માબાપ સાથે ભલું વર્તન
હઝરત અબૂહુરૈરહ રદિ. ફરમાવે છે કે એક માણસ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સેવામાં હાજર થયો અને તેણે પૂછયું: હે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મારા ભલા વર્તનનો સૌથી વધુ હક્કદાર કોણ છે? ફરમાવ્યું: તારી મા, તેણે પૂછયું પછી કોણ? ફરમાવ્યું તારી મા, તેણે ફરી પૂછયુંઃ એના પછી કોણ? ફરમાવ્યુંઃ એના પછી તારો બાપ.
ક્રોધમાં પોતાની જાતને કાબૂમાં રાખવી
હઝરત અબૂહુરૈરહ રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યુંઃ બળવાન એ નથી જે લોકોને ચિત કરી દે બલ્કે બળવાન હકીકતમાં એ છે જે ગુસ્સો આવે ત્યારે પોતાની જાતને કાબૂમાં રાખે.
વ્યવહારમાં નરમાશ, અને ઉદારતા દાખવવી
હઝરત જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું અલ્લાહ એ વ્યક્તિ ઉપર દયા કરે જે ખરીદ-વેચાણ તેમજ (કરજની) ઉઘરાણીમાં નરમાશ અને ઉદારતા દાખવે.
સગા સાથે સંબંધ વિચ્છેદના જવાબમાં સદ્વ્યવહાર
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ. ફરમાવે છે કે રસૂલુલ્લાહ (પયગમ્બર મુહમ્મદ) સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું ઃ સગા સાથે સદ્વર્તન કરનાર વ્યક્તિ એ નથી જે વ્યવહારની દૃષ્ટિએ એવું કરે બલ્કે સદ્વ્યવહાર કરનાર હકીકતમાં એ છે એવા સંજોગોમાં પણ સદ્વ્યવહાર કરે જ્યારે તેની સાથે સંબંધ કાપી નાંખવામાં આવ્યો હોય.
(બુખારી, કિતાબુલઅદબ)