Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસદ્ભાવના પર્વ - ૭ કૈલાશ ગુરૃકુલ મહુવા

સદ્ભાવના પર્વ – ૭ કૈલાશ ગુરૃકુલ મહુવા

સાથીઓના આગ્રહને વશ થઈ તારીખ ૪ થી ૬ જૂન ૨૦૧૫ના દિવસોમાં કૈલાશ ગુરૃકુલ મહુવા ખાતે આદરણીય મોરારી બાપુના સાનિધ્યમાં “સદ્ભાવના પર્વ – ૭” ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ. સુંદર મજાનું રમણીય વાતાવરણ, ચારેય બાજુ હરિયાળી, આંબાના વૃક્ષો પર લચી પડતી કેરીઓ, શાંત અને આધ્યાત્મિક આહલાદક વાતાવરણ, સખત ગરમીને અનુરૃપ એ.સી. હોલ અને રહેવા માટેનો રૃમ, ચારેય તરફ સ્વચ્છતા ઉડીને આંખે વડગે, શુદ્ધ સાત્વિક-સ્વાદિષ્ટ ભોજન, એટલી જ સુંદર ભોજન કરવાની વ્યવસ્થા, સ્વૈચ્છાએ પળાતુ અનુશાસન-ડીસીપ્લીન જે માટે સંજય તુલા, તેમની ટીમ અને મોરારી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ.

“સદ્ભાવના પર્વ – ૭”નો કેન્દ્રીય વિષય ‘ભારતની વિભાવના’ જેના અનેક પાસાઓ ઉપર રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત વકતાઓ દ્વારા ખુબજ મનનીય અને માહિતી સભર વકતવ્ય, પ્રબુદ્ધ શ્રોતાગણ દ્વારા પ્રશ્નોત્તરી, મણીપુર ઉપર સંદેશ આપતું એકપાત્રીય લાગણીસભર અભિનય, માનનીય સુબ્બારાવજીના ભારત દેશને વિવિધ જાતીઓ અને અનેક સંસ્કૃતિઓ સાથે જોડતા સુંદર મજાના ગીતો, સામાજીક ન્યાય અને સત્ય ઉપર આધારિત આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટરી ફિલ્મો, આનંદ પટવર્ધન અને જાણીતા કર્મશીલ ઇંદુકુમાર જાનીનુ એવોર્ડ દ્વારા સંમાન, સંજય તુલાના વિશ્વગ્રામના કાર્યોનો પ્રતિભાવ સ્વરૃપે રિપોર્ટ અને અંતે મોરારી બાપુનું સમાપન પ્રવચન એટલે “સદ્ભાવના પર્વ – ૭”ને ખુબજ સફળ બનાવવાનું સુંદર સમન્વય.

“સદ્ભાવના પર્વ – ૭”માં ખુબજ જાણવાનું અને સમજવાનું થયું. કેન્દ્રીય વિષય ‘ભારતની વિભાવના’ના અનેક પાસાઓ તેની રસપ્રદ માહિતી, વિષયને સમજવાનો નવી દિશાઓ, તેના માટે અપેક્ષિત માર્ગ તૈયાર કરવાની રૃપરેખા જે માટે સંવાદ અતિ મહત્વનો, સદ્ભાવના માટે અનેક ટૂલનો ઉપયોગ જે આપણને સમસ્યાને સમજવા અને તેના ઉકેલ માટે કાર્યરત થવાનું બળ અને તેની પુરેપુરી સમજ પુરા પાડે. “સદ્ભાવના પર્વ – ૭”ના સમાપન પછી તેમાં હાજર શ્રોતાઓ પોત-પોતાના વિસ્તારમાં પોતાના કાર્યો દ્વારા સદ્ભાવના પ્રગટાવે એ જ કાર્યક્રમની સફળતા.

“સદ્ભાવના પર્વ – ૭”ને માણ્યા પછી બે થી ત્રણ દિવસ સુધી વિચારોનું મનોમંથન ચાલવું રહ્યું. વિચાર્યું કે સદ્ભાવના પર્વની મારી સમજ મુજબ સમિક્ષા કરી વિચારોને અક્ષરોનું સ્વરૃપ આપું કે જેથી અન્ય લોકો અને વાચકો પણ તેને માણી શકે.

“સદ્ભાવના પર્વ – ૭”માં ખુબજ સુંદર સારા વિચારો પિરસવામાં આવ્યા. શ્રોતાજનો પણ કર્મશીલો, સંસ્કારી અને ધાર્મિક લોકો પર આધારિત એટલે કે સારા લોકો દરમ્યાન સારા વિચારોનો આદાન-પ્રદાન થયું. જે ખુબજ અપેક્ષિત અને આવશ્યક છે. પરંતુ આ વિચારોને વસ્તિ મોહલ્લા અને લોકો સુધી લઈ જવાની જરૃર છે. જિલ્લે-જિલ્લે, તાલુકે-તાલુકે આવા કાર્યક્રમો કરવાની જરૃર છે. લોકો સારી વાતોને ફેલાવવા માટે તૈયાર છે. આ ભાવનાનો ઉપયોગ કરવાની જરૃર છે. લોકોની બુરાઈને ખોટા કાર્યોને રોકવા માટેની તૈયારીઓ ઓછી છે. જે માટે તેમને તૈયાર કરવાની જરૃર છે. આમ પણ જીવનમાં સારા વિચારો ખૂબજ મોડા આવે છે. જયારે આવે છે ત્યારે કર્મ કરવાનો સમય અને શક્તિ ખુબજ ઓછા બચે છે. તેથી યથાશક્તિ, યોગ્યગતિએ, નિરંતર સત્કર્મ ફેલાવવાનું કાર્ય કરવું જ જોઈએ.

વિદ્વાન વકતા સઈદ નકવીએ ભારતની વિભાવના ઉપર બોલતા જણાવ્યું કે ઊર્દુ અને હિંદી જાણે ભાષા એક અને લીપી બે હોય તેવું જણાય છે. અંગ્રેજી રોજીરોટીની ભાષા છે. ભારતના ઇતિહાસને ગંભીરતાથી વાંચે તો ઇતિહાસ છે અને બજારમાં સાભળીએ તો ગોસીપ લાગે. ભારતને સમજવા ભારત ભ્રમણ કરવું જરૂરી છે. તેના વગર સમજમાં નહીં આવે. દરેક ધર્મ એક કલ્ચર એકઝીક્યુટ કરે છે જે આપણા દેશની મૂડી છે. હાલના શાસકો સમજયા-વિચાર્યા વગર દેશને બનાવવામાં લાગી ગયા છે. આપણા સહુને જોડવા માટે ઘણુ બધુ છે. તોડવા માટે રાજનીતિ છે. આપણા સહુને લક્ષ્મી એટલી બધી સારી લાગે છે કે આપણે સરસ્વતીને બંધ કરી દીધી છે. અંતમાં કહ્યું કે સદ્ભાવના માટે મીડિયા અતિ મહત્વનો છે. તમે જે કંઇ સારી પ્રવૃત્તિ, સદ્ભાવનાની પ્રવૃત્તિ દિનભર કરો છો સાંજે મીડિયા કર્યા ઉપર પાણી ફેરયા નાંખે છે. તેથી વાસ્તવિક મીડિયા હોવવું અતિ આવશ્યક છે.

પ્રખર ગાંધીવાદી પી. રાજગોપાલે પર્યાવરણ ઉપર વિદ્વતાપૂર્ણ પ્રવચન કરતા જણાવ્યું કે લોકો પ્રત્યેક્ષ વાયોલેન્સની ચર્ચા ખૂબજ કરે છે પરંતુ પરોક્ષ વાયોલેન્સની ચર્ચા ક્યાંય નથી થઈ રહી. જેની ઉપર ચર્ચા કર્યા વગર સુંદર ભારતનું નિર્માણ કેવી રીતે કરી શકાય? ચંબલમાં ખૂબજ અત્યાચાર થયો તો અન્યાયને કારણે બંદુકો ઉઠાવવામાં આવી. ખૂબજ ઝડપથી જીવનના સંસાધનો હાથોમાંથી જઈ રહ્યા છે. જર-જમીન-જંગલને મસલ પાવરથી છીનવામાં આવી રહ્યા છે. બ્યરોેક્રેશીમાંથી સંવેદના સમાપ્ત થઈ ગઈ છે. ગામડાઓને નિર્દયતાપૂર્વક બરબાદ કરીને શહેરોનું નિર્માણ થઈ રહ્યું છે. ૪૦ હજાર ગામડાઓ નકશામાંથી ગાયબ થઈ ગયા છે. ગૌચરની ક્યાં વાત કરો છો કબ્રસ્તાન, મર્ગટ અને તળાવો પણ નથી રહ્યા. ૧૭ હજાર લોકો દર વર્ષે આત્મહત્યા કરી રહ્યા છે. આદિવાસીની જમીન તેમના આત્મસમ્માન, ઓળખ અને સુરક્ષાને માટે તેમજ અનાજની સુરક્ષાની માટે પણ જમીન સાચવવી ખુબજ જરૂરી છે. લોકો ભૌતિકવાદી થઈ ગયા છે. તેમને માત્ર બજાર દેખાય છે. તેમનું મન નાનું અને મગજ મોટું થઈ ગયું છે. ચંદ્ર ઉપર જવું છે પણ પાડોશીની ખબર નથી. બજાર જ્યારે યુનિવર્સિટી, કોલેજો અને આઈ.ટી.આઈ. બનાવશે તો શું તૈયાર કરશે તે ખુબજ ગંભીર બાબત છે. આપણા બાળકો આવનારી નસલ અને આપણું ભવિષ્ય મનુષ્ય બની શકે એવી સ્કૂલ અને યુનિવર્સિટીમાં મોકલવા જોઈએ. ભારતીય સંસ્કૃતિ ૬ હજાર વર્ષ પ્રાચીન છે અને આપણે માત્ર ૫૦૦ વર્ષ જુની અમેરિકન સંસ્કૃતિની આંધળી નકલ કરી રહ્યા છે. જે આપણી નરી બેવકૂફી કહેવાય. આપણા ડિફેન્સના બજેટનો એક ટકા આપણે શાંતિ માટે ખર્ચવો જોઈએ. નોન-વાયોલેન્સ પ્રોટેસ્ટમાં પોલીસ કેમ બોલાવવામાં આવે છે. તેમની સાથે વાતચીત કરવી જોઈએ. નોર્વેએ નક્કી કર્યું કે ક્રાઈમ રિપોર્ટ બંધ કરી દઇએ અને જેલોને સુધારણા ગ્રૃહો બનાવવા જોઈએ. આશ્ચર્યજનક પરિણામ એ આવ્યું કે ૫૦ ટકા ક્રાઇમ ઓછું થઈ ગયું.

આર.ટી.આઈ. એક્ટિવેસ્ટ અરુણા રોય અને તેમની ટીમે રાજસ્થાનના નાના ગામડા અને કાચા મકાનમાં રહીને ભારતને મજબૂત અને પાકા બનાવવા માટે આર.ટી.આઈ. અને અન્ય કાયદાઓ માટે કેવી રીતે લડત ચલાવવી તેનું વિસ્તૃત દર્શન કરાવ્યું. તેમની ટીમ દ્વારા લોકબોલીના સંદેશાત્મક અને પોતાના અધિકારોની લડત ચલાવતા જુસ્સા ભર્યા ગીતો દ્વારા કાર્યક્રમમાં પ્રાણ પુરી દીધા. તેમજ શ્રોતાઓમાં પણ ગજબનો જુસ્સો ભરી દીધો. આર.ટી.આઈ.ના લાભો અને તેના દ્વારા લોકોને પોતાના અધિકારો પ્રાપ્ત થયાની વિગતો આપતા જણાવ્યું કે વર્તમાન સરકાર આજે આર.ટી.આઈ.ને બંધ કરવા કે તેના સ્વરૃપમાં ફેરફારો કરવાના ખરાબ વિચારો કરી રહી છે. આપણે ફરી આપણા અધિકારની લડાઈ માટે જાગૃત થઈ એક સાથે લડત ચલાવી પડશે.

આનંદ પટવર્ધનની ડોક્યુમેન્ટ્રી ફિલ્મોએ શ્રોતાઓને જકડી રાખ્યા. સત્ય અને ન્યાય ઉપર આધારિત ‘રામ કે નામ’ અને અન્ય ફિલ્મો દ્વારા આજે આટલા વર્ષો પછી પણ સત્ય જાણવા મળ્યું તેના માટે આનંદ પરવર્ધનને ધન્યવાદ આપવા પડે. તેમની ડોક્યુમેન્ટ્રી ફિલ્મોનો સેટ અમે સાથે લાવ્યા છે. તેને જોયા પછી અનેક અસત્યના પડદાઓ ઉચકાશે અને સત્યના દર્શન કરી શકીશું. તેમને એવોર્ડ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા જે ખુબજ યોગ્ય લાગ્યું. તેમની વર્ષોની મહેનતને એવોર્ડ દ્વારા થોડીક સરાહના થઈ. તેને તેમણે વધારે મહેકાવી દીધી. તેમણે અર્પણ કરાયેલા ચેકની રકમ તેમણે ‘કબીર કલા મંચ’ના નિર્દોષ કલાકારોને છોડાવવા માટે દાન કરીને માનવતાને મહેકાવી દીધી.

ગુજરાતના જાણીતા કર્મશીલ માનનીય ઇન્દુ કુમાર જાનીને જીવન પર્યંત તેમણે કરેલા કર્મો બદલ એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવ્યું જે ખુબજ જરૂરી હતું. સાથે જ તેમની અર્ધાંગીનીને પણ સ્ટેજ ઉપર બોલાવી માન-સમ્માન આપવામાં આવ્યા જે કર્મશીલની પાછળ હંમેશા મદદમાં રહેતી સેવાભાવી પ્રવૃત્તિઓને શ્રોતાઓએ પણ ખુબજ બિરદાવી. જાની સાહેબની નિખાલસતા ઉપર વારી જવાય એમ છે જ્યારે બોલવાનું થયું તો તેમણે ૨૦૦૨ની ઘટનાની યાદ ફરી તાજી કરી. જે તેમણે ખુબજ નજીકથી જોઈ અને અનુભવી છે. તેમના જીવન ઉપર તેની એટલી ઊંડી અસર જોઈ શકાય એમ છે કે જ્યારે પણ ક્યાંય બોલવાનો થાય છે તો જાની સાહેબ ૨૦૦૨ની ઘટનાને ચોક્કસ યાદ કરે છે. જાની સાહેબને એવોર્ડ દ્વારા સમ્માન કરવામાં આવશે તે જાણીને કાર્યક્રમમાં જવાનું લગભગ મારું નક્કી થઈ ગયું હતું. જે ખરેખર ખુબજ સાર્થક થઈ કહેવાય.

મારા દ્રદયને સ્પર્શતા લેખક ચંદુ મહેરિયાને સાંભળવાનો લ્હાવો મળ્યો તેનો ઘણો આનંદ થયો. પરંતુ માત્ર બે થી ત્રણ મિનિટ સાંભળવા મળ્યા તેનું દુખ પણ થયું. કદાચ સમયની મર્યાદા હોઈ શકે પરંતુ તેમ છતા ખરેખર સદ્ભાવના જન્માવવા શું કરવું જોઇએ તે તરફ હિંમતભેર અંગુલીનિર્દેશ કર્યો અને સમસ્યા ક્યાં છે તેની જળ વિશે પણ તેમણે જાહેરમાં બોલવાની હિંમત કરી જે બદલ તેમણે ખુબ ખુબ અભિનંદન.

“સદ્ભાવના પર્વ – ૭”માં ગાંધી, ગાંધીવાદ, હિંદ-સ્વરાજ છવાયેલા રહ્યા. દીપક સેલિયા સાહેબે ખુબજ મનનીય પ્રવચન કરતા જણાવ્યું, ગાંધીજીએ ધિકતી કમાણીમાં વૈભવ ભોગવીને સાદગી અપનાવી તેથી તેમને સાદગી ઉપર બોલવાનો અધિકાર હતો. ગાંધીજીએ હિંસાચાર નરી આંખે જોયો હતો. તેથી તેમને અહિંસા ઉપર બોલવાનો પુરેપુરે અધિકાર હતો. ગાંધીજીને જગતમાં માત્ર અન્યાય સામે વાંધો હતો. સત્યાગ્રહ જ તેમના મુખ્ય હથિયાર હતા.

મને લાગે છે કે ગાંધી વિચારો હવે માત્ર પુસ્તકો અને પ્રવચનોમાં નહીં ચાલે. ગાંધી વિચારોને ફેલાવવાનું કોઈ માધ્યમ આપણી પાસે નહીં. ગાંધી વિચારો આપણા જ દેશના યુવાનોને આકર્ષિત નહીં કરી રહ્યા. ગાંધીવાદ માટે કોઈ કેડર નથી દેખાતો. ગાંધીવાદને આપણે નેક્ટ જનરેશનમાં પણ નથી લઈ જઈ શક્યા. લખવામાં હિંસા થતી હોય તો માફ કરજો પણ આજે ગાંધીવાદીઓના ઘરોમાં પણ ગાંધીવાદને ક્યાંય સ્થાન નથી. નવી પેઢી ખુબજ ઝડપથી પશ્ચિમવાદને અપનાવી રહી છે. આઝાદી સમય જ્યારે કલકત્તાના નોઆખલીમાં કોમી તોફાનો થયા અને અનેક લોકોના જીવન હોમાયા ત્યારે ગાંધીજી ત્યાં પહોંચ્યા અને સર્વદયવાદી કાર્યકરોએ રિપોર્ટ આપ્યો કે આટલા હિંદુ અને મુસલમાન મર્યા. ત્યારે ગાંધીજીએ પુછયું તોફાનો રોકવા માટે આપણા કેટલા કાર્યકરો કુર્બાન થયા. માફ કરજો આજે ગાંધીવાદીઓ કુર્બાની માટે પણ તૈયાર નથી દેખાતા કે જે સફળતાની પુર્વ શરત છે. આજે ભારતમાં ગાંધીજીના હથિયારા ગોડસેનું મંદિર બાંધવામાં આવી રહ્યું છે. તેની પુજા કરવામાં આવી રહ્યું છે. આજે નાટકો દ્વારા ગાંધીવધને યોગ્ય ઠેરવવામાં આવી રહ્યો છે. હિંદ સ્વરાજના અપ્રસ્તુત હોવાના પ્રશ્ને દીપક ભાઈનો જવાબ પણ અપ્રસ્તુત જ કહેવાય. ઉત્તર આપતા જણાવ્યું કે હિંદ સ્વરાજ સમય પહેલા લખાઈ ગયું છે. ૫૦ વર્ષ પછી આપણને તેની સાર્થકતા જણાશે. શું કોઈ સમાજ સુધારક કે રાષ્ટ્રનું નિર્માણ કરનાર, સમસ્યાઓના ઉકેલ અને નિરાકરણનો એજન્ડા, વર્તમાનને સામે રાખીને લખે છે કે આવનારા ૧૦૦-૨૦૦ વર્ષ પછીના સમયને ધ્યાનમાં રાખીને લખે છે? ગાંધીજીની હયાતીમાં તેમના વિશાળ અનુયાયીઓના સમુહ કે જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા અગ્રણી શાસકો હતા ત્યારે હિંદ સ્વરાજને પ્રસ્થાપિત કરી ન શકાયો તો આજે ગાંધીજી અને દેશના અગ્રણી શાસકોની ગેરહાજરીમાં ગાંધીવાદ કે હિંદ સ્વરાજને પ્રસ્થાપિત કરવો ખુબજ મોટો પડકાર છે. પડકારને ઝીલનારાઓને શોધવા પડશે. ગાંધીવાદને રેંટીયા અને ખાદીમાંથી બહાર લાવવો પડશે. મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમીટોના આયોજન થયુ રહ્યું છે. દેશના શાસકો અને મુડીપતીઓ ગાંધીના નામને વટાવી રહ્યા છે. દેશ આજે ગાંધીવાદથી વિમુખ જઈ રહ્યો છે.

દેશમાં એક તરફ આદરણીય મોરારી બાપુની રામકથાઓ ખુબજ પ્રશંસા પામી રહી છે. ધરતી ઉપર, પાણી ઉપર અને હવામાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે. મોરારી બાપુની રામકથાએ સંખ્યાની દ્રષ્ટિએ રેકોર્ડ સર્જયો છે. જો પરવાનગી મળે તો મોરારી બાપુની પાકિસ્તાનમાં જઈને પણ રામકથા કરવાની તૈયારી છે. જ્યારે બીજી તરફ રામજન્મભૂમીના નામે દેશનો લોહિયાળ ઇતિહાસ લખાઈ રહ્યું છે. બાબરી મસ્જિદને ૧૯૯૨માં ધ્વસ્ત કરી દેવામાં આવી છે. ત્યારથી આજ સુધી રાજજન્મભૂમિ મંદિરના નામે અનેક લોકોના જીવન હોમાયા છે. મર્યાદા પુરુષોત્તમ રામના રામ-રાજ્યને પ્રસ્થાપિત કરવા માટે સાંપ્રદાયિક શક્તિઓ કાયદાને હાથમાં લઈ વાતાવરણને ડહોળી રહ્યા છે. રામરાજ્ય પ્રસ્થાપિત કરવાના ખરા હકદાર રામના સાચા અનુયાયીઓ અને ખરેખર ધાર્મિક ચરિત્ર ધરાવતા લોકો હોઈ શકે છે અને તેમનાથી જ એ આશા કરી શકાય એમ છે કે તેઓ ન્યાયીક વ્યવસ્થા માટે પ્રસિદ્ધ રામરાજ્યમાં ન્યાયની પ્રસ્થાપના કરશે. જેમાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો સુખ અને શાંતિપૂર્વક રહી શકશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments