાં ત્રણ તલાકની પ્રથાને પ્રચલિત કરે છે, અને તલાક થઈ ગયા બાદ ફતવો શોધતા ફરે છે.

આ મુસલમાનો જ છે કે જેઓ, વ્યાજથી વ્યાપાર કરી રહ્યા છે. શરાબ અને જુગારના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. ઇસ્લામના નામ ઉપર મસ્જિદોનો બટવારો કરી રાખ્યો છે. એક મુસ્લિમ ભાઈ બીજા મુસ્લિમ ભાઈને કાફિર અને મુનાફિક કહેવામાં જરાય શરમ નથી અનુભવતો. ધંધા-રોજગારમાં જૂઠ અને ફરેબ કરે છે. તલાક પામેલ મહિલાઓ ઘરે બેસી રહે છે. અપમાનજનક શબ્દો બોલવામાં મુસલમાનો નંબર વન છે. પાન-મસાલા, ગુટકા, સિગારેટ-તંબાકુમાં ઉડાઉ ખર્ચ કરે છે. શૈક્ષણિક પરિસ્થિતિમાં પણ દલિતોથી પાછળ છે. ગરીબી અને ગંદકી જેનો ભાગ્ય બની ગઈ છે.

હું પૂછવા માંગુ છું કે ઇસ્લામી કાયદાઓ ઉપર આચરણ કરવા માટે દુનિયાની કઈ સરકારો આપણને રોકે છે? શું શરીઅતના કાયદાઓના રક્ષણ સાથે તેના ઉપર અમલીકરણ જરૂરી નથી? શું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ફકત શરીઅત કાયદાઓનું રક્ષણ માટે જ બનાવવામાં આવ્યું છે? હકીકત આ છે આપણે પોતે ઇસ્લામી કાયદાઓને મસ્જિદોમાં તાળા મારી દીધા છે. આપણે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારી છે.

મારા ભાઈઓ ! મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શરીઅત કાયદાઓના રક્ષણની સાથે-સાથે તેના પર અમલીકરણ કરવા માટે પણ બનાવવામાં આવેલ છે.

આ ક્યાંનો ન્યાય છે કે આપણે ગેરોથી ન્યાયની આશા રાખીએ અને પોતે ઇસ્લામ ઉપર અમલ ન કરીએ. આ તો સૌથી મોટો અન્યાય ગણાશે…

મારા ભાઈઓ ! હજુ પણ સમય છેે. મુસલમાનોએ પોતાના ભૂતકાળને યાદ કરવો પડશે. કુઆર્ની શિક્ષણ ઉપર દોટ લગાવીએ. શરીઅતે મુહમ્મદી સ.અ.વ.નું ખ્યાલ રાખીએ. સમય એક જેવો નથી રહેતો બદલાતો રહે છે.

કુઆર્નમાં છે, “નાસીપાસ ન થાવ, દુઃખી ન થાવ, તમે જ વર્ચસ્વ પ્રાપ્ત કરશો, જો તમે ઈમાનવાળા હોવ.” (સૂરઃ આલે ઇમરાન, આયત- ૧૩૯)

“હે ઈમાન લાવનારાઓ ! તમે સંપૂર્ણપણે ઇસ્લામમાં દાખલ થઈ જાઓ અને શેતાનનું અનુસરણ ન કરો, કેમ કે તે તમારો ખુલ્લો શત્રુ છે.” (સૂરઃ બકરહ, આયત-૨૦૮)

અલ્લાહતઆલા આપણને અમલ કરવાની તૌફીક આપે.

(વ્હાટ્સએપ નં:  ૯૧૫૭૪૬૯૬૪૭, ઈમેલઃahs.sio@gmail.com)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments