Tuesday, June 25, 2024
Homeમનોમથંનશરીયતમાં દખલગીરીનો ફરી એકવાર પ્રયાસ...

શરીયતમાં દખલગીરીનો ફરી એકવાર પ્રયાસ…

શરીઅતના કાયદા અલ્લાહના કાયદા છે, જે તેણે પોતાના સર્જનને અર્પેલ છે. આમાં કોઈપણ પ્રકારનો નાનો-મોટો ફેરફાર કોઈ બિનમુસ્લિમ તો શું મુસ્લિમો પણ નથી કરી શકતા. તે શકય જ નથી. આપણે સૌ જાણીએ જ છીએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ તલાકનો એક કેસ આવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે ભારત સરકારથી તેનું વલણ શું છે તે જણાવવા કહ્યું હતું. મીડિયાનો તો જાણે આ પ્રકારના સળગતા પ્રશ્ન અંગે પોતાના ટીઆરપી વધારવાનો મોકો મળી ગયો, અને તેમણે પોતપોતાના રાગ અલાપવા શરૃ કરી દીધા. અહીં યાદ રહે કે મુસ્લિમ પર્સનલ લોમાં ફેરફાર કરવા માટે આ કોઈ પ્રથમ પ્રયાસ નથી બલ્કે આ અગાઉ પણ અનેક વખતે પ્રયત્નો કરવામાં આવતા રહ્યા છે પરંતુ હજી સુધી સરકારને આમાં કોઈ સફળતા મળી નથી. કોંગ્રેસ શાસન વખતે પણ શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ઇસ્લામી શરીઅતમાં દખલગીરી કરતાં તલાક બાદ ભરણપોષણ આપવાનો ચુકાદો આપ્યો હતો જે શરીઅત વિરુદ્ધ હતો. એ વખતે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના જનરલ સેક્રેટરી ગુલામ મહેમૂદ બનાતવાલાએ તેની વિરુદ્ધ સંસદમાં પ્રાઈવેટ મેમ્બરલ બિલ રજૂ કર્યો હતો અને તેના પર ઘણી લાંબી ચર્ચા ચાલી હતી અને ભારત સરકારના આ વાયદા બાદ કે તે આ અંગે બીલ લાવી રહી છે બનાતવાલાએ પોતાનો બીલ પરત ખેંચ્યો હતો.

હાલમાં ફરીથી મુસ્લિમ પર્સનલ લો કે ઇસ્લામી શરીઅતમાં પાછલા બારણે કે ચોર દરવાજાથી પ્રવેશી તેમાં ફેરફાર કરવા રીતસરનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્રણ તલાકના બહાનાથી તે તેમાં ફેરફાર કરવા કે તેને ખતમ કરવા તેમજ સમાન સિવિલ કોડના કહેવાતા કાયદા ગણાવી ખોટી રીતે દખલગીરી કરવા પ્રયત્નશીલ છે. આ અંગે લો કમિશન દ્વારા સરકારે પ્રશ્નાવલી પણ તૈયાર કરાવી લોકોના મંતવ્યો જાણવા પ્રયત્નો શરૃ કરેલ છે અને દેખીતી રીતે જ તેનો આ પ્રયત્નો ખુદાઈ-ઇસ્લામી કાનૂનમાં ફેરફાર કરવાની દિશામાં પ્રયાસ સમાન છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ પ્રશ્નાવલીના બહિષ્કારનું એલાન કર્યું છે અને જમાઅતે ઇસ્લામી હિંદે પણ આ બહિષ્કારને ટેકો આપ્યો છે.

અહીં આ વાત પણ ખૂબજ મહત્ત્વની છે કે મુસ્લિમ પર્સનલ લો ઉપર અમલ કરવાની પરવાનગી ભારતીય બંધારણે પણ આપી છે. તે મૂળભૂત અધિકાર પૈકી એક છે. દેશના દરેક નાગરિકની જેમ મુસલમાનોને પણ પોતાના ધર્મ ઉપર ચાલવાની અને તેના કાયદાઓ મુજબ જીવન ગુજારવાનો  પૂરેપૂરો હક ભારતીય બંધારણે આપેલ છે. આમાં ફેરફાર કે ચેડાં કરવા એ મૂળભૂત અધિકારો ઉપર તરાપ મારવા સમાન છે જે મુસ્લિમ મિલ્લતને સ્હેજેય સ્વીકાર્ય નથી. કેમ કે આજે એક તો કાલે બીજા તો એ પછી ત્રીજા એક  તમામ પર્સનલ લો કે શરઈ કાયદાઓ ઉપર તરાપ મારવાની દિશાની શરૃઆત બની શકે છે. મીડિયા અને કેટલાક લોકો મુસ્લિમ દેશોમાં પર્સનલ લોમાં ફેરફાર કરાયા હોવાની વાતો તો ફેલાવે છે પરંતુ કયા કયા કાયદામાં કેવો ફેરફાર કરવામાં આવ્યો છે તેની વિગતો રજૂ નથી કરાતી. હાલમાં તો કેન્દ્રની મોદી સરકાર પોતાના વાયદાઓમાં તદ્દન નિષ્ફળ નીવડી છે અને દેશની વધતી જતી મોંઘવારી, બેરોજગારી તથા અન્ય સળગતી સમસ્યાઓ તરફથી જનતાનું ધ્યાન અન્યત્ર ખસેડવા આવા કોઈ મુદ્દો જ ન હોય તેવી બાબતોને મુદ્દો બનાવતા  હીન પ્રયાસો કરી રહી છે, પરંતુ એમાં તો કયારેય સફળ નહીં થાય.

અન્ય એક મહત્ત્વની વાત હાલમાં આ પણ જોવા મળી રહી છે અને જે ખૂબજ આવકારદાયક પણ છે, અને તે છે મિલ્લતે ઇસ્લામિયામાં જોવા મળી રહેલ એકતા અને સંગઠન. પોતપોતાના મસ્લકી તથા વૈચારિક મતભેદોને બાજુએ મૂકી જે ‘ઇત્તિહાદ’ અને ‘ઇત્તિફાક’ આજે મિલ્લતમાં જોવા મળી રહ્યું તે ખૂબ ખૂબ પ્રશંસનીય અને આવકારાદયક છે. જમાઅતે ઇસ્લામી હિંદ પોતાની સ્થાપનાના પ્રથમ દિવસથી આ અંગે ભરપૂર પ્રયત્નો કરતી રહી છે. પછી તે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કે મુસ્લિમ મજલિસે મુશાવરતની સ્થાપના કે ભરપૂર સાથ-સહકારની બાબત હોય કે પછી દેશની પ્રવર્તમાન સમસ્યાઓ અંગે તેના નિવારણ કે ઉકેલ માટે તમામ મસ્લકના લોકો, સંસ્થાઓ અને સંગઠનોને સાથે લઈ પ્રયત્નો કરવા જેવી બાબતો હોય.

તાજેતરમાં પણ ઊના તથા વટવાના મુહમ્મદ ઐયૂબની હત્યાની ઘટના બાદ મુસ્લિમ હિત રક્ષક સમિતિની રચના દ્વારા સૌને સાથે લઈ ‘ઇત્તિહાદ’ તથા ‘ઇત્તિફાક’ માટે જે પ્રયત્નો કરાયા હતા તેના પરિણામો પણ સૌની સામે છે. આ  વાત હાલમાં ત્રણ તલાકના નામે સરકાર દ્વારા ઇસ્લામી શરીઅત સાથે ચેડાં કરવાની જે કુચેષ્ટા કરાઈ રહી છે તેની વિરુદ્ધ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મારફત સહી-ઝુંબેશ જોવા મળી રહી છે. આ ખૂબજ આવકારદાયક છે અને ભવિષ્યમાં આવા તમામ પ્રસંગોએ આવી જ એકતા અને સંગઠન મિલ્લત દાખવે એવી આશા રાખીએ.

સાભાર : શાહીન સાપ્તાહિક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments