Wednesday, June 12, 2024
Homeઓપન સ્પેસસમાજમાં સ્ત્રીનું સ્થાન અને તેની જવાબદારીઓ

સમાજમાં સ્ત્રીનું સ્થાન અને તેની જવાબદારીઓ

સ્ત્રી જે અડધી માનવતા છે, કુદરતનું સુંદર સર્જન અને સારો નમુનો છે. સભ્યતા અને સંસ્કૃતિનું ખુબસુરત કેન્દ્ર છે. તેના વિના માનવોના અસ્તિત્વનો વિચારસુદ્ધાં કરી શકાય નહીં. પરંતુ સ્ત્રીની આ મહત્ત્વની ભૂમિકા હોવા છતાં તેની દરેક સમયમાં ઉપેક્ષા કરવામાં આવે છે. દરેક સમયમાં તેના પર અત્યાચાર થયું છે અને દરેક સભ્યતામાં તેને તેના કાયદેસરના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યું છે. પછી તે ભલે તે યુનાન કે રોમની સભ્યતા હોય કે તે પછી ચીન કે ઇજિપ્તની. રોમની સભ્યતામાં સ્ત્રીનું સ્થાન ઘરના એક વાસણ જેવું હતું. પુરૃષને પુરો અધિકાર હતો કે તે જ્યારે ઇચ્છે ત્યારે તેને ઘરમાંથી હાંકી કાઢે. આમ સમાજમાં દરેક જગ્યાએ સ્ત્રી પર અન્યાય થઇ રહ્યું હતું. દરેક જગ્યાએ અન્યાય અને અત્યાચારની ભટ્ટીમાં સળગતી સ્ત્રી આજના વિકસિત સમયમાં ઘરની બહાર નીકળી ગઈ છે. તેને સ્વતંત્રતા મળી ગઈ છે. જેનો તેને હક હતો. દેખીતી રીતે તો તે પુરુષોના ખભેખભા ઉભી છે. કારખાનાઓમાં, ઓફિસોમાં, સ્કૂલો અને કોલેજોમાં તે નોકરી કરતી દેખાય છે. કમાવવાની બાબતમાં તે પુરષ કરતા કોઈ પણ રીતે પાછળ નથી. દરેક ક્ષેત્રે તે સહભાગી બની ગઈ છે. સંસદમાં પણ તેને જોઈ શકાય છે. આ કહેવુ હવે ખોટું નહીં હોય કે જીવનના દરેક સ્થાને અને દરેક ક્ષેત્રે તેનું હોવું જરૂરી માનવામાં આવે છે.

હવે તો પરિસ્થિતિ અહીં સુધી પહોંચી ગઈ છે કે સાબુથી માંડીને માચિસની સળીના વિજ્ઞાપનમાં તેને નિર્વસ્ત્ર કરી મોટા પોસ્ટરો અને હોર્ડિંગ્સમાં બતાવવામાં કોઈ છોછ રહ્યો નથી. કંપનીઓ પોતાના માલને વેચાતુ કરવા માટે સ્ત્રીને નગ્ન પણ કરી દે છે અને તેમાં તેમને કંઇ ખોટું પણ લાગતુ નથી. વર્ષોથી અન્યાયનો શિકાર રહેલી સ્ત્રી આને વિકાસ અને સ્વતંત્રતા સમજી સ્વિકારે છે જાણે આ કોઈ ખોટું કામ જ ન હોય. અશ્લીલતા અને નગ્નતાને વિકાસ અને આધુનિકતાનું નામ આપી સ્ત્રીને ફોંસલાવવામાં આવી છે. જોવા જઈએ તો આમા ફાયદો મોટી મોટી કંપનીઓને અને મૂડીવાદીઓને થાય છે. સ્ત્રી તો વિકાસ નામના દલદલમાં ફંસી ગઈ છે જયાંથી નિકળવું તેના માટે મુશ્કેલ થઈ ગયું છે.

આજની પરિસ્થિતિમાં જ્યારે આપણે સ્ત્રી વિશે વાત કરીએ છીએ તો એ જ સ્ત્રી જે કોઈની માં છે, જે કોઈની બહેન છે, જે કોઈની દિકરી છે, એ જ સ્ત્રી જેને ક્યારેક દેવી કહીને પોકારવામાં આવ્યું હતું, ક્યારેક તેના પગ તળે જન્નત હોવાનું કહેવામાં આવ્યું, આ એ જ સ્ત્રી છે જેણે મોટા શૂરવીરો, ઋશીમુનિઓ અને નબીઓને જન્મ આપી પોતાના ખોળામાં ઉછેર્યું. આજે આપણે આ સ્ત્રીની વાત કરીએ ત્યારે દિલ કંપી જાય છે, કમકમાટી છુટે છે. જ્યારે નેશનલ વીમન કમીશનનો અહેવાલ કહે છે કે દેશમાં ૧૦૧૬ સ્થળોએ વ્યવસાયિક રીતે વેશ્યાવૃત્તિના ધામો ચાલે છે અને આમાં ૧૫થી ૩૫ વર્ષની છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે. વેશ્યાવૃત્તિના ધંધામાં દેશની ૨૮ લાખથી વધુ મહિલાઓ શામેલ છે. આમાંથી ૪૩ ટકા એવી મહિલાઓનો સમાવેશ થાય છે જે સગીરવયથી આ ધંધામાં છે. ૫૦ ટકા મહિલાઓ એવી છે જેમને દગાથી કે તેમની જાણ બહાર આ ધંધામાં ધકેલવામાં આવ્યું, તેમને મજૂરી અને રોજગાર અપાવવાના બહાને લાવવામાં આવ્યું અને આ જ ગંદા કામમાં ધેકેલી દેવામાં આવ્યું. આ તો એવી સ્ત્રીઓ છે જેમને જબરજસ્તીથી કે મજબૂરીના કારણે આ ધંધામાં લાવવામાં આવ્યા. હવે તમે એવી સ્ત્રીઓને શું કહેશો જે પોતાની મરજીથી પૈસો કમાવવાના આશયથી આ ધંધામાં આવે છે? આનો દાખલો છે ફિલ્મોમાં નગ્ન ભૂમિકા ભજવતી અને મોડલિંગ કરતી મહિલાઓ કે જેમને પૈસો કમાવવાની હવસે આ ધંધામાં લાવી દીધું છે.

સ્ત્રીની આ સ્થિતિ ભલે મજબૂરીથી હોય કે તેની પોતાની મરજીથી હોય કે ખોટા રસ્તે જતા રહેવાના કારણે હોય આ દરેક સ્થિતિમાં તેનું શોષણ છે. આમાં તેનું માનસન્માન લૂંટાય છે. જે તેણીની સૌથી મોટી પૂંજી છે. જ્યારે આપણે શોષણની વાત કરીએ છીએ તો એક બીજો મુદ્દો સામે આવે છે અને તે છે ભ્રુણ હત્યાનો. વિજ્ઞાન અને ટેકનોલોજીનો દુરૃપયોગ કરી લિંગ પરિક્ષણ કરાવી તેને મારી નાંખવામાં આવે છે. સરેરાશ ૧૦૦૦ પુરુષોની સરખામણીએ ફકત ૯૨૧ સ્ત્રીઓની સંખ્યા છે અને ક્યાંક તો આ સંખ્યા ઓર ઓછી છે જે ચિંતાનો વિષય છે.

વાત અહીં પુરી થઈ જતી નથી. દહેજના કારણે થતા મૃત્યુ, શહેરો તથા ગામડાઓમાં સ્ત્રીઓ સાથે થતી છેડછાડ અને બળાત્કારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ સિવાય દિકરા અને દિકરીમાં પક્ષપાતી વલણ પણ એક સમસ્યા છે. જ્યારે હકીકત આ છે કે જીવનની ગાડી ચલાવવામાં સ્ત્રીની ભૂમિકા પુરુષની સમાન છે. આજે સ્ત્રીઓની આરોગ્ય સંબંધિત સમસ્યા પણ અતિ ગંભીર છે. તે આજે ઘણી બીમારીઓથી પીડાઈ રહી છે. બાળપણથી ઓછી કેલેરીવાળો ખોરાક ખાવાના કારણ જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે તેમનામાં લોહીની અછત જોવા મળે છે. ૧૪ ટકા સ્ત્રીઓમાં જોવામાં આવ્યું છે કે તેમને બાળપણમાં યોગ્ય આહાર મળ્યો નથી. જ્યારે પુરુષોમાં આ ટકાવારી ફકત પાંચ ટકા છે. આમ આપણે કહી શકીએ કે બાળકોની સરખામણીએ બાળકીઓ પર ખોરાકની બાબતમાં પુરતુ ધ્યાન આપવામાં આવતુ નથી.

શિક્ષણની બાબતે પણ જોઈએ તો ભણવામાં તેઓ ખૂબ પાછળ છે. છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ ખૂબ ઉંચુ છે. તેઓ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરી ઊંચા હોદ્દાએ પહોંચતી નથી. હકીકતમાં સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવું ખૂબ જરૂરી છે. કેમકે બાળઉછેરમાં તે મહત્ત્વની ભૂમિકા છે. એક શિક્ષિત સ્ત્રી જ એક શિક્ષિત નાગરિક બનાવી શકે છે. એક પુરુષ શિક્ષિત હશે તો તે એક વ્યક્તિ બનશે. જ્યારે એક સ્ત્રી શિક્ષિત હશે તો એક પેઢી શિક્ષિત બનશે અને પછી એક શિક્ષિત સમાજ બનશે.

તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ આપણે કહી શકીએ કે સ્ત્રીને સૌથી પહેલા જીવન જીવવાનો હક મળવો જોઈએ. પછી તેમને શિક્ષણ હાંસલ કરવાનો હક મળવા જોઈએ. સમાજમાં તેમને સમાન અધિકાર પ્રાપ્ત થવો જોઈએ અને માલમિલ્કતમાં તેમને અધિકાર મળવો જોઈએ. તેને આર્થિક સ્વતંત્રતા મળવી જોઈએ. તેને લગ્ન કરવા માટે ફેંસલો કરવાની સ્વતંત્રતા પણ મળવી જોઈએ. તેના પર વધારે કામનો બોજો ન નાંખવામાં આવે. સમાજમાં તેનો જે સ્થાન છે તેને તે આપવામાં આવે. અને હું માનું છું કે જો એવું થાય તો સમાજના નવનિર્માણમાં સ્ત્રી પોતાની ભૂમિકા ભજવી શકશે અને પોતાની એ જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકશે જે એક માં એક બહેન એક દિકરી અને એક પત્નિ હોવાના કારણે તેના પર આવે છે. કેમકે એક પુરુષને એક સારી માં અને એક સારી પત્નિ જ આદર્શ બનાવી શકે છે. અને જો તેણીને તમામ જાયજ હક્કો મળશે તો તે પોતાની જવાબદારી સરળતાથી અદા કરી શકશે. આના માટે સમાજમાં સ્ત્રીઓએ પોતે પણ જાગૃત બનવાની જરૃર છે કે તે પોતાના હક્કોને જાણે અને પોતાની જવાબદારીઓને અદા કરે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments