લગ્ન પછી દરેક દંપત્તિની ઇચ્છા હોય છે કે ટૂંક સમયમાં જ તેમનો ખોળો ભરાઈ જાય. જરાક મોડું થાય છે તો એકસો પ્રયત્નો કરે છે, રડે છે, પ્રાર્થના કરે છે, દુઆઓ માગે છે, માનતાઓ માને છે અને ન જાણે શું શું કરે છે. ખુદા-ખુદા કરીને તેની ઇચ્છા પૂર્ણ થાય છે તો હૃદયનો અંકૂર ફૂટી જાય છે અને માંગેલી મુરાદ મળી જાય છે. અલ્લાહ તેનો ખોળો ભરે છે અને સુખનો સામાન આપે છે. સગા-સંબંધીઓ પણ આનંદિત થઈ જાય છે અને મિત્રો ભેટો આપવા લાગે છે.
નિઃશંક બાળક પોતાની સાથે અગણિત પ્રસન્નતાઓ લાવે છે. તેની સાથે ઘરમાં બરકત આવે છે. તેનો સુંદર-મીઠો ચહેરો સૌની આંખોને સુખ પહોંચાડે છે. માતા-પિતા પોતાના હૃદયના ટુકડાને આગળ વધતો જોઈને ઘણા ખુશ થાય છે. કદાચ તેમના માટે આનાથી વધીને કોઈ ખુશી નથી. માતા દિવસનો સુખ અને રાત્રીની નિરાંત ત્યાગીને પણ બાળકને ખુશ રાખે છે. ચહેરો જોઈને જ પિતાની બધી જ ગુંચવણ ગાયબ થઈ જાય છે. માતા-પિતાની જ નહીં, બાળના નિર્દોષ ચહેરાઓ અને તેમની ભોળી વાતો સાંભળીને કોનું હૃદય મોહી નથી લેતાં? કોણ છે જે તેઓને હસતા-રમતા જોઈને ખુશ નથી થતું? ગંભીરથી ગંભીર વ્યક્તિ પણ બાળકોની ભોળી હરકતો જોઈને આપમેળે હસી જાય છે. જન્નતના આ ફૂલોના ખીલવાથી દરેક ઘરમાં રોનક અને ચમનમાં વસંત આવી જાય છે. આસપાસ સુખના પવનો ચાલે છે. ખુશ્બૂ ફેલાવે છે અને દરેકને હસાવે છે. છોડ ખીલે છે, પક્ષીઓ ચીંચીં કરે છે, કળીઓ ચળકે છે અને ફૂલો હસે છે. અર્થાત્ આનાથી દરેક બાજુ સુખ અને આનંદની લહેર દોડી જાય છે.
બાળકના જન્મ ઉપર આ અસાધારણ પ્રસન્નતા અને આનંદ કોઈ કારણ વિના નથી –
* જન્નતનું આ ફૂલ વાસ્તવિક નિર્માતાની બનાવટનો ઉત્તમ નમૂનો અને અમૂલ્ય ભેટ છે.
* તેના કારણે ઘરમાં ભલાઈ અને બરકત આવે છે.
* માતા-પિતા વચ્ચે સંબંધ મજબૂત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
* તેનામાં અલ્લાહે અસાધારણ આકર્ષણ અને સંમોહન રાખ્યા છે.
* તેમનાથી મળીને આંખો ઠંડી, હૃદય સંતુષ્ટ અને દુઃખો દૂર થઈ જાય છે.
* તેના કારણે પરિવારનો ક્રમ જારી રહે છે.
* તે ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું કેન્દ્ર હોય છે. ભવિષ્યમાં તેનાથી વિવિધ અપેક્ષાઓ જોડાયેલી હોય છે.
સ્પષ્ટ છે, એવી કીંમતી ભેટ, એવી મૂલ્યવાન ને’મત અને ઇચ્છિત વસ્તુ મેળવીને કોણ કમનસીબ ખુશ અને આનંદિત નહીં હોય? પરંતુ સુખોની સાથે બાળક અગણિત જવાબદારીઓ પણ લાવે છે –
* સંતોષપૂર્વક તેના પાલન-પોષણ કરવું.
* પ્રેમ-મહોબ્બતનો વર્તાવ કરવો.
* પ્રેમ અને સહાનુભૂતિથી તેનું શિક્ષણ-પ્રશિક્ષણ કરવું.
* ક્રમશઃ સારી ટેવોની પ્રકટીસ કરાવવી.
* વિવિધ પ્રસંગોના શિષ્ટાચાર અને રીતભાત બતાવવા.
* ઉદાર અને નમ્ર વર્તણૂક શીખવવી.
* આસ્થાઓ (અકીદાઓ) પીરસ્વું, વર્તન સુધારવું અને ચારિત્રને સુંદર બનાવવું.
* તેના આરોગ્ય અને આરામ, પ્રગતિ અને સફળતાની ચિંતા અને પ્રયત્ન કરવા.
આ તે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ છે, જે બાળકની ભલાઈ અને હિત માટે માતા-પિતા ઉપર આવે છે. કદાચ જ કોઈ પિતા એવો હશે, જેને આ જવાબદારીઓનો અહેસાસ ન હોય અને તે આ જવાબદારીઓને પૂરી કરવાની ઇચ્છા ન રાખતો હોય. પોતાની સંતાન ઉપર પ્રાણ નિછાવર કરવા તો એક કુદરતી વાત છે, ઇરાદાપૂર્વક કોણ બેદરકારી કરશે? પિતા જ એ વ્યક્તિ છે જે સંતાનને પોતાનાથી પણ વધીને જોવા ઇચ્છે છે. પરંતુ એવા નસીબદાર ઓછા જ હોય છે, જેઓની આ મહેચ્છા પૂરી થાય છે અને તેઓ પોતાની જવાબદારીઓ પૂરી કરે છે; કારણ કે માત્ર ઇચ્છાથી તો બધા કાર્યો પૂરા નથી થતા; આ જરૂરી છે કે અત્યંત કઠોર પરિશ્રમ સાથે શિક્ષણ-પ્રશિક્ષણની એક ઉત્તમ પદ્ધતિ પણ અપનાવવામાં આવે. જ્યારે માતા-પિતામાં જ ઉણપ અને ભૂલ હશે તો કોઈ સારા પરિણામની ઉમ્મીદ ન કરી શકાય.
નિષ્ફળતાના કારણો
બાળકોના પર્યાપ્ત શિક્ષણમાં સામાન્ય રીતે કેમ નિષ્ફળતા મળે છે? આનું કારણ નીચે મુજબ છે –
(૧) શિક્ષણ ખૂબ જ ધીરજ અને સખત કાર્ય છે. આ કાર્ય જેટલી લગન, સહાનુભૂતિ અને કઠોર પરિશ્રમ માંગે છે, તેના માટે વ્યવહારિક સ્વરૃપથી ઘણા ઓછા લોકો તૈયાર હોય છે.
(૨) સામાન્ય રીતે બાળકોની વય અને યોગ્યતાઓથી વધારે તેમનાથી આશા કરવામાં આવે છે અને જ્યારે તેમનાથી વારંવાર ભૂલો થાય છે અને વિકાસની ગતિ પણ આશાની અપેક્ષા ઘણી ધીમી જોવાય છે તો સ્થિતિમાં સુધાર તરફથી નિરાશ થઈને લોકો સામાન્ય રીતે ન માત્ર પોતાના પ્રયત્નો ઓછા કરી દે છે બલ્કે પોતાના વલણ અને વર્તાવથી બાળકોને પણ નિરાશ અને હતાશાનું ભોગ બનાવે છે અને જેથી બાળકોમાં આત્મવિશ્વાસ જરાય બાકી નથી રહેતો.
(૩) સમગ્ર સમાજ બગાડનો ભોગ બનેલો છે. વડીલોના ખોટા નમૂના અને સમાન વયના યુવાનોની સંગતના મહેસૂસ ન થાય એવો પ્રભાવ બાળકો સતત ગ્રહણ કરતા રહે છે. તે માટે સારા-ભલા માતા-પિતાના બાળકોમાં પણ જાણીબૂજીને અથવા અજાણતામાં વિવિધ પ્રકારની ખરાબીઓ જડ પકડી લે છે.
(૪) જે બાળકોની પણ તપાસ કરો, આ જ માલૂમ પડશે કે અમુક લોકો જો બનાવવાનો પ્રયાસ કરે છે, તો ઘણા લોકો તેમને બગાડવામાં લાગેલા રહે છે.
(૫) જીવનની જરૂરતો હવે સીમિત નથી રહી અને તેમની યાદી ખૂબ જ મોટી બની ગઈ છે. અર્થવ્યવસ્થા અને આર્થિક માળખું દિવસે-દિવસે જટીલ થતું જાય છે. તેથી, જરૃરિયાતો પૂરી કરવા માટે દોડવાથી રજા નથી મળતી. બાળકોને શિક્ષણ તરફ ધ્યાન અપાવવાનું સૌભાગ્ય ક્યાંથી મળશે.!
(૬) પર્યાપ્ત શિક્ષણ માટે જે યોગ્યતા અને કૌશલ્યની જરૃર છે, ઘણીવાર લોકો તેનાથી વંચિત રહે છે. તેથી તેમના પ્રયત્નો સફળ થવાને બદલે ઘણીવાર વિપરીત થાય છે.
(૭) માતા-પિતા વચ્ચેના સંબંધમાં બગાડ, અલગતા, મૃત્યુ, ગેરહાજરી અથવા ઘરેથી દૂરી વિગેરે પણ બાળકોના પર્યાપ્ત શિક્ષણમાં ઘણો વધારે અવરોધ બને છે.
(૮) ખામીયુક્ત જીવન-વ્યવસ્થાએ માનવજીવનના મૂલ્યોને બદલી નાંખ્યો છે. ભૌતિકતા અને ઉપભોકતાવાદ મનુષ્યના મન-મસ્તિષ્ક ઉપર એટલા વધી ગયો છે કે બાળકોની દુનિયા બનાવવા અને તેમના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સારા-ભલા લોકો પોતાના જિગરના ટુકડાને ઈમાન, આચરણ અને ચારિત્ર્યને પોતાના હાથે શેતાનની ભેટ ચઢાવી દેવાથી અટકતા નથી.
(૯) કેટલાય લોકો પોતાની આર્થિક મુશ્કેલીઓ, બીમારીઓ અથવા બીજી વાસ્તવિક અનિવાર્યતાઓ અને મજબૂરીઓના કારણે પોતાના બાળકોને શિક્ષણ-પ્રશિક્ષણ આપી શકતા નથી અને કોઈ પણ દિશાથી તેમને આ સંબંધમાં કોઈ મદદ પણ નથી મળી શકતી, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ અને ઉપભોકતાવાદે કૌટુંબિક વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી દીધી છે. સામાજિક બંધન પણ ઢીલા પડી ગયા છે. તેથી માતા-પિતાની મજબૂરી, લાચારી અને બેદરકારીની સ્થિતિમાં પરિવારના બીજા લોકો આ બોજને સહન કરવા માટે ન તો પોતે તૈયાર હોય છે, ન સમાજ તેમને મજબૂર કરે છે અને ન પોતે સમાજ તે બાળકોની કોઈ પર્યાપ્ત વ્યવસ્થા કરે છે.
(૧૦) બાળકોને વ્યસ્ત રાખવા અને તેમની રજાઓના દિવસોને ઉપયોગી કાર્યોમાં લગાવવા માટે ન તો મનોરંજક અને રચનાત્મક કાર્યોની કોઈ પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવે છે અને ન જ અનુકૂળ રમતો વિગેરેની કોઈ પર્યાપ્ત વ્યવસ્થા હોય છે, તેથી બાળકોની યોગ્યતા ખોટી દિશામાં ચાલી નીકળે છે. તેઓ આવારાગર્દીનો ભોગ બની જાય છે અને વિવિધ પ્રકારના ખોટાં અને અશ્લીલ કૃત્યો કરવા લાગે છે.
(૧૧) સમાજમાં વધતી અશ્લીલતા, નગ્નતા, મુક્ત નૈતિક ગેરવર્તણૂક, આંખોને લોભાવનારા સમ્મોહક દૃશ્યો, અશ્લીલ સાહિત્ય, ખરાબ ચિત્રો, ઘૃણાસ્પદ પોસ્ટરોની અતિશયતા, ગંદી ફિલ્મો, વાર્તાઓ અને નવલકથાઓની વિપુલતા વગેરે સામાન્ય સુધારણા પ્રયત્નો ઉપર પાણી ફેરવી દે છે.
(૧૨) બાળકોના વ્યક્તિત્વ ઉપર ઘર, સ્કૂલ, પર્યાવરણ અને વ્યવસ્થાપન વગેરે દરેકનો કંઈક પ્રભાવ પડે છે. પર્યાપ્ત અને સ્તરીય શિક્ષણ માટે આ બધામાં પરસ્પર સહયોગ અને સંપ જરૂરી છે. પરંતુ અહીં આ વસ્તુ દુર્લભ છે. પરસ્પર સહયોગ અને સંપની વાત તો દૂર અહીં તો લગભગ બધાના પ્રયાસોની દિશા જુદી છે. ઘરના લોકો ચિંતા અને પ્રયત્ન કરે છે તો સારી સ્કૂલો નથી મળતી. સ્કૂલ પોતાની જવાબદારી મહેસૂસ કરે છે તો બીજાઓનો સહયોગ પ્રાપ્ત નથી થતો. મોટે ભાગે બાળકો તણાવ અને ગૂંચવણનો ભોગ બની જાય છે.
લાપરવાહીના દુષ્પરિણામો
શિક્ષા-દિક્ષાની તરફ લાપરવાહી ન ફક્ત બાળકો અને એમના પરિવારો માટે, પરંતુ દેશ અને સમાજ માટે પણ અત્યંત ઘાતક અને નુકસાનકારક સાબિત થાય છે, કેમ કે,
* બાળકો નઠારા અને નકામા થઇ જાય છે. તેમની નૈસર્ગિક તાકતો અને ક્ષમતાઓ યા તો હતાશ થઇ જાય છે અને સંકોચાઈને રહી જાય છે યા ખોટી દિશા અપનાવી લે છે.
* જાત જાતની ખરાબીઓ અને બદચલનમાં ફસાઈને બાળક દીન અને દુનિયા(લોક-પરલોક) બંને તબાહ કરી નાખે છે. ઔ* આંખોની ઠંડક અને વૃદ્ધાવસ્થાની લાકડી બનવી તો દૂર, ઊલ્ટાનું કાંટા બનીને ખટકે છે અને મા-બાપ પર ભાર બનીને રહે છે.
* બાપ-દાદાની ભેગી કરેલી દૌલત ખૂબ જ લાપરવાહીથી ઉડાડી દે છે.
* પરિવારની આંખ અને ચિરાગ હોવાને બદલે એનું નામ ડુબાડે છે.
* પોતાના ખરાબ ચાલ-ચલન થી ઇસ્લામ અને મુસ્લિમ સમુદાયને બદનામ કરે છે.
* અપરાધકર્મી બનીને બધા માટે માથાનો દુઃખાવો બને છે અને દેશ અને સમાજને જાત જાતની રીત થી નુકસાન પહોંચાડે છે.
* સમુદાય સજ્જન લોકોથી, સમાજ સાચા સેવકોથી અને દેશ આદર્શ નાગરીકોથી વંચિત રહે છે.
* એના માટે સરકારને જેલો, અદાલતો, પોલીસ ચોકીઓ અને હોસ્પિટલો વગેરે પર ઘણા નાણાં ખર્ચ કરવા પડે છે.
* દેશની અર્થ વ્યવસ્થા તથા સામાજિક અને નૈતિક આચરણ માટે તે નિષ્ફળ સાબિત થાય છે. મતલબ એ કે જન્નતના તે ફૂલ જે ખુશ્બૂ ફેલાવવા માટે ખીલ્યા હતા અને શરૃઆતમાં હર એકની ખુશી અને આનંદના સ્ત્રોત હતા, લાપરવાહી અને બેફિકરાઈના પરિણામે ગંદકીના ઢગલા બની જતા અને પોતાના કુકર્મોની અસહ્ય દુર્ગંધથી બધાના નાકમાં દમ લાવી દે છે અને આ રીતે બેફિકરાઈ અને લાપરવાહીનો બદલો પ્રકૃતિ દરેકથી લે છે.
આનાથી વિરુદ્ધ બાળકની શિક્ષા-દિક્ષા પર સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે તો –
* એમની યોગ્યતાઓ વિકસિત થાય છે, ચરિત્રમાં નિખાર આવે છે અને દીન-દુનિયામાં એને ઉન્નતિ અને સફળતા મળે છે.
* એ ઉદ્દેશ્યની પૂર્તિમાં યોગદાન અને સહયોગ મળે છે, જેના માટે અલ્લાહે તેને આ ધરતી પર મોકલ્યો છે.
* તે પોતાની વ્યક્તિગત, પારિવારિક અને સામૂહિક જવાબદારીઓ સંભાળવા માટે યોગ્ય થઈ જાય છે.
* તે અલ્લાહના નેક અને સારા બંદા, સમાજના સાચા સેવક અને દેશના વફાદાર તથા આદર્શ નાગરિક બને છે.
* એમનું અસ્તિત્વ ખુદ એમનું પોતાનું, પોતાના દેશ અને સમુદાય માટે ભલાઈ અને ઉન્નતિનું કારણ હોય છે.
* સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં એમની પ્રતિભાઓ અને યોગ્યતાઓથી સહયોગ મળે છે.
* દેશની અર્થવ્યવસ્થા અને આવકમાં વૃદ્ધિ થાય છે અને સરકારના ખર્ચામાં કમી આવે છે.
મતલબ એ કે સંપૂર્ણ શિક્ષા-દિક્ષા પર ખર્ચ કરવામાં આવેલી તાકત, મહેનત અને દૌલત દરેક માટે ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ અફસોસ છે આપણી લાપરવાહીઓ અને રાજનેતાઓની દૂરદર્શિતાના લીધે સમગ્ર જગતમાં એવી શિક્ષણ-પ્રશિક્ષણ પ્રણાલી પ્રચલિત થઇ ગઈ છે, જે આપણા વિભિન્ન પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો, વિષયો, પાઠ્યપુસ્તકો, સહાયક પુસ્તકો, પાઠ્ય સહગામી ક્રિયા-કલાપો અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા યા તો ઈશ પરાયણતા, જવાબદારીની ભાવના અને નૈતિક મૂલ્યોની રક્ષા કરવાની કળા શીખવાડવાના બદલે ઈશ વિમુખતા, નાસ્તિકતા, પરલોકની પૂછગછથી નિર્ભયતા અને ઉચ્ચ માનવ મૂલ્યોનો અનાદર કરતા શીખવાડે છે અથવા બહુદેવવાદ અને અંધવિશ્વાસ, પક્ષપાત અને દ્રષ્ટિ સંકિર્ણતા, રાષ્ટ્રીય અને જાતીય પક્ષપાત, સ્વાર્થ અને આત્મ પ્રદર્શન અને ભોગ-વિલાસમાં ફસાઈ જાય છે અને તે આર્થિક પ્રગતિ અને આર્થિક સંપન્નતાને જ અંતિમ લક્ષ્ય માને છે, પરંતુ ચરિત્ર નિર્માણ અને આચરણના સુધારની તરફ કોઈ ધ્યાન નથી આપતું.
સ્પષ્ટ રીતે આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં જ્યાં સુધી મૌલિક પરિવર્તન અને સુધારો નહીં કરવામાં આવે, તેના અંતર્ગત વિકસિત થતી જતી પેઢીથી સામાન્ય રૃપે કોઈ પણ ભલાઈની આશા રાખવી વ્યર્થ છે. હા, ખરાબી અને સંકટની આશંકાઓ હંમેશાં બની રહેશે. બધી ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ, જે સમુચિત શિક્ષા-દિક્ષાની ધ્વજવાહક અને અજ્ઞાાનતાના અંધકારમાં પ્રકાશની દીવાદાંડી રહી છે. અને જેનાથી ખરા માર્ગ તરફ બોલાવવું અને માર્ગદર્શનના ઝરણાં ફૂટતા હતા અને ખુદાના બંદાઓને લાભ પહોંચતો હતો, તે પણ હવે પોતાની સંવેદનહીનતા, મુસ્લિમ સમુદાયની લાપરવાહી, પારકાઓની દુશ્મની, અસત્યવાદી તાકાતની પ્રબળતા, ધાર્મિક સ્વાભિમાન અને ગૌરવનો અભાવ, ત્યાગ અને નિઃસ્વાર્થ ભાવની ખામી, શિક્ષકોની શિક્ષા સંબંધી અને વ્યવહારિક લાપરવાહી અને શિક્ષણ-પ્રશિક્ષણની કળાથી અનભિજ્ઞાતા, ધાર્મિક અને સાંસારિક જ્ઞાાનના વચ્ચે વ્યવહારિક રૃપથી ભેદભાવ અને પોતાના એકાંગી અને ઘસાયેલા જૂના પાઠ્યક્રમ અને શિક્ષા વ્યવસ્થાના લીધે સંકુચિત અને કુંઠિત થઇ રહી છે અને એની ઉપયોગિતા દિવસે દિવસે ઘટતી જઈ રહી છે અને એમનો પ્રભાવ ક્ષેત્ર સાંકડો થતો જઈ રહ્યો છે.
તેથી આ પરિસ્થિતિની માંગ એ છે કે તમામ લોકો અને બધી શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ-પ્રશિક્ષણના સુધારા તરફ ધ્યાન આપે અને વ્યક્તિગત અને સામૂહિક રીતે જે કંઇ પણ કરી શકીએ છીએ, એમાં જરા પણ કંજૂસી અને મોડું ના કરીએ. અસાધારણ કઠોર પરિશ્રમ, સાહસ અને દૃઢતાથી જ પરિસ્થિતિને પહોંચી વળીશું અને એની દિશા બદલી શકીશું. પરિસ્થિતિ નિઃશંકપણે અત્યંત મુશ્કેલ છે અને આત્માને હચમચાવી નાંખનાર અને હિંમતને તોડી નાખનારી છે અને દેશ સ્પષ્ટ રૃપથી કોઈ ક્રાંન્તિકારી સુધારણા અને પરિવર્તન માટે તૈયાર દેખાતો નથી. બહુમતી સમુદાય ક્યાં તો ભૌતિકવાદ અને ઉપભોકતાવાદ અથવા પશ્ચિમી પ્રભાવનો ભોગ છે અથવા રૃઢિચુસ્ત માનસિકતાનો. તે ક્યાં તો આંધળો બનીને પશ્ચિમની સંસ્કૃતિ પાછળ ચાલી રહ્યો છે અથવા પરત ફરવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યો છે. તે પોતે પણ આ પૂરના સમાપ્ત થવા માટે ન તો તૈયાર છે પરંતુ આપણને પણ તેમાં વહાવી લઈ જવા ઇચ્છે છે.
અહીં મુસ્લિમ-સમુદાયની પરિસ્થિતિ આ છે કે તેમાં સંગઠન અને એકતાનો અભાવ છે, તેઓ નાના-નાના અને બિનજરૂરી મતભેદોમાં ઉલઝી રહ્યા છે. તેના સંસાધનો અને સાધનો મર્યાદિત છે, હિંમત અને નિર્ધારણ શક્તિ લુપ્ત થઈ ગઈ છે અને તેઓ અત્યંત નબળી દિશામાં આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ સાર્વભૌમિક ક્રાંતિને આહ્વાન કરવું ગાંડપણ અને નકામી વાતો સમજવામાં આવશે. પરંતુ જે પૂરમાં આપણે ઘેરાયેલા છીએ, તેની સાથે વહેતા સમુદાયનું અસ્તિત્વ પણ મીઠાની જેમ ઓગળી જશે અને દેશના લોકોનું ચારિત્ર સંપૂર્ણપણે વિનાશ તરફ ધસી રહ્યું છે. પછી આના સિવાય કોઈ રસ્તો ક્યાં છે કે દેશ અને સમુદાય આવનારી પેઢીઓને વિનાશથી બચાવવા માટે બહાદુરોની જેમ ઊભા થઈ પૂરની દિશા બદલવાનો સખત પ્રયાસ કરે. તેમાં જ આપણા માટે દરેક પ્રકારની ભલાઈ અને વિજય છે.
(ઉર્દુ પુસ્તક “ફન્ને-તાલીમ વ તરબિયત” પ્રકરણ 1થી સાભાર)
લેખક – અફઝલ હુસૈન