Sunday, October 6, 2024
Homeમનોમથંન"શાંતિ અને માનવતા" અભિયાન (૨૧ ઓગષ્ટ થી ૪ સપ્ટેમ્બર, ૨૦૧૬)

“શાંતિ અને માનવતા” અભિયાન (૨૧ ઓગષ્ટ થી ૪ સપ્ટેમ્બર, ૨૦૧૬)

ભારત, એ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતોઔ  વંશીય અને સામાજિક રીતે વૈવિધ્યતાસભર દેશ છે. આદિકાળથી ભારત એ દરેક ધર્મોના અનુયાયીઓનો મૂળકુંભ રહેલો છે. આ કુંભમાં ૬૦૦૦થી વધારે જ્ઞાાતિઓ, ૧૭૦૦થી વધારે ભાષાઓ સહિત અન્ય વિવિધતા જોવા મળે છે. ઇતિહાસ સાક્ષી છે કે આટલી બધી વૈવિધ્યતા છતાં સૌ એક માનવતાના તાંતણે બંધાઈ હળીમળીને રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક આત્યંતિક વિચારધારા ધરાવતા કોમવાદી અને ફાસીવાદી પરિબળો પોતાના ક્ષૂલ્લક રાજનૈતિક તેમજ આર્થિક લાભ માટે વર્ષો જુના આ સામાજિક ઢાંચામાં વિક્ષેપ પાડી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં દિન-પ્રતિદિન હિંસાની ઘટનાઓ બની રહી છે. અસ્પૃશ્યતા અને સાંપ્રદાયિકતા વધતી જઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા નબળા પડી રહ્યા છે. દેશભરમાં ચોમેર અરાજકતા અને અવ્યવસ્થા ફેલાઈ રહી છે. જેના કારણે સામાજિક સમરસતા અને અખંડતા વેરવિખેર થઈ રહી છે. આવા પરિબળો દ્વારા સર્જાતી ગંભીર ઘટનાઓ સ્પષ્ટ પણે પ્રતિત કરે છે કે દેશનું મીડિયા, પોલીસ અને સમગ્ર કાનૂન વ્યવસ્થા પણ કોમવાદી માનસિકતાથી ગ્રસિત છે. કોમવાદી ધ્રુવીકરણ અને અશાંત સમાજ આપણા જેવા વિકસીત દેશની આર્થિક વ્યવસ્થા માટે ખતરારૃપ છે અને જો આ રોગ દેશને વધારે ભરડામાં લેશે તો વિદેશીરોકાણ પર પણ મોટી અસર થવી સંભવીત છે.

આપણા દેશમાં તાજેતરમાં થયેલી ગંભીર ઘટનાઓનું જ્યારે પણ વિશ્લેષણ કરીએ છીએ ત્યારે તેમાં સ્પષ્ટપણે પ્રતિત થાય છે કે પોલીસ દ્વારા પક્ષપાતભર્યું વલણ હોય છે અને તેના કરતા વધુ તો ચોર કોટવાલને દંડે તેવી પરિસ્થિતી નિર્માણ થતી જોવા મળે છે. બધી જ ઘટનાઓમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે પોલીસ માત્ર મુકપ્રેક્ષક બનીને ઘટના નિહાળે છે અને પોતાના આકાઓના ઇશારે તેના પર તપાસના નાટક રચાય છે. આથી વધુ તો આવી ઘટનાઓમાં પક્ષપાતભર્યું અને કિન્નાખોરી ભર્યું વલણ મીડિયાનું પ્રતિત થતું હોય તેવું અનુભવાય રહ્યું છે. મીડિયા આખી ઘટનાની ઊંડાણપૂર્વક જાણ મેળવ્યા વગર જ શરૃઆતથી અંધારામાં તીર તાંકવાનું ચાલું કરી દેતું હોય છે અને સામાન્ય જનમાનસમાં ખૂન્નસભરી અને બદલાખોરીની ભાવના ઊભી કરે છે. કોર્ટ કે કાનૂનવ્યવસ્થા પહેલાં જ મીડિયા ટ્રાયલ આપી દેવાય છે. હદ તો ત્યારે થાય છે કે કેટલાક કેસોમાં સ્પષ્ટ પણે જોવા પણ મળ્યું છે તે મુજબ કોર્ટ પણ પોતાનો ન્યાય સંભળાવતી વેળા એવું દર્શાવે છે કે   ભારતીય જનમાનસની સામુહિક લાગણીને જોતાં (Looking to the collective concious of the nation) આરોપી દોષિત ઠેરવવામાં આવે છે. આથી, આપણી લોકશાહી વ્યવસ્થાના ત્રીજા અને ચોથા સ્તંભસમા કાનૂનવ્યવસ્થા અને મીડિયા જ્યારે તટસ્થતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવશે તો ચોક્કસ આપણો દેશ બધા જ રોગોથી મુક્ત થઈ પ્રગતિના પંથે સડસડાટ દોડશે કે જેમાં દરેક માનવીય હક્કોના રક્ષણ સાથે બધા જ નાગરીકો કોમી સોહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે હળીમળીને રહેતા થઈ આપણા દેશનો સુવર્ણ ઇતિહાસ દોહરાવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

આપ જાણતા જ હશો કે જમાઅતે ઇસ્લામી હિન્દ એક વૈચારિક સંગઠન છે જે સમગ્ર ભારતમાં વ્યક્તિત્વ વિકાસ, સમાજની નવરચના અને રાષ્ટ્ર નિર્માણ માટે ૧૯૪૮થી કાર્યરત છે. જમાઅત એક એવા સમાજનું નિર્માણ કરવા માંગે છે જેમાં જુલમ અને અન્યાય, ગરીબી અને અજ્ઞાાનતા, સામાજિક અને આર્થિક અસમાનતા, અસુરક્ષા અને અસહિષ્ણુતા, અશ્લીલતા અને અશિષ્ટતા, બેઈમાની અને ભ્રષ્ટાચાર, અશાંતિ અને હિંસાને કોઈ સ્થાન ન હોય. તેના સ્થાને પ્રેમ અને હમદર્દી, ભાઈચારો અને સમાનતા, ધૈર્ય અને ક્ષમાશીલતા, માનવીય અને નૈતિક મૂલ્યો જીવંત હોય.

જમાઅતે ઇસ્લામી હિન્દે વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને ૨૧મી ઓગષ્ટ થી ૪ સપ્ટેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય સ્તરે “શાંતિ અને માનવતા” અભિયાન ચલાવવાનો નિર્ણય કરેલ છે. જેમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા સામાજિક માળખાને મજબૂત કરવા તથા દેશબંધુઓની અંતરાત્માને ઝંઝોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાન કેવળ ઔપચારિક અને પરંપરાગત ઢંગનું જાગૃતિ અભિયાન નથી, બલ્કે તેનો ઉદ્દેશ્ય સમાજમાં નક્કર તેમજ દૃષ્ટિગોચર, સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય પરિવર્તન લાવવાનો છે. તેનું લક્ષ્ય દેશના અંતરાત્માને અપીલ કરવાનું અને તેને ઢંઢોળવાનું છે. તેનાથી આગળ વધીને આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે રાષ્ટ્રીય સ્તરથી લઈને સ્થાનિક સ્તર સુધી સ્થાયી રૃપે એવી સંસ્થાઓની સ્થાપનાની દિશામાં આગળ વધવામાં આવે અને એવી પરંપરાઓનો પ્રસાર કરવામાં આવે, જે આ વિઘાતક જોખમના સામનો કરવામાં હંમેશા સહયોગ આપે.

આ અભિયાન અંતર્ગત ગુજરાત અને દેશભરના મોટા શહેરોમાં જુદા જુદા ધાર્મિક સંપ્રદાયો, શૈક્ષણિક સંસ્થાઓ, વૈચારિક મંચો સાથે ચર્ચાગોષ્ઠીના કાર્યક્રમો ઉપરાંત સેમિનાર, સિમ્પોઝીયમ તેમજ જાહેર કાર્યક્રમો અને રેલીઓનું પણ આયોજન થયું છે.

એક સંવેદનશીલ અને જાગૃત નાગરીક તરીકે આપણા સહુની જવાબદારી છે કે આપણે દેશના સામાજિક માળખાને મજબૂત બનાવવા પોતાની જવાબદારી નિભાવીએ અને આપણે સૌ પારસ્પરિક સહકાર આપી આ માનવી મુલ્યોનું જતન થાય તેવા પ્રયત્નો કરીએ, જેથી નાગરીકો વિશેરૃપ નવયુવાનોને કાયદાની સર્વોપરિતાનો અહેસાસ થાય અને તેઓ રચનાત્મક કાર્યો કરવા પ્રેરાય.

આશા છે આ અભિયાનને આપ સૌનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. અલ્લાહથી પ્રાર્થના છે કે દેશમાં શાંતિ, સોહાર્દ અને કોમી એખલાસને બહાલ કરવામાં તે આપણી મદદ કરે.

(લેખક જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાતના મીડિયા સેલના સેક્રેટરી છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments