શીર્ષક વાંચતા તો સૌ પ્રથમ એ જ ખ્યાલ આવશે કે આ તે વળી કેવી ગમ્મત??? પણ હકીકતમાં આ એક એવી ગમ્મત છે કે જે આપણા સમાજમાં અશ્લીલતાને ધીરે ધીરે ફેલાવી રહી છે. આ એક એવી ગમ્મત છે જે સમાજમાં અસુરક્ષા ફેલાવી રહી છે. આ એક એવી ગમ્મત છે જેમાં રક્ષક જ ભક્ષક બની રહ્યા છે.
આ ગમ્મતના પર્યાયો છે – છેડતી કરવી, હેરાન કરવું, જબરદસ્તી કરવી, હુમલો કરવો તથા બળાત્કાર …!!! આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં આવી ગમ્મતો સામાન્ય થઈ રહી છે. દિવસે ને દિવસે નીત નવા અંદાજમાં આવી ગમ્મતો આપણી સામે આવી રહી છે. એકેય દિવસનું સમાચાર-પત્ર આવી ગમ્મતોના સમાચારથી આપને ક્યારેય ખાલી નહીં મળે. અને હવે તો આ ગમ્મત એટલું માથું ઉચકયું છે કે ભારતમાં તો રાજ્યોને આ ગમ્મત અનુસાર સ્થાન આપવામાં આવી રહ્યા છે. કેટલાક રાજ્યો વિકાસમાં મોખરે છે તો કેટલાક આ ગમ્મતના વિકાસમાં….!!! આપણા બહુ વૈવિધ્ય સમાજ માટે આ ખૂબ શરમની વાત છે. આવી ગમ્મતો પર ટીખળ, કટાક્ષ, શાબ્દિક પ્રહારો, વીડિયો વાઈરલ કરતા આપણને જરૃર એ છે કે આપણે આ ગમ્મત થવાના કારણો શોધીએ અને પછી તેના ઉપાયો.
સૌ પ્રથમ આપણે આના કારણો વિશે વાત કરીશુંઃ
ભારતમાં આવી ગમ્મત થવાના મુખ્ય કારણો નીચે મુજબ છેઃ-
(૧) મહિલા પોલીસ ઓફિસરોની અછતઃ અભ્યાસ જણાવે છે કે જો મહિલા ઓફિસરો પૂરતી સંખ્યામાં હોય તો પીડિત મહિલાઓ પોતાનો કેસ આસાનીથી દર્જ કરાવી શકે. મહિલા પોલીસ ઓફિસરોની અછતના કારણે કેટલીય પીડિત મહિલાઓને દુઃખદ અનુભવો થયેલા છે. પુરુષ ઓફિસરો દ્વારા કેટલીય વાર બિનજરૂરી સવાલો પુછવામાં આવે છે જેથી પીડિતની પીડામાં વધારો થાય છે અને તે પોતાને અસુરક્ષિત અનુભવે છે.
(૨) સામાન્ય રીતે પોલીસ રક્ષણનો અભાવઃ સામાન્ય નાગરીકોના રક્ષણ માટે આપણા દેશમાં પોલીસનો ખૂબ અભાવ જોવા મળે છે. જેટલી પોલીસ સામાન્ય જનતાના રક્ષણ માટે હોવી જોઈએ એના કરતા વધુ પોલીસ તો રાજકીય કાર્યો અને ઇન્વેસ્ટીગેશનમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં સૌથી વધારે મેટ્રોપોલીટન પોલીસ જુથ હાજર છે જેમાં ૮૪૦૦૦ ઓફિસરો છે પણ તેમાંથી ફકત ૧/૩ ઓફિસરો જ પોલીસ-કામકાજમાં જોવા મળે છે બાકીના ઓફિસરો જુદાજુદા ધારાસભ્યોના રક્ષણના કામમાં જોડાયેલા છે.
(૩) ઉત્તેજક પોશાક (પહેરવેશ): છોકરીઓ અને મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા પોશાકો પણ આવી ગમ્મત થવાના કારણો છે. ૧૯૯૬માં થયેલ સર્વે મુજબ ૬૮ ટકા લોકોનું માનવું છે કે ઉત્તેજક પોશાક છેડતી અને બળાત્કાર થવાના મુખ્ય કારણો પૈકીનું એક છે.
(૪) જાહેર સ્થળોએ અસુરક્ષિતતાઃ સામાન્ય રીતે આપણા ત્યાં ઘરની બહાર મહિલાઓ સુરક્ષા અનુભવતી નથી. છેડતી, બળાત્કારના બનાવો, બસ, જાહેર શોચાલયો વગેરે જગ્યાએ પણ નોંધાયા છે. ભારતમાં સ્ટ્રીટ લાઈટોની અછત, મહિલા શૌચાલયોની અછતના લીધે આવા બનાવો બનવા પામે છે. બીજી બાજુ ધુમ્રપાન અને નશા કરતી મહિલાઓ તથા પબ અને બારમાં જતી મહિલાઓ આવા બનાવોની મુખ્યત્વે પીડિતા બને છે જે ઘરમાં નહીં પણ આવા સ્થળો એ વધારે સમય રહે છે.
(૫) પીડિતા પર કંલકનો ભયઃ કેટલીય વાર પોતાના પર કલંક અને દાગ લાગવાના લીધે અને પોતાની છબી ખરડાય નહીં એ ડરથી આવા બનાવો બનતા જાય છે અને એની સામે અવાજ ઉઠાવનારૃ કોઈ હોતું નથી. મહિલાઓના આવા ભયના લીધે આ બુરાઈ ધીરે-ધીરે ફેલાય છે અને ખાસ કરીને ગામડાઓમાં આ કારણ વધારે જવાબદાર છે.
(૬) પીડિતાને સમાધાન માટે ઉભારવુંઃ હાલમાં જ એક બળાત્કાર કેસ પરથી જાણવામાં આવ્યું કે એક ૧૭ વર્ષીય કિશોરી કે જેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેના પર પોલીસે દબાણ કર્યું કે કા તો તેણી આ કેસને પડતું મુકી દે અથવા તો કોઈ પણ એક બળાત્કારી પુરુષ જોડે લગ્ન કરી લે.! આ દબાણથી કંટાળીને આખરે તેણીએ આત્મહત્યા કરી લીધી. આવા સમાધાનનું મુખ્ય હેતું બે જુથો વચ્ચે વધારે બાબતના વધે એ હોય છે. આના પરથી વિચાર કરી શકીએ કે વધારે જરૃર શું છે? એક સ્ત્રીને આવા લગ્નથી બચાવવી કે બળાત્કારીઓને ન્યાય આપવો??!!
(૭) ધીમી કાયદાકીય કાર્યવાહીઃ ભારતમાં કોર્ટની કાર્યશૈલી કષ્ટદાયી રૃપે ધીમી છે અને એનું મુખ્ય કારણ ન્યાયધીશોની અછત છે. કરોડો નાગરીકો સામે ફકત ૧૫૯ ન્યાયધીશો હાજર છે. એક ન્યાયધીશના મત મુજબ ફકત રાજધાની દિલ્હીમાં તમામ કેસોના નિકાલ માટે ૪૬૬ વર્ષોની જરૃર પડશે!!!
(૮) ગૃહ-હિંસાનો આવકારઃ સ્ત્રીઓ પર થતી ગૃહ-હિંસામાં ભારત વિશ્વમાં મોખરે છે. ૨૦૧૨ના રીપોર્ટમાં યુનીસેફએ જણાવ્યું કે ૫૭ ટકા ભારતીય તરૃણો અને ૫૩ ટકા ભારતીય તરૃણીઓ કે જેઓની વય મર્યાદા ૧૫ થી ૧૯ વચ્ચેની છે એ લોકો સ્ત્રીઓ પર થતી ગૃહ હિંસાને વ્યાજબી ગણે છે.!!! અનુરાધા ગુપ્તા કે જેઓ એન.એચ.આર.એમ.ના મિશન ડાયરેકટર છે તેમના મત મુજબ એક તરૃણા જ્યારે પોતાના પિતાને તેની માતા પર હિંસા કરતા જુએ છે અન એ જ વાતાવરણમાં તે ઉછરે છે તો તે તરૃણ પણ આ વ્યવહારને અપનાવે છે અને તેનું અનુકરણ કરે છે.
(૯) ઓછા રેપ-કેસોની પ્રતીતીઃ નોંધવામાં આવતા કેસો અને ચોપડા પર તેને બતાવવામાં એક મોટો અભાવ જોવા મળે છે. ભારતમાં રોજેરોજ થતા છેડતીના બનાવો માટે કોઈ અલગ કાયદાની જોગવાઈ છે જ નહીં. આવા બનાવો માટેના કાયદાને પસાર થવામાં ૭ વર્ષ નિકળી ગયા છે છતાં કોઈ જોગવાઈ નથી.
(૧૦) મહિલાઓનું નીચલું સન્માન સ્તરઃ ભારતમાં સ્ત્રીઓ કરતા પુરૃષો વધારે સન્માનને પાત્ર છે. ગરીબ કુટુંબો માટે તો ઘણા રીતી-રીવાજોના લીધે પુત્રે એક બોજ સમાન છે. પુરૃષ-મહિલા જનસંખ્યાની ગણતરીમાં પણ ભારતમાં ઘણો તફાવત જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ગર્ભપાત અને બાળકીને જીવતી મારી દેવી છે. તરૃણીઓ કરતા તરૃણોને વધારે સગવડ આપવામાં આવે છે અને બંને વચ્ચે એક દેખાતો ફર્ક જોવા મળે છે.
આના સિવાય પણ એવા ઘણા કારણો હોઈ શકે છે જે આવી ક્રૂર ગમ્મત માટે જવાબદાર હોઈ શકે.
હવે જરૃર છે આપણને કે આપણે આના ઉકેલ વિશે કોઈ રસ્તો શોધીએ. આપ સૌ જાણો છો કે ઇસ્લામ એક એવી જીવન વ્યવસ્થા છે જેમાં દરેક સમસ્યાનો ઉકેલ ઉપસ્થિત છે.
હવે આપણે ઉપરોક્ત સમસ્યાના ઉપાય માટે ઇસ્લામ પર દૃષ્ટિ પાથરીએ.
ઉપાયોઃ–
આવા બનાવો સામાન્ય રીતે નશીલા પદાર્થોના સેવનથી થતા હોય છે. મહિલા હોય કે પુરૃષ જો તે નશા કરવા જેવી બાબતમાં સંડોવાયેલા હોય તો એમનામાં આવા બનાવો વધારે જોવા મળે છે. અલ્લાહતઆલાએ કુઆર્નમાં શરાબ (આલ્કોહોલ)ને હરામ કરાર કર્યું છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! આ દારૃ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો. આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે.” (સૂરઃ માઇદહ-૯૦). હઝરત મુહમ્મદ સ.અ.વ. પણ ફરમાવે છે કે, “શરાબ દરેક બૂરાઈની જડ છે.” (નસાઈ). તેથી જો શરાબને એકદમ જ બંધ કરી દેવામાં આવશે તો આ સમસ્યા મહદઅંશે નાશ થવા પામશે.
અશ્લીલ ચિત્રો અને ચલચિત્રો: આજના સમયમાં અશ્લીલ ચિત્રો અને ચલચિત્રો સુધી પહોંચવું એકદમ આસાન થઈ ગયું છે. ફકત એક ટચથી તમે ગમે તેવા અશ્લીલ સ્ત્રોત સુધી પહોંચી શકો છો. આજના સમયમાં આવી અશ્લીલતા જ લોકોને ખોટા કાર્યો માટે ઉશ્કેરે છે. અલ્લાહતઆલાએ આવા બધા જ સ્ત્રોતો પર ચુસ્તપણે પાબંદી મુકી દીધી છે. આવી અશ્લીલ વસ્તુઓને જોવી, સાંભળવી અને કહેવી ઇસ્લામમાં સંપૂર્ણપણે મનાઈ કરવામાં આવી છે. અલ્લાહતઆલા કુઆર્નમાં ફરમાવે છે, “અલ્લાહ અદ્લ (ન્યાય) અને એહસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” (સૂરઃ નહ્લ-૯૦)
કારણોમાં આપણએ વાત કરી ગયા કે આપણા સમાજમાં સ્ત્રીઓનો સન્માન-સ્તર ખૂબ નીચું છે જેના લીધે તેણી આવી ક્રુરતા આનો શિકાર થાય છે.
ઇસ્લામ સ્ત્રીઓને પૂર્ણ આદર અને સન્માન આપે છે. અને એ પણ આજના સમયમાં નહીં પણ આજથી ૧૪૦૦ વર્ષ પહેલા…!!! આપણા સમાજમાં પુત્રને પુત્રી કરતાં વધારે સમજવા જેવી બાબતો પુત્રીઓને તરછોડી દીધી છે જેના લીધે તેણી આવા હુમલાઓનો શિકાર થાય છે. કારણ કે તેને સંપૂર્ણ સુરક્ષા નથી મળતી.
અલ્લાહ એ લોકોને સખ્ત નાપસંદ કરે છે, “અને જ્યારે તેમનામાંથી કોઈને પુત્રી વિશે ખુશખબરી આપવામાં આવે છે ત્યારે તેનો ચહેરો કાળો થઈ જાય છે અને તે પોતાના ગુસ્સાને દબાવે છે. અને લોકોથી એટલા માટે સંતાઈને ફરે છે કે આ ખબર વિશે તેમને કઈ રીતે જાણ કરશે. શું તેણીને બેઈજ્જતીથી રાખશે અથવા દફનાવી દે? તે આ ખૂબ જ ખરાબ હુકમ લગાવે છે.” સ્ત્રીઓના આદર માટે અલ્લાહ ફરમાવે છે, “… તમે તેમના માટે લીબાસ છો અને તેઓ તમારા માટે…” (સૂરઃબકરહ-૧૮૭)
કુઆર્નમાં અલ્લાહ તઆલા સ્ત્રી-પુરુષના સમાન હક વિશે જણાવે છે, “…હું તમારામાંથી કોઈનું કર્મ વ્યર્થ જવા દેવાનો નથી. ચાહે પુરુષ હોય કે સ્ત્રી, તમે સૌ એક-બીજા જેવા છો…” (સૂરઃ આલે ઇમરાન-૧૯૫)
સ્ત્રીઓના હક વિશે હઝરત મુહમ્મદ સ.અ.વ. ફરમાવે છે, “સ્ત્રીઓના મામલામાં અલ્લાહથી ડરો, તમે તેમના પર હક ધરાવો છો અને તેઓ તમારા પર.” અને બીજી જગ્યાએ ફરમાવ્યું કે? “તમારામાં સૌથી સારો પુરુષ એ છે જે પોતાની સ્ત્રી માટે સારો હોય.”
ભારતમાં ખરી કાયદાકીય જોગવાઈ ન હોવાના કારણે આવા બનાવો પણ બનતા થઈ ગયા છે. આવા અશ્લીલ બનાવો માટે ચોક્કસપણે એક બેજોડ કાયદો અને યોગ્ય સજાની જોગવાઈ હોવી જ જોઈએ.
અલ્લાહ તઆલાએ આવી ક્રૂર ગમ્મતની સંપૂર્ણપણે યોગ્ય સજા પોતાની કિતાબમાં જણાવી દીધી છે. આવી અશ્લીલ હરકતની સજારૃપે અપરાધીને લોકોની વચ્ચે પથ્થરો વરસાવીને મોતના મોં મા ધકેલી દેવાનું ફરમાન છે.
પહેલી નજરે વાંચતા આપણા સમાજના લોકો માટે આ સજા થોડીક ખચકાટ વાળી લાગશે પણ તેના પાછળના ધ્યેયો આ ખચકાટને દૂર કરી દે છે.
આ સજા પાછળના મુખ્ય ધ્યેયો ત્રણ છે.
(૧) બળાત્કારી જીવીત રહેશે જ નહીં તો એના દ્વારા બીજી વખત બળાત્કાર થવા પામશે જ નહીં.
(૨) આ સજા જોનાર લોકોમાં સજાનો ડર બેસી જશે તેથી કોઈપણ માણસ આવી ક્રુરતા કરતાં પહેલા ૧૦૦ વખત વિચારશે અને ચોક્કસ વિચાર માંડી વાળશે. જેથી આવા બનાવો બંધ થઈ જશે.
(૩) પીડીતાને ન્યાય મળ્યાનો અનુભવ થશે.
છેડતી અને અશ્લીલતાના આવા બનાવો નિરક્ષર અને નાસ્તિક લોકોમાં વધારે જોવા મળએ છે. જેથી એ લોકોને કોઈનો ડર હોતો નથી અને તેઓ પોતાને પોતાની મરજીના માલિક સમજીને આવી હરકતો કરે છે.
ઇસ્લામમાં ખુદાનો ડર અને અલ્લાહ હંમેશઆ આપણને જોઈ રહ્યો છે એ બાબત કેટલાય ગુનાહોથી બચાવી રાખવા માટે ખૂબ જ કારગર છે. આથી જો માણસ પોતાના દિલમાં એખ ખુદાનો ડર રાખશે તો ચોક્કસપણે આવા બનાવો નાબૂદ થઈ જશે.
ઇસ્લામમાં સ્ત્રી અને પુરૃષને પોતાના સતરને ઢાંકીને રાખવા બાબતે સખ્તપણે જણાવવામાં આવ્યું છે. જો સ્ત્રી અને પુરૃષ પોતાનો સતર ઢાંકી રાખશે અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં કામ કરશે તો આવા બનાવો સમાજમાં પગ મૂકી જ નહીં શકે.
ઇસ્લામમાં સ્ત્રીઓને ગેરમેહરમ જોડે એકલા રહેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જો આ બાબતને અમલમાં લાવવામાં આવે તો સ્ત્રીઓ પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત સમજે અને આવા હુમલાઓથી પણ એમનું રક્ષણ થાય.
ઇસ્લામમાં સ્ત્રીને ગેર મહેરમ જોડે સવારી કરવા માટે મનાઈ કરવામાં આવી છે. જે આવા બનાવ રોકવા માટે ખૂબ જ કારગર સાબિત થાય.
આમ ઇસ્લામમાં આવી અશ્લીલતા, ક્રૂર ગમ્મતો, બનાવો રોકવા તથઆ તેને સંપૂર્ણ નાબૂદ કરવા માટેના બધા ઉપાયો હાજર છે જેના લીધે એક સ્વસ્થ, સુરક્ષિત અને વિકસિત સમાજની રચના થઈ શકે છે પણ આપણા દેશમાં જરૃર છે તો આના અમલની. જો આ ઉપાયો અમલમાં મૂકવામાં આવે તો ચોક્કસપણે ભારત એક સંપૂર્ણ સુરક્ષિત અને સમૃદ્ધ દેશ બની જશે. આમીન. *
(લેખિકા ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ગુજરાતના રાજ્ય સલાહકાર સમીતિના મેમ્બર છે.)